સક્સેના, મહેશનારાયણ (જ. 7 ઑગસ્ટ 1917, પ્રયાગ અલ્લાહાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા શાસ્ત્રકાર. પિતાનું નામ દેવીદયાલ. પરિવારમાં સંગીત જેવી કલાઓ પ્રત્યે વાતાવરણ અનુકૂળ, તેથી બાલ્યાવસ્થાથી મહેશનારાયણને શાસ્ત્રીય સંગીત પ્રત્યે લગાવ રહ્યો. તેમના સંગીતના સર્વપ્રથમ ગુરુ નીલુ બાબુ હતા, પરંતુ ગાયનની રીતસરની તાલીમ તેમણે પ્રયાગ સંગીત સમિતિના જગદીશનારાયણ પાઠક, એન. આર. જોશી તથા આર. કે. પટવર્ધન પાસેથી લીધી (1929-36). 1936માં તેમણે ‘સંગીતપ્રભાકર’ની પદવી પ્રાપ્ત કરી. સાથોસાથ 1937માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પણ પ્રાપ્ત કરી.
મૉરિસ કૉલેજ, લખનૌમાં તેમણે વિષ્ણુ દિગંબર તથા ભાતખંડે સંગીતપદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. 1939માં મૉરિસ કૉલેજમાંથી તેમણે ‘સંગીતવિશારદ’ની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડાક સમય માટે તેમણે રાતંજનકર પાસેથી પણ સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. 1941-49 દરમિયાન માનવભારતી, દહેરાદૂનમાં શાસ્ત્રીય સંગીતનું અધ્યાપનકાર્ય કર્યું. 1946માં પાછા અલ્લાહાબાદ આવ્યા અને હિંદી વિષયમાં ‘સાહિત્યરત્ન’ની પદવી પ્રાપ્ત કરી. વળી હિંદીના ખ્યાતનામ સાહિત્યકાર ડૉક્ટર રામકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ હિંદી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી પણ પ્રથમ વર્ગમાં મેળવી. આમ, સંગીત અને હિંદી ભાષા તથા સાહિત્ય બંનેમાં તેઓ નિપુણ હતા. 1947-50ના ગાળામાં તેમણે પ્રયાગ સંગીત સમિતિના નિયામક તરીકે સેવાઓ આપી. 1950માં અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં સંગીતના વ્યાખ્યાતા તરીકે નિમાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું (1950-75). સાથોસાથ 1951થી 1955 સુધી ‘સંગીત’ સામયિકના તંત્રીપદે કાર્ય કર્યું.
‘ભારતીય સંગીત કી વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ’ આ તેમનો હિંદી ભાષામાં લખેલો ગ્રંથ ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જગતમાં જાણીતો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે