સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની પદવી મેળવી. તેમના પિતા ઉર્દૂના ખ્યાતનામ લેખક અને શ્રેષ્ઠ વિદ્વાન હતા. સઈદ્દીને શૈક્ષણિક તત્ત્વજ્ઞાન, શિક્ષણના સિદ્ધાંતો અને મનોવિજ્ઞાનમાં વિશેેષતા પ્રાપ્ત કરી અને શિક્ષકોના શિક્ષણના ક્ષેત્રે ખાસ અનુભવ મેળવ્યો. તેમણે શૈક્ષણિક વહીવટ અને આંતરરાષ્ટ્રીય સમજણ માટેના શિક્ષણ અંગે કાર્ય કર્યું. અંગ્રેજી તેમજ ફારસી ભાષા પર તેમનું સારું પ્રભુત્વ હતું. તેઓ અરબી અને ફ્રેંચ ભાષાના પણ જાણકાર હતા. તેમણે 1926-1938 સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં શિક્ષણના પ્રાધ્યાપક તથા તાલીમી કૉલેજના આચાર્ય તરીકે કામગીરી કરી. તેમણે શિક્ષણ અંગેની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી હતી.
શિક્ષણ અને તેની પદ્ધતિઓ અંગે તેમણે સંખ્યાબંધ ગ્રંથો આપ્યા. તેમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે : ‘રૂહ-એ-તહજીબ’ (1943); ‘મુઝે કહના હૈ કુછ અપની જબાન મેં’ (આત્મકથા); ‘સુખાન-એ-દિલનવાજ’ જે તેમના પરિવારના સભ્યો તથા મિત્રોને લખેલા ચૂંટેલા ઉર્દૂ પત્રોનો સંગ્રહ છે. તેમણે ‘મેન ઇન ધ ન્યૂ વર્લ્ડ’ (1964) અને ‘ઇસ્લામ : ધ રિલિજિયન ઑવ્ પીસ’ (1969) જેવા કેટલાક અંગ્રેજી ગ્રંથો આપ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આંધી મેં ચિરાગ’(‘લૅમ્પ ઇન સ્ટૉર્મ’)નો પ્રથમ ભાગ મહાન વિચારકો અને બુદ્ધ, હજરત મોહમ્મદ, ઇમામ હુસેન અને બાબા ગુરુ નાનક જેવા સુધારકોનાં જીવન અને ઉપદેશના સંદર્ભમાં ઉદાત્ત માનવ-વિચારોનાં શાશ્વત મૂલ્યોનું ચિત્રાંકન કરે છે. બીજો ભાગ વિલક્ષણતાઓથી ભરપૂર એવા આ વિશ્વમાં જે કંઈ છે તે સર્વ સારું છે તેનાં મૂર્ત સ્વરૂપ મનાતી સુવિખ્યાત વ્યક્તિઓને લગતો છે. ગાંધીજી, અબુલ કલામ આઝાદ, રોસ મસૂદ, મોહમ્મદ ઇકબાલ, જવાહરલાલ નેહરુ અને ઝાકિરહુસેનનાં જીવનમાંથી ઉદાહરણો પસંદ કર્યાં છે. આમ, આ કૃતિ વિષયવસ્તુ અને હકીકતો સંંબંધમાં ઉર્દૂમાં અનન્ય પ્રકારની લેખાય છે. તે ત્રણ ભાગમાં વિભાજિત છે : ‘શાશ્વત મૂલ્યો’, ‘પવિત્ર પુરુષોનો સંગ’ અને ‘ભવિષ્યદર્શન’. તત્કાલીન ઉર્દૂ-સાહિત્યમાં તેનું સ્થાન અજોડ છે.
બળદેવભાઈ કનીજિયા