સંસારચંદ્ર (. 28 ઑગસ્ટ 1917, મીરપુર, પંજાબ) : હિંદી તથા સંસ્કૃતના લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોર અને પૂર્વ પંજાબ યુનિવર્સિટી, સોલનમાંથી સંસ્કૃત તથા હિંદીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી પીએચ.ડી. તથા બિહાર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. કારકિર્દીની શરૂઆત કટારલેખનથી શરૂ કરીને 1948-63 દરમિયાન એસ. ડી. કૉલેજ, અંબાલામાં સંસ્કૃત તથા હિંદી વિભાગના વડા તથા 1970-72 અને 1972-77 સુધી હિંદી અને પંજાબી વિભાગના પ્રાધ્યાપક તથા વડા રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં બધા મળીને 40 ગ્રંથો આપ્યા છે. તેમાં સંસ્કૃતમાં ‘મેઘદૂત’ (1950) (વિવેચનનું સંપાદન); હિંદીમાં ‘હિંદી કાવ્ય મેં અન્યોક્તિ’ (1960), ‘સંક્ષિપ્ત બિહારી’ (1965) અને ‘આકલન ઔર સમીક્ષા’ (1977) – એ વિવેચનગ્રંથો તેમજ ‘સોને કે દાંત’ (1962), ‘મહામૂર્ખ મંડળ’ (1995) અને ‘લાખ રૂપયે કી બાત’ (1997) – એ વિનોદરસિક ગ્રંથો અને અંગ્રેજીમાં ‘સમ પ્રૉમિનન્ટ મુસ્લિમ હિંદી પોએટ્સ’ (1986) એ વિવેચનગ્રંથનો સમાવેશ થાય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા