સંશોધન (Research)

જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુતતા-સંગતતા વગેરે તારવી બતાવવાની – આવી આવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિ જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં વિજ્ઞાન, શિક્ષણ તેમજ સાહિત્ય વગેરેમાં નોંધપાત્ર રીતે વિકસેલી-વિસ્તરેલી દૃષ્ટિગોચર થાય છે.

સંશોધન (વિજ્ઞાન) : કોઈએક વિષયના કાળજીપૂર્વક અને પદ્ધતિસરના અભ્યાસ દ્વારા સત્ય હકીકત શોધી કાઢવાનો પ્રયત્ન. સામાન્ય રીતે તે નવું જ્ઞાન મેળવવાના પ્રયત્નો, નવી નવી પદ્ધતિઓ, પ્રણાલીઓ કે ઉત્પાદનો વિકસાવવા સાથે સંબંધ ધરાવે છે. કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને વિજ્ઞાન સિવાયનાં ક્ષેત્રોમાં, તે જે માહિતી અસ્તિત્વમાં હોય તેને એકત્રિત કરવા સાથે સંબંધિત હોય છે; જેમ કે, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિનું જીવનચરિત્ર આલેખનાર તે વ્યક્તિનાં પત્રો, રોજનીશીઓ અને અન્ય લખાણોનું વિગતે વાંચન કરી જે તે વ્યક્તિના જીવન અંગેની એકત્રિત કરેલી વિગતોના પરિપ્રેક્ષ્યમાં તેના વ્યક્તિત્વ બાબત સ્પષ્ટ ચિત્ર ઊભું કરી શકે. અત્રે વિજ્ઞાનમાંના સંશોધનની વાત રજૂ કરવામાં આવી છે. અન્ય ક્ષેત્રોની જેમ વિજ્ઞાનમાં પણ સંશોધન અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે તે અવનવી ટૅક્નિકોને સમાવી લેતી એવી સર્જનાત્મક પ્રવિધિ છે જેના દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં જોવા મળતી પ્રગતિ થઈ શકી છે.

અગાઉ વ્યક્તિઓની એક નાની સંખ્યા કુદરતી ઘટનાઓનું તથા કુદરતમાં મળી આવતી વસ્તુઓનું સંભાળપૂર્વક અવલોકન કરી તેના ઉપર ઊંડો વિચાર કરતી. આવી વ્યક્તિઓને પ્રકૃતિનિષ્ઠ ફિલસૂફો (natural philosophers) કહેવામાં આવતા. આવા થોડા ફિલસૂફોએ પોતાની પ્રવૃત્તિને આગળ ધપાવી કુદરતમાંની ઘટનાઓ કે વસ્તુઓનું અવલોકન કર્યું; એટલું જ નહિ, પણ તે અંગે ચોક્કસ સિદ્ધાંતો તારવ્યા અને પોતાના વિચારોને પ્રયોગ દ્વારા ચકાસી જોયા. આના ફળ-સ્વરૂપે આધુનિક વિજ્ઞાન તેમજ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનનો પાયો નંખાયો છે.

સમય જતાં સંશોધન એ થોડીક વિશિષ્ટ વ્યક્તિઓની પ્રવૃત્તિને બદલે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સમાજના ઉત્કર્ષ માટે જરૂરી એવી પ્રવૃત્તિ બની છે. અગાઉ કૉલેજો કે યુનિવર્સિટીઓમાં કે અન્યત્ર શિક્ષણ અને સંશોધનનાં છૂટાંછવાયાં કેન્દ્રો હતાં. હવે તો વ્યાપક પ્રમાણમાં એવાં કેન્દ્રો ઊભાં થયાં છે. વીસમી સદીના પ્રાકૃતિક વિજ્ઞાનનું એક અગત્યનું પાસું એ વિજ્ઞાનના ક્ષેત્રે સંકળાયેલા વૈજ્ઞાનિકોની તથા શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓના કાર્યકરોની સર્વગ્રાહી સમજદારી (comprehensiveness) અને વિશેષજ્ઞતા(specialization)ની માત્રામાં થયેલો વધારો છે.

આને કારણે વિજ્ઞાનનો વિકાસ અને વિસ્તરણ થયો; એટલું જ નહિ, પણ તેની વિવિધ શાખાઓનું એકબીજી સાથે વિસરણ (diffusion) થતાં અનેક આંતરવિદ્યાશાખાકીય ક્ષેત્રો ખૂલવા પામ્યાં છે. વળી વૈજ્ઞાનિક સંશોધનનો વ્યાપ વધતાં અગાઉ જે એક શાખા હતી તેનું હવે અનેક વિશિષ્ટ શાખાઓમાં વિભાજન થવાની પ્રવૃત્તિ જોવા મળે છે. સંશોધનના વિષયમાં પણ આને લીધે વૈવિધ્ય જોવા મળે છે. સાથે સાથે વિવિધ વિષયો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનાં મંડળો રચાતાં તેમજ વિષયને લગતાં વિશિષ્ટ સામયિકો વગેરે અસ્તિત્વમાં આવતાં સંશોધનને લગતી માહિતીની અરસપરસ આપલે પણ શક્ય બની છે. હવે તો વિજ્ઞાન કે ટૅક્નૉલૉજીને લગતાં સંશોધન માટેની ખાસ પ્રયોગશાળાઓ પણ ઊભી થવા પામી છે. આવી પ્રયોગશાળાઓને લીધે જ રડાર (યુ.એસ. નેવલ રિસર્ચ લૅબોરેટરી, 1922), નાયલૉન (ડુપોં, 1938), ટ્રાન્ઝિસ્ટર (બેલ લૅબોરેટરી, 1948) જેવાં ઉત્પાદનો પ્રાપ્ત થઈ શક્યાં છે. જોકે ટેલિવિઝન, પોલેરોઇડ કૅમેરા, જેટ-એન્જિન, બૉલ-પૉઇન્ટ પેન અને ઝેરોક્ષ મશીન જેવી શોધો વ્યક્તિઓને આભારી છે.

વિજ્ઞાનમાં એક શાખામાં થતું સંશોધન ઘણી વાર અન્ય શાખામાંના સંશોધનને પ્રેરે છે કે મદદ કરે છે; જેમ કે, કમ્પ્યૂટરોના વિકાસ અને પ્રસાર માધ્યમોમાં થયેલી પ્રગતિએ બાહ્ય અવકાશના સંશોધનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભૌતિક વિજ્ઞાનો(physical sciences)માં શોધાયેલી કાળગણનાપદ્ધતિએ પુરાતત્ત્વવિદોને પ્રાગ્ઐતિહાસિક જીવાવશેષો (fossils) અને અન્ય પદાર્થોની વય નક્કી કરવામાં મદદ કરી છે.

સંશોધનને પરિણામે જે નવાં ઉત્પાદનો તથા જે સેવાઓ પ્રાપ્ત થઈ છે તેના પરથી તેની અગત્યનો ખ્યાલ આવી શકે છે; જેમ કે, રસાયણશાસ્ત્રમાં થયેલ સંશોધનને કારણે અપરિષ્કૃત (crude) પેટ્રોલિયમમાંથી ઉત્તમ પ્રકારનાં ઇંધનો, રબર, પ્લાસ્ટિક અને કાપડ માટેના નાયલૉન, ટેરિલીન જેવા વિવિધ પ્રકારના રેસાઓ મેળવવાનું શક્ય બન્યું છે. રૉકેટો અને અવકાશયાનોમાં વપરાતા પદાર્થો પણ આવા સંશોધનનાં પરિણામો છે. જૈવશાસ્ત્રમાં સંશોધનને કારણે આયુર્વૈજ્ઞાનિક તકનીકો જેવી કે રુધિર-આધાન (blood transfusion), X-કિરણ-ચિકિત્સા (diagnosis), તેમજ હૃદય અને મગજનું વિદ્યુતીય અભિલેખન (recording) શક્ય બન્યું છે. આવાં જ સંશોધનોને કારણે દુખાવો ઓછો કરતી, ચેપી રોગો સામે રક્ષણ આપતી તેમજ હૃદયના રોગોની સારવાર માટેની દવાઓ પ્રાપ્ય બની છે. નાભિકીય ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રમાંનાં સંશોધનોને કારણે સમસ્થાનિકોનો અનુજ્ઞાપક તકનીક(tracer technique)માં ઉપયોગ શક્ય બન્યો છે. કમ્પ્યૂટર જેવાં ઉપકરણોની શોધ દ્વારા સંશોધન-પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો છે, કારણ કે અગાઉ જે ગણતરીઓ કરતાં ઘણો લાંબો સમય લાગતો તે હવે થોડાક સમયમાં થઈ શકે છે.

સંશોધનના પ્રકાર : સંશોધનના બે મુખ્ય પ્રકાર છે : (i) પાયારૂપ (basic) અથવા સૈદ્ધાંતિક, અને (ii) પ્રયુક્ત (applied) સંશોધન. આ ઉપરાંત સંક્રિયાત્મક (operational) સંશોધન, સુયોજિત સંશોધન, જેવા પ્રકારો પણ જોવામાં આવે છે. જો કે કેટલીક વાર આકસ્મિક (chance) અથવા અણચિંતવ્યું (serendipitons) સંશોધન પણ થઈ જાય છે.

પાયારૂપ સંશોધનનો ઉદ્દેશ કોઈ એક ખાસ વિષય અંગે ઊંડી જાણકારી અને વિશદ સમજૂતી પ્રાપ્ત કરવાનો હોય છે. આવાં સંશોધનનો આશય પ્રત્યક્ષ લાભ કરતાં સંભવિત (potential ) લાભ માટે જ્ઞાનને આગળ વધારવાનો છે. આ પ્રકારનાં સંશોધનો દ્વારા વૈજ્ઞાનિક પરમાણુની સંરચના કેવી છે; સૂર્યની ઊર્જાનો વનસ્પતિ કેવી રીતે ઉપયોગ કરે છે; માનવીની યાદદાસ્ત (memory) કેવી રીતે કાર્ય કરે છે  જેવા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર આવાં સંશોધનોનો શરૂઆતમાં વ્યાવહારિક ઉપયોગ જણાતો નથી, પણ આગળ ઉપર તે ઉપયોગી નીવડી શકે છે; જેમ કે, બ્રિટિશ ભૌતિકવિદ જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે પ્રકાશ, ઉષ્મા અને ઊર્જાનાં અન્ય સ્વરૂપો અંગે પાયાનું સંશોધન કરી પોતાનાં તારણોને ગાણિતિક સમીકરણો/સૂત્રો રૂપે રજૂ કર્યાં હતાં. આજે પ્રયુક્ત સંશોધકો આ સમીકરણોનો ઉપયોગ ઇંધનનો વધુ સારી ક્ષમતાથી ઉપયોગ કરતાં મોટરવાહનો અને રૉકેટ-એન્જિનોની ડિઝાઇન તૈયાર કરવામાં કરે છે.

જર્મનીમાં જન્મેલા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઊર્જા (E) અને દ્રવ્યના દળ (mass, m) વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, E = mc2 (c = પ્રકાશનો વેગ) આપ્યું. આ સમીકરણને કારણે વૈજ્ઞાનિકો માટે નાભિકીય (nucler) પ્રક્રિયાઓમાં મુક્ત થતી ઊર્જાની ગણતરી કરવાનું શક્ય બન્યું. તે જ પ્રમાણે ન્યૂઝીલૅન્ડમાં જન્મેલા રૂથરફૉર્ડ અને ડેન્માર્કમાં જન્મેલા નીલ બોહ્ર જેવા ભૌતિકવિદોએ પરમાણુઓની સંરચના અંગે સંશોધન કરેલું. તેમના સંશોધનમાંથી જે સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થયું તેને લીધે અવકાશયાનો અને અન્ય વાહનો માટે ઉત્તમ પ્રકારની ધાતુઓ કે મિશ્રધાતુઓ વિકસાવવાનું શક્ય બન્યું છે.

પ્રયુક્ત સંશોધનનું મુખ્ય ધ્યેય વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરી શકાય કે કેમ તે તપાસવાનું છે; દા.ત., કોઈ નવી પેદાશ, કે પ્રયુક્તિ (device) વિકસાવવી અથવા જે અસ્તિત્વમાં હોય તેમાં સુધારાવધારા કરવા. ઉદ્યોગોમાં તેની ઉપયોગિતાને કારણે પાયારૂપ સંશોધનની સરખામણીમાં પ્રયુક્ત સંશોધનનો વ્યાપ વધુ જોવા મળે છે. ઉત્પાદન માટેની આર્થિક રીતે પોસાય તેવી પ્રવિધિઓ, સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરવા માટેની નવી નવી તકનીકો વગેરેનો આ પ્રકારના સંશોધનમાં સમાવેશ થાય છે.

ઘણી વાર પ્રયુક્ત સંશોધન અજમાયશ અને ભૂલસુધાર (trial and error) જેવી પદ્ધતિ પર આધાર રાખે છે; દા.ત., અમેરિકન શોધક ટૉમસ આલ્વા એડિસને તાપદીપ્ત (incandescent) પ્રકાશ-ગોળા (light bulb) માટે યોગ્ય તાર (filament) શોધવા માટે સેંકડો પ્રયોગો કર્યા હતા.

કેટલીક વાર એવું પણ બને છે કે પ્રયુક્ત સંશોધન પાયારૂપ સંશોધનોનાં અવલોકનો પર આધાર રાખે છે, તો કેટલીક વખત પ્રયુક્ત સંશોધન પાયારૂપ સંશોધનને પ્રેરે છે; દા.ત., ક્ષ-કિરણોની શોધ જેવા પાયારૂપ સંશોધનને આધારે ક્ષ-કિરણ-મશીનો વિકસાવવા જેવું પ્રયુક્ત સંશોધન શક્ય બન્યું છે; જ્યારે આ ક્ષ-કિરણ યંત્રો સ્ફટિકો અને અન્ય પદાર્થોમાં પરમાણુઓની ગોઠવણી તપાસવામાં મદદરૂપ બન્યાં છે. પ્રયુક્ત સંશોધનના ફળસ્વરૂપે વિકસાવવામાં આવેલાં કમ્પ્યૂટરોએ પાયારૂપ સંશોધન માટેની ઘણી ગણતરીઓ સરળ અને ઝડપી બનાવી છે.

તો વળી કેટલાક વૈજ્ઞાનિકો પાયારૂપ અને પ્રયુક્ત  એમ બન્ને પ્રકારનાં સંશોધન સાથે સંકળાયેલા હોય છે; જેમ કે, ફ્રેંચ વૈજ્ઞાનિક લૂઈ પાશ્ર્ચરે સૂક્ષ્મજીવશાસ્ત્ર(microbiology)ના વિકાસનો પાયો નાંખ્યો તો સાથે સાથે તેમણે પોતાના પ્રયુક્ત સંશોધન દ્વારા આસવ(wine)ઉદ્યોગ તેમજ રેશમ-ઉદ્યોગને ઘણી મોટી મદદ કરી. તે જ પ્રમાણે અતિવાહકતા(superconductivity)ની શોધ 1913ના નોબેલ પુરસ્કારવિજેતા કેમરલિંઘ ઓન્નેસ દ્વારા થયેલી; પણ વિદ્યુતની અછત ઊભી ન થઈ તેમજ કણપ્રવેગકો (particle accelerators) અસ્તિત્વમાં ન આવ્યાં ત્યાં સુધી તેના પર ઝાઝું લક્ષ આપવામાં નહિ આવેલું. આજની મૅગ્લેવ (magnetic levitation) પ્રકારની ટ્રેનો આ શોધને કારણે શક્ય બની છે.

સંક્રિયાત્મક સંશોધન એ યંત્રના સંચાલન દરમિયાન જે પ્રશ્નો ઊભા થાય તેના નિવારણ સાથે સંકળાયેલ છે; દા.ત., નિયમિત ઉડ્ડયનો કરતાં વિમાનોની બાબતમાં ઉદ્ભવતી મુશ્કેલીઓ.

સુયોજિત (planned) સંશોધનમાં સંશોધનકાર અગાઉથી નક્કી કરે છે કે તેણે કયા વિષય પર સંશોધન કરવું છે. આ માટે તે અગાઉ આ અંગે થઈ ચૂકેલા સંશોધનને લગતી માહિતી મેળવે છે અને તે પરથી પોતે કેવી રીતે અગાળ વધવું તે નક્કી કરે છે.

પ્રયુક્ત સંશોધન દ્વારા મળતાં પરિણામોનાં યંત્રો(hardware)માં રૂપાંતરણને વિકાસ (development) કહે છે. મોટા ઉદ્યોગો અને સંસ્થાઓમાં આ માટે ‘સંશોધન અને વિકાસ’ (Research and Development, R & D) નામનો અલગ વિભાગ હોય છે.

ઘણી વાર એવું પણ બને છે કે આકસ્મિક કે અણચિંતવી રીતે પણ શોધ થઈ જાય; જેમ કે, 1939માં ચાર્લ્સ ગુડ ઇયર દ્વારા એક પ્રયોગ દરમિયાન સલ્ફર અને રબરનું મિશ્રણ અકસ્માતે ગરમ સ્ટવ ઉપર ઢોળાઈ જતાં, તેનું ગરમી વડે સંસાધન (curing) થવાથી રબર કઠોર (tough) અને ઢ (firm) બની ગયું. આમ વલ્કેનાઇઝેશનની શોધ થયેલી. વિદ્યુતવાહક પ્લાસ્ટિક(conducting plastic)ની શોધ પણ આ રીતે થયેલી. 1970ના દાયકામાં ટોકિયો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે પ્રો. હિડેકી શિરાકાવાની પ્રયોગશાળામાં એક વિદ્યાર્થી સામાન્ય એસિટિલીન વાયુમાંથી પૉલિએસિટિલીન બનાવવાનો પ્રયત્ન કરતો હતો; પણ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતું આયોડિન તેણે ભૂલથી એક હજાર ગણું વધુ ઉમેરી દેતાં પૉલિએસિટિલીન તો મળ્યું, પણ એક નવા જ પ્રકારનું. આ પછી શિરાકાવા, મેકડાયાર્મિડ અને અન્ય સહસંશોધકોએ આ કાર્યને આગળ ધપાવી અત્યંત વધુ વિદ્યુતવાહકતા ધરાવતું પૉલિએસિટિલીન મેળવ્યું હતું.

સંશોધકની કાર્યપદ્ધતિ : સંશોધકો અનેકવિધ વિષયોનું નિરીક્ષણ કરે છે. કેટલાક સંશોધકો વિશ્વના ઉદ્ગમ અંગે અન્વેષણ કરે છે તો બીજા અનેક ઔદ્યોગિક વપરાશ માટેનાં નવાં નવાં ઉત્પાદનો વિકસાવે છે. કેટલાક વળી વનસ્પતિ અને પ્રાણીઓના કોષોની રચનામાં ભાગ લેતા અણુઓની તપાસ કરે છે. કેટલાક સંશોધકો કૅન્સર અને અન્ય રોગોની પરખ અને તેના ઉપચાર અંગે સંશોધન કરે છે તો કેટલાક ગુનાઓ કેમ ઓછા થાય તે માટે શોધ કરે છે અને કેટલાક અમુક ઉત્પાદનો લોકો કેમ વધુ ખરીદે છે તેનો અભ્યાસ કરે છે.

આમ, સંશોધકનું કાર્ય વિષય અને સંશોધનના હેતુ ઉપર આધાર રાખે છે; પરંતુ સંશોધનમાં મોટાભાગે નીચેના તબક્કાઓ સંકળાયેલા હોય છે : (i) સંશોધન માટેના વિષયની વ્યાખ્યા આપવી; (ii) તે અંગે જે માહિતી ઉપલબ્ધ હોય તેનો બરાબર અભ્યાસ કરવો; (iii) અભિકલ્પના (hypothesis) તૈયાર કરવી; (iv) આ અંગેના પુરાવા એકઠા કરવા અને (v) તારણો કાઢવાં.

સંશોધન માટેના વિષયની વ્યાખ્યા સામાન્ય રીતે ટૂંકી હોય છે; પણ વિસ્તૃત વ્યાખ્યા પ્રશ્નને સમજવામાં અનુકૂળ રહે છે. પ્રયુક્ત સંશોધનમાં પ્રશ્નના ઉકેલ(solution)માં જો કોઈ મર્યાદા હોય તો તેનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે; દા.ત., વિદ્યુતશક્તિથી ચાલતા કોઈ યંત્રનું ઉત્પાદન કરનાર યંત્રનો અવાજ કેવી રીતે ઓછો થઈ શકે તેના ઉપર પણ સંશોધન કરે. જોકે ઉત્પાદક આના ઉપર મર્યાદા મૂકી શકે કે આને લીધે યંત્રની કિંમત વધવી ન જોઈએ.

વિષયને લગતી માહિતી માટે સંશોધક વિષય સંબંધી પુસ્તકોનો અભ્યાસ કરે છે. કેમિકલ એબ્સ્ટ્રેક્ટ્સ, ફિઝિકલ એબ્સ્ટ્રેક્ટ્સ જેવાં સામયિકોમાં પ્રકાશિત વિષય સાથે સંબંધિત સંશોધનલેખોના ટૂંકસાર પણ તેને માહિતી મેળવવામાં મદદરૂપ નીવડે છે. આ ઉપરથી સંશોધક વિષયને લગતા ખાસ શબ્દો અને લેખકોની યાદી તૈયાર કરે છે. તે પછી કમ્પ્યૂટરમાંની માહિતી-બૅન્કમાં તપાસ કરી જે તે વિષયને લગતા લેખો અને પેટન્ટોની નકલો મેળવે છે. આ નકલોમાં લેખનું શીર્ષક, લેખક કે લેખકોનાં નામ અને સારાંશ આપેલાં હોઈ તે પરથી સંશોધક પોતાને જરૂરી એવા લેખોનો વિગતે અભ્યાસ કરી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં સંશોધકના અભ્યાસમાં પ્રશ્નને લગતાં પરિરૂપો (models) અને આકૃતિઓનો પણ સમાવેશ થાય છે; દા.ત., જેમ્સ વૉટસન (યુ.એસ.) અને ફ્રાન્સિસ ક્રિકે ડી.એન.એ.ને લગતા અભ્યાસમાં આવાં પરિરૂપોનો ઉપયોગ કરી ડી.એન.એ.ના અણુનું દ્વિકુંડલીય (double helix) પરિરૂપ વિકસાવ્યું હતું.

રશિયન વૈજ્ઞાનિક દમિત્રિ મેન્ડેલિવે રાસાયણિક તત્ત્વોને તેમના ગુણધર્મો પ્રમાણે ગોઠવી એક કોષ્ટક બનાવેલું; જેમાં તેમણે સરખા ગુણધર્મોવાળાં તત્ત્વોને સમૂહ તરીકે ઓળખાતી એક ઊભી હારમાં ગોઠવેલાં અને તેમ કરતાં કોષ્ટકમાં કેટલીક જગાઓ ખાલી રાખેલી. આ ઉપરથી તેઓ આ ખાનાંઓમાંનાં તત્ત્વો સંબંધી આગાહી કરી શકેલા. ઘણી વાર આલેખો (graphs) પણ સંશોધનમાં મદદરૂપ નીવડે છે.

પોતાની પાસે જે માહિતી પ્રાપ્ય બને તે ઉપરથી સંશોધક પરિકલ્પના (hypothesis) તૈયાર કરે છે. આના દ્વારા તે હકીકતોને સમજાવી શકે છે, એકસરખી કરી શકે છે અથવા તેમને વ્યવસ્થિત કરી શકે છે. આવી સારી પરિકલ્પના સંશોધન માટે નવાં ક્ષેત્રો પણ ખોળી શકે છે.

ઘણા સંશોધકોએ આવી પરિકલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવામાં પોતાની કુશળતા અને કલ્પનાનો ઘણો ઉપયોગ કરેલો છે; દા.ત., ટ્રામમાં મુસાફરી દરમિયાન આઇન્સ્ટાઇને સમય (time) અને અવકાશ (space) વચ્ચેના સંબંધનો વિચાર કરી પોતાનો સાપેક્ષતાનો સિદ્ધાંત રજૂ કરેલો.

સંશોધકો પોતાની પરિકલ્પના પ્રયોગો દ્વારા અથવા અન્ય રીતે તેની ચકાસણી થઈ શકે તે રીતે રજૂ કરવાનો પણ પ્રયત્ન કરે છે; જેમ કે, આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંતે સૂચવ્યું કે તારા અથવા ગ્રહ જેવા અતિ દળદાર પદાર્થો તેમની નજીકથી પસાર થતા પ્રકાશના પુંજને વિપથિત કરી શકે છે. તે જ રીતે રોઝાલિન્ડ ફ્રૅન્કલિન અને મૉરિસ વિલ્કિન્સે ડી.એન.એ.નો X-કિરણો વડે જે અભ્યાસ કર્યો તેના દ્વારા વૉટસન અને ક્રિકને આ પદાર્થનું સાચું પરિરૂપ આપવામાં મદદ કરી. મેન્ડેલિવના આવર્ત કોષ્ટક ઉપરથી રસાયણવિદો જર્મેનિયમ અને અન્ય અજ્ઞાત તત્ત્વોના અસ્તિત્વ અને ગુણધર્મોની આગાહી કરી શકેલા.

ઘણી વાર સાબિતી એકઠી કરવા માટે પ્રયોગોનો ઉપયોગ થાય છે. કેટલીક વાર આ માટે વિશિષ્ટ રીતે અભિકલ્પિત (designed) ઉપકરણોની જરૂર પડે છે. પરમાણુમાંના ઇલેક્ટ્રૉન અને અન્ય કણોને પારખવા માટે ઉપયોગમાં લેવાતા ક્લાઉડ ચેમ્બર અને બબલ ચેમ્બર (bubble chamber)  એ આવાં ઉપકરણો છે.

વ્યક્તિઓ અથવા લોકોના સમૂહની વર્તણૂક તપાસવા મોજણી કરવી પડે છે અથવા ક્ષેત્રીય અવલોકનો(field observations)નો આશરો લેવો પડે છે.

સામાન્ય રીતે પ્રાયોગિક કે અન્ય પ્રકારની સાબિતીઓ સંશોધન માટે આવદૃશ્યક છે, પણ કોઈ કોઈ વાર તક (chance) પણ શોધમાં ભાગ ભજવે છે; દા.ત., રેડિયોનું અભિગ્રહણ (reception) સારું મળે તે માટે અમેરિકન ભૌતિકવિદો અર્નો પેન્ઝિયાસ અને રૉબર્ટ વિલ્સન પ્રયોગો કરતા હતા; પણ તેમના પ્રયોગો દરમિયાન તેમને વિશ્વના બધા ભાગોમાંથી આવતા કેટલાક રેડિયો-તરંગો જોવા મળ્યા. આ વિકિરણના વિશ્લેષણે દર્શાવ્યું કે આ તરંગો એ ઘણા સમય પૂર્વે થયેલા મહાવિસ્ફોટ (big bang), એક મોટા વિસ્ફોટ (explosion) માંથી બચેલી ઊર્જા હતી.

સંશોધન ઉપરથી તારણો કાઢવા માટે તર્ક, સાંખ્યિક (statistical) ટૅક્નિક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઘણા મોટા પ્રમાણમાં એકત્રિત માહિતીનું પૃથક્કરણ કરવાનું હોય ત્યારે કમ્પ્યૂટરોનો ઉપયોગ આવદૃશ્યક બને છે.

એક વખત સંશોધક તારણો કાઢે પછી તેનું શું કરવું તે એ બાબત પર આધાર રાખે છે કે સંશોધન પાયારૂપ (basic) છે કે પ્રયુક્ત પ્રકારનું. પાયારૂપ સંશોધન કરનારાં તેમનાં પરિણામોને જાણીતાં સામયિકોમાં પ્રકાશન માટે મોકલે છે, જેથી અન્ય વૈજ્ઞાનિકો માટે તે પ્રાપ્ય બને; પણ સંશોધનલેખ પ્રસિદ્ધ કરતાં પહેલાં લેખની મૌલિકતા (originality) અને ગુણવત્તા તજ્જ્ઞોની પૅનલ દ્વારા ચકાસવામાં આવે છે. સંશોધકો ઘણી વાર પોતાનાં પરિણામોને વિષયને લગતી કૉન્ફરન્સ કે રૉયલ સોસાયટી જેવી વ્યાવસાયિક સભાઓ આગળ રજૂ કરે છે, તો કેટલાક પોતાના અભ્યાસને પુસ્તકો રૂપે રજૂ કરે છે.

મોટાભાગના પ્રયુક્ત સંશોધન કરનારાઓ ધંધાદારી કંપની માટે કાર્ય કરતા હોય છે, જે નવા ઉત્પાદનમાંથી અર્થોપાર્જન કરવા માગતી હોય છે. આથી આવા સંશોધકો ગુપ્ત રીતે કાર્ય કરતા હોય છે. તેઓ પોતાનાં પરિણામોને હંમેશ માટે અથવા પેટન્ટ દ્વારા રક્ષિત હોય ત્યાં સુધી ગુપ્ત રાખે છે. ઉપયોગી પ્રવિધિ અથવા ઉત્પાદન એ આવા સંજોગોમાં સંશોધન-પુરસ્કર્તા કંપનીની મિલકત બની જાય છે.

સંશોધન માટેનું આર્થિક પાસું : સંશોધન માટેની પ્રયોગશાળાઓ, ઉપકરણો, રસાયણો તથા સંશોધન કરનારના પગાર/શિષ્યવૃત્તિ વગેરે માટે મોટા રોકાણની જરૂર પડે છે. મોટાભાગે આવાં ફંડ સરકાર અથવા વ્યાપારી પેઢીઓમાંથી આવે છે.

ઘણા દેશો વૈજ્ઞાનિક સંશોધન માટેની સહાય સરકારી એજન્સીઓ અથવા અનુદાન આપતી સંસ્થાઓ (દા.ત., સી.એસ.આઇ.આર., યુ.જી.સી. વગેરે) મારફત ઉપલબ્ધ બનાવે છે.

વ્યાપારી પેઢીઓ આધુનિક ટૅક્નૉલૉજી ઉપર આધાર રાખતી હોવાથી પોતાની આવકનો કેટલોક ભાગ સંશોધન માટે ફાળવે છે. આમાંનો મોટો અંશ ઔદ્યોગિક પ્રવિધિઓ અને ઉત્પાદનો માટે વપરાય છે. જોકે આવી કેટલીક સંસ્થાઓ પાયારૂપ સંશોધન માટે પણ રકમ ફાળવે છે. આ માટે કંપનીઓ પોતાનો અલગ સંશોધન અને વિકાસ (Research and development – R & D) નામનો વિશિષ્ટ વિભાગ પણ ધરાવે છે.

યુનાઇટેડ નૅશન્સ (UN) તથા કેટલીક વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ સંશોધનને ઉત્તેજન આપવા માટે નાણાં ફાળવતી હોય છે.

જ. દા. તલાટી

સંશોધન (શિક્ષણ) : માનવીના જ્ઞાનની સીમાઓને વિસ્તારતી અભ્યાસમૂલક પ્રવૃત્તિ. સંશોધન એટલે નહિ જાણેલું જાણવું અને જાણેલું સુધારવું. મનુષ્ય સ્વભાવથી જ જિજ્ઞાસુ હોય છે. નવું નવું તેમજ વધુ ને વધુ જાણવાની, એની ઇંતેજારી એના વ્યક્તિત્વની એક પ્રેરક શક્તિ ગણાય છે. એનો ઉપયોગ મનુષ્ય પોતાના જ્ઞાનને તાજું રાખવા, તેને વધારે સમૃદ્ધ બનાવવા અને વખતોવખત અદ્યતન કરતા રહેવા માટે કરતો હોય છે. મનુષ્ય જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવવાની ધગશ રાખે કે ન રાખે એ એક અલગ વાત છે; પરંતુ એના જીવનમાં ઉદ્ભવતી અનેક સમસ્યાઓ ઉકેલવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો એ એના અસ્તિત્વની ખાસિયત છે. આ દૃષ્ટિએ જોતાં, સંશોધનની પ્રવૃત્તિ મનુષ્યનું અસ્તિત્વ જાળવી રાખવા માટેની એક આવદૃશ્યક શરત ગણાય. તેથી આગળ જઈને વિચારીએ તો, એ અસ્તિત્વને સુખી, સમૃદ્ધ, સંપન્ન અને સંતોષપ્રદ બનાવવા માટે પણ સંશોધન કરતાં રહેવું એ મનુષ્ય માટે અનિવાર્ય છે.

માનવસંસ્કૃતિનો વિકાસ એ માનવીની સંશોધન કરવાની ક્ષમતા, સજ્જતા અને એનું વ્યવસ્થાપન કરવાના કૌશલ્યનું પરિણામ છે. કુદરતે સર્જેલી અપાર જીવસૃદૃષ્ટિ પૈકી ફક્ત મનુષ્યને જ તેણે જ્ઞાનકર્મી (knowledge worker) બનવા માટેની ક્ષમતાઓ અને સંભાવનાઓ હજારો વર્ષો પૂર્વે બક્ષેલી છે. ખોરાક, રહેઠાણ, વસ્ત્ર, ઔષધિ, સાજ-સરંજામ, વસ્તુ-ઉત્પાદન, સૌંદર્ય-સંવર્ધન, કલા, સાહિત્ય, અધ્યાત્મ વગેરે અનેકાનેક બાબતોમાં એના જ્ઞાનનું સમાયોજન કરવા, નવા જ્ઞાનનું નિર્માણ કરવા, પરિચિત જ્ઞાનની અજમાયશ કરવા અને જ્ઞાનવિશ્વના અજનબી ખ્યાલોને સમજવા, એ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરતો રહે છે.

મનુષ્યે કેવા કેવા પડકારયુક્ત ખ્યાલોને આજ સુધીમાં એની સંશોધનની એરણ પર ચઢાવ્યા છે ? વૈદિક સંસ્કૃતિનો પરબ્રહ્મનો ખ્યાલ, ગીતાનો પુનર્જન્મ અને કર્મફળનો ખ્યાલ, આર્યભટ્ટનો શૂન્યનો ખ્યાલ, ચરકનો આયુર્વિદ્યાનો ખ્યાલ, બુદ્ધનો અષ્ટમાર્ગ, ગાંધીનો સત્યાગ્રહનો ખ્યાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો ખ્યાલ, ગેલિલિયોનો સૂર્યમંડળનો ખ્યાલ, આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, ઍડમ સ્મિથનો બજાર-અર્થતંત્રનો ખ્યાલ, અરે છેક આજના નોબેલ પારિતોષિકવિજેતા અર્થશાસ્ત્રી ડૉ. અમર્ત્ય સેનનો લોકશાહી-આધારિત કલ્યાણમૂલક અર્થવ્યવસ્થાનો ખ્યાલ – આ બધાય ખ્યાલો વિકસાવવાની પાછળ મનુષ્યની અવિરત સંશોધનયાત્રા કારણભૂત છે.

મનુષ્યના એ વણથંભ્યા સંશોધન-અભિયાનના પરિણામે જ્ઞાનવિશ્વની અનેક શાખાઓ વિકસી; જેવી કે, ભૌતિક વિજ્ઞાનો, નૈસર્ગિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્રો, માનવવિદ્યાઓ અને આજનું માહિતી અને પ્રત્યાયન-વિજ્ઞાન અને તેની સંબદ્ધ ટૅક્નૉલૉજીઓ. આવતાં વર્ષોમાં આકાર લેનારા જ્ઞાનયુગમાં જ્ઞાન-વિજ્ઞાનના અકલ્પ્ય વિકાસમાં સંશોધન એક સાધન તરીકે નોંધપાત્ર ભાગ ભજવશે એ નક્કી છે.

સંશોધનને એનું પોતાનું નીતિશાસ્ત્ર (ethics) છે, જે મનુષ્યને દીવાદાંડીની ગરજ સારે છે. એ નીતિશાસ્ત્ર સંશોધકને એક પ્રકારની આચારસંહિતા આપે છે, જેનાં મુખ્ય તત્ત્વો નીચે પ્રમાણે છે :

(1) પોતાની સંશોધન-કામગીરીમાં હંમેશાં વૈજ્ઞાનિક દૃષ્ટિ રાખવી અને અંધશ્રદ્ધા, વહેમ વગેરેથી દૂર રહેવું.

(2) પોતાના જ્ઞાનક્ષેત્રના આજીવન કર્મશીલ વિદ્યાર્થી બની રહેવું.

(3) સંશોધન કરતી વેળા અંગત લાગણીઓ, પૂર્વગ્રહો, પક્ષપાત વગેરેથી પર રહેવું, એટલે કે વસ્તુલક્ષી રહેવું.

(4) સારા સંશોધનને માટે જરૂરી એવી તમામ ક્ષમતાઓ વિકસાવવી અને તેમને ધારદાર રાખવી.

(5) જે મનુષ્યો સાથે અને જે મનુષ્યો પર સંશોધન હાથ ધરવાનું હોય તેમની પૂર્વ-અનુમતિ પછી જ સંશોધન-કામગીરી કરવી. વળી, સંશોધનપ્રક્રિયાથી તેમને કોઈ અગવડ થવાની હોય કે કશુંક નુકસાન થવાની શક્યતા હોય તો તે અંગે તેમને સ્પષ્ટ સમજ આપવી, અને જરૂરી બધું રક્ષણ પૂરું પાડવું. સંશોધન માટે સંબદ્ધ સંસ્થાઓ, પ્રતિષ્ઠાનો વગેરેની પૂર્વમંજૂરી લેવી.

(6) સંશોધનનાં તારણો, ફક્ત સત્યના સિદ્ધાંતના મેળમાં રહીને જ, નિરપેક્ષતાથી તારવવાં અને જાહેર કરવાં.

(7) સંશોધનનાં પરિણામોનો દુરુપયોગ ન કરવો, પણ તેથી આગળ જઈને અન્ય કોઈ – સરકાર, ત્રાસવાદી જૂથો, શોષકો વગેરે પણ એમનો દુરુપયોગ ન કરી શકે તેવી અગમચેતી રાખવી.

સંશોધનઉપક્રમ : ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એક પ્રખર દ્રષ્ટા હતા. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી દ્વારા દેશનો સર્વતોમુખી વિકાસ સાધવાનું એમણે સ્વપ્ન સેવ્યું હતું. એને સાકાર કરવા સંશોધનનો એક સાધન તરીકે ઉપયોગ કરવા એમણે અનેક અભિક્રમો હાથ ધરેલા. એ પૈકી રાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ સ્થાપવાનો એમનો પ્રોજેક્ટ જાણીતો છે. 70 જેટલી ઉચ્ચકક્ષાની સંશોધનલક્ષી પ્રયોગશાળાઓ સ્થાપી, તેમાં અનેક પ્રકારનાં મૌલિક તેમજ ઉપયોગલક્ષી સંશોધનો હાથ ધરવા અને એ માટે સંશોધકોને અદ્યતન તાલીમ આપવા માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા ગંજાવર નાણાંભંડોળની તેમણે વ્યવસ્થા કરી હતી.

20મી સદીના ઉત્તરાર્ધમાં પંચવર્ષીય યોજનાઓમાં સંશોધન માટેના ભંડોળની ફાળવણી કુલ રાષ્ટ્રીય ઉત્પાદન(GNP)ના એક ટકા જેટલી નોંધાવા પામી છે. જોકે દુનિયાના વિકસિત દેશોમાં એ માટેની ફાળવણી ત્રણથી પાંચ ટકા જેટલી હોય છે. એમની તુલનામાં ભારતનું સંશોધન (R & D) પરનું ખર્ચ મામૂલી ગણાય. વળી, એ સમયગાળામાં ભારતનાં વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો તો સંશોધન પ્રત્યે અતિ ઉદાસીન રહેલાં જોવા મળ્યાં છે. જોકે 1980 પછીથી જે જે ઉદ્યોગોએ સંશોધન અને વિકાસ(R & D)ની યુતિનો ભરપેટે ઉપયોગ કર્યો, તેમણે અકલ્પનીય વિકાસ સાધ્યો. એવા ઉદ્યોગોમાં દવા અને રસાયણો, પેટ્રોલિયમની પેદાશો, કૃત્રિમ રેસા, સિમેન્ટ, ડેરી-ઉદ્યોગ, ફળ-શાકભાજીના પ્રોસેસિંગ-ઉદ્યોગો, કમ્પ્યૂટર સૉફ્ટવેર, ટેલિકૉમ્યુનિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગોનું સંશોધનક્ષેત્રનું બજેટ પ્રમાણમાં મોટું હોય છે.

વિશ્વભરમાં શરૂ થયેલા વૈશ્ર્વિકીકરણના મોજાએ વેપાર-ઉદ્યોગનાં ક્ષેત્રોમાં ઊંચી ગુણવત્તા અને તેજીલી ધારદાર સ્પર્ધાક્ષમતા વિકસાવવા સંશોધનની અનિવાર્યતા પર ખૂબ ભાર મૂકેલ છે. સંશોધનનો એ મંત્ર ભારતમાં કેટલાક પ્રગતિશીલ ઉદ્યોગોએ અપનાવવા માંડ્યો છે. ફક્ત સંશોધનને જ વરેલી કેટલીક નામાંકિત સંસ્થાઓનું આ દિશામાં નોંધપાત્ર પ્રદાન છે. એ પૈકીની C.S.I.R. (વિજ્ઞાન અને ઉદ્યોગ), D.R.D.O. (સંરક્ષણ), I.C.S.S.R. (સમાજશાસ્ત્ર), I.C.A.R. (કૃષિ), I.C.M.R. (આરોગ્ય), B.A.R.C. (અણુશક્તિ), C.E.R.C. (ગ્રાહકસેવા), N.C.E.R.T. (શિક્ષણ), I.S.R.O. (અવકાશવિજ્ઞાન) વગેરે જેવી સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયાની જ્ઞાનવિકાસની યાત્રામાં ઘણું ઉપયોગી પ્રદાન કરેલું છે.

સંશોધનકૌશલ્યોનો વિકાસ : એ યાદ રાખવું ઘટે કે સંશોધનનાં કૌશલ્યોના વિકાસનો પાયો બાળકના આરંભિક શિક્ષણમાં જ નંખાય તે આધુનિક યુગની માગ છે. ‘catch them young’નો સિદ્ધાંત અમલી બનાવાય તો શાળા, કૉલેજ અને યુનિવર્સિટીઓના ઔપચારિક શૈક્ષણિક કાર્યક્રમોની સાથે સાથે જ સંશોધનના સંસ્કારો પણ વિદ્યાર્થીઓમાં સિંચી શકાય. દુનિયાના વિકસિત દેશોએ આ કરી બતાવેલું છે.

સદ્ભાગ્યે, ભારતે આ વિચાર તેની નવી શિક્ષણનીતિ (1986) (1992) દ્વારા અમલમાં મૂકવાની શરૂઆત કરી. તદનુસાર, ઉચ્ચ શિક્ષણને ત્રિવિધ ઝોકવાળું બનાવવાનું નક્કી થયું. યુનિવર્સિટીઓ અધ્યાપન, સંશોધન અને જ્ઞાનવિસ્તરણનું કામ કરે એવું સ્વીકારાયું. વળી, સંશોધનને વિશેષ પ્રોત્સાહન આપવાના આશયથી કેટલાંક ખાસ પગલાં પણ લેવાવા માંડ્યાં; જેવાં કે,

(1) સંશોધનક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારી યુનિવર્સિટીઓને centres of excellence જાહેર કરી તેમનું અનુદાન વધાર્યું.

(2) તેજસ્વી વિદ્યાર્થીઓને સંશોધન તરફ આકર્ષવા ઉદાર સ્કૉલરશિપ/ફેલોશિપની જોગવાઈ કરવામાં આવી.

(3) અધ્યાપકોને સંશોધન-કૌશલ્યોની તાલીમ આપવા દેશની 51 જેટલી એકૅડેમિક સ્ટાફ કૉલેજોમાં વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા.

(4) સંશોધનની પીએચ.ડી. પદવીની પૂર્વતૈયારી થઈ શકે એ માટે એમ.ફિલ. પદવીની નવી જ જોગવાઈ કરવામાં આવી.

આ બધા ઉપક્રમો ઉચ્ચ શિક્ષણક્ષેત્રને સંશોધન-અભિમુખ બનાવવાની દિશામાંના પ્રામાણિક પ્રયાસો છે. તેમ છતાં આ ક્ષેત્રે બધું સમુંસૂતરું નથી એવા હેવાલો સમયાંતરે પ્રગટ થતા રહ્યા છે. એમ.ફિલ. અને પીએચ.ડી. બંને કક્ષાએ કાળાં ઘેટાં (black sheep) જોવા મળ્યાં છે; જે બંને કક્ષાના સંશોધનની ગુણવત્તા, પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા સામે શંકાની આંગળી ચીંધે છે.

નવી શિક્ષણનીતિ (1986) (1992) અન્વયે શાળાકક્ષાએ પણ સંશોધન-સહાયક (research savvy) પગલાં લેવાની શરૂઆત થયેલી છે જે તંદુરસ્ત સંશોધન-ઝુંબેશ માટે એક શુભચિહ્ન છે. કેટલાંક પગલાં આ પ્રમાણેનાં છે :

(1) પ્રાથમિક/માધ્યમિક કક્ષાએ શિક્ષકોને તાલીમ આપવાના P.T.C./B.Ed.ના તાલીમ-કાર્યક્રમોમાં સંશોધન-કૌશલ્યો વિકસાવવાના નવા પ્રબંધો કરવામાં આવ્યા છે.

(2) દરેક રાજ્યમાં રાજ્યકક્ષાએ તાલીમ અને સંશોધનનાં ભવનો (S.C.E.R.T.) સ્થાપવામાં આવ્યાં છે. એમની દેખરેખ નીચે દરેક જિલ્લામાં પણ તાલીમ-ભવનો (D.I.E.T.) સ્થાપવામાં આવ્યાં છે. આ સંસ્થાઓની મુખ્ય કામગીરી પૈકી સંશોધન પણ એક કામગીરી છે. શિક્ષકો સંશોધન હાથ ધરી શકે એ માટે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય આપવાની જોગવાઈ આ સંસ્થાઓ કરે છે. શિક્ષકના નોંધપાત્ર સંશોધનકાર્યને પુરસ્કાર આપવાની પણ તેમાં વ્યવસ્થા હોય છે.

(3) સમગ્ર શાળાકક્ષાએ નવો રાષ્ટ્રીય અભ્યાસક્રમ અમલી બનાવાયો છે. તેમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ હાથ ધરવા, પ્રોજેક્ટનો હેવાલ તૈયાર કરી તેની રજૂઆત કરવા અને એ માટે નાનાં-નાનાં ક્ષેત્રકાર્યો કરવાની તાલીમ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અનુભવો દ્વારા ઊગતા, આશાસ્પદ યુવા-સંશોધકો (Budding Researchers) તૈયાર કરી શકવાની ગુંજાશ છે. એનો આધાર રહે છે સંસ્થા પર, શિક્ષક પર અને વિદ્યાર્થીની અભિપ્રેરણા પર.

સંશોધકો માટેનાં પ્રોત્સાહનો : આ સંદર્ભે એક ચેતવણીને ધ્યાનમાં રાખવા જેવી છે. આજના સ્પર્ધાત્મક જ્ઞાનયુગમાં જ્ઞાનકર્મીઓ અને સંશોધકોને આકર્ષવા દેશ-પરદેશ વચ્ચે ગળાકાપ હરીફાઈ થવા લાગી છે. ભારત જેવા ઓછા વિકસિત દેશ માટે એ એક દોહ્યલું કામ પુરવાર થઈ રહ્યું છે, કારણ કે તેની પાસે આર્થિક ભંડોળની ઊણપ છે. વળી તેની કાર્યસંસ્કૃતિ નોકરશાહી ઢબની, સામંતશાહી મિજાજની, ઉચ્ચાવચતાની જડ સંરચના(hierarchical)વાળી જરીપુરાણી છે. પશ્ચિમના વિકસિત દેશો આનાથી વિપરીત મોકળી-ખુલ્લી અને પ્રેરક કાર્યસંસ્કૃતિ ધરાવતા હોઈ ભારતના અત્યંત તેજસ્વી જ્ઞાનકર્મીઓ અને સંશોધકો ત્યાં ચાલ્યા જતા અને ઠરીઠામ થતા જોવા મળે છે.

સંશોધનનું પ્રદાન : સંશોધનક્ષેત્રે કરાતું મૂડીરોકાણ કદી એળે જતું હોતું નથી. કોઈ પણ સમાજના વિકાસ માટે સંશોધન કેટલુંક બુનિયાદી પ્રદાન કરતું હોય છે, જેને જોવામાં કેટલીક વાર સ્થૂળ દૃષ્ટિ નિષ્ફળ જતી હોય છે. એવાં કેટલાંક મહત્ત્વનાં પ્રદાન નીચે દર્શાવ્યાં છે :

(1) સંશોધન દ્વારા જ્ઞાનવિશ્વનાં રહસ્યો ખુલ્લાં કરી શકાતાં હોય છે.

(2) તેના દ્વારા માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઊભી થતી કેટકેટલી સમસ્યાઓના ઉકેલ મેળવી શકાતા હોય છે.

(3) સંશોધન થકી જ જ્ઞાનવિશ્વનાં અનેક ક્ષેત્રોએ નવાં નવાં સત્યો, સિદ્ધાંતો અને નિયમો સ્થાપિત કરી શકાતાં હોય છે.

(4) એક વાર સ્થાપિત થયેલા સિદ્ધાંતો અને નિયમોને રોજિંદા જીવનમાં વિવિધ સંદર્ભોમાં અજમાવવા અને એવી અજમાયેશ પરથી અનેક પેટાસત્યો અને સિદ્ધાંતો વિકસાવવાનું અગત્યનું કાર્ય પણ સંશોધન થકી જ થઈ શકતું હોય છે.

(5) સંશોધન અને વધુ સંશોધન દ્વારા જ જ્ઞાનવિશ્વનાં નિત નવાં ખૂલતાં ક્ષેત્રોમાં, નવી જરૂરિયાતોને અનુરૂપ નવી, વધુ સક્ષમ કાર્યપદ્ધતિઓ અને સાધનો વિકસાવી શકાતાં હોય છે.

(6) માનવસમાજની અનેક આંટી-ઘૂંટીઓને ઉકેલવામાં અને તેમ કરીને સમાજના રોજિંદા જીવનને વધુ સુખી અને સક્ષમ બનાવવામાં, કાર્યલક્ષી સંશોધન (action research) ખૂબ ઉપયોગી નીવડતું હોય છે.

સંશોધનના પ્રકારો : અત્યારસુધી ‘સંશોધન’ની સંકલ્પનાનો જ્યાં જ્યાં નિર્દેશ થયો છે, ત્યાં ત્યાં તેના જાણીતા ત્રણ પ્રકારોનો અર્થ અભિપ્રેત રહેલો છે. હવે એ ત્રણેય પ્રકારોનું સ્પષ્ટીકરણ જોઈએ :

(1) મૌલિક, પાયાનું, બુનિયાદી સંશોધન (Basic/Fundamental/Pure Research)

(2) ઉપયોગિતામૂલક સંશોધન (Applied Research)

(3) મૂલ્યાંકનમૂલક/કાર્યલક્ષી/ક્રિયાત્મક સંશોધન (Action Research)

મૌલિક સંશોધન – જેવું કે ન્યૂટનનું ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને લગતું સંશોધન કે આઇન્સ્ટાઇનનું સાપેક્ષતાના સિદ્ધાંતને લગતું સંશોધન – પાયાનાં સત્યો, સિદ્ધાંતો કે નિયમો શોધી કાઢવાને લગતું સંશોધન છે. આવું સંશોધન જ્ઞાનવિશ્વમાં કશુંક નવું ઉમેરે છે, નવી સમજ વિકસાવે છે અને એમ કરીને જ્ઞાનની ક્ષિતિજો વિકસાવે છે. આ પ્રકારનું સંશોધન ઘણું જ શાસ્ત્રીય અને સંકુલ હોય છે અને તેનું પરિણામ અનિશ્ચિત તેમજ આગાહી ન કરી શકાય એવું (unpredictable) હોય છે. આ પ્રકારનું સંશોધન બહુધા અન્વેષણલક્ષી (exploratory) હોય છે. આ ક્ષેત્રના સંશોધકે કેટલેક અંશે પાગલ ગણાવાની તૈયારી રાખવાની હોય છે એમ કહીએ તો ખોટું નથી.

જ્ઞાનવિશ્વનાં કેટલાંક ક્ષેત્રો, જેવાં કે ભૌતિક વિજ્ઞાનો, નૈસર્ગિક વિજ્ઞાનો, જનીનશાસ્ત્ર, ઔષધવિદ્યા, કેટલાંક વર્તનલક્ષી મનોવિજ્ઞાનનાં ક્ષેત્રો, સમાજશાસ્ત્રો વગેરેમાં નવાં સત્યો શોધવા માટે મૌલિક સંશોધન અનિવાર્ય હોય છે. અવકાશવિજ્ઞાન, અણુવિજ્ઞાન વગેરે જેવાં અનન્ય વિદ્યાક્ષેત્રોએ અમેરિકા જેવો દેશ મૌલિક સંશોધનો હાથ ધરવા અબજો ડૉલરનું ખર્ચ કરે છે. કોલંબિયા અને ડિસ્કવરી જેવા સંશોધન-પ્રકલ્પોમાં તો એ દેશના સંશોધકોએ જાનની બાજી પણ લગાવી દીધાનું સર્વવિદિત છે.

આ પ્રકારનું સંશોધન ઘણો સમય, ઘણું ધન, ઘણી ધીરજ અને અથાગ પરિશ્રમ માગી લે છે. તેમાંય વળી, આવા સંશોધનનાં પરિણામો સીધેસીધાં રોજિંદી જીવનસમસ્યાઓ સુલઝાવવામાં તો કામ લાગતાં હોતાં નથી. 20મી સદીના અંતે પૂરો થયેલો માનવજનીન(human genome)નો પ્રોજેક્ટ આ પ્રકારનો જ છે. તેનાં તારણો પરથી હવે થનારાં ઉપયોગલક્ષી નાનાં-મોટાં સંશોધનોનાં પરિણામો ડાયાબિટીસ, પાર્કિન્સન રોગ, અલ્ઝમેર રોગ વગેરેનાં નિદાન અને ઉપચાર માટે જ્યારે ઉપયોગી પુરવાર થશે ત્યારે ખરાં; પણ તેથી મૌલિક સંશોધનનું મૂલ્ય હરગિજ ઓછું થતું નથી. આ સંશોધનને તો જ્ઞાનવિશ્વની સમસ્ત ઇમારતના પાયામાં રહેલું (નિવકા ‘પત્થર’) ગણવામાં આવે છે, તેનું સવિશેષ મૂલ્ય છે અને તેના સંશોધકો તેથી જ વિશેષ આદરને પાત્ર થતાં હોય છે.

બીજા પ્રકારનું સંશોધન તે ઉપયોગિતામૂલક સંશોધન છે. તેનો પ્રમુખ હેતુ તાત્ત્વિક સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકીને તપાસવાનો છે. એના નિષ્કર્ષો જીવનવ્યવહારમાં ઉપયોગમાં લઈ શકાય એ માટેની પૂર્વભૂમિકા રચવાનું કામ ઉપયોગિતામૂલક સંશોધન દ્વારા કરવામાં આવે છે; જેમ કે, જનીનશાસ્ત્રનાં પાયાનાં તારણો પૈકી એકાદ સંબદ્ધ તારણને કૅન્સરના કોષોનું બંધારણ સમજવા અને શક્ય હોય તો કૅન્સરના રોગનો ઉપચાર શોધી કાઢવા માટે આ પ્રકારના સંશોધન દ્વારા મથામણ કરવામાં આવતી હોય છે. આથી જ તો આ પ્રકારનું સંશોધન મૌલિક સંશોધનથી કોઈ રીતે ઊતરતી કક્ષાનું ગણાતું નથી. બલકે, આ પ્રકારનાં સંશોધનોનાં તારણો સાંપ્રત વિશ્વમાં ઉપલબ્ધ જ્ઞાનભંડારને સમૃદ્ધ કરે છે, તેને વધારે અદ્યતન બનાવે છે અને તેની ઉપયોગિતામાં વધારો કરે છે. એ બાબત જ એનું ખૂબ મોટું મૂલ્ય પ્રતિપાદિત કરે છે.

ત્રીજા પ્રકારનું સંશોધન રોજેરોજ બનતી ઘટનાઓને કાર્ય-કારણના પરિપ્રેક્ષ્યમાં તપાસવાનું કામ કરે છે. તે દ્વારા તે પરિસ્થિતિનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરે છે, તેના તાણા-વાણા છૂટા પાડે છે અને કાર્ય-કારણના પેચીદા સંબંધોને છતા કરે છે. ઉદ્યોગો, પ્રતિષ્ઠાનો, પેઢીઓ, ઉત્પાદન-કેન્દ્રો, આદાન-પ્રદાનનાં ક્ષેત્રો, વર્તન-પ્રતિવર્તનના વ્યવહારો વગેરેની નાની-મોટી અનેક પ્રકારની ઘટનાઓનો સમસ્યામૂલક અભ્યાસ આ પ્રકારના સંશોધન દ્વારા કરવામાં આવતો હોય છે. આ સંશોધનમાં બહુ અટપટાં સાધનોની જરૂર પડતી હોતી નથી. એનાં અર્થઘટનો કરવા માટે પણ બહુ જટિલ પ્રવિધિઓની જરૂર પણ પડતી હોતી નથી. ટૂંકા ગાળાની સમસ્યાઓને હલ કરવા માટે આ સંશોધન ખૂબ ઉપયોગી નીવડતું જોવા મળે છે.

આ ત્રણેય પ્રકારનાં સંશોધનોને હાથ ધરવાની પ્રક્રિયાનાં બે લક્ષણો ધ્યાનમાં રાખવા જેવાં છે. એક, કેટલાંક સંશોધનો કરવા માટે પ્રયોગો કરવા અનિવાર્ય છે. એને પ્રાયોગિક સંશોધન (experimental research) કહે છે. પ્રયોગો માટે તો NASA કે ISRO જેવી વિશ્વકક્ષાની સંસ્થાઓનાં અબજો ડૉલરની કિંમતનાં સાધનોથી માંડીને, પ્રાથમિક શાળાની પ્રયોગશાળામાં વપરાતાં શિક્ષક કે વિદ્યાર્થી દ્વારા હાથે બનાવેલાં સાદાં, સરળ અને સસ્તાં સાધનો વાપરી શકાતાં હોય છે. પ્રાયોગિક સંશોધનનો પટ (range) કેટલો બધો પહોળો હોય છે એનો ખ્યાલ આ પરથી આવી શકે છે. એમ કહેવાય છે કે પ્રયોગ માટેનાં સાધનોની અદ્યતનતા, ગુણવત્તા, ઉપયોગક્ષમતા અને ઉપલબ્ધતાની દૃષ્ટિએ ભારત દેશની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ જ નહિ, બલકે યુનિવર્સિટીઓ અને ખુદ સંશોધન-સંસ્થાઓએ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. આ ક્ષેત્રની આવી ગંભીર ઊણપ હોવા છતાં, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી સિવાયનાં સંશોધનક્ષેત્રોમાં ભારતે છેલ્લા બે દસકાઓમાં જે સિદ્ધિઓ હાંસલ કરી બતાવી છે તેનો યશ, વિપરીતતાઓ અને અધૂરપોની વચ્ચે, ખંત અને હોંશથી કામ કરતા સંશોધકો અને તેમના માર્ગદર્શકોને ફાળે જાય છે.

હવે, આ સંશોધન-પ્રકારોનું બીજું સામાન્ય લક્ષણ પણ જોવું જરૂરી છે. અભ્યાસ માટેની અનેક બાબતો એવી હોય છે કે જેની તપાસ કરવા માટે પ્રયોગો શક્ય હોતા નથી. આવી પરિસ્થિતિઓમાં અભ્યાસ કરવા સારુ અનુભવો, પુરાવાઓ, અવલોકનો વગેરેનો આધાર લેવો પડતો હોય છે. આ જાતનો અભ્યાસ પુરાવા કે અનુભવ-આધારિત સંશોધન (empirical research) તરીકે ઓળખાય છે. આ પ્રકારનું સંશોધન અનેક વિદ્યાક્ષેત્રોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવતું હોય છે; જેમ કે, તાજેતરમાં જ થયેલા ભૂકંપો અને સુનામી મોજાંએ સર્જેલી હોનારતને લગતા અનેક અભ્યાસો ઉપલબ્ધ પુરાવાઓ અને સંજોગોના આધારે કરવામાં આવ્યા છે. આ પ્રકારના સંશોધનનું મૂલ્ય, તેની ઉપયોગિતા અને વિશ્વસનીયતા, એ પુરાવા કે અનુભવો પર આધારિત હોવાને કારણે, સહેજ પણ ઓછી ગણાતી નથી. અલબત્ત, જ્યાં શક્ય હોય ત્યાં પુરાવા-આધારિત સંશોધનને પ્રયોગના પૂરક પ્રબંધ દ્વારા વધુ પ્રમાણભૂત બનાવી શકાતું હોય છે. એમ લાગે છે કે આવતાં વર્ષોમાં જ્ઞાનયુગને વધુ સમૃદ્ધ અને ટકાઉ બનાવવા માટે પ્રયોગ અને અનુભવ-આધારિત બંને સંશોધનપ્રક્રિયાઓનું સંયોજન (convergence) કરવાથી માનવસમાજનો સઘળો જ્ઞાન-પુરુષાર્થ અધિકતમ ફળદાયી બનાવી શકાશે.

સંશોધનની સંખ્યાત્મક સામગ્રી : પ્રયોગ-આધારિત અને અનુભવ-આધારિત બંને પ્રકારની સંશોધન પ્રક્રિયાઓના વલોણામાંથી નીપજતી જ્ઞાનસામગ્રી બે સ્વરૂપની હોય છે. એક છે, સંખ્યાત્મક (quantitative) સામગ્રી; બીજી છે, ગુણાત્મક (qualitative) સામગ્રી. એમને એમનાં પોતાનાં આગવાં લક્ષણો હોય છે; જેમ કે, સંખ્યાત્મક સામગ્રી નીચેનાં લક્ષણો ધરાવતી હોય છે :

(1) આ સામગ્રીનો તાત્ત્વિક આધાર, તાર્કિક વાસ્તવવાદ પર રહેલો છે; અર્થાત્, એ નક્કર હકીકતો અને એમાંય મુખ્યત્વે આંકડા પર આધારિત હોય છે.

(2) આ સામગ્રીનો મુખ્ય ઉપયોગ કાર્ય-કારણનો સંબંધ જાણવા માટે અને સ્થાપિત કરવા માટે થતો હોય છે.

(3) આ સામગ્રીને અભ્યાસના કામે લેવા માટે જે પદ્ધતિઓ વપરાય છે તે તદ્દન ચુસ્ત, અપરિવર્તનશીલ અને ચોક્કસ સ્વરૂપની હોય છે. તેમાં છૂટછાટને કોઈ અવકાશ હોતો નથી.

(4) આ સામગ્રીના આધારે સંશોધન કરનાર સંશોધકે શુષ્ક તર્ક કર્યા સિવાય, બધી રીતે અસ્પૃષ્ટ, અલિપ્ત અને અળગી માનસિકતાથી જ કામ કરવાનું હોય છે.

(5) સંખ્યાત્મક અભિગમ દ્વારા સંશોધકે પોતાની સઘળી કામગીરી નિરપેક્ષ રીતે, સામાન્યીકરણ કરીને, તારણો તારવી બતાવવા પૂરતી મર્યાદિત રાખવાની હોય છે.

સંશોધનની ગુણાત્મક સામગ્રી : બીજી બાજુ, ગુણાત્મક સામગ્રી નીચેનાં લક્ષણો ધરાવતી હોય છે :

(1) આ સામગ્રીનો તાત્ત્વિક પાયો નિસર્ગવાદ અને આદર્શવાદની વિચારધારામાં રહેલો હોય છે.

(2) આ સામગ્રી શુષ્ક આંકડા કે તર્ક પર આધારિત ન હોતાં, તેનો ઉપયોગ માનવ-વ્યક્તિઓ અને એમનાં જૂથોને સ્પર્શતી સામાજિક ઘટનાઓ(phenomenology)ને સમજવા, તેને લગતાં મંતવ્યો, સંવેદનો વગેરેનું આકલન કરવા અને તેમ કરીને માનવચેતનાઓ સંબંધી તારણો કાઢવા માટે થતો હોય છે.

(3) આ સામગ્રીનું ઉપયોજન કરવા માટેની પ્રક્રિયા જડ કે અપરિવર્તનશીલ ન હોતાં, ખૂબ સ્થિતિસ્થાપક, લચકદાર અને માનવચહેરો (human face) ધરાવતી હોય છે.

(4) આ સામગ્રીઓ દ્વારા કરાતા અભ્યાસનો ઝોક માનવસમાજની પરિસ્થિતિઓ સમજવા પર રહેલો છે. આમ, એ એક માનવસમાજલક્ષી અભ્યાસ (ethnographic study) છે.

(5) આ સામગ્રી દ્વારા સંશોધક તેની અભ્યાસલક્ષી કામગીરી પ્રત્યે એક પ્રકારની આત્મીયતા અને જુસ્સો (passion) ધરાવતો જોવા મળે છે.

સંશોધનકાર્યનાં સોપાન : આ પૂર્વે નિર્દેશ્યા પ્રમાણે સંશોધનની કામગીરી એ એક યોજનાપૂર્વકની, ચોકસાઈવાળી અને સુવ્યવસ્થિત એવી નિશ્ચિત હેતુઓ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે. ‘Webster Dictionary’એ એની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે : ‘Research is a process of examining and evaluating data, systematically and critically, in order to arrive at a truth, a principle or a rule.’ આ વ્યાખ્યાનું હાર્દ જાળવીને કોઈ પણ સંશોધનકાર્યનું પૂર્વાયોજન કરતાં નીચેનાં માર્ગદર્શક સોપાન ધ્યાનમાં રાખવાં પડે. એ રીતે તૈયાર કરવામાં આવતું કાર્યમાળખું એક પ્રકારના માર્ગ-નકશા(road map)ની ગરજ સારતું હોય છે. હવે એનાં સોપાન જોઈએ :

(1) પ્રથમ, સંશોધન માટેની સમસ્યા નક્કી કરવી. એ સમસ્યા પસંદ કરવા પાછળનાં કારણો નોંધવાં. સાથે સાથે આ સંશોધનની જરૂરિયાત પણ સ્પષ્ટ કરવી.

(2) પછી, સંશોધન કરતાં કેન્દ્રમાં રાખવાની પૂર્વધારણા કે ઉત્કલ્પના (hypothesis) નિશ્ચિત કરવી.

(3) એ ઉત્કલ્પનાના ઉપલક્ષ્યમાં હાથ ધરવાના અભ્યાસ માટે ખપમાં લેવાની સંશોધનપદ્ધતિ નોંધવી. સાથે સાથે અભ્યાસ માટે કામમાં લેવાનાં સાધનો પણ જણાવવાં.

(4) હવે વાત કરવાની થાય માહિતી(data)ની. શી શી માહિતી એકઠી કરવી પડશે, કેવી રીતે એકઠી કરવાની થશે અને એ માટે કયાં કયાં સાધનો ઉપયોગમાં લેવાનાં થશે તે વિગતે જણાવવું.

(5) એકત્રિત કરવામાં આવનારી માહિતીનું વર્ગીકરણ, વિશ્લેષણ તથા અર્થઘટન કેવી રીતે કરવામાં આવશે તે વર્ણવવું.

(6) અભ્યાસનાં તારણો, પરિણામો, નિષ્કર્ષ વગેરે કેવી રીતે કાઢવામાં આવશે તેનું વર્ણન આપવું.

(7) અભ્યાસનાં પરિણામોને લગતી ભવિષ્યમાં કરવાની કામગીરી અંગે સૂચનો આપવાં; જેમ કે, હવે પછી કેવાં સંશોધનો હાથ ધરવાં, કેટલાંક સંશોધનોનો અમલ કેવી રીતે કરવો, વગેરે સંબંધી નિર્દેશ કરવો.

(8) સંશોધન માટે ખપમાં લેવાની સંદર્ભ-સામગ્રી સૂચવવી.

અત્રે એ સ્પષ્ટ કરવું અનિવાર્ય છે કે સંશોધન હાથ ધરવા માટેના પૂર્વાયોજનનું સૂચિત માળખું એક રીતનું સર્વસામાન્ય માળખું છે; તેમ છતાં, વિશિષ્ટ સંશોધન-પ્રકલ્પોના સંદર્ભે આ માળખામાં ઘટતા ફેરફાર કરવાની સંશોધકને સ્વતંત્રતા રહે છે એ રખે ભુલાય.

સંશોધનપદ્ધતિઓ : સંશોધનકાર્ય હંમેશાં ચોક્કસ પદ્ધતિઓથી હાથ ધરાતું હોય છે. સામાન્ય માનવી તો એના જ્ઞાનને વિકસાવવા એની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરતો હોય છે; એની કોઠાસૂઝ પણ વાપરી લેતો હોય છે. ઘણી વાર એ અન્ય લોકોની પૂછપરછ કરીને માહિતી મેળવી લેતો હોય છે. ઉપરાંત, સમાજમાં પ્રવર્તતી પરાપૂર્વથી ચાલી આવતી માન્યતાઓનો પણ તે આધાર લેતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવ્યો છે. આવા કોઈ પણ ગુરુ કે ગુરુઓનું શરણ શોધીને પણ માનવી જરૂરી માહિતી મેળવી લેતો હોય છે. પરંતુ, જ્ઞાનપ્રાપ્તિના આ બધા માર્ગો વૈજ્ઞાનિક રીતે ઘડાયેલા કે નાણેલા હોતા નથી. સંશોધન માગી લે છે વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલી અભ્યાસની પદ્ધતિઓ. વિશ્વભરમાં સંશોધકો નીચે વર્ણવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરતા જોવા મળે છે :

પ્રકાર 1 : સંખ્યાત્મક પદ્ધતિઓ : આ પ્રકારમાં નીચેની પદ્ધતિઓ પ્રચલિત છે :

(1) પ્રયોગ-આધારિત પદ્ધતિ

(2) પ્રયોગમુક્ત પદ્ધતિઓ; જેવી કે,

(ક) વર્ણનાત્મક પદ્ધતિઓ (descriptive methods)

(i) વિકાસાત્મક પદ્ધતિ (developmental method)

(ii) સળંગસૂત્રી પદ્ધતિ (longitudinal method)

(ખ) સંબંધાત્મક પદ્ધતિઓ; જેવી કે,

(i) વ્યક્તિ-અભ્યાસ-પદ્ધતિ (case study)

(ii) કારણ-તુલનાત્મક પદ્ધતિ (causal comparative study)

(iii) સહસંબંધલક્ષી પદ્ધતિ (correlational study)

(ગ) સર્વેક્ષણ-પદ્ધતિ (survey method)

(ઘ) પ્રવાહલક્ષી પદ્ધતિ (trend study)

પ્રકાર 2 : ગુણાત્મક પદ્ધતિઓ

(1) માનવજાતિલક્ષી પદ્ધતિ (ethnographic study)

(2) વિશ્લેષણલક્ષી પદ્ધતિઓ; જેવી કે,

(i) વિભાવનાલક્ષી પદ્ધતિ (concept study)

(ii) ઐતિહાસિકતાલક્ષી પદ્ધતિ (historical study)

(iii) કાનૂનલક્ષી પદ્ધતિ (legal study)

હવે આ પદ્ધતિઓનાં મુખ્ય તત્ત્વોની જાણકારી અહીં પ્રસ્તુત છે :

(1) પ્રયોગઆધારિત પદ્ધતિ : પદાર્થ, પ્રાણીઓ, વનસ્પતિ અને જરૂર પડે ત્યાં માનવીઓ પર પ્રયોગો કરી સત્યો શોધવા માટે આ પદ્ધતિ વપરાય છે : પ્રયોગોથી નીપજતા પ્રતિભાવોનું અવલોકન કરવામાં આવે છે. પ્રયોગ માટેના નમૂના (samples) એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી તે સમસ્ત સમૂહ(population)નું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા હોય. આ માટે યાદૃચ્છિક (random) પદ્ધતિના વિવિધ પ્રકારો દ્વારા નમૂના પસંદ કરવામાં આવતા હોય છે. પ્રયોગ કરવા માટેનાં પરિબળો-પાત્રો પરની અસરોની નિયંત્રિત પરિબળો-પાત્રોના વર્તન સાથે તુલના કરીને તારણો કાઢવામાં આવતાં હોય છે. આ પદ્ધતિ વિવિધ વિજ્ઞાનોનાં સંશોધન માટે ખૂબ વ્યાપક રીતે વપરાય છે. તદુપરાંત, સમાજશાસ્ત્રો અને વર્તનવ્યવહારનાં શાસ્ત્રોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

(2) વર્ણનાત્મક પદ્ધતિઓ પૈકીની વિકાસાત્મક પદ્ધતિ : આ પદ્ધતિ દ્વારા માનવવ્યક્તિ કે સમૂહો, તેમની પ્રવૃત્તિઓ અને તેમના કાર્યક્રમો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. વળી સ્થળો, ચીજ-વસ્તુઓ, ગ્રંથો, કલાકારીગરીના નમૂનાઓ, પ્રતિષ્ઠાનો વગેરેનો અભ્યાસ પણ આ પદ્ધતિ દ્વારા થઈ શકતો હોય છે. વ્યાપક રીતે જોઈએ તો નિસર્ગ-વિજ્ઞાનો, સમાજશાસ્ત્રો અને વ્યવસ્થાપનક્ષેત્રોના અભ્યાસ માટે પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

(3) વર્ણનાત્મક પદ્ધતિઓ પૈકીની સળંગસૂત્રી પદ્ધતિ : લાંબા ગાળે ચાલતી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, આયોજનો, આંદોલનો, નિકાસપ્રવૃત્તિઓ વગેરેને તપાસવા આ પદ્ધતિ વપરાય છે. તેનો હેતુ એ ક્ષેત્રે થતાં ક્રમિક પરિવર્તનો, તેમની સબળતા અને નબળાઈઓ, તેમાં કરવા જેવા નવા ફેરફારો વગેરેને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ પ્રયોજાતી હોય છે. કોઈક દવાની અજમાયશ કરવા, શિક્ષણનો કોઈક અખતરો કરવા, લોકમત ઘડતરની ચઢ-ઊતર તપાસવા જેવાં કામોમાં આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

(4) સંબંધાત્મક પદ્ધતિઓ પૈકીની વ્યક્તિઅભ્યાસ પદ્ધતિ : જ્યારે કોઈ વ્યક્તિ, જૂથ, સંસ્થા, કાર્યક્રમ, ઝુંબેશ વગેરેનો તલસ્પર્શી, ઊંડાણપૂર્વકનો સાંગોપાંગ અભ્યાસ કરવો હોય, ત્યારે આ પદ્ધતિ ઘણી ખપ લાગતી હોય છે. તેમનાં વિધાયક તેમજ નિષેધાત્મક – એમ બંને પાસાં આવા અભ્યાસમાં આવરી લેવાતાં હોય છે. મૅનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રે તો case study-નો અભિગમ ઘણો જ પ્રચલિત છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ એનો સમગ્ર મૅનેજમેન્ટનો તાલીમી કાર્યક્રમ આ પદ્ધતિ પર જ ઘડ્યો છે. તેનું અનુકરણ ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલોમાં પણ સફળતાથી કરવામાં આવ્યું છે.

(5) સંબંધાત્મક પદ્ધતિઓ પૈકીની કારણતુલનાત્મક અભ્યાસપદ્ધતિ : જીવનનાં વિવિધ ક્ષેત્રોએ ઘટતી ઘટનાઓના મૂળમાં રહેલાં કારણો સમજવા આ પદ્ધતિ વપરાય છે. ભારતનાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતોમાં આપઘાતનું પ્રમાણ ઘણું વધ્યું છે. આ ઘટનાનો અભ્યાસ હાથ ધરાયો છે અને તે માટે આ પદ્ધતિ કામમાં લેવાઈ છે. કોઈક ઘટના અટપટી હોય અને એનાં કારણો ખૂબ ગૂંચવણભર્યાં હોય તે કિસ્સામાં ખંત અને ધીરજપૂર્વક આ પદ્ધતિના ઉપયોગ દ્વારા સત્યો બહાર આણી શકાતાં હોય છે અને તે દ્વારા અસરકારક ઉપાયો પણ સૂચવી શકાતા હોય છે.

(6) સંબંધાત્મક પદ્ધતિઓ પૈકીની સહસંબંધલક્ષી અભ્યાસપદ્ધતિ : જ્યારે સંશોધનલક્ષી અભ્યાસમાં એક કરતાં વધુ પાત્રો-(variables)નો અભ્યાસ કરવાનો હોય છે, ત્યારે તેમની વચ્ચેના સંબંધોની તપાસણી અને તેનું મૂલ્યાંકન કરવા આ પદ્ધતિ વપરાય છે. આ પ્રકારના અભ્યાસમાં જે પરિબળો પર થતી અસર તપાસવાની હોય છે તેને પરતંત્ર ચલ કહે છે, જે પરિબળ અસર કરતું હોય છે તેને સ્વતંત્ર ચલ કહે છે અને સમગ્ર અભ્યાસમાં જે પરિબળો ઓળખી શકાયાં ન હોય અને તે પ્રચ્છન્ન રીતે અભ્યાસના પરિણામ પર અસર કરતાં હોય, તેમને આંતરવર્તી ચલ કહેવામાં આવે છે.

(7) સર્વેક્ષણપદ્ધતિ : આ પદ્ધતિ પ્રવર્તમાન સમયમાં વ્યક્તિ, સમૂહ, સંસ્થા, પ્રવૃત્તિ, કાર્યક્રમ વગેરેની જોવા મળતી ખાસિયતો, વિશિષ્ટતાઓ, સમસ્યાઓ, પ્રદાન વગેરેનો અભ્યાસ કરવા વપરાય છે. પ્રવર્તમાન સ્થિતિ વર્ણવવી, તેનાં શક્ય એવાં બધાં અર્થઘટનો આપવાં, તે પરથી શક્ય એવું ભવિષ્યકથન કરવું વગેરે આ પદ્ધતિનાં કાર્યો છે. સ્થાનિકથી માંડીને વિશ્વકક્ષાની બાબતોને આ પદ્ધતિ દ્વારા આવરી શકાતી હોય છે. વર્તમાનપત્રો, મીડિયા-ચૅનલો, બિનસરકારી સંસ્થાઓ, વ્યાપાર-વણજનાં પ્રતિષ્ઠાનો, વિજ્ઞાપનકારો વગેરે આ પદ્ધતિનો ખૂબ વ્યાપક ઉપયોગ કરતાં હોય છે. અલબત્ત, એટલું યાદ રાખવું ઘટે કે સર્વેક્ષણ માટે સહયોગ આપનારા માહિતીદાતાઓની સચ્ચાઈ, પ્રામાણિકતા અને ચોકસાઈ પર જ આ પ્રકારના અભ્યાસોની વિશ્વસનીયતાનો આધાર રહેતો હોય છે.

(8) પ્રવાહલક્ષી પદ્ધતિ : સંશોધનકારો સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાંની અનેકવિધ ગતિવિધિઓ અને હિલચાલોને લગતી માહિતી એકત્ર કરી, તે પરથી પ્રવર્તમાન પ્રવાહોનું ચિત્ર સ્પષ્ટ કરતા હોય છે. આ કામગીરી તેઓ પુન: પુન: કરતા હોય છે અને તેના દ્વારા એકઠી થતી માહિતીના આધારે તેઓ ભૂતકાળને વર્તમાન સાથે સાંકળી લઈને, સમાજમાં પ્રવર્તતા પ્રવાહો વિશે જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આવી જાણકારીના આધારે તો વિવિધક્ષેત્રોએ ભાવિ આયોજનો અંગે પણ વિચારવાનું સરળ બની જતું હોય છે. વેપાર-ઉદ્યોગ, બજારની રૂખ, લોકપસંદગીઓ, બદલાતી ફૅશનો વગેરે ક્ષેત્રોએ આવી જાણકારીથી લાભપ્રદ આગોતરી યોજનાઓ થઈ શકતી હોય છે.

(9) માનવજાતિલક્ષી અભ્યાસપદ્ધતિ : આ અભ્યાસ-પદ્ધતિ દ્વારા માનવસમાજમાં ઘટતી ઘટનાઓ અને તેમાં થતી વ્યક્તિઓ તથા જૂથોની ભાગીદારી અંગે અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિઓના પોતાના મુખેથી સાંભળવા મળતા વિચારો, અભિપ્રાયો, લાગણીઓ, સંવેદનાઓ વગેરેને નોંધીને તે પરથી અનુમાનો તારવવામાં આવે છે. તે તારણોના આધારે જનજીવનની ગુણવત્તા, તેમાં લાવવાનાં પરિવર્તનો વગેરેનાં સૂચનો પણ કરી શકાતાં હોય છે.

(10) વિશ્લેષણલક્ષી પદ્ધતિઓ પૈકીની વિભાવનાલક્ષી પદ્ધતિ : સમાજમાં પ્રવર્તમાન અનેક વિભાવનાઓને સમજવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. માનવી કેટકેટલી માન્યતાઓ, ખ્યાલો, અનુગ્રહો, પૂર્વગ્રહો, શ્રદ્ધાઓ અને પ્રતિબદ્ધતાઓ ધરાવતો હોય છે ! આ બધાં તેનો જીવન પ્રત્યેનો અભિગમ વ્યક્ત કરતાં હોય છે અને તેના સમસ્ત જીવનકાર્યમાં પ્રદાન કરતાં હોય છે. ધર્મ એટલે શું, સ્વર્ગ એટલે શું, ફરજ એટલે શું, ભાગ્ય એટલે શું, સત્ય એટલે શું જેવા અસંખ્ય પ્રશ્નોના જવાબ શોધતો મનુષ્ય આ પદ્ધતિનો સહારો લઈ, આશ્વસ્ત બનવા કોશિશ કરતો હોય છે.

(11) વિશ્લેષણલક્ષી પદ્ધતિઓ પૈકીની ઐતિહાસિકલક્ષી પદ્ધતિ : માનવસંસ્કૃતિને એનો લાંબો ભૂતકાળ છે. એનો વર્તમાન સમજવા અને તે પરથી ભવિષ્યકાળનું ચિત્ર કલ્પવા, માનવી એનો ભૂતકાળ જાણે, સમજે અને એને પ્રીછે એ કોઈ પણ સંસ્કૃતિના સળંગ વિકાસ માટે જરૂરી મનાયું છે. માનવસમાજના વિકાસની આદિકાળથી ચાલી આવતી પ્રક્રિયામાંની ઊથલ-પાથલો, આસમાની-સુલતાની આપત્તિઓ, ક્રાંતિઓ અને પ્રતિક્રાંતિઓ – એ બધાંની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તપાસણી કરનારી આ પદ્ધતિ, આજના માનવીને વધુ સ્વસ્થ, શાણો અને સુસંસ્કૃત બનાવવાની ગુંજાશ ધરાવે છે. અલબત્ત, એ માગી લે છે તટસ્થતા, વસ્તુલક્ષિતા અને સત્યનિષ્ઠા.

(12) વિશ્લેષણલક્ષી પદ્ધતિઓ પૈકીની કાનૂનલક્ષી અભ્યાસપદ્ધતિ : આ પદ્ધતિને નિસબત છે કાયદા-કાનૂનથી, ન્યાયતંત્રથી, કાનૂનના શાસનથી અને કાનૂન પર નિર્ભર માનવસંસ્કૃતિથી. એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે બંધારણનો, કાયદાપોથીનો, ન્યાયિક ઉચ્ચારણોનો, એમની સબળતા-નિર્બળતાઓનો અને એમના દ્વારા માનવજીવન પર થતા હકારાત્મક-નકારાત્મક પ્રભાવોનો. વર્તમાન વિશ્વ તો આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂન, વિશેષ કરીને માનવ-અધિકારોને લગતાં કાયદાકીય પ્રાવધાનો વડે સંચાલિત થઈ રહ્યું છે. એ પરિપ્રેક્ષ્યમાં સંશોધનની આ પદ્ધતિ અભ્યાસનાં ઘણાં દ્વાર ખોલે છે.

સંશોધક પોતાના સંશોધનકાર્ય માટે કઈ પદ્ધતિ અપનાવશે તેનો આધાર સંશોધનના વિષય અને સંશોધનના હેતુઓ પર રહેલો હોય છે. એક વાર એણે યોગ્ય પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લીધો, પછી એણે બીજી બે બાબતો અંગે નિર્ણય લેવાનો હોય છે. એ પૈકી એક છે સંશોધનકાર્ય માટે એણે અપનાવવાની પ્રવિધિ(technique)ની; બીજી છે, સંશોધન માટે એકઠી કરવાની માહિતી, વિગતો વગેરે માટે ઉપયોગમાં લેવાનાં સાધનો(tools)ની.

સંશોધનનાં સાધનો : સંશોધનની કામગીરી કરનાર માટે અભ્યાસની વિવિધ પ્રવિધિઓની જેમ, સંશોધન માટેનાં સાધનો એટલાં જ મહત્ત્વનાં છે.

આ પૂર્વે જોયા પ્રમાણે સંશોધન બે પ્રકારનાં હોય છે : એક પ્રયોગ-આધારિત સંશોધન (experimental research) અને બીજું અનુભવ-આધારિત સંશોધન (empirical research). બંને પ્રકારોને વિષય અને હેતુઓના સંદર્ભે યોગ્ય સાધનોની જરૂર પડતી હોય છે.

પ્રાયોગિક સંશોધન હાથ ધરવા નીચેનાં જેવાં સાધનો ઉપયોગમાં લેવાતાં હોય છે :

(1) જેના પર સંશોધન કરવાનું હોય તે અસલ સામગ્રી મુખ્ય સાધન (primary tool) તરીકે ઓળખાય છે; જેમ કે, મનુષ્યની કિડની પર સંશોધન કરવાનું હોય અને તેના પર જ પ્રયોગો કરવાના હોય ત્યારે મનુષ્યની પોતાની કિડની આ પ્રકારનું સાધન બને છે.

(2) સંશોધન કરવા માટેના પ્રયોગો કરવા મુખ્ય સાધન ઉપરાંત કે તેની અવેજમાં કામમાં લેવાનાં અન્ય સાધન  ગૌણ સાધન (secondary tool) કહેવાય છે; જેમ કે, કૃત્રિમ કિડની, કિડનીના મૉડેલો, ચિત્રો, તેનું શાબ્દિક વર્ણન વગેરે આ પ્રકારનાં ગૌણ સાધનો છે.

(3) પ્રયોગ કરવા માટે જરૂરી સહાયક એવી તમામ સામગ્રી; જેવી કે, પ્રયોગશાળામાંનાં સાધનો, કમ્પ્યૂટર, વપરાશના અન્ય પદાર્થો (consumable material) વગેરે.

(4) પ્રયોગો માટેની માર્ગદર્શક સાહિત્યસામગ્રી; જેવી કે, મૅન્યુઅલ, પ્રયોગપુસ્તિકા, સૉફ્ટવેર વગેરે.

(5) પ્રયોગો હાથ ધરવા માટેની વિવિધ પ્રકારની પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રૉનિક સામગ્રીઓ; જેવી કે, કસોટીઓ, અભિપ્રાયાવલિઓ, પ્રશ્ર્નાવલિઓ વગેરે.

એ સ્પષ્ટ છે કે સંખ્યાત્મક સંશોધન પૈકી પ્રયોગ-આધારિત સંશોધનકાર્ય માટે ભૌતિક વિજ્ઞાનો; જેવાં કે, ભૂસ્તરશાસ્ત્ર, રસાયણ-વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન વગેરે; નિસર્ગશાસ્ત્રો : જેવાં કે, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કૃષિવિદ્યા, જીવવિજ્ઞાન વગેરે અને તેમની અનેક શાખા-પ્રશાખાઓ માટે સુસજ્જ પ્રયોગશાળાઓ, નિદર્શન-કેન્દ્રો, સંગ્રહાલયો વગેરે હોવાં આવદૃશ્યક છે. આ માટે સંસ્થાઓ અને દેશો વચ્ચે સહયોગ થાય તો પ્રયોગકાર્ય ઘણું સરળ બની રહે. થોડાક સમય પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે અણુવિજ્ઞાનના ક્ષેત્રે સહકાર સાધવા માટે કરવામાં આવેલા કરાર તેમજ NASA અને ISRO વચ્ચે અવકાશક્ષેત્રે પ્રયોગો માટે સહકાર કરવા માટે કરવામાં આવેલા કરાર સંશોધનક્ષેત્રે સાધનોનો ઉપયોગ કરવા માટેની નવીન દિશાઓ ખોલે છે.

હવે અનુભવ અને પુરાવાઓને આધારે કરવામાં આવતા, સંશોધન માટે વપરાતાં કેટલાંક બહુપ્રચલિત સાધનો છે. એ સાધનો નીચે પ્રમાણેનાં છે :

(1) પ્રશ્ર્નાવલિ (questionnaire)

(2) અભિપ્રાયાવલિ (opionnaire)

(3) ક્રમમાપદંડ (rating scale)

(4) ઓળખયાદી (check list)

(5) મૂલ્યાંકનપત્ર (score card)

(6) મનોવૈજ્ઞાનિક કસોટીઓ (psychological tests)

ઉપર નિર્દેશેલાં સાધનો અંગેની સંક્ષિપ્ત માહિતી નીચે આપી છે :

  1. 1. પ્રશ્ર્નાવલિ : આ સાધન ત્રણ રીતે રચી શકાય છે : (1) એમાં પુછાતા પ્રશ્નોના જવાબ નિશ્ચિત હોય છે. એને બંધ-ઉત્તરવાળી (fixed-answer) પ્રશ્ર્નાવલિ કહે છે. (2) કેટલાક પ્રશ્નોના ઉત્તર પરીક્ષાર્થી પોતાને ગમે તે રીતે આપી શકતો હોય છે. આને ખુલ્લા ઉત્તરવાળી (open-answer) પ્રશ્ર્નાવલિ કહે છે. (3) કેટલીક પ્રશ્ર્નાવલિમાં બંને પ્રકારના પ્રશ્નો હોય છે. તેને મિશ્ર-ઉત્તરવાળી (mixed answer) પ્રશ્ર્નાવલિ કહેવાય છે. જો પ્રશ્ર્નાવલિ રચવામાં વસ્તુલક્ષિતા ન જળવાઈ હોય, તો એક સાધન તરીકેનું તેનું મૂલ્ય ઘણું ઓછું અંકાય છે. બજાર-સર્વેક્ષણ (market-research) માટેની પ્રશ્ર્નાવલિઓમાં કેટલીક વાર આ ખામી જોવા મળે છે.
  2. 2. અભિપ્રાયાવલિ : પ્રશ્ર્નાવલિ દ્વારા સંશોધક સામાન્ય હકીકતો, માહિતી, વિગતો વગેરે મેળવવા કોશિશ કરે છે; જ્યારે અભિપ્રાયાવલિ દ્વારા લોકોનાં મંતવ્યો, સારા-નરસા વિશેનો અભિપ્રાય, નીતિવિષયક નિર્ણય (value judgement) વગેરે જાણવા કોશિશ કરે છે. આ સાધન પણ નિશ્ચિત ઉત્તરવાળું કે ખુલ્લા ઉત્તરવાળું હોઈ શકે છે. પ્રશ્ર્નાવલિની જેમ, આ સાધનમાં પણ પૂર્વગ્રહ, પક્ષપાત, વસ્તુલક્ષિતા વગેરે હોઈ શકે છે. વિશેષે કરીને બજાર-સંશોધનમાં આ નબળાઈ જોવા મળતી હોય છે. એ સંજોગોમાં એનાં અર્થઘટનોની વિશ્વસનીયતા ઘણી નીચી રહે એ સ્વાભાવિક છે.
  3. 3. ક્રમમાપદંડ : સંશોધક આ સાધન દ્વારા વ્યક્તિ, સમૂહ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, સંસ્થાઓ, ચીજવસ્તુઓ, વગેરેની ગુણવત્તા, ક્ષમતા, ઉપયોગિતા, મહત્ત્વ, લાભાલાભ વગેરેની કક્ષા જાણવા કોશિશ કરે છે. તેમાં મુલવણી સૂચવતાં વિધાનો આપવામાં આવે છે અને તેને મૂલવવા ત્રણ બિંદુ, પાંચ બિંદુ કે સાત બિંદુની માત્રા કે કક્ષા દર્શાવવાનાં ખાનાં આપવામાં આવે છે. વ્યક્તિએ તેમાંની નિશાની કરવાની હોય છે. નિશાનીને બદલે સંખ્યા કે ચોક્કસ શબ્દો વાપરીને પણ ક્રમ બતાવવાની જોગવાઈ હોઈ શકે છે. આ સાધનના કિસ્સામાં પણ, ક્રમ-માપદંડ રચનાર જો પૂરેપૂરો અનાત્મલક્ષી ન હોય, તો તેને અનુકૂળ વિધાનો આપીને ઇચ્છિત પ્રતિભાવ મેળવવા કોશિશ કરી શકતો હોય છે. એ સંજોગોમાં આ સાધનનું ઉપયોગિતા-મૂલ્ય અને વિશ્વસનીયતા શંકાસ્પદ રહે એ સ્વાભાવિક છે.
  4. 4. ઓળખયાદી : આ સાધન ક્રમ-માપદંડને મળતું આવે છે. જોકે, ક્રમ-માપદંડ એ કોઈ લક્ષણ, વર્તન, ખાસિયત, ગુણ વગેરેની કક્ષા કે માત્રા બતાવવા વપરાતું સાધન છે, જ્યારે ઓળખયાદી તો ફક્ત જે તે લક્ષણ, વર્તન વગેરે હાજર છે કે કેમ એટલું જ બતાવવા વપરાય છે. વળી હાજર લક્ષણ કે વર્તનની કેટલી સંખ્યા કે આવૃત્તિ છે તે પણ એનાથી જાણવાનું હોય છે.
  5. 5. મૂલ્યાંકનપત્ર : આ સાધન વ્યક્તિઓ, સંસ્થાઓ, ઉપકરણો, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ વગેરેનું કેટલાક નિશ્ચિત માપદંડો અન્વયે મૂલ્યાંકન કરે છે; જેમ કે, રેફ્રિજરેટરની કોઈક બ્રાન્ડનું મૂલ્યાંકન કરવા તેનો બાહ્ય દેખાવ, અંદરની સુવિધાઓ, કિંમત, વેચાણોત્તર સેવાઓ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. એ તત્ત્વો ઉત્તમ, મધ્યમ, સાધારણ વગેરે પૈકી કેવી ગુણવત્તા ધરાવે છે તે આ સાધન દ્વારા જાણી શકાય છે. જોકે કેટલીક વેપાર-ઉદ્યોગની કંપનીઓ, માર્કેટિંગ એજન્સીઓ વગેરે પોતાની જ વસ્તુઓ કે સેવાઓ ઉત્તમ છે એવું દેખાડવા આ સાધનનો દુરુપયોગ કરતી જોવા મળે છે. એ કિસ્સામાં આ સાધનથી મેળવાયેલી માહિતીનું વિશ્વાસપાત્રતા-મૂલ્ય નીચું હોય એ સ્વાભાવિક છે.
  6. 6. મનોવૈજ્ઞાનિક કસોટીઓ : મનુષ્યની વિવિધ માનસિક ક્ષમતાઓનું વૈજ્ઞાનિક ઢબે, વિશ્વસનીય મૂલ્યાંકન થઈ શકે એવી પ્રમાણિત કરેલી અનેક કસોટીઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. કેટલીક વ્યક્તિગત માપન માટે હોય છે, તો કેટલીક મોટા સમૂહનું માપન કરતી હોય છે. માણસની બુદ્ધિ, લાગણી, સંવેદનો, વલણ, રસ-રુચિ, સર્જનશીલતા, ચિંતા, હતાશા વગેરે અનેક માનસિક શક્તિઓ એ માટેની કસોટીઓથી માપી શકાતી હોય છે. એમનાં પરિણામો પરથી વ્યક્તિઓને માર્ગદર્શન આપી શકાતું હોય છે, વિવિધ વ્યવસાયો માટે તેમની પસંદગી કરી શકાતી હોય છે અને તેમની અનેક વર્તન-સમસ્યાઓના ઉકેલ માટે સલાહસૂચન આપી શકાતાં હોય છે. આ કસોટીઓ જે કોઈ વયજૂથ, ભાષાજૂથ, જાતિજૂથ વગેરે માટે પ્રમાણિત થઈ હોય, તેના માટે જ વાપરી શકાતી હોય છે. આવી કસોટી આપનારે કસોટી આપતી વેળા નિશ્ચિત સૂચનાઓનું અનુકરણ કરવાનું હોય છે. કસોટીઓના પ્રતિભાવોની ચકાસણી અને અર્થઘટન કરવા માટે આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હોય છે. હવે તો કમ્પ્યૂટર ઉપલબ્ધ થતાં, ગમે તેવી સંકુલ માહિતીઓનું વિશ્વસનીય વિશ્લેષણ કરવું સહેલું થઈ ગયું છે. પરિણામે, એ રીતે કરાતાં તારણોની વિશ્વસનીયતા પણ ઘણી ઊંચી હોય છે.

સંશોધનસહાયક આંકડાશાસ્ત્ર : આમ, સંશોધન-કામગીરીમાં આંકડાશાસ્ત્ર એક ઘણું મદદગાર સાધન છે એ સ્વીકારવું રહ્યું. માટે જ, આધુનિક યુગમાં સંશોધન કરનારે આંકડાશાસ્ત્રની પાયાની પદ્ધતિઓની જાણકારી મેળવી લેવી જરૂરી છે. આંકડાશાસ્ત્રની બે પદ્ધતિઓ વધુ પ્રચલિત છે : એક છે પ્રાચલીય (parametric) પદ્ધતિ; બીજી છે અપ્રાચલીય (non-parametric) પદ્ધતિ. જે કિસ્સાઓમાં સંશોધન માટેની સામગ્રીનાં લક્ષણો સમધારણ રીતે વિસ્તરિત થયેલાં હોય તે તે કિસ્સાઓમાં પ્રાચલીય પદ્ધતિ વપરાય છે. જે કિસ્સાઓમાં એ સમધારણ રીતે વિસ્તરિત થયાં ન હોય ત્યાં અપ્રાચલીય પદ્ધતિ વપરાય છે.

આંકડાશાસ્ત્ર બે પ્રકારનું હોય છે : એક વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર (descriptive statistics), બીજું અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્ર (inferential statistics). વર્ણનાત્મક પ્રકારનાં ઉદાહરણ છે : આવૃત્તિ-વિતરણ, મધ્યવર્તી સ્થિતિનાં માપ, ચલિતતાનાં માપ અને સમધારણ-વક્રરેખા. બીજી બાજુ અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્રમાં માપનની પ્રમાણ-ભૂલ, અર્થસૂચકતાના આંક જેવા કે ક્રાંતિક ગુણોત્તરનું મૂલ્ય, એફ મૂલ્ય, વિચરણ-પૃથક્કરણ, સહવિચરણ-પૃથક્કરણ, અવયવ-પૃથક્કરણ વગેરેનો સમાવેશ થાય છે.

શતમાન કે ટકાવારી એ સાદું આંકડાશાસ્ત્રીય માપ છે. મધ્યવર્તી સ્થિતિનાં માપમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો સમાવેશ થાય છે. ચલિતતાનાં માપોમાં વિસ્તાર, ચતુર્થક વિચલન, મધ્યક વિચલન અને પ્રમાણ-વિચલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાપેક્ષ સ્થાન માટે શતાંશસ્થ, પ્રતિશત ક્રમાંક, પ્રમાણભૂત પ્રાપ્તાંકો અને બે બાબતો વચ્ચેના સંબંધો દર્શાવવા સહસંબંધકોનો ઉપયોગ થાય છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિની પસંદગીનો આધાર સંશોધન માટેની માહિતીના સ્વરૂપ પર અને સંશોધનના હેતુ પર રહેતો હોય છે. અલબત્ત, આંકડાશાસ્ત્ર એ કોઈ પૂર્ણ શક્તિ (Perfect God) નથી. કોઈકે એને અર્ધસત્ય કે બનાવટી સત્ય કહ્યું છે એમાં થોડુંક વજૂદ છે, કારણ કે એનો દુરુપયોગ કરીને સંશોધનનાં ભ્રામક પરિણામો બતાવી શકાતાં હોય છે; જેમ કે, ખોટી રીતે સરાસરીનાં માપ રજૂ કરવાં, નાની સંખ્યાના નમૂના (samples) પરનાં તારણોને મોટા સમૂહને લાગુ પાડવાં, ચોક્કસ સંદર્ભ ધ્યાનમાં લીધા વિના તુલના કરવી, સરળ બાબતોને અટપટી શાબ્દિક માયાજાળમાં રજૂ કરવી વગેરે એ બધાં આંકડાશાસ્ત્રના ધરાર દુરુપયોગનાં ઉદાહરણ છે. આ પ્રકારની બૌદ્ધિક છલના અને નૈતિક પાપથી દૂર રહેવા માટે જ તો સંશોધનકાર સારુ આચારસંહિતા હોય એ જરૂરી છે.

સંશોધનહેવાલ : સંશોધનને એનું સામાજિક પરિમાણ છે. ભલે કોઈ એકાદ વ્યક્તિએ સંશોધન હાથ ધર્યું હોય, કે વ્યક્તિઓની ટુકડી (team) દ્વારા એ હાથ ધરાયું હોય. ભલે એ માટેનું ખર્ચ વ્યક્તિએ, વ્યક્તિઓના સમૂહે, કોઈ બિનસરકારી સંસ્થાએ, સરકારે, કે કોઈ વૈશ્ર્વિક સંગઠને ઉપાડ્યું હોય. સંશોધનનું પરિણામ એ કોઈની અંગત સંપત્તિ (private good) ન બની શકે એવું સર્વત્ર સ્વીકારાયેલું છે. એ તો જ્ઞાનવિશ્વની જાહેર સંપત્તિ (public good) જ ગણાય છે. તેથી જ તેનાં તારણો, અવલોકનો, સૂચનો વગેરે શક્ય એટલાં પારદર્શી (transparent) હોય એવો આગ્રહ રખાય છે. અલબત્ત, કોઈ સંશોધનનાં તારણો, સિદ્ધાંતો, સત્યો વગેરેને પ્રાયોગિક સંશોધનની ભઠ્ઠીમાં નાખી, એમાંથી જે કોઈ ટૅક્નૉલૉજી વિકસે એના પરના પેટન્ટના અધિકારો નિયત થઈ શકે; જેનો ઉપયોગ જે તે પેટન્ટ-ધારક નિયત સમયાવધિ સુધી કરી શકે છે. આમ, સંશોધનો જાહેરમાં પ્રગટ થતાં રહે એ ખુદ જ્ઞાનવિશ્વના હિતમાં છે. તેથી જ તો એમના પ્રકાશન માટે સાંપ્રત સમયમાં ઘણી બધી સહાય અને સુવિધા મળી રહેતી હોય છે.

પ્રવર્તમાન પરંપરા મુજબ, સંશોધનનો હેવાલ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવતો હોય છે. તે નીચે મુજબ છે :

વિભાગ 1 : એમાં શીર્ષક, પૃષ્ઠ, ઋણ-સ્વીકાર, અનુક્રમણિકા, સારણી-સૂચિ, આલેખ-સૂચિ, ચિત્રો/ફોટોગ્રાફરની સૂચિ અને સંક્ષેપો/સંજ્ઞાઓની સૂચિનો સમાવેશ થાય છે.

વિભાગ 2 : આ વિભાગમાં સંશોધનની જરૂરિયાત અને હેતુઓ, સંશોધનપદ્ધતિઓ અને સાધનો, માહિતી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, માહિતીનું પૃથક્કરણ, માહિતીનું અર્થઘટન, સિદ્ધાંતોનું પ્રતિપાદન અને વિવિધ તારણો અને તેમની ચર્ચા, ભલામણો અને સૂચનો તથા ભાવિ સંશોધન માટેની રૂપરેખાનો સમાવેશ થાય છે. અલબત્ત, આ બધી સામગ્રીને યોગ્ય પ્રકરણ-વ્યવસ્થા (chapterisation) દ્વારા ગોઠવવામાં આવતી હોય છે.

વિભાગ 3 : આ વિભાગમાં સંદર્ભસૂચિ, પરિશિષ્ટો અને અન્ય જરૂરી નોંધોનો સમાવેશ કરવામાં આવે છે.

અલબત્ત, એ યાદ રહે કે સંશોધનના ત્રણ પ્રકારો એટલે કે મૌલિક સંશોધન, અમલલક્ષી સંશોધન અને મૂલ્યાંકનલક્ષી ક્રિયાત્મક સંશોધન – એ ત્રણેયનાં વિશિષ્ટ સ્વરૂપને અનુરૂપ આખરી હેવાલને ઘાટ આપવાનો હોય છે.

સંશોધનક્ષેત્રની વાસ્તવિકતાઓ : આજે તો દેશ અને દુનિયામાં થતાં સંશોધનોના હેવાલો યુનિવર્સિટીઓ, ઉદ્યોગ-ધંધાનાં કેન્દ્રો, સંશોધનક્ષેત્રની સંસ્થાઓ, સરકારી દફતર ભંડારો (archives) વગેરેનાં ગ્રંથાલયોમાં ઉપલબ્ધ હોય છે. વળી, ઇન્ટરનેટની સુવિધા થવાથી, ઘણી સંસ્થાઓની websites પર પણ એ હેવાલો મળી રહેતા હોય છે. આ કારણે આજના વૈશ્ર્વિકીકરણના યુગમાં જ્ઞાનઆધારિત સમાજવ્યવસ્થા ઊભી કરવા માટે ઘણી સરળતા થવા લાગી છે. તેથી સંશોધન અને વિકાસ (R & D) માટે વિશ્વસમાજમાં નવી જાગૃતિ સર્જાઈ રહી છે. આ ક્ષેત્ર સામે આજે બે વાસ્તવિકતાઓ આવીને ઊભી લાગે છે. એક છે, અનુકૂળતાઓની વાસ્તવિકતા; અને બીજી છે, પ્રતિકૂળતાઓ અને પડકારોની વાસ્તવિકતા. એ બંનેને ક્રમશ: જોવાની રહે છે.

સંશોધન માટેની અનુકૂળતાઓ : (1) શિક્ષણની સંસ્થાઓ ઉપરાંત, સરકારો, ઉદ્યોગો-ધંધાનાં પ્રતિષ્ઠાનો, સેવાસંસ્થાઓ, અને દાનવીર વ્યક્તિઓ આજે ઊલટભેર સંશોધનની પ્રવૃત્તિને મદદ કરવા લાગેલાં છે, જેનાથી સંશોધનતરફી વાતાવરણ વધુ વ્યાપક રીતે અનુકૂળ બની રહ્યું છે. એનું એક જ્વલંત દૃષ્ટાંત તે અમેરિકાની Microsoft કંપનીના દાતા Bill Gates દ્વારા કરવામાં આવેલા 30 અબજ ડૉલરના જંગી દાનથી સ્થપાયેલ Bill and Melinda Gates Foundationનું છે. જગતમાંથી મલેરિયા, ટી.બી., એઇડ્ઝ જેવા રોગોને નિર્મૂળ કરવાનાં સંશોધનો હાથ ધરવાનું બીડું આ ટ્રસ્ટે ઉપાડ્યું છે. તેની વહારે અમેરિકાના બીજા સખી દાનવીર Berkshire Hathaway કંપનીના માલિક Warren Buffett ધાયા છે. તેમણે પચાસ અબજ ડૉલરનું ગંજાવર દાન એ ટ્રસ્ટને માટે જાહેર કર્યું છે. 21મી સદીના વિશ્વમાં આવાં દાનથી સંશોધન એ સરહદોથી મુક્ત (borderless) એવું માનવકલ્યાણને વરેલું એક અભિયાન બની જાય તો નવાઈ નહિ.

(2) ભારત સરકારે ઉદ્યોગ-ધંધાના સાહસિકો દેશોમાં સંશોધનક્ષેત્રે મદદરૂપ થઈ શકે તે માટે તેમના દ્વારા વિજ્ઞાનક્ષેત્રે સંશોધન માટે અપાતા દાનની 125 % જેટલી રકમની કપાત કરપાત્ર આવકમાં કરી આપવાની જોગવાઈ કરીને સંશોધન માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જવાની દિશામાં અગત્યનું પગલું ભર્યું છે.

(3) દેશ અને દુનિયામાં સહયોગી (collaborative) સંશોધનો હાથ ધરવાની શરૂઆત થવા લાગી છે. પરિણામે સંશોધન માટે નાણાં, સાધનો, શક્તિ, સમય, માનવકૌશલ્ય વગેરેનું સંકલન થતાં સમગ્ર સાહસ કરકસરિયું અને વધુ અસરકારક બનવા લાગેલ છે.

(4) સંશોધનક્ષેત્રે કામ કરતી વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવતી સંસ્થાઓ હવે ઉચ્ચકોટિનાં, મોંઘાં અને બિનપરંપરાગત સંશોધન-સાહસો હાથ ધરવા માટેનાં વિશિષ્ટ મંડળો (consortium) રચવા લાગી છે. આ કારણે અણુશક્તિ, I.C.T. વગેરે જેવાં ક્ષેત્રોએ સંશોધનના નવા નવા અભિક્રમો (initiatives) હાથ ધરાવા લાગ્યા છે.

(5) વીજાણુ માધ્યમો, જેવાં કે ઇન્ટરનેટ, I.C.T. વગેરે દ્વારા વિશ્વને સાંકળી લેવામાં (networking) આવી રહ્યું છે. પરિણામે સંશોધન માટેની માહિતી(data)નું ઝડપી પ્રસારણ થવા લાગ્યું છે. દુનિયાના છેવાડાના ખૂણે પણ એ ઉપલબ્ધ થવા લાગતાં, સંશોધનની પ્રક્રિયા ખૂબ વેગીલી બની રહી છે; એટલું જ નહિ, પણ તેના પ્રભાવથી દુનિયાનું તાંત્રિક વિભાજન (digital divide) ઓછું થવા લાગેલું છે.

(6) વિશ્વવ્યાપાર સંસ્થા(W.T.O.)ના સેવાઓની ઝડપી અને મુક્ત આપ-લે કરવા માટેના નિયમો (GATS) વર્ષ 2005થી અમલી બનતાં દુનિયાના પટાંગણમાં જ્ઞાન, સંશોધનો, ક્ષમતાઓ, કૌશલ્યો વગેરે જેવી સૂક્ષ્મ સંપદાની આંતરરાષ્ટ્રીય આપ-લે મોકળી થવા લાગી છે. પરિણામે એ સેવાઓનો બહોળો વિકાસ થવાની મબલક શક્યતાઓ ખડી થઈ છે.

આમ, વિશ્વમાં જ્ઞાનયુગને પોષતી આબોહવા પ્રસરી રહી છે, સબળ બની રહી છે. સંશોધકોને માટે એ ઇજન પેશ કરે છે : ‘ઊઠો, જાગો અને માનવકલ્યાણના નવા યજ્ઞમાં સામેલ થાવ.’

આ તબક્કે, જ્ઞાનવિશ્વને ડારી રહેલી બીજી વાસ્તવિકતાને પણ ધ્યાનમાં લેવી રહી. સંશોધનક્ષેત્રને એ કેવી રીતે પડકારી રહી છે તેનો ખ્યાલ મેળવીએ.

(1) પહેલી વાત નાણાભંડોળની ઊણપની છે. દુનિયાના ગરીબ, અલ્પવિકસિત અને અણુવિકસિત દેશોનાં નાણાકીય સાધનો તદ્દન ટાંચાં છે. એમનો અગ્રતાક્રમ છે ગરીબી-નિવારણનો, બેકારી નિર્મૂળ કરવાનો, ન્યૂનતમ પોષણ અને આરોગ્યની સગવડો ઊભી કરવાનો, પ્રાથમિક શિક્ષણનો; ટૂંકમાં, રોટી, કપડાં, મકાન અને પાયાની કેવળણીનો. સંશોધન તો એમની અગ્રતાક્રમની યાદીમાં ક્યાંય છેડે આવે છે.

(2) સંશોધન માગી લે છે કેળવાયેલું, તાલીમબદ્ધ, કર્મઠ માનવસંસાધન. આવા માનવધનની ગંભીર અછત સર્વત્ર વરતાય છે. તેમાંય ગરીબ અને પછાત દેશોમાં જે કોઈ સોગંદ ખાવા પૂરતું માનવબળ છે, તે પશ્ચિમના ધનિક દેશો ખેંચી જાય છે. સંશોધનને વ્યાપક બનાવવા આડેનું આ ઘણું મોટું વિઘ્ન છે.

(3) ભારત સહિત ત્રીજી દુનિયાના ઘણા દેશોએ સામાન્ય શિક્ષણની પ્રથા ઠીક ઠીક વિકસાવી છે; પરંતુ એ વ્યવસ્થામાં સંશોધનનું ઘટક હજી ઝાઝું વિકસ્યું નથી. પરિણામે સંશોધન માટેની કાર્યસંસ્કૃતિ ત્યાં અતિ મર્યાદિત છે.

(4) ભારત જેવા દેશોમાં સંશોધનક્ષેત્રે કામ કરનારાઓને મળતું આર્થિક વળતર ઝાઝું આકર્ષક નથી. વળી, એ ક્ષેત્રે આગળ વિકાસ સાધવાની શક્યતાઓ પણ અતિ મર્યાદિત છે. પરિણામે તેમાં જોડાનારને કામ કરવાનો ઝાઝો ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે. આવું માનવધન, વધુ કમાણી કરાવતા અન્ય વ્યવસાયો તરફ ચાલ્યું જાય એ પણ એટલું જ સ્વાભાવિક છે.

(5) વર્તમાન સંશોધન-સાહસ બહુધા ટૅક્નૉલૉજી-પ્રધાન બની ગયું છે. એ માટેની ઊચ્ચ ટૅક્નૉલૉજી પર વિકસિત દેશોનો ઇજારો છે. એ પૈકીની કેટલીક ટૅક્નૉલૉજી તો તેઓ ઊંચી કિંમતે પણ આપવા તૈયાર હોતા નથી. વળી વિપરીત ભૂભૌતિક રાજકીય (geopolitical) બળો આ જાતના ટૅક્નૉલૉજી હસ્તાંતરણ(transfer)ને ખૂબ અવરોધક પુરવાર થતાં રહ્યાં છે. વિકસિત દેશોનાં રાજકીય અને આર્થિક સ્થાપિત હિતો આજની દુનિયાના મુક્ત જ્ઞાનવિનિમયના માર્ગમાં મોટા અંતરાયરૂપ છે.

(6) સંશોધનનાં કેટલાંક અદ્યતન ક્ષેત્રો; જેવાં કે stem cell સંશોધન, અવકાશ-સંશોધન, જનીન-પરિવર્તન-સંશોધન વગેરે અતિ ઊંચી ક્ષમતાઓ અને અકલ્પ્ય ભૌતિક તેમજ નાણાકીય સુવિધા માગી લેનારાં નવાં ક્ષેત્રો છે. એકાદ-બે દેશો સિવાય અન્યો માટે તો એ અતિદોહ્યલાં, દુર્લભ ક્ષેત્રો છે. વંચિત દેશોમાં એનાથી લઘુતાભાવ જડ ઘાલે તો નવાઈ નહિ.

(7) વૈશ્ર્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણનાં ત્રિવિધ પરિબળોએ સામાજિક-આર્થિક વ્યવહારોનાં સમીકરણો બદલી નાખ્યાં છે. સ્પર્ધા, નફો, સત્તા અને મોભો – એ નવા માપદંડો બન્યા છે. એમાં ટકવા માટે જોઈએ ગુણવત્તા, સાર્વત્રિક ગુણવત્તા (total quality). સંશોધનને પણ આ માપદંડો લાગુ પડે છે. ભારત જેવા દેશ માટે આ મોટો પડકાર છે. દુનિયામાં થતાં કુલ સંશોધનોમાં ભારતનો હિસ્સો એક ટકાથી પણ ઓછો છે. ભારતના સંશોધકોનાં સંશોધનપત્રો પૈકીનાં માંડ એક ટકો જેટલાં જ વિશ્વકક્ષાની ગુણવત્તામાં નોંધણી(citation)ના ક્ષેત્રે ગણનાપાત્ર બનતાં જોવા મળે છે ! ભારતના સંશોધકોની પેટન્ટોની નોંધણી પણ માંડ એક ટકા જેટલી હોય છે. આવા મોટા અવરોધો વટાવી જવા ભારતના સંશોધકોએ ઘણી મજલ કાપવાની રહે છે.

(8) છેલ્લે, દેશ-દુનિયાના સમગ્ર સંશોધનક્ષેત્રને લાગુ પડતી વાસ્તવિકતા છે નીતિ(ethics)ની. જે સંશોધન જીવરક્ષક દવા આપી શકે છે, એ જ કોઈ ત્રાસવાદીને જીવભક્ષક ગંદો, ઘાતક બૉંબ (dirty bomb) પણ આપી શકે એમ છે. વિજ્ઞાનનું એક ઉમદા સંશોધન સ્ત્રીભૃણહત્યાનું હથિયાર બની શકે છે એમ આજના ભારતનો સામાજિક ઇતિહાસ કહે છે. વિજ્ઞાનના વિકાસની ચરમસીમાએ ઊભેલું વિશ્વ એ જ મહાશક્તિના કારણે નૈતિક કટોકટીની ટોચે બેઠેલું છે. આ તબક્કે ગાંધીજી કહેતા તેવું વિજ્ઞાન અને અધ્યાત્મનું સંયોજન સાધવાનો તકાદો વિશ્વના આત્મા સમક્ષ ખડો થયો છે.

દાઉદભાઈ ઘાંચી

મૂળશંકર લ. જોષી

સંશોધન (સાહિત્ય) : સાહિત્યક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની પ્રક્રિયા ને પ્રવૃત્તિ. તે એક અર્થમાં વૈજ્ઞાનિક તો અન્ય અર્થમાં સાત્ત્વિક-આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. સારસ્વત-સાધનામાં – જ્ઞાનોપાસનામાં તેનું ખૂબ મહત્ત્વ છે. સત્યની શોધ માટે તીવ્ર તાલાવેલી, એ માટેની એકાગ્ર મથામણ અને તેવી મથામણ માટે આવદૃશ્યક એવી શ્રદ્ધા, ધૃતિ, પ્રામાણિકતા, વિનમ્રતા, સમુદારતા, તટસ્થતા ને સ્વસ્થતા, ચીવટ અને ચોક્સાઈ, શિસ્તબદ્ધતા ને તર્કબદ્ધતા, પૂર્વગ્રહમુક્તિ ને પરમતસહિષ્ણુતા, નિર્ભીકતા ને દૃઢતા, કર્મઠતા ને તપોનિષ્ઠા જેવા સદ્ગુણોથી સંશોધનક્રિયાનો પાયો  એની ભૂમિકા બંધાય છે. શ્રીમદભગવદ્ગીતામાં વર્ણવેલી દૈવી સંપદા જેમ જ્ઞાનનાં અન્ય ક્ષેત્રોમાં તેમ સંશોધનમાં પણ કેન્દ્રસ્થાને હોય તે હિતાવહ છે. સંશોધનની સત્યલક્ષી સાધનાના કૌશલ્યમાં યોગતત્ત્વનું દર્શન પણ થઈ શકે. સંશોધનનું ક્ષેત્ર આપવડાઈ, હુંપદ, મમત કે દંભનું નહિ પણ ખુદવફાઈનું  સચ્ચાઈનું ક્ષેત્ર છે. સંશોધકનો ઇષ્ટદેવતા સત્ય છે. સંશોધક માટે તો दष्टिपूतं न्यसेत् पादं मनः पूतं समाचरेत ।   એ જ મુદ્રાલેખ હોય છે. સંશોધનનું કાર્ય સ્પષ્ટ અને ચોક્કસ દૃષ્ટિ સાથે, સમતા ને તટસ્થતાથી, તર્કપૂત ને વસ્તુલક્ષી ધોરણે, વ્યવસ્થિતપણે થાય એ અપેક્ષિત હોય છે. જે કંઈ તથ્ય કે સત્ય પ્રાપ્ત થાય તે શાસ્ત્ર, તર્ક (યુક્તિ) ને અનુભવથી પ્રમાણિત થઈ શકે એવું હોવું જોઈએ. સંશોધનની પ્રમાણભૂતતા તો જ પુરવાર થઈ શકે. સંશોધન કોઈ પણ ક્ષેત્રનું હોય, ડૉ. ભોગીલાલ સાંડેસરા કહે છે તેમ, તે ‘વૈજ્ઞાનિક પર્યેષક બુદ્ધિના વ્યાપાર’-રૂપ હોય એ અનિવાર્ય છે. આમ તો સર્વ પ્રકારના અને સર્વ વિષયોના સંશોધનમાં કેટલુંક મૂલગત સામ્ય જોઈ શકાય. એ રીતે સર્વ સંશોધનો દ્વારા વ્યક્તિ તેમજ સમદૃષ્ટિના સ્થૂળ તથા સૂક્ષ્મ જીવનને સત્યોપલબ્ધિ દ્વારા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સમૃદ્ધ ને સમુન્નત કરવાનું લક્ષ્ય હોય છે. તેથી જ સંશોધનની પ્રવૃત્તિને જીવનવિકાસ  આત્મવિકાસ અને સમદૃષ્ટિવિકાસના બૃહત સંદર્ભમાં જોવા-મૂલવવામાં આવે તે ઇષ્ટ છે.

મનુષ્યમાત્રમાં જેમ સર્જનની, વિવેચનની તેમ સંશોધનની વૃત્તિ પણ સાહજિક છે. તે જિજ્ઞાસા સાથે પ્રગાઢપણે સંલગ્ન હોય છે. પોતાનો, પોતાની આસપાસના સર્વ સાથે, સ્વનો સર્વના સંદર્ભમાં તાગ મેળવવાની ઊંડી વૃત્તિ અને ઉત્કટ મથામણના કારણે જ્ઞાન-વિજ્ઞાન તથા સંસ્કાર-સંસ્કૃતિનો આટલો વ્યાપક, વૈવિધ્યપૂર્ણ અને સંકુલ વિકાસ શક્ય બન્યો છે. માનવજીવનનું કોઈ પણ ક્ષેત્ર સંશોધનકર્મથી અલિપ્ત જોવા મળતું નથી. સાહિત્ય-કળાના પ્રદેશમાં આજદિન સુધીમાં જે કંઈ સિદ્ધ થઈ શક્યું છે તેમાંયે કોઈક રીતે સંશોધનવૃત્તિ ને પ્રવૃત્તિનો પરોક્ષ કે/અને પ્રત્યક્ષ પ્રભાવ-પ્રતાપ જોઈ શકાય છે. સંશોધનની આવી વિધાયક શક્તિના કારણે જ જ્ઞાન-વિજ્ઞાન, કસબ-કલા જેવી જાતભાતની પ્રવૃત્તિઓનું સંચાલન કરતાં કેન્દ્રો, મંડળો, સંસ્થાનો વગેરેમાં સંશોધન-પ્રવૃત્તિઓનો સમાદર અને તેના વિકાસવિસ્તાર માટે સતત ખેવના ને મથામણ જોવા મળે છે.

સંશોધનની વૃત્તિ માનવીની આદિમ વૃત્તિ હોઈ તેનાં ચલણ-પ્રભાવ સાર્વત્રિક છે. આમ છતાં ‘રિસર્ચ’(research)ના અર્થમાં જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનપ્રવૃત્તિની પ્રાણપ્રતિષ્ઠામાં પશ્ચિમના વિદ્યાક્ષેત્રનો પ્રભાવ સ્વીકારવો જોઈએ, જેવો આત્મતત્ત્વની ખોજ-શોધની બાબતમાં ભારતનો સ્વીકારવામાં આવે છે. ‘સંશોધન’ શબ્દનું કુલ-મૂળ સંસ્કૃતમાં છે. એ શબ્દ ‘શોધ’ તેમજ ‘શોધન’ બંને સાથે સંબદ્ધ છે. ગુજરાતીમાં ‘રિસર્ચ’ના અર્થમાં તે શબ્દ ક્યારે ને કેવી રીતે રૂઢ થયો એ મુદ્દો પણ સંશોધનનો વિષય છે ! અંગ્રેજીમાં ‘શોધ’ના અર્થભાવને અનુલક્ષીને ‘રિસર્ચ’ ઉપરાંત ‘ડિસ્કવરી’, ‘ઇન્વેન્શન’, ‘સર્ચ’, ‘ફાઇન્ડિંગ’, ‘ઇન્વેસ્ટિગેશન’ જેવા અનેક શબ્દો છે, જે પોતાની આગવી અર્થચ્છાયાઓમાં જુદા જુદા ભાવસંદર્ભમાં પ્રયોજાય છે. ગુજરાતીમાં પણ સંશોધનને અનુલક્ષતા ‘સંશોધન’ શબ્દ ઉપરાંત ‘ખોજ’, ‘શોધ’, ‘ખોળ’, ‘ગોત’, ‘તપાસ’, ‘ગવેષણ’, ‘અન્વેષણ’, ‘અન્વીક્ષણ’, ‘અનુસંધાન’ જેવા અનેક શબ્દો છે, જે વિશિષ્ટ અર્થ-ભાવની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતિમાં પ્રયોજાય છે. આ શબ્દોનો વિનિયોગ કરતાં વિવેકશક્તિ દાખવવાની રહે છે.

હિન્દીમાં ‘રિસર્ચ’ના અર્થમાં વ્યાપકપણે જેમ ‘અનુસંધાન’ તેમ ગુજરાતીમાં ‘રિસર્ચ’ના અર્થમાં વ્યાપકપણે પ્રયોજાતા ‘સંશોધન’ શબ્દમાં ઝીણી નજરે જોનારે એકાધિક અર્થચ્છાયાઓ દૃષ્ટિગોચર થાય એમ છે. ગુજરાતીમાં પ્રગટ થયેલું સંશોધનનું સાહિત્ય જોતાં એમાં પોતાના સઘન-સર્વાશ્લેષી સ્વાધ્યાયથી માંડીને, અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, અજ્ઞાતને જ્ઞાત કરવું, ક્રમહીનને ક્રમબદ્ધ કરવું, પ્રાચીનનું નવાં તત્ત્વો સાથે અનુસંધાન કરવું, નવાં અર્થઘટન સાદર કરવાં, આવદૃશ્યક અર્થવિસ્તાર કરવો, જે તે વિષયવસ્તુસામગ્રીની પલટાતી પરિસ્થિતિમાં પ્રસ્તુતતા હોય તો તારવી બતાવવી, વિસંગતિનો પરિહાર કરી સંગતિના મુદ્દાઓની સૂત્રબદ્ધતા બતાવી આપવી, દેશકાળના બદલાતા સંદર્ભમાં પુનર્મૂલ્યાંકન કરી આપવું  આવી આવી અનેક બાબતો દેખાય છે અને તે બધી સત્યશોધ ને સત્યશોધનના નેજા હેઠળ જોવા-વિચારવાની, તપાસવા-તારવવાની રહે છે.

સાહિત્યિક સંશોધન સમ્યક રીતે થાય તે માટે સંશોધકની પાત્રતાનો – તેની સમર્થતા-સજ્જતાનો મુદ્દો અત્યંત મહત્ત્વનો બની રહે છે. જેવો સંશોધક, તેવું સંશોધન. જેમ સર્જકના માટે કારયિત્રી, ભાવકના માટે ભાવયિત્રી તેમ સંશોધકના માટે એક આગવી પ્રતિભા હોય છે તે સ્વીકારવાનું રહે છે. સંશોધકનાં રુચિ-રસવૃત્તિ ને દૃષ્ટિની, તેનાં શીલ અને કાર્યશૈલીની સીધી અસર સંશોધન-કર્મ પર પડતી હોઈ તે ઊંચી કક્ષાનાં હોય તે અનિવાર્ય છે. સંશોધનના ક્ષેત્રે સંશોધક જ કેન્દ્રસ્થાને હોય છે. સંશોધકમાં સંશોધન માટેની સૂઝસમજ, ધગશ-ધૃતિ, વિનય-વિવેક જેમ જરૂરી તેમ અનુભવ-તાલીમ પણ જરૂરી હોય છે અને તેથી તો સંશોધનપદ્ધતિની પાયાની સમ્યક જાણકારી તેમજ તાલીમ આપવાના ઉપક્રમો-પાઠ્યક્રમો સંશોધનસંસ્થાઓમાં યોજાતા હોય છે.

સંશોધન ‘તરવું-તાંતરવું’ જેવી આપકળા છે તો સાથે તે શાસ્ત્રીય કાર્યપદ્ધતિ પણ છે. સંશોધનની પ્રક્રિયાના ઉત્કલ્પના કે પરિકલ્પના (‘હાઇપૉથીસિસ’)થી માંડીને સંશોધન માટેની વસ્તુસામગ્રીનું એકત્રીકરણ-ચયન, નિરીક્ષણ-પરીક્ષણ-વિશ્લેષણ, વર્ગીકરણ-કોષ્ટકીકરણ, તોલન-મૂલ્યાંકન-તારણ-પ્રતિપાદન જેવાં કેટલાંક પરસ્પરસંકલિત સોપાનો પણ છે. સંશોધક પાસે સંશોધન માટેના પોતાના લક્ષ્યની પૂરી સ્પષ્ટતા અનિવાર્ય હોય છે. તેના અનુલક્ષમાં સંશોધનક્ષેત્રની સીમામર્યાદા તેણે આંકવાની રહે છે. પોતાના સંશોધનના પ્રત્યેક તબક્કે સંશોધકે જરૂરી પ્રમાણપુરાવાઓ, પ્રયોગસિદ્ધ તારણો આપવાનાં રહે છે. સંશોધક પોતાના સંશોધનવિધિમાં જે ઉપકરણો પ્રયોજે, જે અભિગમો ને પદ્ધતિઓ અજમાવે તે અંગેની પૂરી જાણકારી અને કુશળતા તેનામાં હોય એ ઇચ્છનીય છે. સંશોધકે પોતાના સંશોધનનાં સ્થૂળ-સૂક્ષ્મ સર્વ ઉપકરણોની શક્તિમર્યાદા સમજી લઈ, વિવેકપુર:સર યથાસમય કયું ઉપકરણ, ક્યાં, ક્યારે, કેવી રીતે પ્રયોજવું તે વિચારી લઈ સંશોધનવિધિમાં સક્રિય થવાનું હોય છે. સંશોધન-વિષયના યથાતથ આકલન માટે યથાપ્રસંગ વિહંગાવલોકન કે સિંહાવલોકનની પદ્ધતિઓ પણ અખત્યાર કરવાની રહે. સંશોધકે સંશોધનવિધિ દરમિયાન સતત અતંદ્ર રહેવું પડે છે. સંશોધનની અનેક પદ્ધતિઓ છે; જેમ કે, ક્ષેત્રકાર્યની સર્વેક્ષણની, મુલાકાતની, પ્રશ્નોત્તરીની વગેરે. વળી ઐતિહાસિક, તુલનાત્મક જેવી અભિગમ-રીતિઓ ને પદ્ધતિઓની પણ અજમાયશ કરવાની થાય. કોઈ વાર એકાધિક પદ્ધતિઓની મદદ પણ મેળવવાની રહે. કેટલીક વાર આંતરવિદ્યાકીય આંતરશાસ્ત્રીય (interdisciplinary) અથવા બહુવિદ્યાકીય અનેકશાસ્ત્રીય (multidisciplinary) અભિગમોનો પણ લાભ લેવાનો થાય. સંશોધનની દડમજલમાં ક્યાં, ક્યારે, કઈ પદ્ધતિનો કે અભિગમનો આશ્રય લેવો તે સંશોધકે નક્કી કરવાનું હોય છે. એમાં સંશોધક જરૂર પડ્યે પોતાના સંશોધનકાર્યના પ્રેરક, માર્ગદર્શક કે નિયામક ઉપરી-અધિકારી કે સાથી કે સહકાર્યકરનાં સલાહસૂચનોનોયે લાભ લઈ શકે છે. ખરો પ્રશ્ન સંશોધનના જે તે મુદ્દાનો પૂરો તાગ લઈ કોઈ યોગ્ય-નિશ્ચિત નિષ્કર્ષ કે તારણ સુધી પહોંચવાનો છે. સંશોધકની સ્વાધ્યાય ને સંશોધન વિશેની નિષ્ઠા જેટલી મજબૂત એટલું એનું સંશોધન સંગીન ને શ્રદ્ધેય બની રહેવાનું.

સંશોધક નિષ્ણાત (‘master’) ભલે એક વિષયમાં હોય; પરંતુ તેને પોતાના વિષય સાથે સંબંધ ધરાવતા અન્ય વિષયોની ખપજોગી જાણકારી હોય તે આવકાર્ય છે. સર્વજ્ઞતા ભલે ન હોય, ‘જૅક ઑવ્ ઑલ’ના જેવી બહુજ્ઞતા કેટલેક અંશે હોય તે ઇષ્ટ છે. એની એવી બહુજ્ઞતા ખાસ કરીને સંશોધનક્ષેત્રે તેના આંતરવિદ્યાકીય આંતરશાસ્ત્રીય કે અનેકવિદ્યાકીય અનેકશાસ્ત્રીય અભિગમમાં ઉપકારક થાય છે. એ રીતે સંશોધકને એના સંશોધન-વિષયને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવા-મૂલવવામાં તે લાભદાયી થાય છે. આજના જ્ઞાનવિજ્ઞાનના વિસ્ફોટના યુગમાં જ્ઞાનવિજ્ઞાનના સીમાડાઓ ઝડપથી વિસ્તરતા ને બદલાતા જોવા મળે છે. તેથી આવા અભિગમોની જરૂરિયાત પણ વધતી જાય છે. જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રવિસ્તાર સાથે જ સંશોધનની પ્રક્રિયા વધુ સંકુલ-જટિલ-ઊંડી અને વ્યાપક બનતી જણાય છે.

સાહિત્યક્ષેત્રે મધ્યકાલીન તેમજ અર્વાચીન યુગના સાહિત્યિક સંશોધનમાં કેટલુંક સામ્ય તો કેટલુંક વૈષમ્ય પણ જોવા મળે છે. જે પ્રકારે મધ્યકાલીન સાહિત્યકૃતિનું પાઠનિર્ધારણના-પાઠસમીક્ષાના સંદર્ભમાં સંશોધન-સંપાદન થાય છે એ પ્રકારે અર્વાચીન સાહિત્યકૃતિનું નયે થાય. મધ્યકાલીન સાહિત્યમાં પાઠનિર્ણયનો મુદ્દો સાહિત્યિક સંશોધનનો એક જુદો જ ખંડ બની રહે છે. વળી લોકસાહિત્ય ને મૌલિક પરંપરાના સાહિત્યને જોવા-તપાસવા માટેના સંશોધનનાં અભિગમ અને પદ્ધતિમાં ખાસ્સો ભેદ જોવા મળે છે. એમાં ક્ષેત્રકાર્ય જેવી પદ્ધતિઓનું ભારે વર્ચસ્ જોવા મળે છે. એવું જ કેટલુંક ભાષા-બોલીના ક્ષેત્રમાંયે જોવા મળે છે. આવાં સંશોધનકાર્યોમાં સંસ્કાર-સંસ્કૃતિના પ્રસ્તાવ-પ્રભાવનો ખ્યાલ પણ ચિત્તમાં રાખવો અનિવાર્ય થઈ પડે છે. સાહિત્યનાં વિષયવસ્તુસામગ્રી, પ્રકાર-સ્વરૂપ, રજૂઆતરીતિ-શૈલી-અભિવ્યક્તિ, પ્રવાહ-પરંપરા ને પ્રયોગો, પ્રભાવબળ, સમસ્યાઓ ને પ્રશ્નો, સાહિત્યકારની વ્યક્તિતા ને સામાજિકતા – આવી આવી તો અનેક બાબતો લઈને સાહિત્યનો સંશોધનકાર પોતાના સંશોધનવિષયના ચલણવલણની; તેનાં મૂળ-ગતિ-દિશાની યથેચ્છ તરતપાસ કરી શકે. આ રીતે સાહિત્યના પ્રબુદ્ધ સંશોધકનાં સંશોધનો જ જે તે સાહિત્યકારનાં પોત ને પ્રતિભા પારખવામાં, જે તે સાહિત્યકૃતિના પ્રયોગને માણવા-પ્રમાણવામાં, સાહિત્યના કારણ-કાર્યબદ્ધ પ્રવાહનું આકલન કરવામાં અને એ રીતે સાહિત્યના ઇતિહાસ તેમ વિવેચનની પ્રવાહ-પરંપરાનો સમુચિત તાગ મેળવવામાં ઉપકારક થઈ શકે. આવું સંશોધન સીધી રીતે સાહિત્યના શાસ્ત્રબોધ તેમજ રસબોધમાં સહાયક થઈ શકે છે. સાહિત્ય-સંશોધન તત્ત્વત:, ડૉ. હરિવલ્લભ ભાયાણી કહે છે તેમ, સત્યની શોધ હોઈ, તેની શ્રેયસ્કરતા તો વિવાદાતીત છે.

ગુજરાતી સાહિત્યમાં સંશોધનપ્રવૃત્તિ : ગુજરાતી સાહિત્યમાં સંશોધનપ્રવૃત્તિનો ઉદય થયો અર્વાચીન કાલમાં, અંગ્રેજોના આવ્યા પછી, અંગ્રેજી ભાષા અને તેના સાહિત્યના સંપર્ક પછી. પશ્ચિમનાં સાહિત્ય-કલા તેમજ સંસ્કાર-સંસ્કૃતિનો સંપર્ક સંશોધનની પ્રવૃત્તિ માટેનું મહત્ત્વનું પ્રેરક ને પરિપોષક બળ બનેલો જણાય છે. જ્ઞાનવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના ગતિવિકાસે માનવજાત અને તેની પ્રવૃત્તિઓને – મનુષ્યના જીવન અને જગતને જોવા-જાણવા-સમજવા માટેની પ્રેરણા અને શક્તિ મનુષ્યને આપ્યાં. જેમ વૈજ્ઞાનિક ક્ષેત્રે સાંગોપાંગ ને પ્રમાણભૂત અધ્યયનના આગ્રહ સાથે જ પ્રાયોગિક કાર્યપદ્ધતિઓનું – સંશોધનમૂલક પદ્ધતિઓનું અવલંબન અનિવાર્ય થતું ગયું તેવું માનવવિદ્યાઓ સમાજવિદ્યાઓના ક્ષેત્રે પણ થયું. સ્વાધ્યાય-સંશોધનના ક્ષેત્રે બૌદ્ધિક-વૈજ્ઞાનિક અભિગમના આગ્રહે, વસ્તુલક્ષી પદ્ધતિએ સત્યનો સાક્ષાત્કાર કરવાના આગ્રહે કે અભિનિવેશે નોંધપાત્ર પરિવર્તન પ્રેર્યું. સાહિત્યમાં શાસ્ત્રીય, તર્કપૂત, વસ્તુલક્ષી સ્વાધ્યાયના અભિગમનો વિશેષભાવે પુરસ્કાર થયો. સાહિત્ય-કલાના પ્રદેશમાં એવાં એવાં સંશોધન માટેનાં ક્ષેત્રો ખૂલતાં ગયાં કે જેમાં સંશોધન આવદૃશ્યક જ નહિ, બલકે અનિવાર્ય બની રહ્યું. આ સંદર્ભમાં લોકસાહિત્ય અને બોલી-ભાષા વગેરેનાં ક્ષેત્રોનો નિર્દેશ કરી શકાય. આ બધાં ક્ષેત્રોમાં હવે એવું ને એટલું કાર્ય થતું રહ્યું છે કે હવે સાહિત્ય સાથે સંલગ્ન છતાં તેમનાં આગવાં ક્ષેત્રોનો સ્વીકાર કરવો પડે. સાહિત્યિક સંશોધનો પણ જેમ જેમ વિકસતાં જાય છે તેમ તેમ પ્રયોગશાળા, કમ્પ્યૂટર આદિ સાથે સંલગ્ન એવી સંશોધનરીતિઓનોયે મહિમા ને આગ્રહ વધતાં જાય છે. ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, પુરાકથાકલ્પવિદ્યા (‘માઇથૉલૉજી’) જેવી અનેક વિદ્યાશાખાઓના વિકાસવિસ્તાર સાથે સાહિત્યિક સંશોધનના ક્ષેત્રે પણ નવાં નવાં પરિમાણો ને દર્શન-દિશાઓ ખૂલતાં જાય છે. સાહિત્યિક સંશોધનના ક્ષેત્રે પિંગળ, કોશવિદ્યા, શૈલીશાસ્ત્ર જેવા વિષયો આ નવા અભિગમોથી ઘણાં લાભાન્વિત થઈ શકે એમ છે.

ગુજરાતીમાં સાહિત્યિક સંશોધન જે અર્વાચીન યુગમાં ઉદ્ભવ્યું ને વિકસ્યું છે તેમાં અંગ્રેજોનાં પ્રોત્સાહન-પુરુષાર્થ જોઈ શકાય છે. કેટલાક અંગ્રેજ અધિકારીઓએ સરકારની સેવા કરતાં કરતાં ભારતની ભાતીગળ સંસ્કૃતિના આદિમ સ્રોતો સુધી પહોંચવાનો ઉદ્યમ આદર્યો. તેમણે જિજ્ઞાસારસ ને કૌતુકરસથી જે જોયુંજાણ્યું તેની નોંધ વગેરે કરવાનું પણ રાખ્યું. એ રીતે કાર્ય કરનારાઓમાં ઍલેકઝાન્ડર ફૉર્બ્સ (ફાર્બસ), આર. એલ. ટર્નર, બીમ્સ, કર્નલ ટોડ, જ્યૉર્જ ગ્રિયર્સન, એલ. પી. તેસ્સીતોરી, મૅક્સમૂલર વગેરે અનેક વિદેશી સંશોધકો-વિદ્વાનોનાં નામો જાણીતાં છે. દલપતરામે ફાર્બસ સાથે સારી એવી સંશોધનયાત્રા કરી હતી. નર્મદેય દયારામ જેવા કવિઓની વિગતો મેળવવા યાત્રા-ભ્રમણ કરેલાં. નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો એકત્ર કરવાનું એને સૂઝેલું. કોશ, પિંગળ, વગેરે માટેય એણે સંશોધનાત્મક પરિશ્રમ કરેલો. પ્રેમાનંદની ‘દશમસ્કંધ’ જેવી કૃતિના સંપાદનકર્મે તેણે મધ્યકાલીન પાઠસંશોધનની દિશા પણ ખોલી આપેલી. એ પછી તો સાહિત્યિક સંશોધનની દિશામાં નાના-મોટા અનેક પ્રયત્નો આજદિન સુધી ચાલતા રહ્યા છે. જૈન, જૈનેતર, પારસી આદિ કોમના અનેક સંશોધકો ગુજરાતને સાંપડતા રહ્યા છે. જોકે ગુજરાતી સાહિત્યમાં સંશોધનનું કાર્ય વ્યક્તિગત ભૂમિકાના મુકાબલે સંસ્થાગત ભૂમિકાએ પ્રમાણમાં વધુ ચાલ્યું હોવાનું જણાય છે. જોકે ઉચ્ચ કેળવણીના અનુષંગે, મહાનિબંધો, લઘુશોધનિબંધો, તપાસનિબંધો વગેરે તૈયાર કરવાના સંદર્ભે, અધ્યયન-અધ્યાપન સાથે સંશોધનકાર્ય પણ ચાલતું રહ્યું છે. એ કાર્યમાં ઇયત્તાના મુકાબલે ગુણવત્તાના પ્રશ્નો પણ આજકાલ ગંભીર બનતા રહ્યા છે.

ગુજરાતી સાહિત્યનો વ્યાપક સંદર્ભમાં વિચાર કરતાં એ ક્ષેત્રે અનેક સંસ્થાઓએ જે ધ્યાનાકર્ષક કામ આપ્યું છે તેમાં કેટલીક ઉલ્લેખનીય સંસ્થાઓ આ પ્રમાણે છે : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (1948, હાલની ગુજરાત વિદ્યાસભા), ફાર્બસ ગુજરાતી સભા (1856), પ્રાચ્યવિદ્યા મંદિર (1893), ગુજરાત સાહિત્યસભા (1904), ગુજરાતી સાહિત્ય પરિષદ (1905), ગુજરાત પુરાતત્ત્વમંદિર (1920-21, ગૂજરાત વિદ્યાપીઠ), ગુજરાત સંશોધન મંડળ (1936), ભારતીય વિદ્યાભવન (1937), પ્રેમાનંદ સાહિત્યસભા (1944), લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર (1957), ગુજરાત સાહિત્ય અકાદમી (1981) વગેરે. આ યાદીમાં જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વગેરેનોયે સમાવેશ થઈ શકે.

વળી ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન સાહિત્યના સંશોધનમાં દલપતરામ (1820-1898), નર્મદ (1833-1886), હરગોવિંદદાસ કાંટાવાળા (1844-1930), ઇચ્છારામ સૂ. દેસાઈ (1853-1912), મ. ન. દ્વિવેદી (1858-1898), કેશવ હર્ષદ ધ્રુવ (1859-1938), અંબાલાલ બુ. જાની (18801942), સી. ડી. દલાલ (1881-1918), મોહનલાલ દ. દેસાઈ (1885-1945), મુનિ જિનવિજયજી (1888-1976), રામલાલ ચુ. મોદી (1890-1949), મુનિ પુણ્યવિજયજી (1895-1971), મંજુલાલ મજમુદાર (1897-1984), મધુસૂદન મોદી (1904-1974), કે. કા. શાસ્ત્રી (1905-2006), દલસુખભાઈ માલવણિયા (1910-1999), કાન્તિલાલ બ. વ્યાસ (1910-1989), ઉમાશંકર જોશી (1911-1988), ભોગીલાલ સાંડેસરા (1910-1995), હરિવલ્લભ ભાયાણી (1917-2000)થી માંડીને જયંત કોઠારી (1930-2001) સુધી અને તે પછીના પણ અનેકોનો ફાળો છે.

ભાષાવિજ્ઞાન અને બોલીના ક્ષેત્રમાં પણ વ્રજલાલ કા. શાસ્ત્રી (1825-1892), નરસિંહરાવ દિવેટિયા (1859-1937), કેશવ હ. ધ્રુવ (1859-1938), પંડિત બહેચરદાસ દોશી (1889-1983), ટી. એન. દવે (1897-1988), કે. કા. શાસ્ત્રી (1905-2006), કે. બી. વ્યાસ (1910-1989), હરિવલ્લભ ભાયાણી (1917-2000), પ્રબોધ પંડિત(1923-1975)થી માંડીને શાંતિભાઈ આચાર્ય (1933), યોગેન્દ્ર વ્યાસ (1940) સુધીના અને તે પછીના પણ કેટલાકનું સંશોધનાત્મક પ્રદાન છે.

લોકસાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં પણ નર્મદ, મહીપતરામ નીલકંઠ (1829-1891), ગોકુલદાસ રાયચુરા (1890-1951), રણજિતરામ વાવાભાઈ મહેતા (1881-1917), દુલેરાય કારાણી (1896-1989), ઝવેરચંદ મેઘાણી (1896-1947), હરિવલ્લભ ભાયાણી (1917-2000), પુષ્કર ચંદરવાકર (1920-1995), કનુભાઈ જાની (1925), શાંતિભાઈ આચાર્ય (1933), જોરાવરસિંહ જાદવ (1940), ભગવાનદાસ પટેલ (1943) આદિ અનેકનું પ્રદાન છે.

અર્વાચીન સાહિત્યના સંશોધન-ક્ષેત્રમાં પણ યુનિવર્સિટી કક્ષાએ તેમજ સ્વતંત્ર રીતે જે કંઈ સંશોધન થયું છે તેમાં સહેજેય ઉમાશંકર જોશી (1911-1988), ભૃગુરાય અંજારિયા (1913-1980), ધીરુભાઈ ઠાકર (1918), જયન્ત પાઠક (1920-2003), રમેશ શુક્લ (1929) અને જયન્ત કોઠારી (1930-2001) જેવાનાં નામો નિર્દેશી શકાય.

વિવિધ રીતે ગુજરાતી સાહિત્યમાં સંશોધનના વિવિધ પ્રદેશોને સમૃદ્ધ કરવામાં ધર્માનંદ કોસંબી (1876-1947), રામનારાયણ વિ. પાઠક (1887-1955), રસિકલાલ છો. પરીખ (1897-1982), હસમુખ સાંકળિયા (1908-1984), હરિપ્રસાદ શાસ્ત્રી (1919), રમણલાલ ના. મહેતા (1922-1997), મધુસૂદન ઢાંકી (1927), નગીનદાસ શાહ (1931), પ્રવીણચંદ્ર પરીખ (1937) જેવા અનેક સંશોધક વિદ્વાનોનો ફાળો રહ્યો છે. પ્રાકૃત-સંસ્કૃત-ઉર્દૂના કેટલાક વિદ્વાનોનો ફાળો પણ ગુજરાતી સાહિત્ય સંશોધન-ક્ષેત્રને પુષ્ટ કરવામાં રહ્યો છે એ જણાવવું જરૂરી છે.

આમ છતાં સાહિત્યિક સંશોધનના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું રહે છે એવો ડૉ. હરિવલ્લભ ભાયાણીનો અભિપ્રાય છે. વળી ગુજરાતીમાં સાહિત્યસંશોધનના ક્ષેત્રે ઉત્તમ સાહિત્યિક પ્રતિભાઓ સક્રિય થાય એવી એમની અપેક્ષા પણ વ્યક્ત થઈ હતી.

સાહિત્યિક સંશોધનનું કાર્ય એવું કાર્ય છે, જેનો આદિ હોય છે પણ અંત તો નહીં જ !

ચંદ્રકાન્ત શેઠ