સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development)
January, 2007
સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development) : ભૌતિક પ્રક્રિયાઓનાં રહસ્યો અને કુતૂહલો જાણવા અને પ્રસ્થાપિત નિયમોને પડકારવા કે પુનર્મૂલ્યાંકન કરવા, જિજ્ઞાસા સાથે કરાતું વ્યવસ્થિત અને તાર્કિક કાર્ય, તેમજ તે દ્વારા મેળવાતો ભૌતિક અને આર્થિક વિકાસનો લાભ.
20મી સદીના શરૂઆતના કાળમાં ‘સંશોધન’ અને ‘સંવૃદ્ધિ’ શબ્દો જે જવલ્લે જ સાંભળવામાં આવતા તે આજે ઔદ્યોગિક જગતમાં સાર્વત્રિક (universal) રીતે પ્રચલિત થઈ ગયા છે; એટલું જ નહિ, પરંતુ પ્રગતિની આલબેલ પોકારતા થઈ ગયા છે. આમ તો જેટલું ‘વિજ્ઞાન’ જૂનું તેટલો જ ‘સંશોધન’નો ખ્યાલ પણ જૂનો; કારણ કે બંને ક્ષેત્રો સંલગ્ન છે. અલબત્ત, વ્યવસ્થિત રીતે મોટા પાયે સંશોધનની જરૂરિયાત 1950 પછી જ મહેસૂસ થઈ. આજે ઘણુંખરું નવા ક્ષેત્રના ઉત્પાદનમાં શરૂઆત જ સંશોધન અને વિકાસના પાયાથી થાય છે. ઘણી-ખરી નવી પ્રક્રિયાઓ અને નવી વસ્તુઓની બાબતમાં આદ્ય સ્થળ (મૂળ) પ્રયોગશાળામાં સ્ફુરેલ વિચાર પછી ‘પાયલોટ’ અને ‘પ્રોટોટાઇપ’ અને ત્યારબાદ શરૂઆતનું ઉત્પાદન (start-up manufacturing) અને છેલ્લે બજારની જરૂરિયાત પ્રમાણે મોટા પાયે વ્યવસ્થિત ઉત્પાદન – એ ક્રમ હોય છે. કોઈ પણ નવી કાર્યપ્રવૃત્તિના મૂળમાં મુખ્યત્વે શોધખોળ (invention) હોય છે. આ શોધખોળ બજારની જરૂરિયાત પ્રમાણેનું સ્વરૂપ લેતી હોય છે. શોધ સંશોધનમાંથી મળે, જ્યાં ધ્યાનપૂર્વક, સાવચેતી સાથે, કેન્દ્રિત થઈને તર્કબદ્ધ પૃથક્કરણો અને વિચારણાઓ કરી તારવણીઓ કાઢવામાં આવે. સંશોધનને બે પ્રકારમાં મૂકવામાં આવે છે – મૂળભૂત સંશોધન (basic research) અને પ્રયુક્ત સંશોધન (applied research).
મૂળભૂત સંશોધનમાં કોઈ ખાસ ધ્યેય કે લાભને લક્ષમાં રાખ્યા વગર માત્ર કુદરતી પ્રક્રિયાઓનું અણઉકેલાયેલું રહસ્ય કે તેમાં છુપાયેલ સત્ય જાણવા માટેનો પ્રયાસ હોય છે. ઔદ્યોગિક સંશોધનક્ષેત્રમાં મૂળભૂત સંશોધનને શુદ્ધ સંશોધન (pure research) કહેવાય છે. પ્રકીર્ણ સંશોધનમાં શુદ્ધ કે મૂળભૂત સંશોધનમાંથી મળેલ તારવણીઓને કોઈ ચોક્કસ હેતુ કે સિદ્ધિ માટે આગળ ધપાવવામાં આવે છે અને છેવટે નવી પ્રક્રિયા કે નવાં સાધનો મેળવી શકવાની ભૂમિકા તૈયાર થાય છે. બધા વિકસિત અને વિકાસવાંછુ દેશો સંશોધન અને વિકાસને આર્થિક વિકાસનો અંતર્ગત (integral) ભાગ ગણે છે અને તે પ્રમાણે આર્થિક આયોજન કરે છે.
સંશોધનનો ઇતિહાસ : એમ મનાય છે કે પશ્ચિમનાં સૌપ્રથમ સંશોધનનો વ્યવસ્થિત ઉપયોગ 1790માં ફ્રાન્સની નવી ક્રાંતિકારી સરકારે બાકીના યુરોપનો સામનો (પ્રતિકાર) કરવામાં કર્યો. જેમાં વિસ્ફોટક ટેટા, ટેલિગ્રાફ, બલૂન દ્વારા નિરીક્ષણ અને સૌપ્રથમ વાર ચોક્કસ અને સાતત્ય ધરાવતા ગુણધર્મોવાળો ‘ગન પાઉડર’ તૈયાર કરવાની બાબતો મુખ્ય હતી. ફ્રાન્સમાં થયેલ આ પહેલ વ્યવસ્થિત રીતે કાયમી ધોરણે આગળ ચાલી નહિ. અર્ધશતાબ્દી પછી નવી શોધખોળની બાબત ખાસ કુશળતા ધરાવતી વ્યક્તિઓ પર આધારિત બની રહી. જર્મનીના રૉબર્ટ ડબ્લ્યૂ. બનસેને સૌપ્રથમ બ્લાસ્ટ ફર્નેસ(પિગ-આયર્ન બનાવવાની ભઠ્ઠી)ની ડિઝાઇન વિકસાવી; ઇંગ્લૅન્ડના વિલિયમ એચ. પર્કિને પ્રયોગશાળામાં રંગો(dyes)નું સંશ્લેષણ શી રીતે થાય તે દર્શાવ્યું અને પછી ઉત્પાદન શક્ય બનાવ્યું; સ્કૉટલૅન્ડના વિલિયમ થૉમ્સને (લૉર્ડ કેલ્વિને) ટેલિકૉમ્યુનિકેશન માટેનાં કેબલ બનાવ્યાં; અમેરિકામાં લિયૉ એચ. બૅકલૅન્ડે સૌથી પહેલું પ્લાસ્ટિક બૅકેલાઇટ બનાવ્યું. જ્હૉન બી. ડનલોપ, સૅમ્યુઅલ મોર્સ અને ઍલેક્ઝાંડર જેવા શોધકો તથા જેમણે વિશેષ પ્રમાણમાં વૈજ્ઞાનિક સમજણને બદલે કુનેહ, કોઠાસૂઝ (intuition) અને વ્યાપારિક કુશાગ્ર બુદ્ધિને લીધે શોધખોળ કરી તેનો લાભ લીધો.
અમેરિકા અને પશ્ચિમ યુરોપના ઘણાખરા દેશોમાં વ્યક્તિ-આધારિત શોધખોળો થઈ રહી હતી ત્યારે જર્મનીએ વિજ્ઞાનમાં રહેલ તકોનો લાભ મેળવવા 1900થી વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે કામ શરૂ કર્યું જેમાં સિમેન્સ, ક્રુપ, ઝેઇસ અને એવાં બીજાં ઉદ્યોગગૃહોએ શરૂ કરેલ પ્રયોગશાળાઓ મુખ્ય હતી. જર્મનીએ 1870માં સમગ્ર દેશ માટે માપણી-ધોરણો પ્રમાણિત કરવા ‘ઇમ્પીરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’ શરૂ કરી. ત્યારબાદ ઉત્પાદક કંપનીઓમાં વૈજ્ઞાનિક બાબતોમાં અરસપરસ સહકાર મળી રહે તે માટે ‘મૅક્સ પ્લૅન્ક સોસાયટી ફૉર એડવાન્સમેંટ ઑવ્ સાયન્સ’ નામની સંસ્થા શરૂ કરી.
અમેરિકામાં 1867માં કેમ્બ્રિયા આયર્ન કંપની અને પેન્સિલવેનિયા રેલરોડ કંપનીએ તેમજ 1878માં એડિસન ઇલેક્ટ્રિક બાઇટ કંપનીએ નાની પ્રયોગશાળાઓ શરૂ કરી. વળી 1901માં (જર્મની પછી 30 વર્ષે) ‘નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝ’ શરૂ કરાયું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું તે પહેલાં અમેરિકામાં સંશોધન પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાનું શરૂ થયું. આ અરસામાં ત્યાંની જનરલ ઇલેક્ટ્રિક, ડ્યૂ પોન્ટ, અમેરિકન ટેલિફોન અને ટેલિગ્રામ, વેસ્ટિંગ હાઉસ, ઈસ્ટમૅન કોડક અને સ્ટાન્ડર્ડ ઑઇલ જેવી કંપનીઓએ પહેલી વાર પ્રયોગશાળાઓ શરૂ કરી. જર્મની સિવાયના યુરોપમાં તો સંશોધનક્ષેત્રે આથી પણ ઓછી પ્રગતિ થઈ હતી. ફ્રાન્સ જે અન્યથા શુદ્ધ વિજ્ઞાનક્ષેત્રે અમુક સમયે આગળ ગણાતું તે ઉદ્યોગમાં વિજ્ઞાનના પ્રભાવની બાબતમાં પાછળ રહ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધે સંશોધનક્ષેત્રે નાટકીય (મોટો-ત્વરિત) ફેરફાર આણ્યો. યુદ્ધની અસરવાળા દેશોમાં શસ્ત્રસરંજામ બનાવતા કારખાનાને વેગ આપવા વૈજ્ઞાનિક સંશોધનની જરૂરિયાત સમજાઈ. ઇંગ્લૅન્ડ(યુ.કે.)માં 1915માં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન ખાતું શરૂ થયું અને અમેરિકામાં નૅશનલ રિસર્ચ કાઉન્સિલ સ્થપાઈ. આ સંસ્થાઓને યુદ્ધને સહાયરૂપ થવા માટે વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન અને જરૂરી સંકલનની જવાબદારી સોંપાઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના દસકામાં ટૅક્નિકલ ક્ષેત્રે મોટો વિકાસ સાધ્યો. ખાસ કરીને ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, રેડિયો રિસીવર અને લાંબા અંતરના ટેલિફોન-ઉદ્યોગોમાં. પરંતુ 1930ની ભયંકર મંદી(great depression)ને લીધે સંશોધનપ્રવૃત્તિમાં કાપ મુકાયો. જર્મનીમાં નાઝી અસર હેઠળ મૂળભૂત સંશોધન પર કાપ મુકાયો અને ટૂંકા ગાળામાં વળતર મળે તે પર ભાર મુકાયો.
બીજા વિશ્વયુદ્ધ પછી એક મોટો વિરોધાભાસ તરી આવ્યો : યુરોપના મોટાભાગના દેશોનાં કારખાનાંઓ બેહાલ સ્થિતિમાં આવી ગયાં, જ્યારે અમેરિકાએ અગાઉ હતી તેના કરતાં ખૂબ મજબૂત સ્થિતિ મેળવી. વૈજ્ઞાનિક સંશોધન વડે તૈયાર થયેલ રડાર ઍટમિક બૉમ્બ અને V-2 રૉકેટને લીધે રાષ્ટ્ર તાકાતવાન બન્યું છે તેવી માન્યતા અમેરિકામાં સામાન્ય પ્રજામાં બંધાઈ.
1945 પછી બધા દેશોમાં વૈજ્ઞાનિકો અને ઇજનેરોની માગ સતત વધતી રહી. અમેરિકામાં ઍરક્રાફ્ટ, સંરક્ષણ, ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટર પર ભાર મૂકવામાં આવ્યો. અલબત્ત બીજા વિકસિત દેશોમાં પણ આ ક્ષેત્રો પર ધ્યાન અપાવાનું શરૂ થયું. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવા દરેક દેશે સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સંશોધન હવે મુખ્યત્વે શસ્ત્રસરંજામને બદલે ઉપભોગની વસ્તુઓ માટે કામે લગાડાયું; અલબત્ત, તે વખતના સોવિયેત યુનિયન સિવાય, ઉપભોગની વસ્તુઓ માટે સંશોધનને પ્રાથમિકતા ન હતી. જાપાનમાં ઍરક્રાફ્ટ અને મિલિટરી અવકાશ-ઉદ્યોગો ન હોવાને કારણે ત્યાં પહેલેથી જ (બીજા વિશ્વયુદ્ધ પછી તુરત) ઉપભોક્તા ચીજવસ્તુઓ જેવી કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ, કૅમેરા, મોટર સાઇકલ અને મોટરકાર વગેરે ઉપર ભાર મુકાયો. તેથી તે નાવીન્ય (innovation), વિવિધતા તેમજ ગુણવત્તામાં પ્રગતિ કરી વિશ્વબજારમાં અગ્રેસર બની શક્યું.
પ્રાચીન ભારતમાં સંશોધન : ભારતમાં તેના પ્રાચીન કાળમાં સંશોધનની ઉચ્ચ પરંપરાઓ હતી. ઔષધિશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રમાં તે વખતના અન્ય દેશો કરતાં ભારત ઘણું આગળ હતું. રોગોને અનુલક્ષીને ઔષધીય વનસ્પતિઓ(medical plants)ને લગતી વિશ્વની પ્રથમ ચર્ચા-પરિષદ ઈ. પૂ. 7મા સૈકામાં હિમાલયક્ષેત્રમાં ભરાયેલ અને તેનું પ્રમુખસ્થાન ભારદ્વાજ ઋષિએ સંભાળેલું. ચરકકૃત ‘ચરક સંહિતા’ની રચના ઈ. પૂ. 900 અને સુશ્રુતકૃત ‘સુશ્રુત સંહિતા’ આશરે ઈ. પૂ. 600માં થઈ હોવાનું મનાય છે. સુશ્રુતે શલ્યચિકિત્સામાં પ્લાસ્ટિક સર્જરી, કપાયેલ નાકની મરામત, સીઝેરિયન ઑપરેશન, સર્જરી માટે 101 પ્રકારનાં ઉપકરણો તેમની સંહિતામાં દર્શાવ્યાં છે.
ભારતની આયુર્વેદપદ્ધતિ ઘણી પુરાણી અને સમૃદ્ધ ચિકિત્સાપદ્ધતિ છે. તેમાં હાલની પાશ્ર્ચાત્ય પદ્ધતિ કરતાં રોગ મટાડવા ઉપરાંત સ્વાસ્થ્ય-જાળવણી ઉપર વિશેષ ભાર મુકાય છે. કોઈ પણ રોગનું મૂળ છેવટે શરીરમાંના વાત (વાયુ), પિત્ત (અગ્નિ) અને કફ(પાણી)માં ઊભા થયેલ અસંતુલન(દોષ)ને કારણે થાય છે તે આયુર્વેદનો સિદ્ધાંત આજે ચિકિત્સાશાસ્ત્રમાં ગણનાપાત્ર બની રહ્યો છે.
ભારતમાં ગણિતશાસ્ત્રના વિકાસનો ઇતિહાસ એ ભારતીયોએ સ્વતંત્રપણે વિકસાવેલ અંકગણિત, ભૂમિતિ, બીજગણિત, ત્રિકોણમિતિ, ઘનભૂમિતિ, ગોલીય ત્રિકોણમિતિ અને ખગોળશાસ્ત્રની વિકાસગાથારૂપ છે. સંખ્યાગણનામાં વૈદિક હિંદુઓએ 10નો આધાર લીધો છે. યજુર્વેદમાં 1012 જેટલી મોટી સંખ્યાનાં નામો એક, દશ, શત, સહસ્ર, અયુત, નિયુત, પ્રયુત, અર્બુદ, ન્યર્બુદ, સમુદ્ર, મધ્ય, અન્ત્ય પરાર્ધ છે. ‘0’નો આવિષ્કાર એ ભારતીય ગણિતની મોટી સિદ્ધિ છે. તે આરબો મારફતે પશ્ચિમમાં ગઈ. પ્રસિદ્ધ ગણિત ફિબોનાકીએ તેની ભારે પ્રશંસા કરી છે.
મોહેં-જો-દડો તથા હડપ્પામાં થયેલ ખોદકામે સિંધુ નદીની સંસ્કૃતિ વિશે સારી એવી માહિતી પૂરી પાડી છે. ખોદકામ દરમિયાન માટીનાં વાસણ પકવવાની ભઠ્ઠી તેમજ તાંબાનાં સંખ્યાબંધ આયુધો, ચૂનાના પથ્થરો, લોહ સ્લેટના પથ્થરો, શિલાજિત, સીસાનાં ખનિજો વગેરે સંખ્યાબંધ વસ્તુઓ મળી આવી છે જે પ્રાચીન લોકોની ધાતુઓ તેમજ ખનિજો અંગેની જાણકારીનો ખ્યાલ આપે છે.
ભારતમાં મૌર્યકાળ એ તેનો સુવર્ણકાળ ગણાય છે. મૌર્ય શાસનકાળ દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિકાસને નવી દિશા મળી. તે દરમિયાન કૃષિવિજ્ઞાન અને ખાણઉદ્યોગ સુદૃઢ બન્યાં. અશોક અને તે પછીના રાજાઓએ શિક્ષણ અને વિજ્ઞાનને ઘણું પ્રોત્સાહન આપ્યું. નાલંદા વિદ્યાપીઠ પાંચમી સદીની શરૂઆતમાં સ્થપાઈ. અહીં દેશ-વિદેશના વિદ્વાનો મળતા અને રહેતા. મૌર્યકાળમાં પ્રૌદ્યોગિકી ક્ષેત્રે જે પ્રગતિ થઈ તેનો ઉલ્લેખ કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથમાં મળે છે. સેનાને ઉપયોગમાં આવે તેવાં યંત્રોની તેમાં ચર્ચા કરવામાં આવી છે. ધાતુવિજ્ઞાન અને ધાતુકર્મના ક્ષેત્રે પણ પ્રગતિ થઈ હતી. લૈરિયા(નંદનગર)માં ઊભો કરાયેલ અશોકસ્તંભ આ પ્રગતિની સાક્ષી પૂરે છે.
મૌર્યકાળ પછીના ગુપ્તકાળમાં કૃષિક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ. પાક, ફળફળાદિ, શાકભાજી, મસાલા વગેરેના વધુ ઉત્પાદન માટે પદ્ધતિસરની પુસ્તિકાઓ તૈયાર થઈ. કૃષિ-ઓજારોમાં લોખંડનો ઉપયોગ સામાન્ય બાબત હતી. લોકો લોખંડ ઉપરાંત તાંબાની મિશ્રધાતુઓનું જ્ઞાન ધરાવતા. મિશ્રધાતુમાંથી લશ્કરી અને બિનલશ્કરી હેતુઓ માટેની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી અને અન્ય દેશોમાં તેની નિકાસ પણ થતી. ગુપ્તકાળમાં શિલ્પકારોએ લોખંડ અને કાંસાની શિલ્પકારીમાં આગવું સ્થાન બનાવ્યું હતું. દિલ્હીમાં મહરૌલી ખાતે લગભગ 400ની સાલમાં લોહસ્તંભ બનાવ્યો, જે તેમની નિપુણતાનો જીવંત દાખલો છે. ગુપ્ત સામ્રાજ્યના પતન (પાંચમી સદીનો ઉત્તરાર્ધ) સાથે વિજ્ઞાનના વિકાસમાં રુકાવટ આવી. લગભગ છઠ્ઠી શતાબ્દીથી સારા શિક્ષણના અભાવે ભારત જાતિપ્રથાઓની ભીંસમાં અને ધાર્મિક રૂઢિઓના પંજામાં પડી ગયું. નિષ્ક્રિયતાએ ભરડો લીધો. દરેક ક્ષેત્રે આક્રમકતાને બદલે સંરક્ષણાત્મકતાની વૃત્તિ વધતી ગઈ.
માનવસભ્યતાના ઇતિહાસની જે પરિપાટી મળે છે તે ઉપરથી જણાય છે કે વિજ્ઞાનની પ્રગતિ ક્યાંય પણ હરહંમેશ એકધારી રહી નથી. એમાં અનેક ચઢાવ-ઉતાર આવતા રહ્યા છે. ભારતમાં આજથી 2000 વર્ષ પહેલાં ગણિતમાં અને 2500 વર્ષ પહેલાં ચિકિત્સાવિજ્ઞાનમાં જે પ્રગતિ થઈ હતી તે ત્યારબાદ ચાલુ રહી નહિ. પ્રાચીનયુગમાં જ્યારે ભારતમાં જટિલ ગણતરીઓ અને સૂક્ષ્મ અન્વેષણો થતાં હતાં ત્યારે યુરોપના લોકો આદિ અવસ્થામાં જીવતા હતા. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે પ્રાચીન ભારત સુદીર્ઘ અને પ્રતિષ્ઠિત વારસો ધરાવવા છતાં મધ્યયુગમાં (પાંચમી સદી પછીના કાળમાં) તેની શિક્ષણ અને સંશોધનની પરંપરા ક્ષીણ થતી ગઈ. આનું મુખ્ય કારણ વિદેશીઓના આક્રમણને લીધે અર્થતંત્ર નબળું પડ્યું અને શિક્ષણની ઉચ્ચ સંસ્થાઓ અને પરંપરાઓ નાશ પામી તે છે. શિક્ષણ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસ માટે સારી ઉચ્ચ શિક્ષણ-સંસ્થાઓ અને પ્રણાલીઓ એ પૂર્વશરત (જરૂરિયાત) છે. નજીકના ભૂતકાળમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં વૈજ્ઞાનિક પ્રગતિને કોઈ ખાસ પ્રોત્સાહન મળ્યું નહિ. બરાબર આ જ સમયે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ અને તેનો પુરબહારમાં વિકાસ થવા લાગ્યો. યુરોપે ખાસ કરીને ઇંગ્લૅન્ડે તેનો ભરપૂર લાભ લીધો. આર્થિક અને રાજકીય વગ વધારીને જે દેશે (ભારતે) એક વખત મેળવેલું હતું તે તેણે ગુમાવ્યું અને જેની પાસે નહિવત્ હતું તેણે શિક્ષણમાં (વિજ્ઞાન અને સંશોધનમાં) પ્રગતિ કરી મેળવ્યું. આ ચક્ર પ્રમાણે ભારત જ્ઞાન-વિજ્ઞાન-ઉદ્યોગ ક્ષેત્રે 21મી સદીમાં ફરી બેઠું થશે અને અગ્રેસર બનશે તે અભિપ્રેરિત છે તેમ મનાય છે.
ભારતમાં સ્વાતંત્ર્યપૂર્વ પરિસ્થિતિ : બ્રિટિશ શાસનકાળ દરમિયાન વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી દ્વારા લોકોની આર્થિક પ્રગતિને વેગ મળે તેવી નીતિ ન હતી. તેમ છતાં, તે સમયે (19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં) પ્રફુલ્લચંદ્ર રૉય, જગદીશચંદ્ર બોઝ, ચંદ્રશેખર વેંકટરામન્, સત્યેન્દ્ર બોઝ, મેઘનાદ સહા, શિશિરકુમાર મિશ્રા જેવા વિજ્ઞાનીઓએ શુદ્ધ (સૈદ્ધાંતિક) વિજ્ઞાનના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો હતો; પરંતુ આ અરસામાં ઉદ્યોગલક્ષી વ્યવસ્થિત વિજ્ઞાનનો અભાવ હતો. તેમ છતાં, પ્રથમ વિશ્વયુદ્ધ(1914-1919)ને કારણે ભારતને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ સ્વનિર્ભર બનવાનું જરૂરી લાગ્યું. તે માટે 1916માં ‘ભારતીય ઔદ્યોગિક આયોગ’ની રચના કરવામાં આવી. 1938માં રાષ્ટ્રીય આયોજનની રચના કરવામાં આવી તેમાં મેઘનાદ સહાના અધ્યક્ષપદ નીચે તકનીકી પેટાસમિતિ બનાવવામાં આવી. આ પેટાસમિતિની ભલામણ-સ્વરૂપે 1942માં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (Council of Scientific and Industrial Research – CSIR) સ્થાપવામાં આવી. આજે 2004માં આ પરિષદ નીચે 40 જેટલી સંશોધનસંસ્થાઓ છે અને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની લગભગ તમામ શાખાઓને સંશોધન માટે આવરી લેવાઈ છે.
સ્વાતંત્ર્યોત્તર સંશોધન : 1947માં ભારત આઝાદ થયું. તેને વિકાસ માટે સંઘર્ષ કરવાનો હતો. યુરોપ, બ્રિટન, કૅનેડા અને ઉત્તર અમેરિકા માટે 20મી સદીનો ઉષ:કાળ આશાઓ સાથે શરૂ થયો. બે વિશ્વયુદ્ધોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનાં વિકાસ તેમજ સંશોધનો માટે સોનેરી તક પૂરી પાડી, જ્યારે ભારત માટે તો હજુ પાપા-પગલી (શરૂઆત) જ થઈ હતી. આઝાદી વખતે ભારતના સંજોગો વિકટ હતા. ગાંધીજીની સ્વરાજની વિભાવના અને નહેરુના આધુનિકવાદ (વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ) વચ્ચે અંતર હતું. કૃષિ અને ઉદ્યોગો એમ બંનેના વિકાસની તાતી જરૂરિયાત હતી. પ્રશ્ન પ્રાથમિકતાનો હતો. નહેરુએ વિજ્ઞાન અને ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું. કૃષિનો વિકાસ જરા મોડો (1960ના અંતમાં) શરૂ થયો, પરંતુ તે ઘણો અસરકારક રહ્યો. જમીનસુધારણા, સિંચાઈ-વ્યવસ્થા, સુધારેલ બિયારણ, વૈજ્ઞાનિક કૃષિપદ્ધતિઓ, યાંત્રિક સાધન-સામગ્રી, જળપ્રબંધન (વ્યવસ્થાપન), રાસાયણિક ખાતરો, કૃષિ-વિષયક સંશોધન અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવા-સંગઠનને કારણે 1968થી હરિયાળી ક્રાંતિનો ઉદય થયો. દેશ અનાજની બાબતે સ્વનિર્ભર થયો. કૃષિવિકાસનું આ મોટું યોગદાન બની રહ્યું. હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ડૉ. એમ. એસ. સ્વામીનાથને લાંબા સમય સુધી અન્ય કૃષિવૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.
સ્વતંત્ર ભારતના શરૂઆતના તબક્કામાં વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને પ્રૌદ્યોગિક કાર્યક્રમોના આયોજનમાં ડૉ. પ્રશાંત મહાલેનોબિસ, ડૉ. હોમી ભાભા, ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગર, ડૉ. દોલતસિંહ કોઠારી અને ડૉ. વિક્રમ સારાભાઈનો ફાળો વિશેષ રહ્યો છે.
સ્વતંત્ર ભારતના શરૂઆતના તબક્કામાં ભારે ઉદ્યોગો પર ભાર મુકાયો જેના પરિણામે ભીલાઈ અને રૂરકેલા સ્ટીલ-પ્લાન્ટો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ (BHEL), હિન્દુસ્તાન મશીન ટૂલ્સ (HMT), ઇન્ડિયન રેર અર્થ (IRE), હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL) જેવા અનેક મોટા પ્લાન્ટો શરૂ કરાયા. આ ઉદ્યોગોએ તે સમયે, જેની આયાત ન કરી શકાય તેવી મહત્ત્વની ચીજવસ્તુઓ(મશીનરી)નું ઉત્પાદન કરીને વિધાયક ભાગ ભજવ્યો.
20મી સદીના ’60ના દાયકાથી રસાયણ-ઉદ્યોગ અને વિશેષત: કૃત્રિમ ખાતર-ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયો છે. કૃત્રિમ ખાતર ઉત્પન્ન કરનાર અગ્રણી દેશોમાં ભારતની પણ ગણના થાય છે. આ ઉપરાંત ઔષધનિર્માણ (pharmaceutical) ઉદ્યોગનો પણ ભારે વિકાસ થયો છે. 1950 પછી ધાતુકર્મીય (metal working) પ્રવૃત્તિને મોટી તક મળી છે. વૈમાનિકી, ન્યૂક્લિયર અને અવકાશક્ષેત્રે પ્રવૃત્તિઓ વધતાં આ ક્ષેત્રે ગુણવત્તાનું ધોરણ વધતું રહ્યું છે. વિસ્તૃત સંશોધનને કારણે વિવિધ હલકી મિશ્રધાતુઓ, ઊંચી તાકાતવાળું પોલાદ, બેરિલિયમ, ટિટેનિયમ, બહુલકો, આસંજકો અને અદ્યતન રૉકેટ-નોદકો વગેરેનો વિકાસ થયો. ઢાળવાની અદ્યતન તકનીકી, શક્તિશાળી ધાતુકીય પ્રક્રિયાઓ અને સૂક્ષ્મ-યંત્રકામ સિદ્ધ થયાં. ભારે રસાયણો, ટર્બાઇન-નિર્માણ, પેટ્રોકેમિકલ્સ તેમજ સિમેંટ-ક્ષેત્રે ભારે પ્રગતિ થઈ.
પરમાણુ–યુગ : ભારતમાં પરમાણુ-યુગના પિતા ડૉ. હોમી જહાંગીર ભાભા ગણાય છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે પ્રવર્તમાન પ્રબંધન-વ્યવસ્થા તેમને આભારી છે. મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR)ની સ્થાપનાથી ભારતમાં નવી નવી પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવી. શક્તિશાળી વ્યક્તિઓને સંશોધનકાર્યમાં તક મળી.
ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિકાસનું મહત્ત્વ જોતાં 1948માં સંસદ દ્વારા કાયદો કરીને પરમાણુ-ઊર્જા-વિભાગની સ્થાપના કરવામાં આવી. પરમાણુ-ઊર્જાનો વિકાસ, નિયંત્રણ અને શાંતિમય હેતુ માટે ઉપયોગ – એ તેનો મુખ્ય ઉદ્દેશ હતો. કૃષિ, ઉદ્યોગો, તબીબી તેમજ અન્ય ક્ષેત્રો જેવાં કે ઍૅટમિક મિનરલ્સ વિભાગ, ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર, યુરેનિયમ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા અને ઇન્દિરા ગાંધી રિસર્ચ સેન્ટર (ચેન્નાઈ) વગેરેમાં અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર)ના ઉત્પાદન અને ઉપયોગો ઉપર ભાર મૂકવામાં આવ્યો. 1956માં ટ્રૉમ્બે ખાતે એશિયાનું પ્રથમ સંશોધન-રિએક્ટર ‘અપ્સરા’ અને ત્યારબાદ બીજાં સંશોધન-રિએક્ટરો શરૂ થયાં. 1969માં તારાપુર ખાતે સમૃદ્ધ યુરેનિયમના ઉપયોગ વડે પ્રથમ પાવર રિએક્ટર અને 2001-2002 દરમિયાન તારાપુર, ચેન્નાઈ, રાજસ્થાન, નરોરા, કાકરાપાર – એમ અનેક સ્થળોએ પરમાણુ-ઊર્જા મથકો સ્થાપી કુલ 11,900 મેગાવૉટ પાવર-ઉત્પાદનનું આયોજન અમલમાં છે.
વિકસતાં રાષ્ટ્રોમાં ભારત એવું પ્રથમ રાષ્ટ્ર છે, જે શાંતિમય હેતુઓ સાથે 1974માં એક અને 1998માં પાંચ સફળ ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણોની સિદ્ધિ ધરાવે છે.
પરમાણુ-ઊર્જાવિકાસ-કાર્યક્રમમાં ભાભા ઉપરાંત વિક્રમ સારાભાઈ, હોમી શેઠના, રાજા રમન્ના, એમ. આર. શ્રીનિવાસન, પી. કે. આયંગર, આર. ચિદમ્બરમ્, અનિલ કાકોડકર વગેરેનું પ્રદાન રહ્યું છે.
અવકાશ–યુગ : ભારતમાં અવકાશ-યુગના પ્રણેતા (પિતા) ડૉ. વિક્રમ સારાભાઈ ગણાય. 1963થી અવકાશ પ્રૌદ્યોગિક વિકાસનો પ્રારંભ થયો. તે વર્ષે થુમ્બા ખાતે ‘થુમ્બા ઇક્વેટોરિયલ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન’ સ્થાપ્યું. 1965માં થુમ્બા ખાતે સ્પેસ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી સેન્ટરની સ્થાપના કરવામાં આવી. 1969માં પરમાણુ-ઊર્જા વિભાગના નેજા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશન(ઇસરો)થી સ્થાપના થઈ. 1972માં સ્વતંત્ર અંતરિક્ષ વિભાગ અને અંતરિક્ષ આયોગની સ્થાપના થઈ. 1980માં અવકાશ પ્રૌદ્યોગિકીનું પૂર્ણ પાયે પરિચાલન કરવામાં આવ્યું. આ સમય દરમિયાન રાષ્ટ્રવ્યાપી સંચારણ અને મોસમ-વિજ્ઞાનને લગતી સેવાઓ આપવા માટે બહુહેતુક ઇન્ડિયન નૅશનલ સેટેલાઇટ-ઇન્સેટ-શ્રેણીની શરૂઆત થઈ. વળી પ્રાકૃતિક સ્રોતો(સંસાધનો)ના સર્વેક્ષણ અને વ્યવસ્થાપન માટે ‘ઇન્ડિયન રિમોટ સેન્સિંગ’ (IRS) શ્રેણીનું પણ પ્રમોચન થયું. 1975માં ઉપગ્રહ ‘આર્યભટ્ટ’નું અને 1981માં પ્રાયોગિક સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘એપલ’નું સફળ પ્રમોચન થયું.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇન્સેટ-પ્રણાલીએ વિશ્વની મોટી ઘરેલુ ઉપગ્રહ-પ્રણાલી તરીકે ઉપગ્રહો ભાસ્કર-I, ભાસ્કર-II અને અદ્યતન આઇ.આર.એસ. ઉપગ્રહોની શ્રેણી તરતી મૂકી. ભારતે ગજું કાઢ્યું છે. તે સંદેશાવ્યવહાર, પ્રસારણ અને મોસમને લગતી સેવાઓ દૂર-દરાજ અને તટીય પ્રદેશોને આપે છે; ઉપરાંત પ્રશાસન, વ્યવસાય અને કમ્પ્યૂટર-સંચાર સેવાઓ માટે તે ઉપકારક બની રહી છે. ઉપગ્રહોને કક્ષા સુધી (અંતરિક્ષમાં) મોકલી ભ્રમણ કરતા કરવા માટે રૉકેટની આવશ્યકતા રહે છે. ભારતે રૉકેટ પ્રૌદ્યોગિકીમાં પણ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી ક્ષમતાવાળા ઉપગ્રહ-પ્રમોચન-વાહનો (sattelite launching vehicles – SLV) જેવાં કે બૃહત્ ઉપગ્રહ પ્રમોચન વાહન (ASLV), ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચન વાહન (PSLV), ભૂસ્થિત ઉપગ્રહ પ્રમોચન વાહન(GSLV)નું ભારતમાં જ નિર્માણ થયું છે.
સૂચના પ્રૌદ્યોગિકી (IT) : તેને ઇન્ફર્મેટિક્સ અને ટેલિમેટિક્સ પણ કહે છે. તેમાં સૂચના-પ્રસારણ માટેની બાબતો (જેવી કે માહિતી, ફાઇલ, પ્રતિબિંબ, ચિત્રો, પાઠ અને ધ્વનિ) તેમજ તેને લગતી બધી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, વીસમી સદીના ઉત્તરાર્ધમાં સૂચના પ્રૌદ્યોગિકીએ ઉદ્યોગો ઉપરાંત પ્રજાની જીવનશૈલીમાં ભારે ક્રાંતિ આણી છે. ઐતિહાસિક રીતે જોતાં કૃષિ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ અને હવે સૂચના-ક્રાંતિ(જેમાં ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટરનો સમાવેશ થાય છે.)નો યુગ ચાલુ થયો છે.
સૂચનાક્રાંતિના મૂળમાં દ્વિ-ચક્રી (0, 1) પદ્ધતિ રહેલી છે. ‘0’ અને ‘1’ વિદ્યુતપ્રવાહની બે સ્થિતિ (બંધ-off, ચાલુ-on) વડે સરળતાથી દર્શાવી શકાય છે. સૂચના પ્રૌદ્યોગિકીમાં સૉફ્ટવેર મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. સૉફ્ટવેર એ સરળ ભાષામાં કહીએ તો સૂચનાઓની તૈયાર કરેલી યાદી છે, જેના દ્વારા હાર્ડવેર(યંત્ર)ને કાર્ય કરવાના આદેશ અપાય છે.
ભારતે સૂચના પ્રૌદ્યોગિક ક્ષેત્રે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. યુ.એસ.ની સિલિકોન-વેલીમાં ભારતીય સૉફ્ટવેર-ઇજનેરો અને સાહસિકોની સંખ્યા આ સિદ્ધિને પ્રમાણિત કરે છે. ભારતસ્થિત કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા તેમજ તેમની ભારતીય ભાગીદારી દ્વારા સંશોધન-પ્રયોગશાળાઓમાં સૉફ્ટવેર ક્ષેત્રે ઉત્તેજનાપૂર્ણ સંશોધનકાર્ય થઈ રહ્યું છે. ITનો પ્રભાવ પ્રત્યેક સંસ્થા, કાર્ય, પ્રક્રિયા ઉપર પડતો હોવાથી સીમાંત લોકો ITનો ઉપયોગ કરતા થશે ત્યારે સૉફ્ટવેર-ઉદ્યોગમાં પ્રવેગી ગતિ આવશે. ઇલેક્ટ્રૉનિક્સ, કમ્પ્યૂટર અને સૉફ્ટવેરના ક્ષેત્રે વિશ્વનાં હાઇ-ટેક શહેરોમાં બૅંગાલુરુ છઠ્ઠું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અલ્લાહાબાદ અને હૈદરાબાદ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી નામની સંસ્થાઓએ પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. IT એ માહિતી-ઉદ્યોગ છે. માહિતી(જ્ઞાન)નો કોઈ વિકલ્પ મળી શકે તેમ નથી.
સંશોધન માટેનાં સ્થળો : સંશોધન માટેની પ્રયોગશાળાઓ કોણ અને ક્યાં ઊભી કરે તે મહત્ત્વનો પ્રશ્ન છે. સંશોધન કરનાર અને કરાવનાર – એ બંને એજન્સીઓ/સંસ્થાઓ જુદી પણ હોઈ શકે. સંશોધન-પ્રયોગશાળાઓ (જેમાં વસ્તુવિકાસ અને કસોટી – એમ બંને માટેની પ્રયોગશાળાઓનો સમાવેશ કરાય.) માટે અનેક વિકલ્પો છે : (1) સરકાર (કેન્દ્ર કે રાજ્ય) પોતે જ પ્રયોગશાળાઓ ઊભી કરે અને પોતાના ખાતાના એક ભાગ તરીકે ચલાવે; (2) સરકાર પ્રયોગશાળા ઊભી કરે, ખર્ચ ભોગવે; પરંતુ ચલાવવા પોતે જુદું સ્વાયત્ત તંત્ર રચે; (3) ઉદ્યોગો પોતાના અંતર્ગત ભાગ તરીકે પ્રયોગશાળા ઊભી કરે અને ચલાવે; (4) ઉદ્યોગો પ્રયોગશાળાઓ ઊભી કરે, ખર્ચ ભોગવે પરંતુ તે માટે જુદી, સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરે; (5) સરકાર ઉદ્યોગગૃહને તેની પ્રયોગશાળામાં સંશોધન માટે પ્રોત્સાહન આપે, તે માટેનો ખર્ચ સંપૂર્ણપણે અથવા તેના ખર્ચનો અમુક હિસ્સો ભોગવે; (6) યુનિવર્સિટીઓ પોતાના ઉચ્ચ અભ્યાસના ભાગ તરીકે સંશોધનકાર્ય કરે, જેમાં સરકાર તરફથી અને/અથવા ઉદ્યોગગૃહો તરફથી તેને આર્થિક સહાય મળે; (7) સરકાર કે ઉદ્યોગગૃહ સિવાયની સ્વતંત્ર સંસ્થા સરકાર કે ઉદ્યોગગૃહ માટે પ્રોજેક્ટ તરીકે સંશોધનકાર્ય મેળવે અને કરે.
આમ, સંશોધનકાર્યના સંચાલન અને વ્યવસ્થાપન માટે અનેક વિકલ્પો છે. જે તે દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ, સંશોધનકાર્યમાં જરૂરી તીવ્રતા, ગુપ્તતા અને સમયબંધી, ઉદ્યોગોનું સ્તર, ઉદ્યોગોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાત, અન્ન-ઉત્પાદનદરમાં વૃદ્ધિની જરૂરિયાત, ઉત્પાદિત માલમાં ગુણવત્તા અને સલામતી સતત વધતી રહે તે માટેની ખેવના એમ અનેક પરિબળો સંશોધનના સંચાલન અને વ્યવસ્થાપનમાં ભાગ ભજવે છે.
વિકસતો દેશ જ્યાં ઉદ્યોગો તેમજ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓની સંશોધનકાર્યની ક્ષમતા નહિવત્ હોય ત્યાં સરકાર પહેલ કરે, માળખું ગોઠવે, ખર્ચ ભોગવે અને દેશની પ્રાથમિકતા નક્કી કરી સંશોધનકાર્ય આગળ ધપાવે. ભારતમાં મોટાભાગની સંશોધન-સંસ્થાઓ આ પ્રકારની છે; જેમાં 1942માં સ્થપાયેલ GSIR નીચે 40 જેટલી પ્રયોગશાળાઓ અને 80 જેટલાં ક્ષેત્ર-કેન્દ્રો (field-centres) છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગ (DST), કૃષિ વિભાગ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ વિભાગ, સંરક્ષણ વિભાગ, બાયૉટૅક્નૉલૉજી વિભાગ, ઊર્જા વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ખાસ સંશોધન-સંસ્થાઓ સ્થપાઈ છે.
વળી 1980થી રાજ્યોમાં સ્ટેટ કાઉન્સિલ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવી છે, જેના દ્વારા જે તે પ્રદેશમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી-વિષયક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે; વિજ્ઞાનને વધુ લોકભોગ્ય બનાવવા અનેકવિધ કાર્યક્રમો હાથ પર લેવાય છે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા અનુદાન મેળવતી હોય તેવી 13 જેટલી વૈજ્ઞાનિક સંશોધનને લગતી સ્વાયત્ત સંસ્થાઓ છે. આ સંસ્થાઓ જુદાં જુદાં સ્થળો, જેવાં કે કોલકાતા, બગલોર, પુણે, તિરુવન્તપુરમ્, લખનૌ, મુંબઈ, દહેરાદૂન, લડાખ અને હૈદરાબાદમાં આવેલ છે તેમજ વિવિધ વિષયો, જેવા કે, જૈવિક (life) વિજ્ઞાન (શુદ્ધ અને પ્રયુક્ત), બાયૉમેડિકલ ટૅક્નૉલૉજી, ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics), દ્રવ્યશાસ્ત્ર, જૈવરસાયણ, બહુલકો (polymers), મોસમવિજ્ઞાન, ખગોળભૌતિકી (astrophysics) અને આકાશી પિંડો (heavenly bodies), પુરાવનસ્પતિ વિજ્ઞાન (palaeobotany), જિયૉમૅગ્નેટિઝમ (પૃથ્વીના અંતરતમ પોપડામાં થતા ભૌતિક ફેરફારો તથા સૂર્ય, પૃથ્વીની આસપાસ તેમજ આંતરગ્રહી અવકાશમાં બનતી ઘટનાઓ), હિમાલયન જિયૉલૉજી, પાઉડર મેટલર્જી અને ઉચ્ચ ગુણધર્મોવાળાં દ્રવ્યો અને તેની પ્રવિધિઓનો વિકાસ વગેરેનું સંશોધનકાર્ય થઈ રહ્યું છે. 4,500 મીટરની ઊંચાઈએ લડાખમાં ખગોલીય વેધશાળામાં 2 મીટરનો પ્રકાશીય ઇન્ફ્રારેડ-ટેલિસ્કોપ છે; જેના દ્વારા તારાઓ અને તારાકીય પ્રણાલીઓને લગતો અભ્યાસ કરવામાં આવે છે.
મોટાભાગનું સંશોધન ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ/યુનિવર્સિટીઓમાં થાય તે સૌથી સારી સ્થિતિ ગણાય. આમાં અનેક લાભો છે – ખર્ચ પ્રમાણમાં ઓછું થાય અને બીજો મોટો ફાયદો એ થાય કે ઉચ્ચ શિક્ષણનું સ્તર સુધરે. અધ્યાપકો સંશોધનપ્રવૃત્તિ સાથે સંકળાય તો સંસ્થા અને વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે. યુનિવર્સિટીને આર્થિક સંકડામણ ઓછી રહે. યુ.એસ., યુરોપ, રશિયા અને જાપાન સિવાયના દેશોમાં શિક્ષણસંસ્થાઓમાં થતું સંશોધન પ્રમાણમાં ઘણું ઓછું છે. વળી તેનું સ્તર પણ હજુ અપેક્ષા પ્રમાણેનું હોતું નથી, તેવો સામાન્ય મત છે.
ભારતમાં 2004 પ્રમાણે આશરે 270 યુનિવર્સિટીઓ, 80 માન્ય (deemed) યુનિવર્સિટીઓ (ખાનગી યુનિવર્સિટીઓ સહિત), રાષ્ટ્રીય સ્તરની 12 સંસ્થાઓ (IIT વગેરે) તથા 11,200 રાજ્ય અને કેન્દ્ર-સંચાલિત કૉલેજો છે. યુનિવર્સિટીઓ શિક્ષણ સાથે સંશોધનનાં પણ ગતિશીલ કેન્દ્રો બની જાય તે માટે ઉચ્ચ શિક્ષણનાં સંચાલન અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સહુ કોઈ પ્રયત્નશીલ છે; પરંતુ તેમાં હજુ ઉચ્ચ શિક્ષણને સંશોધનનો પર્યાય બનાવવાનું ‘break through’ (અપેક્ષિત સફળતા મેળવવાનું) બાકી છે.
સંશોધનમાં ખર્ચ : સામાન્ય રીતે કોઈ પણ દેશ પોતાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ નક્કી કરે છે અને તે પ્રમાણે આયોજન કરી સંશોધન-કાર્યને વેગ આપે છે. સંશોધન માટેનાં પ્રેરક બળોમાં સંરક્ષણ-જરૂરિયાતો, ઔદ્યોગિક અને આર્થિક વિકાસદર, રાજકીય પ્રભુત્વ અને મહત્ત્વ વધારવા(કે ટકાવી રાખવા)ની ઇચ્છા એ મુખ્ય છે. ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં યુ.એસ. અને યુ.એસ.એસ.આર.માં વૈજ્ઞાનિક સંશોધન સંરક્ષણ જરૂરિયાતપ્રેરિત હતું. આજે પ્રાથમિકતા બદલાઈ છે. સંરક્ષણ-સાધનોમાં સતત વિકાસની જરૂરિયાત હોવા છતાં ઔદ્યોગિક અને સમગ્ર આર્થિક વિકાસ અને તે દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સારું સ્થાન મેળવવું તેને પ્રાધાન્ય મળતું જાય છે.
ઔદ્યોગિક વિકાસ અને સંશોધન એકબીજાનાં પૂરક (અને પ્રેરક) છે. વિકસિત દેશોમાં સરેરાશ વાર્ષિક સંશોધન-ખર્ચ તેના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 5 %થી 10 % જેટલો સામાન્ય રીતે રહે છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં આઝાદી પછીનાં છેલ્લાં 55 વર્ષોમાં લગભગ દરેક ક્ષેત્રમાં સંશોધન શરૂ થવા છતાં પણ તે ખર્ચ રાષ્ટ્રના સમગ્ર ઉત્પાદન કિંમતના 1 % જેટલો થવા જાય છે.
સંશોધન જેમ વિકાસને પૂરક છે તેમ શિક્ષણ (ઉચ્ચ શિક્ષણ) સંશોધનને પૂરક છે. શિક્ષણ અને સંશોધન લાંબી તેમજ બહુ ઝડપી નહિ તેવી પ્રક્રિયાઓ છે. ત્યાં ઉતાવળે આંબા પાકે નહિ. સારાં અને નક્કર પરિણામો કોઈ ટૂંકા માર્ગોથી મળે નહિ. મહત્ત્વની વાત છે યોગ્ય દિશા સાથે યોગ્ય વલણની; કોઈના આંધળા અનુકરણ વગર સર્વાંગી અને ટકાઉ (sustainable) વિકાસ સાધવાની.
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ