સંશોધનલક્ષી પ્રાણીઘર
January, 2007
સંશોધનલક્ષી પ્રાણીઘર : સંશોધન માટેના પ્રયોગોમાં ઉપયોગમાં લેવાનાં પ્રાણીઓને રાખવાની જગ્યા. આપણી સામાન્ય સમજ મુજબ પ્રાણીઘર એટલે એવી જગ્યા જ્યાં પ્રાણીઓને રાખવામાં આવે છે અથવા પ્રાણીઓ રહે છે. જેમ માણસ પોતાના રહેવા માટે ઘર બનાવે છે, તેવી જ રીતે પ્રાણીઓ પણ પોતાના રહેવા માટે ઘર બનાવે છે. પ્રાણીઓનાં આ ઘર બે પ્રકારનાં હોય છે. એક જે પાલતુ પ્રાણી માટે હોય છે અને બીજું જેમાં જંગલી જાનવર રહેતાં હોય છે. એમાંનાં કેટલાંકને પક્ષીઘર, કેટલાંકને કૂતરાઘર, કેટલાંકને બતકઘર, તો કેટલાંકને ચામાચીડિયાઘર કહેવાય છે. રહેવા ઉપરાંત ખેતીવાડી અને પશુપાલન માટે પણ પ્રાણીઘરનો ઉપયોગ થાય છે, જેને ‘ગમાણ’ અથવા ‘બાન’ કહેવાય છે.
પ્રાણીઘરનો ઉપયોગ વિજ્ઞાનીઓ પોતાના સંશોધન માટે પણ કરે છે. પ્રયોગ માટેનું આ ઘર થોડું જુદા પ્રકારનું હોય છે. પ્રયોગ માટે જે ઘર વપરાય છે, તેના નિયમો અલગ હોય છે. એવી દરેક સંસ્થામાં જ્યાં પ્રાણીઘર હોય, ત્યાં પ્રાણીઓ માટે એક સમિતિ અથવા મંડળ હોય છે, જેના નિયમો પ્રમાણે પ્રાણીની દેખરેખ માટે પૈસા અને માણસોની ફાળવણી થાય છે.
દરેક પ્રાણીઘરની અલગ અલગ જરૂરિયાતો હોય છે, જે નીચે મુજબ છે :
પ્રાણીઘર અને પ્રયોગની જગ્યા એકબીજાંથી અલગ હોવી જોઈએ અને આ જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવી જરૂરી છે તેમજ તેની સૂચિત માર્ગદર્શિકા હોવી પણ જરૂરી છે.
તાત્કાલિક જરૂરિયાત પ્રમાણે પ્રાણીઘર ખાલી કરી પ્રાણીઓનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા તેમજ તેમને પ્રાથમિક સારવાર આપવાની સગવડ પણ હોવી જોઈએ.
જે વ્યક્તિ નવા પ્રયોગો કરતી હોય તેને પ્રાણીઓની સારસંભાળ માટેનું જ્ઞાન આપવું જોઈએ અને તેની સાથે એક એવી વ્યક્તિ પણ હોવી જોઈએ જે આ બાબતે તે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે.
પ્રાણીઘર પાસે ધૂમ્રપાન કરવાની અને ખાવાપીવાની મનાઈ હોવી જરૂરી છે.
પ્રાણીઘરની નિયમિત સમયે સાફસફાઈ કરાવી, તેના કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જરૂરી છે.
પ્રાણીઘરમાં વપરાતાં સાધનોની સાફસફાઈ અને જાળવણી કરવી જરૂરી છે.
પ્રાણીઘરમાં જે લોકો કામ કરે, તે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. પ્રાણીના રોગ આ કામ કરતા લોકોને ન લાગે તે માટે અમુક ચોક્કસ પગલાં લેવાં જોઈએ, જે નીચે પ્રમાણે છે :
પ્રાણીઘરમાં કામ કરતી દરેક વ્યક્તિએ પોતાની રોગપ્રતિકારક શક્તિ કેળવવા માટે ધનુર અને ટીબીનાં ઇંજેક્શન લેવાં જોઈએ તેમજ જરૂરી રસી પણ નિયમિત લેવી જોઈએ.
પ્રાણીઘરમાં કામ કરતી વ્યક્તિએ હાથનાં મોજાં અને ગાઉન પહેરવાં જોઈએ. સાથે સાથે એ વ્યક્તિએ મોઢા ઉપર માસ્ક અને પગમાં મોટા બૂટ પહેરવાં જોઈએ.
પ્રાણીઘરમાં વપરાયેલાં કપડાં ફેંકી દેવાં જોઈએ અથવા નિયમિત ધોવા નાંખવાં જોઈએ.
પ્રયોગ પછી પ્રાણીના શરીરનાં વપરાયેલાં અંગ અથવા પ્રાણીના મૃત શરીરને વ્યવસ્થિત રીતે બાંધીને લાઇસન્સવાળી સંસ્થામાં બાળવા માટે મોકલી આપવાં જોઈએ.
જે જાનવરોને જંગલમાંથી પકડ્યાં હોય તેમને જ્યાં સુધી પ્રાયોગિક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જીવાણુથી સુરક્ષિત રાખવાં જોઈએ.
પ્રાણીઓના નિષ્ણાત ડૉક્ટરની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ.
અચાનક પ્રાણીનું મૃત્યુ થાય તો તેનું શવપરીક્ષણ તબીબી જાણકાર વ્યક્તિ પાસે કરાવવું જોઈએ.
જો કોઈ પ્રયોગ હાનિકારક નીવડે તો પાંજરાને અને જેમનો ઉપયોગ થયો હોય તેવી બીજી વસ્તુઓને જંતુમુક્ત કરી દેવાં જોઈએ.
પ્રાણીઘર બનાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે :
પ્રાણીનું ઘર જે તે પ્રાણીને ધ્યાનમાં રાખીને તેની જરૂરિયાત મુજબ બનાવવું જોઈએ. પાંજરાની ઊંચાઈ 1.6 મીટરથી વધુ ન હોવી જોઈએ, જેથી કરીને પ્રાણીનો કચરો ત્યાં કામ કરનાર માણસ ઉપર ન ઊડે. વળી પાંજરાની આકૃતિ એવી હોવી જોઈએ, જેથી કરીને ત્યાં કામ કરનાર માણસને ઈજા ન પહોંચે.
પાંજરું કે ખાવાની થેલીઓ જેની વારંવાર જરૂર પડે તે વસ્તુઓને 40-50 સેમી.ની ઊંચાઈએ મૂકવી જોઈએ, જેથી કરીને તેમને લેવા-મૂકવાની મુશ્કેલી ન પડે.
મોટાં જાનવરોની રહેવાની જગ્યા (જેમ કે, બાન અને ગોચર) એવી હોવી જોઈએ કે જેથી ત્યાં પ્રાણીને વધુ પડતાં તાપ અને હવામાન સામે પૂરતું રક્ષણ અને પ્રાણીને મુક્ત રીતે હલનચલન માટે પૂરતો અવકાશ મળી રહે. વળી તેને ખોરાક અને પાણી પણ સહેલાઈથી મળી શકે, એ જોવું જોઈએ.
પ્રાણીઘરનું તાપમાન અને બાફનું પ્રમાણ પ્રાણીને અનુરૂપ હોવું જોઈએ.
પ્રાણીઘરનું તાપમાન 29.4° સે. અને 4.4° સે. વચ્ચે હોવું જોઈએ.
ભેજનું પ્રમાણ 21.1° સે.એ 55.15 ટકા જરૂરી છે.
પ્રાણીઘરની અંદરની હવા સંપૂર્ણપણે બહાર કાઢવી જરૂરી છે અને તે માટે તેમાં બારી અથવા જાળી હોવી જોઈએ, જેથી હવાની અવર-જવર અને અંદરની હવાનું સંપૂર્ણપણે શુદ્ધીકરણ થઈ શકે અને તેથી પ્રાણીના શરીરમાં કોઈ ખંજવાળ અથવા ચળ ન આવે.
નીલમ શાહ