સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training)
January, 2007
સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training) : સંવેદનશીલતાના બે અર્થ થાય છે : (1) મનુષ્ય સહિત સર્વ પ્રાણી-જાતિઓને લાગુ પડતો જૈવ અર્થ, અને (2) માત્ર માનવોને લાગુ પડતો આંતર-વૈયક્તિક અર્થ. પહેલા અર્થ પ્રમાણે સંવેદનશીલતા એટલે મનુષ્યોનાં અને પ્રાણીઓનાં ઉદ્દીપકો ઝીલીને તેમાંથી યથાર્થ સંવેદનો પ્રાપ્ત કરવાની અને તેમાં રહેલા તીવ્રતા વગેરેના સૂક્ષ્મ તફાવતો ઓળખવાની ક્ષમતા કે શક્તિ. બીજા અર્થ પ્રમાણે, સંવેદનશીલતા એટલે વ્યક્તિને અન્ય લોકોની લાગણીઓ પ્રત્યે અત્યંત પ્રતિભાવક્ષમ (responsive) બનાવનારો વ્યક્તિત્વગુણ. પહેલા અર્થમાં, સંવેદનશીલતાનો વિસ્તૃત સૈદ્ધાંતિક અભ્યાસ પ્રાણી-મનોવિજ્ઞાનમાં અને તુલનાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. માનવ-જીવનના વ્યાવહારિક હેતુઓ સિદ્ધ કરવા માટે બીજા પ્રકારની સંવેદનશીલતા વધારે મહત્ત્વની બની રહે છે. જે માણસ અન્ય લોકોની લાગણીઓ, આવેગો, પ્રેરણાઓ કે મનોવલણોને તરત અને સાચા રૂપે ઓળખી લેતો હોય તો એ લોકોની સાથેના સંદેશવહનમાં અને બીજા વ્યવહારોમાં તે માણસ ખૂબ અસરકારક બની શકે છે. તેથી કુટુંબમાં, પડોશમાં, શિક્ષણસંસ્થામાં, કાર્ય કે વ્યવસાયના સ્થળે કે અન્ય નાના-મોટા જૂથમાં અસરકારક માનવસંબંધો માટે સંવેદનશીલતાની તાલીમ વ્યક્તિને ઉપયોગી બની શકે છે.
સંવેદનશીલતાની તાલીમને આપન્ન જૂથ-તાલીમ (encounter group-training) કે ટી-જૂથ-તાલીમ પણ કહે છે. મૂળ એક પ્રયોગ-કાર્યવહી રૂપે દાખલ થયેલો આ કાર્યક્રમ અમેરિકાની નૅશનલ ટ્રેનિંગ લેબૉરેટરીએ વિકસાવ્યો હતો.
એક નાના જૂથમાં સતત ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ કરવાથી વ્યક્તિને જે સઘન આંતરવૈયક્તિક અનુભવ મળે છે તેને લીધે જૂથના બીજા સભ્યોની લાગણીઓ પ્રત્યે વ્યક્તિ વધારે સભાન બને એવી શક્યતા હોય છે. તેની સભાનતા વધે તો તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય છે.
મોટેભાગે, જેઓ એકબીજાને બહુ ઘનિષ્ઠ રીતે ઓળખતા ન હોય એવા દસથી વીસ સભ્યોને જૂથમાં એક સ્થળે ભેગા કરવામાં આવે છે. એક નિષ્ણાત કે ‘સલાહકાર’ તેમને આ કાર્યક્રમનો હેતુ જણાવે છે, પછી તે તેમાંથી ખસી જાય છે અને કાર્યક્રમ દરમિયાન જૂથને તેના કાર્ય વિશે બહુ જ ઓછું માર્ગદર્શન આપે છે. શરૂઆતમાં સભ્યો કંઈક થવાની રાહ જુએ છે, પણ કોઈ પ્રવૃત્તિ શરૂ ન થવાથી આખરે અકળાઈને પોતાનો અસંતોષ અને હતાશા વ્યક્ત કરે છે. એક સભ્યે દર્શાવેલા મંતવ્ય પ્રત્યે બીજો સભ્ય પોતાનો વિરોધ વ્યક્ત કરે છે. આમ, તેમની વચ્ચે વિવાદ અને ચર્ચા શરૂ થાય છે, દલીલો પણ થાય છે. લગભગ દરેક સભ્ય અન્ય સભ્યો વિશે પોતાનો અભિપ્રાય દર્શાવતો જાય છે. તેથી આવા જૂથના દરેક સભ્યને એ પ્રત્યક્ષ જાણવાનું અને સમજવાનું મળે છે કે પોતાના વિશે બીજા લોકો શું વિચારે છે. ઉપરાંત બીજા સભ્યોની લાગણીઓ અને જરૂરિયાતો વિશે પણ તે સભાન બને છે. આમ તેની સંવેદનશીલતાનો વિકાસ થાય છે અને ક્રમશ: બીજા લોકોમાં વધારે વિશ્વાસ મૂકે છે અને તેમની સાથે નવું વર્તન અજમાવી જુએ છે.
આવા જૂથમાં વ્યક્તિએ કોઈ બીજાની ભૂમિકા ભજવવાની હોતી નથી, પોતાનું સ્વાભાવિક વર્તન જ કરવાનું હોય છે; પણ તેનું પર્યાવરણ કંઈક કૃત્રિમ બની ગયું હોવાથી તેણે બીજાઓ વિશેના ખ્યાલો ફરીથી તપાસી જઈ નવી રીતે વર્તન કરતાં શીખવાનું હોય છે. એ રીતે તેને સમજાવા માંડે છે કે જૂથમાં જુદી જુદી વ્યક્તિઓ ખરેખર કઈ રીતે પરસ્પર ક્રિયા કરી રહી છે. આમ સંવેદનશીલતાની તાલીમ મળવાથી વ્યક્તિની પોતાની જાત વિશેની, અન્ય લોકો વિશેની તેમજ જૂથપ્રક્રિયાઓની ઊંડી સમજ મળે છે. આવા જૂથમાં ભાગ લેવાનો અનુભવ પડકારરૂપ કે હતાશ કરનારો હોય તોપણ તે આંતર વ્યક્તિગત પ્રક્રિયાઓ વિશે વ્યક્તિને મૂલ્યવાન શિક્ષણ આપે છે.
આવી તાલીમની કેટલીક મર્યાદાઓ છે : (1) ઘણા માણસો બીજાઓએ કરેલી પોતાની ટીકાથી હદ બહાર ગુસ્સે થઈ જાય છે. તેમને સમયસર રોકવામાં ન આવે તો તેઓ હુમલો પણ કરી બેસે. અતિશય ઉગ્ર રીતે સંવેદનશીલ લોકો માટે આ કાર્યક્રમ અનુકૂળ નથી. (2) કેટલાક લોકો વધુ પડતા નિખાલસ બની જઈ, અજાણ્યા લોકોને ન કહેવા જેવી પોતાની ખાનગી વાતો આવા જૂથમાં જણાવી દે છે.
આવી તાલીમથી જૂથની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે એવું હજુ નિર્વિવાદપણે પુરવાર થયું નથી. તેથી 1960-1970ના દશકોમાં પ્રચલિત બનેલી આ તાલીમ હાલ બહુ વપરાતી નથી.
આ તાલીમને અસરકારક બનાવવા માટે (1) એક અનુભવી પરિપક્વ વ્યક્તિને જૂથના નેતા બનાવવા જોઈએ, જેનામાં તીવ્ર આવેગાત્મક પરિસ્થિતિને પહોંચી વળવાની કુશળતા હોય. (2) જૂથમાં ભાગ લેવાનું ઐચ્છિક હોવું જોઈએ. (3) ભાગ લેનારાઓને કાર્યક્રમમાં ધ્યેયો અને પ્રક્રિયાઓ વિશે પહેલેથી માહિતી આપવી જોઈએ. (4) ઠીક ઠીક સમય પહેલાં, એ લોકોની તાલીમની જરૂરિયાતો કઈ કઈ છે તે શોધી કાઢી તે મુજબ કાર્યવાહી ગોઠવવી જોઈએ.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે