સંવહન-પ્રવાહો (Convection Currents)
January, 2007
સંવહન-પ્રવાહો (Convection Currents) : ભૂમધ્યાવરણના બંધારણમાં રહેલાં દ્રવ્યોની ગતિશીલતા. ભૂપૃષ્ઠમાં ઉદ્ભવતાં અને જોવા મળતાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો માટે ખંડીય પ્રવહન-ભૂતકતી સંચલન, સમુદ્રતળ-વિસ્તરણ તેમજ સંવહન-પ્રવાહો જેવી ઘટનાઓ કારણભૂત હોવાની એક આધુનિક વિચારધારા પ્રવર્તે છે. આ ત્રણેય ઘટનાઓનું સંકલન ‘નૂતન ભૂસંચલન સિદ્ધાંત’માં કરવામાં આવ્યું છે.
1920ના દાયકા દરમિયાન આર્થર હોમ્સે સૂચવ્યું કે ભૂમધ્યાવરણ (mantle) સરખા પ્રમાણમાં ગરમ થતું નથી, તેથી તેના બંધારણમાં રહેલાં દ્રવ્યોનું સંવહન થવાની સ્થિતિ ઉદ્ભવે છે, પરિણામે વર્તુળાકાર ગતિશીલતા ઊભી થાય છે – દ્રવ્યોની આ પૂર્ણ ચક્રરૂપી વર્તુળાકાર ગતિશીલતાને સંવહન-પ્રવાહો તરીકે ઓળખાવાય છે. સંવહન-પ્રવાહોનાં સ્થાન, આકાર અને પરિમાણ સીધેસીધાં નક્કી કરવાનું શક્ય નથી.
1930ના દાયકા દરમિયાન પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગથી જાવા-સુમાત્રાની આજુબાજુના વિસ્તારની વેનિંગ માઇનેઝે (vening meinez) કરેલી ગુરુત્વમોજણીને કારણે સંવહન-પ્રવાહોનો સિદ્ધાંત ઉદભવ્યો. વેનિંગ માઇનેઝને ઊંડાં દરિયાઈ કોતરો પર -Ve ગુરુત્વ અસાધારણતાઓ (-Ve gravity anomalies) જણાઈ. આવી લાક્ષણિક -Ve ગુરુત્વ અસાધારણતાઓ મોટાભાગની સમુદ્રખાઈઓ, કેટલાક ટાપુઓ તેમજ સમુદ્રતલીય ડુંગરધારો(જે ખાઈઓ સાથે સંકળાયેલી હોય છે.)માં પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપલબ્ધ માહિતીને આધારે માઇનેઝે સૂચવ્યું કે ઓછી ઘનતા ધરાવતા પોપડાના ખડકો વધુ ઘનતા ધરાવતા ભૂમધ્યાવરણમાં લાંબા વિભાગો કે ફાચરો રૂપે (elongated pockets) વિસ્તરેલા છે. આવી વિભાગીય ફાચરો 50-80 કિમી.ની ઊંડાઈવાળી તથા 50-160 કિમી.ની પહોળાઈવાળી છે. સંવહન-પ્રવાહોને કારણે ઓછી ઘનતાવાળા પોપડાના ખડકોનું ‘ટેક્ટોજન(Tectogene)’ના નિર્માણ માટે ભૂમધ્યાવરણમાં અધોગેડીકરણ થયેલું છે. આ અધિતર્ક પ્રમાણે, જે વિસ્તારમાં સંવહન-પ્રવાહના બે એકમો અભિમુખ બને છે (સામસામે આવે છે) તે વિસ્તારના પોપડાનો ભાગ નીચે તરફ ‘ટેક્ટોજન’ રૂપે ભૂમધ્યાવરણમાં ખેંચાય છે, અર્થાx ખેંચાતા પોપડાનો તે ભાગ ભૂમધ્યાવરણમાં આત્મસાx થતો જાય છે. આ જ પ્રમાણે ઊંડાણમાં ઉદ્ભવતા સંવહન-પ્રવાહોના બે એકમો સમુદ્રતલીય પોપડા નીચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે સમુદ્રથાળાના ત્યાંના તળનું વિસ્તૃતીકરણ થાય છે અથવા ફાટવાની ક્રિયા બને છે. પૃથ્વીની સપાટીથી 100 કિમી.ની ઊંડાઈએ કાર્યરત આ પ્રકારના સંવહન-એકમો કિરણોત્સારી ખનિજોની વિભંજન-ક્રિયા(disintegration)ને કારણે ઉદ્ભવે છે. આ અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ ગણતરી મૂકી છે કે ભૂમધ્યાવરણની સંવાહકતા પ્રતિવર્ષ 1 સેમી.ના દરથી થતી રહે છે.
વ્રિજવિહારી દી. દવે