સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV)
January, 2007
સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV) : ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રમોચન વાહન (Satellite Launch Vehicle SLV-3)ની ક્ષમતા વધારીને તૈયાર કરવામાં આવેલું પ્રમોચક વાહન (Augmented Satellite Launch Vehicle ASLV).
ઉપગ્રહ પ્રમોચન વાહન (SLV3) 40 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. તેની સરખામણીમાં ‘સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન’ 150 કિગ્રા. વજનના અંતરીક્ષયાનને 400 કિમી. ઊંચાઈએ લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેેપિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેની વિગતો નીચે પ્રમાણે છે :
ઉપગ્રહ પ્રમોચન વાહન (SLV-3)ના પહેલા તબક્કાની બંને બાજુ પર એક, એક વધારાનું બુસ્ટર (booster) રૉકેટ જોડીને આ સંવર્ધિત વાહન તૈયાર કરવામાં આવ્યું છે. તેની ઊંચાઈ 23.5 મીટર છે અને કુલ વજન 39 ટન છે. બુસ્ટર રૉકેટ સાથે તેના કુલ પાંચ તબક્કા છે. આ બધા તબક્કા ઘન બળતણ (propellant) વડે કાર્ય કરે છે.
સંવર્ધિત પ્રમોચક વાહનના પહેલાં બે પ્રયોગાત્મક ઉડ્ડયનો સફળ થયાં નહોતાં; પરંતુ, ત્યારપછીનાં 20 મે, 1992 અને 4 મે, 1994નાં ઉડ્ડયનો સફળ થયાં હતાં અને તે દ્વારા SCROSS-C અને SCROSS-C2 નામના ઉપગ્રહો નિર્ધારિત કક્ષામાં પ્રક્ષેપિત કરાયા હતા. ત્યારપછી, આ વાહનનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો અને તેને બદલે ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન (Polar Satellite Launch Vehicle – PSLV)નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
પરંતપ પાઠક