સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’ ગ્રંથમાં જણાવ્યા છે. ‘જ્ઞાન રત્નકોશ’ ગ્રંથમાં 32 પ્રકાર જણાવ્યા છે. 32મી રાજવદ્ધિની નામની સંવરણા 129 અંડકની કહી છે. એકસો એક ઘંટા સુધીની તે જોવા મળે છે. સંવરણાનો બીજો પ્રકાર તે ત્રિસટા છે. ઓડિશામાં તે વિશેષ જોવામાં આવે છે. ત્રિસટા એ સંવરણાનું નાનું સ્વરૂપ છે. મુખ્ય ઘંટિકાને ફરતે ચાર ચાર તિલક ઘંટિકા દરેક થરે વધતી હોય છે. સૌથી નીચેના થરે ચાર ખૂણે ચાર ફૂટ હોય છે. ઉરુઘંટા ઉપર હાથી અને સિંહોનાં શિલ્પ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે પુષ્પિકા નામની પ્રથમ સંવરણાનું આયોજન આ રીતે જણાય છે. 1 મૂલઘંટિકા, 4 ઘંટિકા, 16 ફૂટ (દરેક ખૂણે ચાર ચાર) 8 સિંહ (દરેક બાજુ બે).

થોમસ પરમાર