સંવનન (courtship)
January, 2007
સંવનન (courtship) : પ્રજનનાર્થે દ્વિલિંગી પ્રાણીઓના નર અને માદા પ્રજનકો એકબીજાના સંપર્કમાં આવે એ હેતુસર તેમને આકર્ષવા માટેની કુદરતી સંઘટનાત્મક કાર્યવિધિ.
મૃત્યુ એક અનિવાર્ય ઘટના હોવાથી વંશવેલો ચાલુ રાખવા સંતતિનું નિર્માણ થાય તે આવદૃશ્યક છે. એક જ જાતના નર અને માદા સભ્યો એકઠાં થતાં સંગમ(mating)ના પરિણામે જનનકોષોના યુગ્મનથી નવી પ્રજા અસ્તિત્વમાં આવે છે.
એક જ જાતનાં નર અને માદા દેખાવે એકસરખાં હોય કે ન પણ હોય. જો દેખાવે સરખાં ન હોય તો કેટલાકમાં સંવનનકાળના આગમન પૂર્વે નર અને માદા વચ્ચે રંગરૂપ બદલાઈ જાય છે; દાખલા તરીકે હરણમાં પ્રજનનકાળ દરમિયાન નરમાં મૃગ શૃંગો (antlers) નિર્માણ થાય છે અને પ્રજનનકાળ બાદ તેઓ ખરી પડે છે. સ્ટિકલ-બક માછલી સંવનનકાળ દરમિયાન પાણીમાં માળા બાંધી માદાને માળામાં ઈંડાં મૂકવા પ્રેરે છે. મોર અને ઢેલ જન્મે દેખાવે ભિન્ન હોય છે. માનવ સહિત ઘણાં પ્રાણીઓમાં દેખાતી આ ભિન્નતા લૈંગિક વિભિન્નતા (sexual dimorphism) તરીકે જાણીતી છે. દ્વિરૂપી મોર અને ઢેલ વચ્ચે આકર્ષણાર્થે મોર પોતાનાં પીંછાંને પ્રસારીને મોહક દૃદૃશ્ય ઉપજાવે છે અને ટહુકાર વડે ઢેલનું ધ્યાન ખેંચે છે.
રાસાયણિક ગંધ-સંકેત (દા.ત., કેટલાક કીટકો) તથા જૈવિક પ્રકાશ દ્વારા (દા.ત., આગિયા) પણ સંવનન-સંકેત અપાય છે. પરિણામે યોગ્ય નર તરફ માદા આકર્ષાય છે. આ પરિસ્થિતિમાં શરૂઆતમાં નર ખૂબ આક્રમક રહે છે તેથી કદાચ માદાને બદલે તે જ જાતિનો અન્ય નર નજીક આવે તો બંને વચ્ચે ધમકીભર્યો (threat) વર્તાવ જોવા મળે છે. પરિણામે એક નર ચાલ્યો જાય છે. (દા.ત., બે આખલા, કૂકડા, કૂતરા વગેરે). જો પ્રજનનક્ષમ માદા નર પાસે આવે તો બંને વચ્ચે જોડી (pairing) બંધાય છે અને સાથે રહે છે. કેટલાંક પ્રાણીઓની જોડી સંગમ (mating) સુધી કે સંગમઋતુ (mating season) સુધી કે લગભગ આજીવન (દા.ત., સારસ) બની રહે છે. જ્યારે જોડી બનવાની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં માદા તરફથી આનાકાની થતી જોવા મળે છે, જે અંતે જોડી બાંધવામાં પરિણમે છે. જોડી બંધાયા પછી સંવનનને લગતી ક્રિયાઓ વધુ ને વધુ થતી જોવા મળે છે. કેટલીક જાતિઓમાં જોડી બન્યા પછી માદા આક્રમક મિજાજમાં રહી નર પર શાસન કરે છે. સામાન્ય રીતે સંવનનની શરૂઆત લગભગ બધી જાતિઓમાં આક્રમણ અને બચાવ એવી સામસામેની નટખટ કે ચુલબુલી પ્રવૃત્તિથી થાય છે. નરની આક્રમણખોરીથી માદા બચાવ કરી ભાગવાની છટાને નર ધીરે ધીરે શાંત કરે છે. સંવનનક્રિયાની પ્રગતિનો આધાર બંને સાથીઓ એકબીજાંને કેટલાં ઉત્સાહિત કરી શકે તે પર તથા આસપાસની પરિસ્થિતિ વગેરે પર અવલંબે છે.
પ્રજનન ઋતુ દરમિયાન સંવનનપ્રક્રિયાના ભાગ રૂપે તળાવમાં ટોળાબંધ તરતી નીલશિર(mallard)માં કેટલીક એકબીજાં પર હુમલો કરતી જોવા મળે છે. તેમાં ગરદન સંકોરીને તરતો લીલા માથાવાળો નર શરીરને વારેઘડીએ થરથરાવતો દેખાય છે. ટોળામાં આંતરિક તણાવ વધતાં નર પાણીમાં શરીરનો આગળનો ભાગ ઊભો કરી માથાને આગળ-પાછળ ડોલાવવાનું શરૂ કરે છે. ક્યારેક તે ચાંચ પાણીમાં પછાડી તરત બહાર કાઢે છે. પછી ચાંચને છાતી સરસી દાબી રાખી ધીરે ધીરે શરીરને પાણીમાં ડૂબેલું રાખવા લાગે છે. એ સાથે ધીરે સાદે સંવનન-પોકાર કરવાનું ચાલુ કરે છે. ત્યારબાદ ગરદનને કમાનાકાર કરી માથાને ઉપરની તરફ ઝટકો દેવાનું ચાલુ કરે છે. જ્યારે જ્યારે નજીકમાં માદા નીલશિર બતક ફરતી દેખાય ત્યારે નર તેનું ધ્યાન ખેંચવા શરીરને ટટ્ટાર કરી પૂંછડીનાં પીંછાંને પંખાની જેમ ફેલાવી તેમાંના જાંબુડા રંગની ટપકીલી ભાતને ખુલ્લી કરે છે. ત્યારબાદ નર માથું અને ડોક નીચી કરી પાણીની સપાટીની નજીક લાવે છે અને માદાની આસપાસ પાણીમાં ચકરાવા લેવાનું ચાલુ કરે છે. શરૂઆતમાં માદા લગભગ નિષ્ક્રિય રહેતી નરને અનુસરી તરવા લાગે છે. આ સાથે માદા માથાને આગળ-પાછળ તથા ડાબી-જમણી તરફ હલાવવાનું ચાલુ કરે છે. આ વર્તનની સાથે સાથે ક્યારેક નર પર માદા થોડીક આક્રમક થતી પણ જોવા મળે છે. આ પ્રમાણે નર અને માદા એકદમ નજીક આવતાં આ સંક્રિયતા (activity) સંગમ(mating)માં પરિણમે છે.
આમ સંવનનનાં લાંબાં ક્રમિક પ્રદર્શનો જાતિને વિયોગાત્મક પ્રક્રિયા (isolating meachanism) પ્રદાન કરે છે. સામાન્યપણે આ સંવનનક્રિયા દરમિયાન જોવા મળતી વિવિધ ક્રિયાઓ; જેવી કે, સ્થિતિનિર્ધારણ (orientation), નર-માદાની ક્રિયાઓનું સંકલન (synchronization), અનુનય (persuation) અને તુષ્ટીકરણ (appeasement) વગેરે એક જ જાતનાં નર અને માદા પૂરતું મર્યાદિત હોય છે. આમ આ પ્રજનનિક વિયુક્તિ(reproductive isolation)ના પરિણામે જાતિનું અસ્તિત્વ જળવાઈ રહે છે. જોકે કેટલીક વાર એક જ પ્રજાતિ(genus)ના બે જાતના નર અને માદા વચ્ચે સંગમ જોવા મળે છે; પરંતુ જન્મેલું બાળક વંધ્ય હોય છે. દાખલા તરીકે ઘોડા અને ગધેડીના સંગમથી વંધ્ય ખચ્ચર જન્મે છે.
નજીક નજીકનાં (homologue) પ્રાણીજૂથોમાં કેટલાંક પાયાનાં સંવનન-પ્રદર્શનો સરખાં હોય છે; પરંતુ દરેક જાતિના નરનાં પીંછાંના રંગ જુદા જુદા હોવા છતાં પોતાની જાતિના નરને ઓળખવામાં ભૂલ કરતી નથી. ઘરચકલી(passerine)નાં કુળનાં પંખીઓમાં કેટલાંક સંવનન-પ્રદર્શનો જેવાં કે ચાંચ ઊંચી કરવી, પીંછાં ઠીકઠાક કરી (બનીઠની) ફુલાવી ચાંચ નીચી કરવી, પાંખ કે પાંખો ફફડાવવી વગેરે સામાન્ય છે; પરંતુ બે જાતિઓ વચ્ચેના ભેદ સ્પષ્ટ ન હોય તો સંકરણ થઈ શકે. તેથી કોઈ પણ બે જાતિઓ નીચેના મુદ્દાઓ પર એકબીજીથી અલગ પડી જતી હોય છે :
(1) પીંછાં, ચામડી કે શરીરના અન્ય અંગના રંગ જુદા જુદા હોવાથી;
(2) સંવનનની ક્રિયાઓ દરમિયાન શારીરિક અંગભંગિઓ અને તેમનાં વિવિધ પ્રદર્શનોમાં જોશનું સ્તર;
(3) સંવનન દરમિયાન કેટલીક ક્રિયાઓની આવૃત્તિ (frequency) અને જોશ તેમજ
(4) સંવનન દરમિયાન પેદા કરાતા અવાજનું સ્તર.
પ્રાણીઓમાં દેખાડો કરવાની વૃત્તિ (agonistic behaviour) જન્મજાત છે અને તેનો સંવનન-પ્રદર્શન-ક્રિયામાં પ્રવેશ થયેલો જણાય છે. હકીકતમાં અમુક પક્ષી-જાતિઓમાં [દા.ત., થરથરો (Redstart)] જોડી બંધાવા માટેની કોઈ ખાસ સંવનન-ક્રિયાઓ જોવા મળતી નથી. પરંતુ એકબીજા સાથેનો લડાઈનો વ્યવહાર અને દેખાડો કરવાની પ્રવૃત્તિ વડે જોડી બનતી જોવા મળે છે. કેટલાંક સસ્તનોમાં પણ નર હુમલાનો દેખાવ કરે ત્યારે માદા જો કામોત્તેજનામાં ન હોય તો તેને ખરેખર હુમલો જાણી છટકી જાય છે, પરંતુ જો કામોત્તેજિત હોય તો નરને સાથી તરીકે સ્વીકારે છે.
એક વાર નર-માદાની જોડી પાકી બંધાઈ જાય પછીની ક્રિયાઓ સમાગમને લગતી જોવા મળે છે. નર માદાને માળો બનાવવાની વસ્તુઓ કે ખોરાક (દા.ત., માછલી) ભેટ ધરે છે; જે માળો બાંધવાની કે બચ્ચાં તથા માદાને ખોરાક પૂરો પાડવાની પ્રક્રિયાની પ્રતીતિ કરાવવા માટે પ્રતીકાત્મક ચેષ્ટા હોય છે. માદા નર પાસે માળો બનાવવાની વસ્તુઓ કે ખોરાકની યાચના (begging) કરતી જોવા મળે છે, જે માદાની બાલસંવર્ધનલક્ષી ભાવના(kind of infantilism)ની પ્રતીતિ કરાવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ નર-માદાની જોડીને મજબૂત રીતે બાંધવાનું કાર્ય કરે છે. પાલતુ મરઘાઓમાં પણ આ પ્રકારનું વર્તન જોવા મળે છે.
બાળસંભાળ (parental care) : સંવનનનો હેતુ જૈવ-પ્રજાતિ(race)નું સાતત્ય (continuity) જાળવવાનો હોવાથી ઘણાં પ્રાણીઓ વંશવેલો સાચવવા બાળસંભાળનો પ્રકૃતિધર્મ અપનાવે છે; દાખલા તરીકે મોટાભાગનાં પક્ષીઓ ઈંડાંના સેવન ઉપરાંત સ્વતંત્રપણે જીવન પસાર કરવાની ક્ષમતા ધરાવે ત્યાં સુધી બચ્ચાંને સાચવે છે. વીંછી પોતાનાં બચ્ચાંને પોતાની પીઠ પર રાખી તેમની સંભાળ રાખે છે. મોટાભાગનાં પક્ષીઓ અને સસ્તનો ઉપરાંત અન્ય પ્રાણીઓમાં બાળસંભાળની પ્રવૃત્તિ અમુક સમય પૂરતી મર્યાદિત હોય છે.
ઘણાં પ્રાણીઓ હજારો (દા.ત., દેડકાં) અને માછલીઓ (દા.ત., બાંગડા) લાખોની સંખ્યામાં ઈંડાં મૂકતી હોય છે. યોગ્ય સંભાળના અભાવે મોટાભાગનાં ઈંડાં નાશ પામે છે. વળી તેમાંથી જન્મેલાં બચ્ચાંમાંથી અનેક બીજાં પ્રાણીઓનાં ભક્ષ્ય બને છે.
વિનોદ સોની