સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર)
January, 2007
સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર) (જ. 26 જૂન 1933, વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને વિવેચક. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ અને હિંદીમાં એમ.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી ભાષાપ્રવીણ અને કાકટિય યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ જટિયા સાહિત્ય પરિષદના પ્રમુખ; આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમીના સંશોધન-સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે અત્યાર સુધીમાં તેલુગુમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હદ્ગીતા’ (1954); ‘આનંદલહરી’ (1956); ‘ચેતનાવર્તમ્’ (2 ભાગમાં 1967, 1968); ‘અંતરમથનમ્’ (1991) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘મન કવુલુ’; ‘પંડિતુલુ’; ‘રચયિલલુ’ (1970); ‘પૂર્વકવુલા કાવ્ય દ્ક્પિથલુ’ (1990); ‘કાવ્યમ્ કવિ સ્વમ્યમ્’ (1995) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. તે ઉપરાંત ‘આધુનિક તેલુગુ સાહિત્યવિમર્શ : સાંપ્રદાયિક રીતિ’ (1981) તેમનો સંશોધનગ્રંથ છે. તેમણે તેલુગુમાં સંખ્યાબંધ ઉત્કૃષ્ટ કોટિના ગ્રંથોનું સંપાદન કર્યું છે અને પ્રબંધો અનૂદિત કર્યા છે.
તેમને 1992માં દશરથી લિટરરી ઍવૉર્ડ; 1993માં ભાગ્ય લિટરરી ઍવૉર્ડ અને 1995માં તેલુગુ યુનિવર્સિટી બેસ્ટ લિટરરી ક્રિટિસિઝમ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા