સંતાકૂકડી
January, 2007
સંતાકૂકડી : સંતાઈ ગયેલા બાળકને શોધવાની એક ભારતીય રમત. બાળક જ્યારે સમજણું થાય છે ત્યારે મા પોતાના બાળકને ઘરમાં એકલું મૂકીને બારણાં, સોફા કે તિજોરી પાછળ સંતાઈ જાય છે, પછી ‘કૂકડે કૂક’નો અવાજ કરીને પોતાને શોધવા માટે જણાવે છે અને બાળક પણ અવાજ આવે તે દિશામાં જઈને પોતાની માતાને શોધી કાઢે છે. આ રીતે સંતાઈ જવાની અને શોધવાની રમતને ‘સંતાકૂકડી’ કહેવામાં આવે છે. જોકે બાળકો રમત રમે છે તેમાં અવાજ કરવામાં આવતો નથી.
સામાન્યત: સંતાકૂકડીની રમત 8થી 15 વર્ષનાં છોકરા-છોકરીઓમાં રમાય છે. સંતાકૂકડીની રમત મોટેભાગે પોળો-શેરીઓ કે લત્તાઓમાં જ્યાં ઘરો અડોઅડ હોય ત્યાં મુખ્યત્વે રમાતી જોવા મળે છે.
આ રમતમાં રમનારની સંખ્યા નક્કી હોતી નથી. એક જણ દાવ આપે છે અને બાકીના રમનાર અલગ અલગ જગાએ સંતાઈ જાય છે. સૌપ્રથમ દાવ કોણ આપશે તે દાવ પકવવાની ખાસ પદ્ધતિ દ્વારા નક્કી કરાય છે. દાવ આપનાર દીવાલ તરફ મોં રાખીને હાથ આંખો ઉપર રાખીને એકથી પચાસ સુધીના આંક મોટેથી બોલશે. ત્યાં સુધીમાં તમામ રમનારાઓ અલગ અલગ જગ્યાએ સંતાઈ જશે. પચાસનો અંક બોલીને દાવ આપનાર સંતાયેલા રમનારાઓને શોધવા માટે જાય છે. નક્કી કરેલ સંખ્યા મુજબ જ્યારે રમનાર પકડાઈ જાય ત્યારે તેના માથે દાવ આવે છે. કુલ સંખ્યાની અડધી સંખ્યા ઉપરાંત વધારાનો એક રમનાર જ્યારે પકડાઈ જાય ત્યારે તેના માથે દાવ આવે છે. દા.ત., રમનારા કુલ 10 હોય તેમાંથી પાંચ પકડાયા પછી વધારાનો છઠ્ઠો રમનારો પકડાઈ જાય ત્યારે તેને માથે દાવ આવે છે. તે વખતે અવાજ કરીને બાકીનાઓને બહાર બોલાવી લેવામાં આવે છે. નવો દાવ આપનાર 1થી 50 બોલે ત્યાં સુધીમાં બધાં ફરી સંતાઈ જાય છે. આમ, રમતનું સાતત્ય જળવાઈ રહે છે. છોકરાંઓ સામાન્યત: ઘરની દીવાલો, બાથરૂમ, નાના ઓરડાઓ, છજાંઓમાં કે બારણાં પાછળ સંતાઈ જતાં હોય છે. સંતાકૂકડીની રમત સાત-આઠ ઓરડાવાળાં મોટાં ઘરોમાં તથા બાગ-બગીચાઓમાં પણ રમી શકાય છે.
આ રમતના નિયમો : (1) દાવ આપનારે સંતાયેલાનું નામ બોલીને માર કરવાનો રહે છે. (2) દાવ આપનાર સંતાયેલાનું નામ ખોટું બોલ્યો હોય તો નવેસરથી દાવ આપવાનો રહે છે. (3) રમત દરમિયાન નવો રમનાર આવે તો તેને માથે દાવ આવે છે. દાવ આપીને જ તે રમતમાં દાખલ થઈ શકે છે. (4) નવો દાવ શરૂ થાય તે પહેલાં રમનાર રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. (5) રમત ચાલુ હોય ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકાતી નથી. (6) જેના માથે દાવ આવ્યો હોય તે નિવૃત્તિ જાહેર કરી શકતો નથી. (7) સમય પૂરો થતાં બીજા દિવસે રમત ચાલુ રહે છે અને છેલ્લે જેના માથે દાવ હોય તે બીજા દિવસે દાવ આપે છે. રમત દરમિયાન રમનારાઓ દાવ આપનારને ગેરમાર્ગે દોરવા માટે પોતાનાં ખમીસ, જર્સીની અદલાબદલી કરતા હોય છે, જેથી દાવ આપનાર ખમીસ, જર્સીના રંગ ઉપરથી નામ બોલતાં ભૂલ-થાપ ખાય.
કોઈ પણ જાતના ખર્ચ કે સાધનો વગર આ રમત બાળકો ખૂબ ઉલ્લાસથી રમી શકે છે.
હર્ષદભાઈ ઈ. પટેલ