સંચિત મૂડી (Reserve Capital)
January, 2007
સંચિત મૂડી (Reserve Capital) : કંપનીએ બહાર પાડેલી મૂડી(issued capital)માંથી શૅરહોલ્ડરોએ ભરવાપાત્ર મૂડી(subscribed capital)ના જે શૅરો હોય તેમની પૂરેપૂરી દર્શાવેલી રકમ (face value) ન મંગાવતાં સંચાલકો આંશિક રકમ જ મંગાવે તેવા સંજોગોમાં નહિ મંગાવેલી મૂડી (uncalled capital). મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ શૅરહોલ્ડરો પાસેથી મૂડી એકત્રિત કરે છે. તેની પ્રક્રિયાના જુદા જુદા તબક્કા હોય છે. જાહેર મંડળીઓની બાબતમાં કંપનીધારો એ દરેક તબક્કાને ખૂબ સ્પષ્ટ રીતે આંકે છે. કંપની શરૂ કરવાના પ્રસંગે કંપનીના સ્થાપના-પત્રમાં જે મૂડી એકંદરે ઉઘરાવવાનો ઉલ્લેખ થયો હોય તેને અધિકૃત મૂડી (authorised capital) તરીકે ઓળખવામાં આવે છે. એ મૂડી જેટલા કે તેનાથી ઓછી કિંમતના શૅર બહાર પાડવામાં આવે તે બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના સંચાલકો જો બહાર પાડેલા શૅરોની પૂરેપૂરી દાર્શનિક કિંમત રોકાણકાર પાસેથી મંગાવે નહિ; પરંતુ આંશિક કિંમત મંગાવે તો રોકાણકારોની આ રીતે ભરપાઈ કરેલી મૂડી બહાર પાડેલી મૂડી કરતાં ઓછી થાય છે. આ તફાવત નહિ મંગાવેલી મૂડી તરીકે ઓળખાય છે. કંપનીના શૅરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવથી જો એવું નક્કી થાય કે કંપનીના વિસર્જન સિવાયના કોઈ પણ પ્રસંગે કંપની આ નહિ મંગાયેલી મૂડીને માંગશે નહિ ત્યારે આ મૂડી Reserve Capital એટલે કે સંચિત મૂડી બને છે. સંચિત મૂડીને ભરપાઈ થયેલી મૂડીમાં અદાલતની પરવાનગી વિના ફેરવી શકાતી નથી. કંપનીના સંચાલકો એને કંપનીની મૂડી તરીકે ઉપયોગમાં લઈ શકતા નથી. આમ, વાસ્તવમાં બહાર પાડેલી મૂડીમાંથી સંચિત મૂડી જેટલી મૂડીનો ઘટાડો થઈ જાય છે.
અશ્વિની કાપડિયા