સંચિત થાપણ (Reserve Deposit)
January, 2007
સંચિત થાપણ (Reserve Deposit) : વેપારી બૅન્કો દ્વારા મધ્યસ્થ બૅન્કમાં મૂકવામાં આવતી ચોક્કસ રકમની થાપણ. વેપારી બૅન્કોએ તરલતા અને નફાકારકતા વચ્ચે સતત સમતુલા સાધવાની હોય છે. બૅન્કો જો તરલતા વધારે રાખે તો થાપણદારો, શૅરહોલ્ડરો અને જાહેર જનતાને પોતાની સલામતીની ખાતરી આપે છે; પરંતુ નફો ઓછો થઈ જાય છે. બૅન્કો જો નફો વધારવા જાય તો ખાસ કરીને શૅરહોલ્ડરોને વધારે ડિવિડન્ડની ખાતરી આપી શકે છે; પરંતુ તરલતા ઓછી થઈ જાય છે. તેથી તેની સધ્ધરતા જોખમાય છે. વેપારી બૅન્કોના સંચાલકો ઘણીવાર આ સમતુલા જાળવવાને બદલે વધારે નફાના લોભમાં તરલતા સાચવતા નથી. પરિણામે જ્યારે ચુકવણી કરવાની આવે છે ત્યારે તેઓ તે કરી શકતા નથી. બૅન્ક નાદારીની પરિસ્થિતિમાં મુકાય છે. હજારો થાપણદારો અને શૅરહોલ્ડરોની મૂડી ધોવાઈ જાય છે. આથી દરેક દેશની મધ્યસ્થ બૅન્ક નફો કમાવાની વૃત્તિ પર અંકુશ રાખવા માટે અને તરલતા જાળવવા માટે અનેક ઉપાયો અજમાવે છે. એમાંનો એક ઉપાય સંચિત થાપણ છે. આ ઉપાય હેઠળ મધ્યસ્થ બૅન્ક એટલે કે ભારતમાં ધ રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા વ્યાપારી બૅન્કોને પોતાને ત્યાં ચોક્કસ રકમની થાપણો અનામત તરીકે મૂકવા જણાવે છે. કેટલીક વાર મધ્યસ્થ બૅન્ક વ્યાપારી બૅન્કોને પોતાની પાસે જ ચોક્કસ રકમની અનામત જુદી રાખવા જણાવે છે. આ અનામતનો તેઓ ધિરાણ માટે ઉપયોગ કરી શકતી નથી. સંચિત થાપણ બૅન્કોની તરલતા અને સલામતી જાળવવા માટેનો એક ઉપાય છે. આમ, સંચિત થાપણ એટલે દેશની મધ્યસ્થ બૅન્ક વ્યાપારી બૅન્કોને જે ચોક્કસ રકમની થાપણ મધ્યસ્થ બૅન્કમાં જમા કરવા જણાવે અથવા ધિરાણમાં ઉપયોગ નહિ કરવાની શરતે વેપારી બૅન્કો પાસે અલગ રખાવે તે.
અશ્વિની કાપડિયા