સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ
January, 2007
સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (જ. 1864, અમદાવાદ; અ. 1942) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના ગુજરાતી લેખક. લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં જન્મ. માતાનું નામ મહાકોરબાઈ. બાલ નગીનદાસ આરંભમાં ભણવામાં મંદબુદ્ધિના હતા. પણ કહેવાય છે કે ઘંટાકરણના મંત્રની સાધના, નીલસરસ્વતીની ઉપાસના અને સદ્ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્યજીના અનુગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી બન્યા. માત્ર 14 વર્ષની નાની વયે તેઓ ‘નીતિવર્ધક સભા’ના પ્રમુખ બન્યા હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ‘ઉદ્યોગથી થતા લાભ અને આળસથી હાનિ’ વિષય પર યોજાયેલી નિબંધ-સ્પર્ધામાં શ્રી નગીનદાસે પ્રથમ આવી ‘કચ્છ ગિબ્સ મેમૉરિયલ પ્રાઇઝ’ મેળવ્યું હતું.
તેઓ આરંભમાં પિતાજીના રેશમના ધીકતા ધંધામાં જોડાયા હતા પણ ધંધામાં ભારે ખોટ જવાથી અને પિતાજી સાથે ક્લેશ થવાથી તેઓ સાક્ષરશ્રી મન:સુખરામ સૂ. ત્રિપાઠીની ભલામણથી ઈડર સ્ટેટના મહારાજા સરશ્રી કેસરીસિંહજીને ત્યાં અનુક્રમે મૅજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને રેવન્યૂ કમિશનર તરીકે જવાબદારીવાળી નોકરીમાં રહ્યા અને મહારાજાના પ્રીતિપાત્ર બન્યા. તેમણે 1907માં આબુરોડમાં દેશી ખાંડ બનાવવાનું કારખાનું પણ કાઢ્યું હતું.
લક્ષ્મીદેવીની કૃપા હોવાથી તેઓ ધંધાવેપારને બદલે વધુ લક્ષ સનાતન હિંદુ ધર્મના પ્રચાર માટે આપતા. તેમણે 1901માં ‘વિદ્યાર્થીજીવન’ માસિક કાઢ્યું. શ્રીશ્રેયસ્સાધક અધિકારી-વર્ગના ‘મહાકાલ’માં પણ તેઓ નિયમિત તત્ત્વચિંતક લેખો આપતા. તેમણે 1916માં ‘શ્રી સનાતન સમસ્ત હિંદુસભા’ની સ્થાપના કરી હતી. તેમણે ‘ધર્મમંગલા’ (1927) સાપ્તાહિક દ્વારા ધર્મચેતના જાગ્રત રાખવાનું પ્રહરી તરીકે કાર્ય કર્યું. તેમણે વાણી (પ્રવચનો દ્વારા), વર્તન (સંસ્થાઓ દ્વારા) અને લેખન દ્વારા સનાતન ધર્મના મહાન પ્રચારક અને સંરક્ષક તરીકે મહત્ત્વની કામગીરી બજાવી.
તેમના ‘પદ્મસંઘ’(1936)માં ભક્તિ, જ્ઞાન, સદ્ગુરુ, માયા વગેરે વિષયો પર રચેલાં કાવ્યો છે. ‘શ્રીસદ્ગુરોર્મહિમ્ન:સ્તોત્રમ્’ નામની સંસ્કૃત રચનામાં તેમની સદ્ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્ય અંગેની છંદોબદ્ધ સ્તુતિ છે. તદુપરાંત ગદ્યમાં ‘ઉદ્યોગથી થતા લાભ તથા આલસ્યથી થતી હાનિ’ (1885), ‘ઑનરેબલ શેઠશ્રી મોરારજી ગોકુળદાસ, સી.આઈ.ઈ.નું જીવનચરિત્ર’ (1907), ‘ચારુચિત્રા’ (1912), ‘શ્રી ગણેશરહસ્યમાં ધર્મસંકેત’ (1917) વગેરે લખાણો ગણાવી શકાય. ઇડરના મહારાજા શ્રી કેસરીસિંહજીની ઇચ્છાને માન આપી તેમણે ‘શિશુપાલમર્દન’ અથવા ‘રુક્મિણીહરણ’ નાટક રચ્યું હતું. સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને લીધે તથા અનેકવિધ ધાર્મિક સંરક્ષક પ્રવૃત્તિઓને લીધે અનેક સંસ્થાઓએ અને વિદ્વત્ મંડળોએ તેમને ‘શીઘ્રકવીશ્વર’, ‘સાક્ષરોત્તમ’, ‘શ્રીસનાતનધર્મભૂષણ’, ‘વ્યાખ્યાનમાર્તંડ’, ‘સદ્ધર્મભાસ્કર’ વગેરે ઉપાધિઓથી નવાજ્યા હતા.
લવકુમાર દેસાઈ