સંઘર્ષ
January, 2007
સંઘર્ષ : કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. વિવાદ બે વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે, બે જૂથો વચ્ચે હોઈ શકે, બે પ્રદેશો વચ્ચે હોઈ શકે, બે વિચારસરણીઓ વચ્ચે હોઈ શકે, બે આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો વચ્ચે પણ હોઈ શકે. જ્યાં સુધી કોઈ વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં ફાટી નીકળતો નથી ત્યાં સુધી તેની અસર મર્યાદિત પ્રમાણમાં રહે છે, પરંતુ ઘણા વિવાદો સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમે છે ત્યારે તેમની રાજકીય, આર્થિક અને સામાજિક અસરો વધુ વ્યાપક બનતી હોય છે. વ્યક્તિગત સંઘર્ષો કરતાં જૂથો વચ્ચેનો સંઘર્ષ, જૂથો વચ્ચેના સંઘર્ષ કરતાં પ્રદેશો વચ્ચેનો સંઘર્ષ અને પ્રદેશો વચ્ચેના સંઘર્ષ કરતાં રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ સાપેક્ષ રીતે વધુ ખતરનાક હોય છે અને જો તેમનું સમયસર નિવારણ ન થાય તો તેમનો વ્યાપ પણ સતત વધતો જાય છે.
માનવજાતિની ઉત્પત્તિથી તેના ઇતિહાસમાં અત્યાર સુધી ત્રણ પ્રકારના સંઘર્ષો નોંધવામાં આવ્યા છે : (1) જૂથો, જમાતો, જાતિઓ વચ્ચેના સંઘર્ષો જે મોટાભાગે ચઢિયાતાપણાની ભ્રામક ગ્રંથિઓમાંથી ઉદ્ભવતા હોય છે. ભારતમાં વર્ણસંઘર્ષો આ કારણસર જ ભૂતકાળમાં પણ પેદા થતા રહ્યા છે. (2) રાજકીય, ધાર્મિક કે આર્થિક વિચારસરણીઓ વચ્ચેના વૈચારિક ટકરાવમાંથી પણ સંઘર્ષો ફાટી નીકળતા હોય છે. (3) રાષ્ટ્રવાદના અતિરેકી વલણમાંથી પણ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો ફાટી નીકળ્યા છે. મોટાભાગના આવા સંઘર્ષો સશસ્ત્ર યુદ્ધોમાં પરિણમ્યા છે. આવા સંઘર્ષો ટાળવા અથવા જ્યારે ફાટી નીકળે ત્યારે તેમને ખાળવા આંતરરાષ્ટ્રીય સ્તર પર વખતોવખત પ્રયાસો થતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) (1919), રાષ્ટ્રસંઘ (1945), આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) (1944) અને વિશ્વબક (1944) વગેરેની સ્થાપના અને કામગીરી એ સંઘર્ષ નિવારવાની દિશામાં થયેલા પ્રયાસો છે. પ્રાદેશિક સ્તરે રચાયેલાં સંગઠનો પણ આવા જ ઉદ્દેશોને વરેલાં હોઈ શકે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે