સંખ્યાત્મક વર્ગીકરણ

January, 2007

સંખ્યાત્મક વર્ગીકરણ : જીવાણુઓના વર્ગીકરણની એક પદ્ધતિ. આ પદ્ધતિની શોધ માઇકેલ એડેન્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી આ પદ્ધતિને ‘એડેન્સોનિયલ વર્ગીકરણ પદ્ધતિ’ પણ કહેવામાં આવે છે.

આ પદ્ધતિમાં જેમનું વર્ગીકરણ કરવાનું છે તે જીવાણુઓનાં ઓછામાં ઓછાં 100થી 200 લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે અને જીવાણુના અભિવ્યક્ત થતા દરેક લક્ષણ પર સમાન ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિમાં જીવાણુઓનાં સમાન અને ભિન્ન લક્ષણોની ગણતરી કરવામાં આવે છે. આ રીતે જીવાણુઓના સંપૂર્ણ અભ્યાસ બાદ કમ્પ્યૂટરની મદદથી તેઓની વચ્ચેની સમાનતા-ટકાવારી ગણવામાં આવે છે.

જીવાણુઓ વચ્ચેની સમાનતા ‘સમાનતા-સહગુણક’ (Sj) કે ‘તુલનાત્મક સહગુણક’ (Ss) ગણીને પણ નક્કી કરી શકાય.

સમાનતા-સહગુણક

a       =       જીવાણુઓની બંને જાતિમાં રહેલાં સરખાં હકારાત્મક લક્ષણો.

b       =       જીવાણુની જાતિ-1માં રહેલાં હકારાત્મક લક્ષણો અને જાતિ-2માં રહેલાં નકારાત્મક લક્ષણો.

c       =       જીવાણુની જાતિ-1માં રહેલાં નકારાત્મક લક્ષણો અને જાતિ-2માં રહેલાં હકારાત્મક લક્ષણો.

d       =       બંને જાતિમાં રહેલ નકારાત્મક લક્ષણો.

જીવાણુઓ વચ્ચેની સમાનતાની ગણતરી કર્યા બાદ આંકડાકીય માહિતી સમાનતા શ્રેણિકમાં ગોઠવવામાં આવે છે અને જે જીવાણુઓ વચ્ચેની સમાનતા વધુ હોય તેઓને પરસ્પર નજીક ગોઠવવામાં આવે છે અને પછી માહિતીને આધારે ડેન્ડ્રોગ્રામ (dendrograme) બનાવવામાં આવે છે.

આ પદ્ધતિનો મોટામાં મોટો ફાયદો એ છે કે જીવાણુઓનાં અનેક લક્ષણોનો અભ્યાસ થાય છે, જેથી જીવાણુઓ વિશેની વિગતે માહિતી પ્રાપ્ત થાય છે.

આ પદ્ધતિ દ્વારા થતું વર્ગીકરણ પૂર્વગ્રહવિહીન, સ્થાયી અને પૂર્વ-આગાહી થઈ શકે તેવું હોય છે; આમ છતાં, આ વર્ગીકરણની પદ્ધતિ દ્વારા ઉત્ક્રાંતિને લગતો અભ્યાસ થઈ શકતો નથી.

નીલા ઉપાધ્યાય