સંક્ષિપ્તસાર : 12મા-13મા શતકમાં થઈ ગયેલા વૈયાકરણ ક્રમદીશ્વરે રચેલો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની જેમ આમાં પણ આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે અને ઉચિત રીતે જ તે અધ્યાયને ‘પ્રાકૃતપાદ’ એવું નામ આપ્યું છે. પરંતુ બાકીની સામગ્રીની સજાવટ, પારિભાષિક શબ્દોનાં નામ આદિમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ સાથે કોઈ સામ્ય નથી. આ વ્યાકરણગ્રંથ પણ વરરુચિને જ અનુસરે છે. તેના ઉપર કર્તાએ પોતે એક સ્વોપજ્ઞ ટીકા લખી છે અને આ ટીકા ઉપર પણ એક વ્યાખ્યા લખાઈ છે. બીજી પણ કેટલીક ટીકાઓ લખાઈ છે. માત્ર ‘પ્રાકૃતપાદ’ની ટીકા ‘પ્રાકૃતદીપિકા’ ચંડીદેવ શર્માએ લખી છે. આ ગ્રંથ વિશે લાસ્સેને પોતાના ‘ઇંસ્ટિટ્યૂત્સીઓનેસ’માં વિસ્તારપૂર્વક લખ્યું છે. તેમના ‘રાડિકેસ પ્રાકૃતિકાએં’માં 1839માં ડેલિઉસે આ ગ્રંથ પ્રકાશિત કર્યો છે. તે પછી રાજેન્દ્ર લાલ મિત્રે ‘પ્રાકૃતપાદ’નું સંપૂર્ણ સંસ્કરણ ‘બિબ્લિયૉથિકા ઇંડિકા’માં પ્રકાશિત કરાવ્યું અને તેનું નવું સંસ્કરણ 1889માં કોલકાતામાં છપાયું.

જયન્ત પ્રે. ઠાકર