ષષ્ઠી ઉપક્રમ : વ્રણ-ચિકિત્સાની વિધિઓમાં વ્રણ રૂઝાવનાર પદ્ધતિ. આયુર્વેદની બે મુખ્ય ચિકિત્સા-શાખાઓ : (1) ઔષધિ – Medicine અને (2) શલ્ય-શાલાક્ય (શસ્ત્રક્રિયા – Surgery) છે. તેમાં વર્તમાન સમયે પણ વૃદ્ધત્રયી ગ્રંથોમાં જેની ગણના થાય છે, તે ‘સુશ્રુત-સંહિતા’ આયુર્વેદની સર્જરીનો ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા-ગ્રંથ છે. વર્તમાન જગતની અત્યાધુનિક સર્જરીના નિષ્ણાતો પણ હજારો વર્ષ પૂર્વે રચાયેલ આ ગ્રંથને સર્જરીના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે સ્વીકારે છે.
સુશ્રુત-સંહિતાનો મુખ્ય વિષય છે : શસ્ત્રકર્મ કે સર્જરી દ્વારા રોગોની ચિકિત્સા કરવી. આ સંહિતાના છ ખંડ છે : સૂત્રસ્થાન, નિદાનસ્થાન, શારીરસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને ઉત્તરતંત્ર. તેમાં ચિકિત્સા-ખંડનો સૌથી પ્રથમ અધ્યાય ‘द्विव्रणीयं चिकित्सा’ વિષયનો છે. વાઢ-કાપ (ચીર-ફાડ) વિના કોઈ પણ સર્જરી શક્ય નથી. સૌથી પ્રથમ દર્દીના અંગ પર શસ્ત્ર દ્વારા ચીરો-કાપો મુકાય છે; જેથી ત્યાં વ્રણ-જખમ (wound) બને છે. તે જખમ-વ્રણને રૂઝવીને શરીરની ત્વચા પુન: સ્વસ્થ કરવી, તે આ અધ્યાયના જ્ઞાનનો મુખ્ય હેતુ છે. ‘વ્રણની ચિકિત્સા’ ઉપલક દૃષ્ટિએ લાગે ખૂબ સામાન્ય, પણ આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે તેની ચિકિત્સામાં 60 પ્રકારની વિવિધ ચિકિત્સા-રીતો રજૂ કરીને, તે સમયે આવા જ્ઞાનના ક્ષેત્રમાં પોતાની સર્વોપરિતા, સૂક્ષ્મતા અને વૈજ્ઞાનિકતા રજૂ કરીને, આજના સર્જનોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. સુશ્રુત-સંહિતાના ચિકિત્સાખંડના પ્રથમ અધ્યાયમાં જ વ્રણ-ચિકિત્સા માટે ‘ષષ્ઠી ઉપક્રમ’ એટલે 60 જાતની રીત-પદ્ધતિઓ વર્ણવી છે.
સુશ્રુતાચાર્યે વ્રણ બે પ્રકારના : (1) શારીર અને (2) આગંતુક (વાગવા-કપાવાથી થયેલા) કહ્યા છે. આ વ્રણની રચના વિશેની કેમિસ્ટ્રી રજૂ કરતાં કહ્યું છે : શારીરિક વ્રણ વાયુ, પિત્ત, કફ, રક્ત અને ત્રિદોષજન્ય (પાંચ) હોય છે; જ્યારે આગંતુક વ્રણ હિંસક કે અન્ય પશુ, પક્ષી, ઝેરી સાપ-જંતુ, અગ્નિથી દાઝવું, માર-ચોટ વગેરેથી થાય છે. વ્રણના દોષો અને તેના ફેલાવા મુજબ 15 પ્રકારો કહેલ છે. તેમાંનો એક પ્રકાર છે શુદ્ધ વ્રણ. વ્રણ માત્રમાં વાયુ, પિત્ત, કફ અને રક્ત – આ ચાર સંયુક્તપણે દૂષિત કે વિકૃત બને છે; જે વ્યક્તિના શરીરમાં કોઈ પણ સ્થળે જખમ, સોજો, પીડા અને વિકૃત રચના કરે છે.
સામાન્ય રીતે ‘વ્રણ’ બે જાતના થાય છે : (1) સામાન્ય અને (2) વિશિષ્ટ. સામાન્ય પ્રકારમાં અલ્પ પીડા અને અલ્પ વિકાર હોય છે; પણ ‘વિશિષ્ટ’માં અંગપીડા ખૂબ વધુ અને દોષ-વિકાર પણ પ્રબળ હોય છે. વ્રણ દેહત્વચામાં વિવર્ણતા પેદા કરે છે. ‘વ્રણ-ચિકિત્સા’ પ્રકરણમાં સુશ્રુતાચાર્યે દરેક દોષ મુજબ થનારા તથા બીજા દોષોના મિલનથી થનારા મિશ્ર દોષોથી થનારા વ્રણને ઓખળવાનાં સ્પષ્ટ ચિહ્નો દર્શાવ્યાં છે, જે કુલ 16 પ્રકારનાં છે.
તે પછી આ 16 પ્રકારના વ્રણની ચિકિત્સા માટે સુશ્રુતાચાર્યે ચિકિત્સાસ્થાનના 8મા શ્લોકમાં તેની 60 જાતની ચિકિત્સાવિધિઓ (રીતો) બતાવી છે. જેને ‘ષષ્ઠી ઉપક્રમ’ કહેલ છે; જેનાં નામો આ મુજબ છે : અપતર્પણ (વ્રણ સૂકવવા, દુર્બલ કરવા); આલેપ (લેપ); પરિષેક (સીંચન); અભ્યંગ (માલિશ); સ્વેદ (શેક); વિમ્લાપન ઉપનાહ (વ્રણ); પાચન (દોષ); સ્નેહ; વમન; વિરેચન; ભેદન; છેદન; દારણ; લેખન; એષણ; આહરણ; વ્યધન (વીંધવું તે); વિસ્રાવણ; સીવન (ટાંકા લેવા-સીવવું તે); સન્ધાન; પીડન; શોણિતસ્થાપન (રક્તસ્રાવ અટકાવવો તે); નિર્વાપણ; ઉત્કારિકા; કષાય (ઔષધિદ્રવ્યોના ઉકાળાથી સારવાર); વર્તિ (ઔષધિદ્રવ્યોની જખમ રૂઝવનારી વાટવર્તિ મૂકવી); કલ્ક (રૂઝવનાર કે પકવનાર ઔષધિની ચટણી વ્રણ પર મૂકવી.); ઘી કે સર્પિ (વ્રણશોધક કે રોપક ઘીથી સારવાર); તૈલ (વ્રણશોધક કે રોપણ તેલથી સારવાર); રસક્રિયા (વ્રણનાશક ઔષધિઓનો ઘટ્ટ ઉકાળો કે ઘનપદાર્થથી સારવાર); અવચૂર્ણન (ચૂર્ણ-પાઉડર-ઔષધિથી સારવાર); વ્રણ ધૂપન (વ્રણને આપવાની ધુમાડી); ઉત્સાદન (નીચા ખાડામાં રહેલા માંસને ઉપર ઉઠાવવાની રીત); અવસાદન (દેહની સામાન્ય સપાટીથી ઊંચા થયેલા વ્રણને સમાન પૃષ્ઠ પર લાવવાની ક્રિયા); મૃદુકર્મ; દારુણકર્મ; ક્ષારકર્મ; અગ્નિકર્મ (ડામ દેવા કે અગ્નિ દ્વારા ચિકિત્સા); કૃષ્ણકર્મ (સફેદ થયેલા વ્રણને કાળા રંગનો કરવો); પાંડુકર્મ (અતિશય વધી ગયેલા રક્તવાળા વ્રણનું લોહી ઘટાડવું); પ્રતિસારણ (લૂખાં-સૂકાં ચૂર્ણ ઔષધોથી વ્રણ પર ઘર્ષણ કરવું.); રોમ સંજનન (રુઝાયેલા વ્રણની જગ્યાએ રૂંવાડાં પેદા કરવાં); લોમાપહરણ (વ્રણની જગ્યાએનાં રૂંવાડાં દૂર કરવાની ક્રિયા); બસ્તિકર્મ (ઍનિમા); ઉત્તર બસ્તિ (એક ખાસ ઍનિમા); બન્ધ (બંધન-પાટો બાંધવો : To bandage); પત્રદાન (વ્રણ પર વિશિષ્ટ ઔષધિનાં પાન મૂકવાં); કૃમિઘ્ન (વ્રણમાં પડેલા સૂક્ષ્મ કે મોટા જંતુ-કૃમિના નાશની ક્રિયા); બૃંહણ (શરીરમાં રુઝાઈ જવા છતાં દુર્બળ-આછા રહેલા અંગને પુષ્ટ – એકસરખું બનાવવું.); વિષઘ્ન (વ્રણમાં રહેલ જંતુજ કે અન્ય વિષદોષના નાશની ક્રિયા); શિરોવિરેચન (મસ્તકના દોષો મટાડવા નાકમાં ખાસ દવા નાંખવી.); નસ્ય (શરીરના કોઈ પણ અંગના દોષ મટાડવા નાકમાં દવા નાંખવી); કવલધારણ (વ્રણનાશક ઔષધિઓનો ઉકાળો કરી, મુખમાં તેનો કોગળો ભરવો); ધૂમ (વ્રણ રૂઝવવા કેટલીક વિશિષ્ટ વનસ્પતિની ધુમાડી દેવી.); મધુસર્પિ (મધ અને ઘી એ બેના મિશ્રણથી વ્રણ રૂઝવવાની ક્રિયા.); યંત્ર (વ્રણ માટે જરૂરી યંત્રો-શસ્ત્રોનો ઉપયોગ કરવો.); આહાર (દર્દીને વ્રણ રૂઝવનાર પથ્ય હિતકર આહારની યોજના કરવી) અને છેલ્લે રક્ષાવિધાન. (વ્રણની રક્ષા માટે વિવિધ ધુમાડી, મંત્રો, નિયમો અને વિધિઓનો ઉપયોગ કરવો.)
આમ સુશ્રુતાચાર્યે વ્રણ-ચિકિત્સામાં ‘ષષ્ઠી ઉપક્રમ’ દ્વારા વ્રણ રૂઝવનારી 60 વિવિધ રીતોનો જે ઉલ્લેખ કર્યો છે, તે સર્જરી વિજ્ઞાનની બારીકાઈ, વિશિષ્ટ જ્ઞાન અને શરીરજ્ઞાનની ગહનતા ત્રણેયની ઉચ્ચતમતાનો નિર્દેશ કરે છે.
આ ‘ષષ્ઠી ઉપક્રમ’માં થોડાં વિભાગીય ઉદાહરણો નીચે પ્રસ્તુત છે :
(1) વ્રણશોધન અને રોપણમાં કરાતી ક્રિયાઓ : કષાય, વર્તિ, કલ્ક, સર્પિ (ઘી), તેલ, રસક્રિયા (ક્વાથઘન) અને અવચૂર્ણન.
(2) શસ્ત્રક્રિયા અંતર્ગત થતી ક્રિયાઓ : યંત્ર-શસ્ત્ર; શોણિત-સ્થાપન, ક્ષાર, છેદન, ભેદન, સીવન, અગ્નિકર્મ, બંધનવિધાન (પાટો), આહાર અને રક્ષાવિધાન.
(3) શોફ (સોજા) : સુશ્રુતે સોજાને વ્રણની અંતર્ગત ગણી તેના 6 પ્રકારો બતાવ્યા છે; જે માટે અપતર્પણ, આલેપ, પરિષેક, અભ્યંગ, સ્વેદ, વિમ્લાપન, ઉપનાહ, પાચન, વિસ્રાવણ, સ્નેહ, વમન અને વિરેચન જેવી ક્રિયાઓ કરાય છે.
સુશ્રુત-સંહિતાના સર્જરી-વિષયક વિશિષ્ટ જ્ઞાનકોશમાંથી અભિનવ સર્જનોને પણ ઘણી નવી બાબતો જાણવા શીખવા મળી શકે તેમ છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા