ષડંગી, બંસીધર (જ. 4 ડિસેમ્બર 1940, રાયરંગ, જિ. ખુર્દ, ઓરિસા) : ઊડિયા કવિ. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની તથા ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમની પુરસ્કૃત કૃતિ ‘સ્વરોદય’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અધ્યાપનકાર્ય બાદ તેઓ નયાગઢ કૉલેજ, ઓરિસામાં ઊડિયાના રીડરપદેથી સેવાનિવૃત્ત થયા.
તેઓ અંગ્રેજી તથા હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. 1954થી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરીને 7 કાવ્યસંગ્રહો અને 6 અન્ય કૃતિઓ આપ્યાં છે. તેમાં ‘સમય અસમય’ (1977), ‘સ્તવિર અશ્વરોહી’ (1980), ‘અન્યાન્ય કવિતા’, ‘શબરી ચર્યા’ (1989), ‘છાયાદર્શન’ (1995), ‘સ્વરોદય’ તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘રાસ પંચાધ્યાયી’ (વિવેચન, 1979), ‘ગલ્પ : અજી ઓ કાલિર’ (1976), ‘સે યુગે ઓ ઇ યુગાર કહાની’ (1984) તેમના વાર્તાસંગ્રહો છે.
તેમને ‘શબરી ચર્યા’ બદલ શનિવાર સાહિત્ય સંધ્યા સંસદ તરફથી શ્રેષ્ઠ કવિ ઍવૉર્ડ (1989) અને ઊડિયા સાહિત્ય અકાદમી પુરસ્કાર (1991) તથા હૃદવાક્ય સન્માન, કોણાર્ક સાહિત્ય ઉત્સવ સન્માનથી પણ તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સ્વરોદય’નાં કાવ્યો જટિલ સર્જનાત્મક પ્રક્રિયાનું પરિણામ છે. તેણે એવી ગહન સંરચનાનું નિર્માણ કર્યું છે કે પ્રગેયાત્મક રીતે સહેજે ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ જઈ શકાય છે. તેમનાં કાવ્યો પરંપરા, રૂપક, અલંકારો અને સ્વાભાવિક કલા-કૌશલથી મુક્ત છે. આ કૃતિમાં અત્યંત સહજ શિલ્પ, ગ્રામીણ ઊડિયા જીવનના અનુભવો અને સમસ્યાઓનું વિસ્તૃત આધુનિકતાવાદી ચિત્રાંકન હોવાને કારણે તે કૃતિ ઊડિયામાં લખાયેલ ભારતીય કાવ્યમાં ઉચ્ચ કોટિનું સ્થાન પામે છે.
બળદેવભાઈ કનીજિયા