શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von) (જ. 21 જાન્યુઆરી 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 ફેબ્રુઆરી 1871, મ્યૂનિક, જર્મની) : જર્મનીના ઉમરાવો, કિલ્લાઓ અને ગ્રામીણ પરિવેશની રંગદર્શી ચિત્રણા માટે જાણીતા જર્મન ચિત્રકાર.

મોરિટ્ઝ ફૉન શ્વિન્ડ
કિશોરાવસ્થાથી જ શ્વિન્ડ રખડેલ પ્રકૃતિનો ભટકતો જીવ હતા. છૂટક કામ મેળવી કમાઈ લઈ તત્કાલીન જરૂરિયાતોનો નિવેડો લાવવાની બોહેમિયન જીવનશૈલી તેમણે અપનાવેલી. વારંવાર તેઓ દેવાની ચુંગાલમાં ફસાતા. માદરે વતન વિયેના નગરે તેમની કોઈ કદર કરેલી નહિ. વિયેનાનિવાસ દરમિયાન મહાન જર્મન સંગીતકાર અને સંગીતનિયોજક શુબર્ટની સાથે તેમણે ગાઢ દોસ્તી કરેલી.
1828માં ચિત્રકાર જુલિયસ શ્નોર (Schnorr), ફૉન કારોલ્સ્ફૅલ્ડ સાથે તેઓ મ્યૂનિકમાં સ્થિર થયા. અહીં મ્યૂનિકમાં એમનાં ચિત્રો ઊંચી કિંમતે વેચાવાં શરૂ થયાં. મ્યૂનિક ખાતેના ચર્ચ ઑવ્ અવર લેડી માટે તેમજ વૉર્ટબર્ગ કિલ્લા માટે તેમણે ચિત્રો ચીતર્યાં. 1847માં તેઓ મ્યૂનિક એકૅડેમીમાં કલાના પ્રાધ્યાપક નિમાયા. બ્રિટનમાં ગ્લાસ્ગો કેથીડ્રલની બારીઓના કાચ પર ચીતરવાની વરદી મળતાં ગ્લાસ્ગોની મુલાકાત તેમણે લીધી. કામક્રીડામગ્ન યુગલો, સંગીત મિજબાનીઓ અને ઉજાણીમાં મશગૂલ યુગલો, રખડુ ભટકતા માનવોની ચિત્રણામાં શ્વિન્ડની કલા ખીલી ઊઠતી જણાય છે. જીવનનાં પાછલાં વર્ષોમાં એમનાં ચિત્રોની માંગ એટલી બધી વધી પડી કે એને પહોંચી વળવા તેઓ સક્ષમ નહોતા, વળી એમની દૃષ્ટિ પણ ઝાંખી પડી હતી.
અમિતાભ મડિયા