શ્રી 420 : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ. દિગ્દર્શન : રાજકપૂર. કથા : કે. એ. અબ્બાસ. પટકથા : કે. એ. અબ્બાસ, વી. પી. સાઠે. ગીતકાર : શૈલેન્દ્ર, હસરત જયપુરી. છબિકલા : રાધુ કરમાકર. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજકપૂર, નરગિસ, નાદિરા, નેમો, લલિતા પવાર, એમ. કુમાર, હરિ શિવદાસાની.
દેશ આઝાદ થયા પછી ગરીબ અને મધ્યમ વર્ગનાં સપનાં તૂટવા માંડે છે. રોટી, કપડાં અને મકાન તેમના માટે દૂરનાં સપનાં બનવા માંડે છે અને ભ્રષ્ટાચાર વ્યાપ્ત થવા માંડે છે. જે લોકો બીજાને છેતરી શકે છે તેઓ આગળ વધતા રહે છે એવી છાપ સામાન્ય લોકોમાં ઊભી થવા માંડી છે એવા સમયે રાજકપૂરે આ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમણે ફિલ્મને સમસ્યાઓના બોજથી ઝૂકી જવા દીધી નહોતી, અને સાથે પ્રણયકથાનો એવો સમન્વય કર્યો હતો કે આ ચિત્ર કળા અને વ્યવસાય બંનેની ગરજ સારી શક્યું. કળા ચિત્રના વિષયને કઈ રીતે વ્યાવસાયિક અને લોકપ્રિય બનાવી શકાય એનો એક માર્ગ રાજકપૂરે ચિત્રસર્જકોને આ ચિત્ર દ્વારા ચીંધ્યો હતો.
રાજુ એક પ્રામાણિક યુવાન છે. એક નાના શહેરમાંથી તે કંઈક મોટો માણસ બનવા મુંબઈ આવે છે. મુંબઈમાં આવ્યા બાદ થોડા જ સમયમાં તેને ખબર પડી જાય છે કે ભણીને મેળવેલી ડિગ્રી, પ્રામાણિકતા, પરિશ્રમ કરવાની તૈયારી વગેરે માનવીય ગુણોની આ શહેરમાં કોઈ કદર નથી. તેને મળેલો ઇમાનદારીનો સુવર્ણચંદ્રક તે પોતાની સાથે લાવ્યો હોય છે, પણ આ ચંદ્રક જ તેણે ગિરવે મૂકવાનો વખત આવે છે. રાજુનો પનારો મુંબઈના વાસ્તવિક જીવન સાથે પડે છે ત્યારે તેને રીતસરનો આઘાત લાગે છે. કેળાં વેચનારી એક મહારાષ્ટ્રિયન મહિલા પાસેથી તેને માતા જેવી હૂંફ મળી રહે છે, અને એક યુવાન શિક્ષિકા વિદ્યા પાસેથી સ્નેહ મળી રહે છે. તાશનાં પત્તાં સાથે તે જે કમાલ કરી શકે છે એનો લાભ ઉઠાવનારાં પણ મળી રહે છે. એમાં મુખ્ય છે માયા. બધી વાતે પૂરી માયા રાજુને ક્લબમાં લઈ જઈ જુગાર રમાડે છે, અને તાશનાં પત્તાંની ચાલાકીનો લાભ લે છે. માયા વતી જુગાર રમતો રાજુ પોતે પણ પૈસાદાર થઈ જાય છે. ઇમાનદારીનો ચંદ્રક ગિરવે મૂક્યા બાદ બેઇમાની અને છળ વડે કમાયેલાં નાણાં હવે તેની પાસે છે. તેના ભોળપણનો લાભ શેઠ સોનાચંદ ધરમાનંદ પણ ઉઠાવે છે. રાજુના નામે જ ગરીબો માટેની એક યોજના જાહેર કરવામાં આવે છે. અનેક ગરીબો અને ખાસ તો એક સમયના ફૂટપાથ પરના તેના સાથીદારો માત્ર તેના પરના ભરોસાને કારણે પૈસા રોકવા આવે છે. અંતે સફેદ બદમાશોની પોલ ખોલીને રાજુ ફરી પોતાના શહેર જવા રવાના થાય છે, પણ આ વખતે તે એકલો નથી, વિદ્યા તેની સાથે છે. રાજકપૂરની એક આગવી ઓળખ બની ગયેલી ચાર્લી ચૅપ્લિન જેવી છબિ આ ચિત્રથી ઊભી થઈ હતી. આ ચિત્રથી જ રાજકપૂરે ચાર્લી ચૅપ્લિન જેવા હાવભાવ અપનાવ્યા હતા. આ ચિત્રથી જ એક ભોળા નાયક રાજુનો જન્મ થયો હતો, જે પછીથી રાજકપૂરના ટ્રેડ માર્ક સમાન બની ગયો હતો. ચિત્રનાં કર્ણપ્રિય ગીતો : ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’, ‘મૂડ મૂડ કે ન દેખ’ આજે પણ સદાબહાર બની રહ્યાં છે.
હરસુખ થાનકી