શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા દરમિયાન તેમણે કવિ તરીકે તેલુગુ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું. 1950માં તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ ‘મહાપ્રસ્થાનમ્’ પ્રગટ કર્યો અને તે સંગ્રહ યુવા પેઢી માટે નવો કરાર બન્યો. તેમાં સામાજિક અસમાનતા, આર્થિક શોષણ અને સાંસ્કૃતિક રૂઢિવાદ સામે બંડ પોકારવા જાગ્રત થવાની હાકલ અભિવ્યક્ત કરાઈ છે. તેમાંનું શબ્દરચના પરનું તેમનું પ્રભુત્વ અને કાવ્યનિરૂપણની અનુભવસિદ્ધ નિપુણતાને કારણે તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી. તેલુગુ કાવ્યરચનામાં તેઓ અદ્યતન વલણો અને પ્રગતિશીલ દૃષ્ટિકોણના અગ્રેસર રહ્યા.
તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ખડ્ગ સૃદૃષ્ટિ’ પ્રગટ થયો. તે માટે તેમને 1966ના વર્ષનો સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે ઊર્મિકાવ્યો પણ રચ્યાં હતાં. તે ઉપરાંત તેમણે ઝડપથી નિબંધો, સમીક્ષાઓ, નાટિકાઓ અને રેખાચિત્રો તથા ફીચરો રચ્યાં. તેમાં તેમણે રચનારીતિમાં કરેલા સાહસિક પ્રયોગ-પરિવર્તનો, રસપ્રદ લયલીલા તથા અતિવાસ્તવવાદ અને દાદાઇઝમના નૂતન સંચારોની પ્રતીતિ કરાવી.
તેમની 60મી વર્ષગાંઠના પ્રસંગે તેમના ત્રણ ગ્રંથો પ્રગટ થયા હતા. તેમાં કાવ્યો, ઊર્મિકાવ્યો અને નાટિકાસંગ્રહોનો સમાવેશ છે. તેમાંની ચમકદાર વિનોદવૃત્તિને કારણે તેમનામાં પયગંબરની અને વિદૂષકની ભૂમિકાનો, તેમના વ્યક્તિત્વને અનોખો ઓપ આપતો વિલક્ષણ સમન્વય જોવા મળે છે.
તેઓ રેવોલ્યૂશનરી રાઇટર્સ ઍસોસિયેશનના પ્રમુખ અને સંયુક્ત ચેન્નાઈ રાજ્યની લેજિસ્લૅટિવ કાઉન્સિલના સભ્ય હતા તેમજ તેઓ આંધ્રના પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશનના પણ પ્રમુખ હતા. તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ (1970-71)ના 6 ગ્રંથો પ્રગટ થયા છે. તેમાં અતિઅદ્યતન કાવ્યો, નાટકો, ટૂંકી વાર્તાઓ, નિબંધો, પત્રો અને વિનોદી કાવ્યો લેવામાં આવ્યાં છે. અભિવ્યક્તિની ઉત્કટતા, દૃષ્ટિકોણની તાજગી, પ્રાણવાન શૈલી અને પ્રગતિશીલ વિચારોને કારણે તેમની આ કૃતિને સમકાલીન તેલુગુ સાહિત્યમાં તેમનું ઉત્તમ પ્રદાન માનવામાં આવે છે.
બળદેવભાઈ કનીજિયા