શ્રીજેશ પી. આર. (જ. 8 મે 1988, ફિઝાક્કમલમ્ જિ. અર્નાકુલમ, કેરળ) : ભારતીય હૉકીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ગોલકીપર.
શ્રી શ્રીજેશ ભારતના પ્રમુખ ગોલકીપર તરીકે જાણીતા છે. ચાર વખત ઑલિમ્પિક (2012, 2016, 2020, અને 2024), ચાર વખત વિશ્વકપ, ત્રણ વખત રાષ્ટ્રીય ખેલ અને ત્રણ વખત એશિયાઈ ખેલમાં ભારત તરફથી હૉકીમાં ગોલકીપર તરીકે રમેલ શ્રીજેશની રમત એટલી પ્રભાવિત હતી કે તે ગોલ્ડ પોસ્ટ ઉપર ઊભા હોય તો સામેની ટીમના ખેલાડીઓ માટે ગોલ કરવા ખૂબ જ મુશ્કેલ બની જતા. પરિણામે તેઓ ખેલાડીઓમાં ‘ધી વૉલ ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા બન્યા.

શ્રીજેશ પી. આર.
હૉકીમાં વિશ્વપ્રસિદ્ધ બનેલ શ્રીજેશનું બાળપણ એક નાનકડા ગામમાં વીત્યું હતું. છઠ્ઠા ધોરણ સુધી પોતાના ગામમાં ભણેલ શ્રીજેશે કેરળના ચેમ્પાઝન્થીની શ્રી નારાયણ કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયેલા. શ્રીજેશે શરૂઆત સ્વિમિંગથી કરી અને ત્યારબાદ લાંબા કૂદકા તથા વૉલીબૉલ જેવી રમતોમાં પણ રુચિ બતાવી પરંતુ 12 વર્ષની વયે તિરૂવન્તપુરમની જી. વી. રાજા સ્પૉર્ટ્સ સ્કૂલમાં જોડાયા પછી ત્યાંના તેમના કોચે તેમને હૉકીમાં ગોલકીપર તરીકે કારકિર્દી બનાવવા સૂચન કર્યું. પરિણામે તેમણે ગોલકીપર તરીકેની કારકિર્દી શાળા સ્તરે જ શરૂ કરી અને શાખા લેવલે નહેરુ કપમાં સૌપ્રથમ વખત રમ્યા.
માત્ર 16 વર્ષની વયે વર્ષ 2004માં ઑસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલ જુનિયર હૉકી સ્પર્ધાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શરૂઆત કરી અને માત્ર બે વર્ષમાં જ 2006માં સાઉથ એશિયન ગેઇમ્સ, કોલંબોમાં સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું. શરૂઆતનાં છ વર્ષ સુધી ભારત તરફથી નિયમિત ગોલકીપર તરીકે રમતા એડ્રીમ ડીસોઝા અને ભરત ચેટ્ટરીના કારણે તેમનું સ્થાન ટીમમાં નિયમિત ગોલકીપર તરીકે બની શક્યું નહીં, પરંતુ વર્ષ 2011માં ચાયનામાં રમાયેલ એશિયન ચૅમ્પિયનશિપ ટ્રૉફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે બે પેનલ્ટી સ્ટ્રોક બચાવી ભારતને ચૅમ્પિયન બનાવ્યું ત્યારથી ભારતના નિયમિત ગોલકીપર તરીકે પોતાનું સ્થાન ટીમમાં મજબૂત કરી લીધું.
2017માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ મેળવ્યો. તે અગાઉ તેમણે 2012માં સમર ઑલિમ્પિક, 2014માં વિશ્વકપ, 2014માં જ એશિયન ગેઇમ્સ અને ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ ટીમમાં ગોલકીપર તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. તેની રમતથી પ્રભાવિત થઈ વર્ષ 2016માં લંડનમાં રમાયેલ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં તેમને ટીમના સુકાની બનાવ્યા. અહીં પણ તેમણે ટીમ માટે રજત ચંદ્રક મેળવ્યો. ત્યારબાદ 2016માં રિયો ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતને સુકાની તરીકે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડ્યું. આમ છતાં મનમાં ભારતને મેડલ ન અપાવી શક્યાનો અફસોસ સદાય તેમને રહી ગયો. તેમની આ કમી તેમણે 2021માં ટોકિયો ઑલિમ્પિકમાં પૂરી કરી. 5 ઑગસ્ટ, 2021ના રોજ જર્મનીને હરાવી ભારત માટે છેલ્લા 41 વર્ષમાં સૌપ્રથમ વખત ઑલિમ્પિકમાં મેડલ (બ્રોન્ઝ) અપાવ્યો. ત્યાર પછી 2022ની કૉમનવેલ્થ ગેઇમમાં સિલ્વર અને 2022ની જ એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. 2024ની સમર ઑલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી શ્રીજેશે આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી નિવૃત્તિ લીધી.
હાલમાં તેઓ કેરળ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ જનરલ ઍન્ડ હાયર એજ્યુકેશનમાં જૉઇન્ટ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપે છે.
જગદીશ શાહ