શ્યામ પ્રકાંડ (black bark)
January, 2006
શ્યામ પ્રકાંડ (black bark) : આંબા કે ચીકુ જેવી વનસ્પતિ ઉપરનો ફૂગજન્ય રોગ. આ રોગ બહુવર્ષાયુ ફળપાક જેવા કે આંબા અને ચીકુની ડાળી અને થડ ઉપર રાઇનોક્લેડિયમ (Rhinocladium corticolum) નામની ફૂગથી થાય છે. આ રોગમાં શરૂઆતમાં કુમળી ડાળીઓ ઉપર ત્યારબાદ પરિપક્વ ડાળીઓ ઉપર કાળાં ધાબાં કે કાળા પટ્ટા જોવા મળે છે. ડાળીની છાલ ઉપર આક્રમણ થતાં આક્રમિત વિસ્તારમાં ઝાંખી સફેદ ફૂગનું આવરણ જોવા મળે છે. જેમાં સમય જતાં ફૂગના બીજાણુઓ પેદા થાય છે, જે કાળા રંગના હોઈ કાળા પટ્ટા કે કાળા ધાબા સ્વરૂપે જોવા મળે છે. આ રોગનું આક્રમણ ખાસ કરીને ડાળીના જોડાણ પાસે વધુ સ્પષ્ટ જોવા મળે છે. સાનુકૂળ વાતાવરણ હોય ત્યારે પાનની નીચેની બાજુએ મધ્ય શિરા પર પણ આ રોગ જોવા મળે છે. કુમળી લીલી ડાળી ઉપર આ ફૂગનું આક્રમણ થતાં ડાળીનાં પાન સુકાઈ જાય છે. તેથી સમય જતાં ડાળી મૃત્યુ પામે છે. જાડી ડાળી અને થડ ઉપર આવું કાળું આવરણ આખું વર્ષ જોવા મળે છે. જૂની વાડીઓ અથવા સાંકડા ગાળે રોપેલ ઝાડમાં પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાથી આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગ ચોમાસા દરમિયાન જુલાઈ-સપ્ટેમ્બર માસમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આ રોગના નિયંત્રણ માટે રોગિષ્ઠ થડ અને ડાળી ઉપરનાં કાળાં ધાબાંઓ કાથાની દોરીથી ઘસી સાફ કરવામાં આવે છે અને તે પછી સાફ કરેલા વિસ્તારમાં 8 %વાળું બોર્ડોપેસ્ટ લગાવવામાં આવે છે. વળી આ રોગ જ્યાં ફેલાયો હોય તે વાડીમાં કૉપર ઑક્ઝિક્લોરાઇડ 3 % અથવા કાર્બેન્ડાઝીમ 0.1 %નો છંટકાવ કરવામાં આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ