શ્યામ છારો
January, 2006
શ્યામ છારો : વનસ્પતિની પ્રકાશ-સંશ્લેષણની પ્રક્રિયામાં અવરોધ પેદા કરનાર ફૂગજન્ય રોગ. વનસ્પતિના વિવિધ ભાગો (જેવાં કે પાન, ડાળી, ફળ અથવા શિંગ) ઉપર કાળા પાઉડરસ્વરૂપે પરોપજીવી અથવા મૃતોપજીવી ફૂગની વૃદ્ધિ અથવા ફૂગના બીજાણુ દંડ અથવા બીજાણુઓ પેદા થાય છે. આ ફૂગની વૃદ્ધિ મુખ્યત્વે ચોમાસા દરમિયાન અથવા શિયાળાના ઝાકળવાળા દિવસોમાં વધુ જોવા મળે છે. છોડના ભાગો ઉપર ફૂગની છારી છવાઈ જવાથી, પાનની પ્રકાશ-સંશ્લેષણ(photosynthesis)ની પ્રક્રિયા અવરોધાય છે. તેથી છોડ કે ઝાડનાં પાન પીળાં થઈ ખરી પડે છે. છોડમાં નાઇટ્રોજન તત્વની ઊણપ હોય તેવું લાગે છે. આવા પાકમાં શિયાળા દરમિયાન ફૂલ આવતાં, તેના પર આંબાની ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધુ થતાં, આ ચૂસિયા તેના શરીરમાંથી પાણી જેવું ચીકણું પ્રવાહી બહાર કાઢે છે, જે પાન ઉપર ચોંટી જાય છે. આ ચીકણા પ્રવાહી ઉપર એસ્પરજિલસ અને પેનિસિલિયમ જેવી મૃતોપજીવી ફૂગો વૃદ્ધિ કરે છે, જે કાળા પાઉડર સ્વરૂપે પાન ઉપર શ્યામ છારા તરીકે જોવા મળે છે. આ ફૂગ પાનમાંથી ખોરાક લેતી નથી, પરંતુ પાનની સપાટી ઉપર છારી રૂપે જામી નીલકણ બનવાની પ્રક્રિયાને અવરોધે છે તેથી છોડ કે ઝાડની વૃદ્ધિમાં અવરોધ પેદા થાય છે અને તેને કારણે, ફળ, કંદ, વજન અને ગુણવત્તા ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. આવા છોડ/ઝાડના ઉત્પાદન પર શ્યામ છારાની વૃદ્ધિના ડાઘા રહેવાથી બજારમાં માલની ખૂબ જ ઓછી કિંમત મળે છે. વળી ઉત્પાદનના વજન અને કદમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ