શોંકિનાઇટ (shonkinite)
January, 2006
શોંકિનાઇટ (shonkinite) : ઘેરા રંગનો અંત:કૃત પ્રકારનો આગ્નેય સાયનાઇટ ખડક. તેના મુખ્ય ઘટકોમાં ઑગાઇટ (પાયરૉક્સિન) અને ઑર્થોક્લેઝ (ફેલ્સ્પાર) તથા અન્ય ખનિજોમાં ઑલિવિન, બાયૉટાઇટ અને નેફેલિન હોય છે. તેમાં ક્વાર્ટ્ઝ હોતો નથી, પરંતુ ક્યારેક પ્લેજિયોક્લેઝનું અલ્પ પ્રમાણ જોવા મળે છે. કુદરતમાં આ પ્રકારના ખડકો ઓછા પ્રમાણમાં મળે છે.
યુ.એસ.ના મૉન્ટાના રાજ્યમાં આવેલા હાઈવૂડ પર્વતોમાં શોંકિન-સૅગ ખાતે તે જળકૃત ખડકોમાં આ પ્રકારનું અંતર્ભેદન લૅકોલિથ સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત તે ઑન્ટેરિયો, બ્રિટિશ કોલંબિયા અને ઇન્ડોનેશિયા (સેલિબિસ, તિમોર) ખાતે પણ મળે છે.
ગિરીશભાઈ પંડ્યા