શૈલોદ્યાન (rockery) : નાના-મોટા પથ્થરોની વચ્ચે શોભન-વનસ્પતિઓ રોપી તૈયાર કરવામાં આવતો ઉદ્યાન. બાગબગીચાઓમાં શૈલોદ્યાનની રચનામાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. નાના, ગોળ અને લીસા પથ્થરોને નાના પહાડની જેમ ગોઠવી વચ્ચે વચ્ચે એકાદ-બે છોડ રોપવામાં આવે છે. આવી રચના મકાનના પ્રવેશદ્વારની પાસે સુંદર લાગે છે. આ રચનામાં પહાડ થોડા મોટા હોય તો ઉદ્યાનના એક ખૂણામાં તે સારી લાગે છે.

આકૃતિ 1 : નાનો શૈલોદ્યાન

માણસ સહેલાઈથી ઉપાડી શકે તેવા કુદરતી પથ્થરોને આકર્ષક રીતે ગોઠવી વચ્ચે વચ્ચે થોડા છોડ રોપવાથી શૈલોદ્યાન અત્યંત સુંદર લાગે છે.

આકૃતિ 2 : મધ્યમ કદનો શૈલોદ્યાન

મોટા પથ્થરોને આકર્ષક રીતે ગોઠવી વચ્ચે પાણીનો ધોધ કે વહેણ હોય અને નીચે નાનું તળાવ બનાવ્યું હોય અને તેની આસપાસ થોડા છોડ રોપેલા હોય તો આવો શૈલોદ્યાન બહુ મોટા બાગ માટે ઉપયોગી થાય છે.

ઉપર્યુક્ત પ્રથમ અને દ્વિતીય પ્રકાર વધારે પ્રચલિત છે. છોડ રોપવાના હોય ત્યાં માટીના ઢગલામાં ખાતર મિશ્ર કરવામાં આવે છે. છોડ મધ્યમ કદના, પાણીની ઓછી જરૂરિયાતવાળા અને સૂર્યની ગરમીથી પથ્થર તપે તો તે ગરમી સહન કરી શકે તેવા પસંદ કરવામાં આવે છે. બહુ ઓછી જાતો આ પથ્થરોની ગરમી સહન કરી શકે છે.

આકૃતિ 3 : મોટો શૈલોદ્યાન

શૈલોદ્યાનનો મુખ્ય હેતુ બગીચામાં વૈવિધ્ય લાવી એકદિષ્ટતા (monotony) તોડવાનો હોય છે. વળી તેના દ્વારા બગીચાની વિશાળતા, સુંદરતા અને ભૂસુદર્શનીકરણ(Landscaping)ની અસર જળવાઈ રહે તે ખાસ આવદૃશ્યક છે. નાનો બગીચો અને મોટો શૈલોદ્યાન તેમજ મોટો બગીચો અને અત્યંત નાનો શૈલોદ્યાન સુંદરતા ઘટાડે છે.

શૈલોદ્યાન માટે અનુકૂળ કેટલીક જાતિઓની માહિતી આ પ્રમાણે છે :

કૅક્ટસ : તેની અનેક જાતિઓ થાય છે. નાના શૈલોદ્યાન માટે નાની અને મોટા શૈલોદ્યાન માટે મધ્યમ જાતિ પસંદ કરવામાં આવે છે. તે તડકામાં તેમજ છાંયામાં થાય છે.

વિલાયતી ખરસાણી (Pedilanthus) : તેની સાદી અને બહુવર્ણી (variegated) જાતો થાય છે અને તે તડકા તેમજ છાંયામાં થઈ શકે છે. નાના શૈલોદ્યાન માટે તે અનુકૂળ નથી.

શતાવરી (Asparagus) : તેની જુદી જુદી જાતિઓ થાય છે. નાના શૈલોદ્યાન માટે અનુકૂળ નથી. તે તડકા અને છાંયામાં થાય છે.

ઝેબ્રીના [Tradescantia zebrina (Zebrina pendula)] : તે છાંયામાં બનાવતા શૈલોદ્યાન માટે વધારે અનુકૂળ છે. નાના અને મોટા શૈલોદ્યાનમાં ઉગાડી શકાય છે.

કેતકી (Agave) : સાગ ઑવ્ ઇન્ડિયા અને Satcrezia purpurea. આ જાતિઓ છાંયા તેમજ તડકામાં થાય છે અને મધ્યમ તેમજ મોટા શૈલોદ્યાન માટે અનુકૂળ છે.

ગન પાઉડર પ્લાન્ટ (Pilea muscosa) : તેને છાંયો અનુકૂળ હોય છે અને ભેજની નજીક સારી રીતે થાય છે. તેને નાના અને મોટા શૈલોદ્યાનમાં ઉગાડવામાં આવે છે.

ક્રોટોન (Croton) : તેની નાની જાતો પસંદ કરવામાં આવે છે અને છાંયો અનુકૂળ છે. તે મધ્યમ અને મોટા શૈલોદ્યાનમાં ઉગાડાય છે.

ટેબલ પામ : મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં રોપવા માટે સારા ગણાય છે.

નાગફણી : મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં તેમજ તડકામાં રોપી શકાય છે.

ડાઇફનબેકીઆ : તે છાંયામાં અને આછા પાતળા તડકામાં થાય છે. તેને મધ્યમ કદના અને મોટા શૈલોદ્યાનમાં ઉગાડવામાં આવે છે.

સોપારી (Areca) : મોટા શૈલોદ્યાનમાં છાંયામાં તેમજ તડકામાં રોપી શકાય છે.

કુંવારપાઠું (Aloe) : તે તડકામાં તેમજ છાંયામાં થાય છે. તેને પાણી બહુ ઓછું જરૂરી છે. તેને મધ્યમ કદના શૈલોદ્યાનમાં ઉછેરવામાં આવે છે.

એરાલીઆ : તેની સાદી અને બહુવર્ણી જાતિઓ થાય  છે. તેને મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં અને આછા પાતળા તડકામાં ઉગાડવામાં આવે છે.

આદમની સોય (Yucca) : તે મધ્યમ અને મોટા શૈલોદ્યાનમાં છાંયામાં તેમજ તડકામાં રોપવામાં આવે છે.

લજામણી (Mimosa) : તેને નાના અને મધ્યમ કદના શૈલોદ્યાનમાં તડકામાં ઉગાડી શકાય છે.

પેપરૉમિયા : તેને મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં તેમજ થોડી ભેજવાળી જગાએ ઉછેરવામાં આવે છે.

ડ્રેસીના : તેની સાદી અને બહુવર્ણી જાતો થાય છે અને મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં તથા આછા તડકામાં રોપી શકાય છે.

સેન્સેવિયેરિયા : તેને છાંયો અને આછો પાતળો તડકો અનુકૂળ છે અને મધ્યમ અને મોટા શૈલોદ્યાનમાં ઉગાડવામાં આવે છે.

સેમ્પરવાઇવમ : તેને નાના અને મધ્યમ શૈલોદ્યાનમાં ઉછેરવામાં આવે છે તથા આછો પાતળો તડકો વધારે અનુકૂળ છે.

કોલિયસ : તે મધ્યમ કદના છાંયાયુક્ત શૈલોદ્યાન માટે અનુકૂળ છે.

હંસરાજ (Fern) : તેની નાની જાત પસંદ કરવામાં આવે છે. તે મધ્યમ કદના શૈલોદ્યાન માટે છાંયામાં અને વધારે ભેજવાળી જગાએ રોપવામાં આવે છે.

લેન્ટાના (ભૂરા) : તે તડકામાં આવેલા નાના તેમજ મધ્યમ કદના શૈલોદ્યાન માટે અનુકૂળ છે. પીળા લેન્ટાના મધ્યમ અને મોટા શૈલોદ્યાનમાં ઓછા પાણીવાળી જગાએ થાય છે.

વર્બીના : તેની બહુવર્ષાયુ જાતને તડકામાં આવેલા નાના અને મધ્યમ કદના શૈલોદ્યાન માટે પસંદ કરવામાં આવે છે.

પૉર્ચ્યુલેકા : તે તડકામાં આવેલા નાના અને મધ્યમ કદના શૈલોદ્યાન માટે અનુકૂળ છે. તેની વૃદ્ધિ માટે ભેજ જરૂરી છે.

પોથોસ : તે મોટા શૈલોદ્યાનમાં છાંયામાં અને ભેજવાળી જગાએ થાય છે.

બારમાસી (Catharanthus) : તે તડકામાં આવેલા મધ્યમ કદના અને મોટા શૈલોદ્યાન માટે ઉપયોગી છે.

પૅનેક્ષ : તે નાના તેમજ મધ્યમ કદના શૈલોદ્યાનમાં છાંયામાં ઉગાડાય છે.

રસાળ (Succulants) જાતો : તેની નાની જાતો પસંદ કરી મધ્યમ કે મોટા શૈલોદ્યાનમાં તડકા તેમજ છાંયામાં રોપવામાં આવે છે.

રસીલી (Russelia juncea) : તેને મધ્યમ અને મોટા શૈલોદ્યાનમાં તડકામાં ઉછેરાય છે.

મ. ઝ. શાહ