શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ)
January, 2006
શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ) : અમદાવાદમાં ચિત્ર, શિલ્પ અને કલાશિક્ષકોને તાલીમ આપતી કલાશાળા. ચીમનલાલ શેઠે 1912માં છાત્રાલયની સ્થાપના કરેલી. ત્યારપછી 1926માં શાળાની સ્થાપનાથી શરૂઆત કરીને સંસ્થાએ માનવજીવનને ઉપયોગી એવા શૈક્ષણિક, ભાવાત્મક, વ્યવહારુ અને કલાવિષયક અભ્યાસક્રમોનો વિકાસ કરવાનું ચાલુ રાખેલું. હાલ વિદ્યાલય (હાઈસ્કૂલ), ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, બાલવિદ્યાલય, કિશોરવિદ્યાલય, વ્યાયામ-વિદ્યાલય, તાલીમી વિદ્યાલય (પ્રાથમિક શિક્ષકીય તાલીમ), ગ્રૅજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કૉલેજ, કમ્પ્યૂટર સેન્ટર કાર્યરત છે. તે બધાં માટે છાત્રાલય પણ ખરું જ.
1934માં કલાશિક્ષક તરીકે રસિકલાલ ન. પરીખ ‘અર્ધ સમય’ના શિક્ષક તરીકે જોડાયેલા. આ જ વિદ્યાવિહારમાં તેમણે ચિત્રશિક્ષકીય તાલીમવર્ગ 1951માં શરૂ કરેલો, જે ગુજરાતમાં સર્વપ્રથમ હતો. 1960માં સી. એન. કલા મહાવિદ્યાલયના સ્વતંત્ર મકાનનો શિલારોપણ વિધિ પણ તેમના જ હસ્તક થયો. મુંબઈ રાજ્યના વિભાજન પછી ગુજરાતમાં કલાના અભ્યાસ માટે કોઈ સુસંગઠિત કલા-સંસ્થા હોવી જોઈએ એવું લાગતાં શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓની સહાયતાથી શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ નવા મકાનમાં અદ્યતન સાધનો સાથે 1960માં અસ્તિત્વમાં આવી. કલા-આચાર્ય તરીકે 1974 સુધી રસિકલાલ પરીખે તેનું કામકાજ સુચારુ રૂપે ચલાવ્યું. આ પૂર્વે આઝાદી પછી 1950માં મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય (વડોદરા) તરફથી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સની સ્થાપના થઈ ચૂકી હતી, જેના અધિષ્ઠાતા (ડીન) તરીકે માર્કણ્ડ ભટ્ટ પ્રથમ સ્થાનાપન્ન હતા; જેનું વિચારબીજ હંસાબહેન મહેતા(ઉપકુલપતિ)એ વાવેલું.
હાલ પૂર્ણ વિકસિત કલા-વિદ્યાલયમાં ધોરણ દશમા પછી પાંચ વર્ષના અભ્યાસક્રમો – ચિત્રકલા, પ્રયુક્ત કલા (‘એપ્લાઇડ આર્ટ’) અને શિલ્પકલા–નો સમાવેશ થાય છે. વળી બે વર્ષનો અભ્યાસક્રમ એ.ટી.ડી. (કલા-શિક્ષકીય તાલીમ) 12મા ધોરણ પછી લઈ શકાય તેવી વ્યવસ્થા છે. પહેલાં મહારાષ્ટ્રના સરકારી અભ્યાસક્રમ પ્રમાણે ડિપ્લોમા અપાતો. હવે ગુજરાત રાજ્ય સરકારનાં નીતિનિયમ પ્રમાણે ડિપ્લોમાનો અભ્યાસક્રમ ચાલે છે. આ ઉપરાંત કમ્પ્યૂટર અને ટૅક્નૉલૉજી સાથેનો નવો અભ્યાસક્રમ ગુજરાત સરકારે જે અપનાવ્યો છે, તેના શિક્ષણની અહીં કલાતાલીમમાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લગભગ 750 વિદ્યાર્થીઓને તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થા છે. અમદાવાદની આજુબાજુનાં નાનાં શહેરો અને સૌરાષ્ટ્ર–સાબરકાંઠા વગેરે સ્થળોએથી કલાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે. તેમના માટે છાત્રાલયની વ્યવસ્થા પણ છે.
અહીં કલાશિક્ષણ ઉપરાંત કલાપ્રદર્શનો, કલાવિવેચનો અને કલાસ્પર્ધાઓમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્નાતક થયેલા ખ્યાતનામ કલા-અધ્યાપકોની સંખ્યા 35થી ઉપર છે. મુલાકાતી વ્યાખ્યાતાઓ પણ અવારનવાર આવા વિવિધ કલાવિષયો પર પોતાનાં મંતવ્યો-પ્રવચનો રજૂ કરે છે.
આ સંસ્થામાંથી રસિકલાલ પરીખની રાહબરી નીચે અને ત્યારપછી પણ ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ(કલાકારો)એ ભારતમાં અને વિદેશમાં સંસ્થાનું નામ ઉજ્જ્વળ કર્યું છે. તેમાંના કેટલાકનાં નામોનો ઉલ્લેખ કરવા જેવો છે : રસિકલાલ ન. પરીખ ઉપરાંત શાંતિ દવે, હિંમત શાહ, પીરાજી સાગરા, સી. ડી. મિસ્ત્રી, નાગજીભાઈ ચૌહાણ, નટુ પરીખ, અજિત દેસાઈ, ચંદ્રકાન્ત કંસારા, ઊર્મિ પરીખ, મહેન્દ્ર કડિયા, સુરેશ શેઠ વગેરે. વધુ અભ્યાસ માટે વડોદરાની મ. સ. વિશ્વવિદ્યાલયમાં ગયા હોય અને ડૉક્ટરેટ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓની યાદી પણ નાની નથી. એકંદરે રસિકલાલ પરીખની કલા-તપશ્ચર્યા સંસ્થા રૂપે ઊગી નીકળી છે.
કનુ નાયક