શેઠ, ચંદ્રકાન્ત

January, 2006

શેઠ, ચંદ્રકાન્ત (. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ; અ. 2 ઑગસ્ટ 2024 અમદાવાદ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. માધ્યમિક શિક્ષણ હાલોલ અને પછી અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ.. ત્યારબાદ હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક. 1961માં ગુજ. યુનિ.માંથી એમ.એ.. ત્યારબાદ વિવિધ કૉલેજોમાં અધ્યાપન. 1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક. 1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.). 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સહસંપાદક (1980-82) તથા માનાર્હ સંપાદક (1982-84). રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989-90). ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો‘ભાષાવિમર્શ’ (1984-85) તથા ‘પરબ’ (1988-89)નું સંપાદન. 1998થી 2022 સુધી  ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક, બાળવિશ્વકોશના સંપાદક તરીકે કાર્ય.

ચંદ્રકાન્ત શેઠ

‘કુમાર’ની બુધસભા દ્વારા એમની કવિપ્રતિભાનો ઉઘાડ થયો. ત્યાં મુરબ્બી કવિઓ તથા સમકાલીન કવિમિત્રો દ્વારા કવિતાનું વાતાવરણ સાંપડ્યું. ‘બુધસભા’ તથા સઘન અભ્યાસ દ્વારા ભારતીય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાયા, તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતાના અને પ્રયોગશીલતાના સંસ્કાર પણ ઝિલાયા. આધુનિકતાના ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ તેઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ બધીયે દિશામાંથી પોષણ મેળવ્યું છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે – આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. એમની સર્જનયાત્રામાં જન્મજાત પ્રતિભા તથા નિષ્ઠાપૂર્વકની સાહિત્યસાધના-બેયનો સુભગ સમન્વય થયો છે. સર્જનયાત્રાની સાથે સાથે આસ્વાદ-વિવેચન-સંપાદનનાં કામ પણ સતત થતાં રહ્યાં છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’(1972)માં પરંપરિત છંદોબદ્ધ રચનાઓ ઉપરાંત અછાંદસ તથા ગીતરચનાઓનો સમાવેશ થાય છે. પ્રથમ સંગ્રહથી જ કવિનો પોતીકો અવાજ ઉઘાડ પામે છે. જાત સાથેનો દ્વંદ્વ – સંવાદ તથા વિ-સંવાદ આધુનિક રીતિથી વિડંબના દ્વારા પ્રગટ થાય છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ….’, ‘ક્યાં છો ચંદ્રકાંત ?’, ‘ખખડે- સૂણું’, ‘રાત્રી થતાં…’ ‘બેસ, બેસ, દેડકી !’ જેવાં ઉત્તમ કાવ્યો આ સંગ્રહમાંથી મળે છે. ‘ઊઘડતી દીવાલો’(1974)માં આધુનિકતાનાં મૂળિયાં વધુ ઊંડે ઊતરે છે. જેમાં જાતને ઓળખવા-પામવાની શોધયાત્રા સાથે કવિતા પામવાનીય શોધયાત્રા ભીતરનો ઉજાસ પ્રગટાવતી રહે છે. પ્રથમ બે કાવ્યસંગ્રહમાંથી પ્રગટ થતા કવિના ‘હું’-નાં વિવિધ રૂપો તપાસીએ તો એમાં ‘નંદ સામવેદી’નાં મૂળિયાંય કદાચ મળી રહે. સમાજ, સંસ્કૃતિ, સાંપ્રત, સ્થળ-કાળ, રાજકારણ, માનવમૂલ્યો – બધું એમની કવિતાની ત્રિજ્યામાં આવતું જાય છે ને કવિતા સંવેદનવિસ્તાર પામતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા !’, ‘અટેકણે સૂવાની ટેવ’, ‘ચક્કરિયા ચાલ’, ‘આકાશનો સોદો’, ‘મારું અમદાવાદ’ ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’ જેવી સંતર્પક રચનાઓ આ સંગ્રહમાંથી સાંપડે છે. ‘પડઘાની પેલે પાર’(1987)માં પરંપરા અને આધુનિકતા – કલ્પનો અને રૂપકો – તર્ક અને વિચાર-પ્રતીકો – બધું એમની કવિતામાં ઓગળતું જાય છે અને એમની કવિતા ઊંડે અને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે : નર્મ-મર્મ, ભાવ, સંવેદન, તર્ક, વિચાર, અર્થ, વિડંબના, કાવ્ય-લીલા, કવિ-કર્મ – બધું સૂક્ષ્મતાથી કવિતાની ત્રિજ્યાને વિસ્તારે છે. ‘આવું ક્યારેક થઈ આવે છે ખરું’, ‘ગોરંભો’, ‘એક દોઢ ડાહી કાબરની વાત’, ‘ખરી પડતા વાળ અટકાવવા જતાં’ તથા ‘સંવેદનચિત્રો’ જેવાં કાવ્યો આ સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ગીતસંગ્રહ ‘ગગન ખોલતી બારી’(1990)માં ભીતરના અધ્યાત્મનું તેજ, કવિતાની ભીનાશ અને નાજુક-નમણાં સંવેદનોનું લાવણ્ય આગવું રૂપ પ્રગટ કરે છે. આ સંગ્રહમાંથી ‘માછલી જ બાકી?’ ‘સાદ ના પાડો’, ‘જલને જાણે……’, ‘નભ ખોલીને જોયું…..’, ‘તો મળવું લાગે મીઠું’, ‘કોના માટે ?’, ‘ઊંડું જોયું……’, ‘ તો આવ્યાં કને’, જેવાં ગીતો મળે છે. ગઝલસંગ્રહ ‘એક ટહુકો પંડમાં’(1996)માં ‘સાદ કર’, ‘શાન્ત છે !’ , ‘નીકળ્યો’ જેવી ગઝલો સાંપડે છે. કેટલીક ગઝલોમાં ગઝલીયતની ઉણપ વરતાય છે. ‘શગે એક ઝળહળીએ’ (1999), ગીતસંગ્રહ ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (2004), ‘જળ વાદળ ને વીજ’ (2005) ‘ગગન ધરા પર તડકા નીચે’ (2008), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (2008), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (2012), ‘હદમાં અનહદ’ (2017), ‘શબ્દમાં મૌન, મૌનમાં શબ્દ’ (2022) તથા ‘શ્વાસ કવિતાના…પ્રાસ પ્રભુતાના’ (2024) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. આ ચૌદે કાવ્યસંગ્રહોનાં સમગ્ર કાવ્યોનો સંગ્રહ ‘પૂર્ણ દર્શિત કવિતા’ (2024). એમાં 1041 કાવ્યો છે. પરંપરા અને આધુનિકતા; સમય, સમાજ અને ભારતીય સંસ્કૃતિ એમની ભીતરના સતમાં રસાઈને ઘૂંટાઈને પ્રગટ થાય છે. એમના ઈ. સ. 2000 પછી પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાંથી ‘કેમ રે પધરાવું ઝળહળ જ્યોતને ’, ‘માતાજીને’, ‘ચાલો બાપુ! આપણે જઈએ…’, ‘ઉછાળ દરિયા’. ‘થાઉં બળિયો’, ‘હું તો મારા હુંને કહું છું’, ‘ખોલવો અનંતનો અંતરપટ’, ‘ખંડેર સરખા ખોળિયે ક્યાં સુધી રહેશો, સૂબાજી!’ જેવાં ઉત્તમ કાવ્યો મળે છે.

એમની અછાંદસ રચનાઓમાં આવતા છંદ-લયના ખંડો, બોલચાલના કાકુઓ-લઢણો કવિતાની બાંધણીને-આકારને સુદૃઢ કરે છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે. આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. કલ્પનો, પ્રતીકો, રૂપકો, તર્ક, વિચાર, સંવેદન; ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ – બધુંયે એમના કાવ્યમાં ઓગળી જાય છે ને નવાં પરિણામો સિદ્ધ થાય છે. એમની કવિતા ઊંચે અને ઊંડે, પેલે પારની ગતિ સાધે છે.

ચંદ્રકાન્ત શેઠના ગદ્યનો વ્યાપ પણ ખૂબ મોટો છે. ‘નંદ સામવેદી’માં કલ્પન-રૂપકભરી વિલક્ષણ ગદ્યની આગવી રૂપછટાઓ મળે છે, તો ‘ધૂળમાંની પગલીઓ’માં શિશુની પગલીઓ જેવું સાદું-સરળ-સહજ-રસળતું ચિત્રાત્મક ગદ્ય સાંપડે છે, રેખાચિત્રોમાં એમનું ગદ્ય અલગ રેખાઓ આંકે છે, વાર્તાઓમાં વાર્તાના વિષયવસ્તુને અનુરૂપ વાર્તામાં ઓગળી જનારું ગદ્ય મળે છે, એમના નર્મ-મર્મ-વ્યંગ-ભર્યા હાસ્યનું ગદ્ય વળી જુદી જ હળવાશભર્યું જણાય છે – એમનો વ્યંગ કે ટકોર વાગે તેવી હળવાશવાળાં નહિ, પણ હેતભર્યાં હોય છે.

લલિત નિબંધોના સંગ્રહ ‘નંદ સામવેદી’(1980)માં નંદ એક પાત્ર છે. આ પાત્ર દ્વારા વસ્તુલક્ષિતાથી, જાત સાથે તથા સહુના ભીતર સાથે, ક્યારેક ભીતરના ભીતર સાથે, ગોઠડી ચાલે છે. નિબંધકારના ‘હું’ની (કહો કે ચંદુડિયાની, આર્યપુત્રની, બાલચંદ્રની, દક્ષ પ્રજાપતિની પણ) નમનીય, રમણીય પગલીઓ પડતી રહે છે જેમાં અંગતતા અને બિન-અંગતતાની લકીરો એકસાથે ઊપસતી રહે છે. કાવ્યાત્મક ઉન્મેષોવાળું લલિત અંગત નિબંધોનું આ આગવું રૂપકાત્મક ગદ્ય ગુજરાતી નિબંધોમાં નવી જ ભાત પાડે છે. ‘ભાઈ રામ’ જેવા વિલક્ષણ અને વિશિષ્ટ નિબંધો આ સંગ્રહમાંથી સાંપડે છે. ‘ધૂળમાંની પગલીઓ’(1984)માં બાળપણનાં સ્મરણો-સંવેદનો ઘૂંટાઈને સચ્ચાઈપૂર્વક ચિત્રાત્મક-દૃશ્યાત્મક ગદ્યમાં ઉઘાડ પામ્યાં છે. છેંતાલીસની વયે પહોંચ્યા પછી, લેખકે પોતાના બાળપણને ફરી પાછું વિસ્મયથી, જોયું-નીરખ્યું-તપાસ્યું છે ને લેખનવેળા બધું ફરી સંવેદ્યું છે ને એ શિશુવયને  એનાં ધબકતાં સંવેદનોને – નાનાં નાનાં નાજુક – નમણાં સુખદુ:ખોને, એ સમયને અને પરિવેશને મૂળ-માટીની સોડમ-સુગંધ સાથે જીવંત કર્યો છે. સ્મૃતિમાં થોડી કલ્પનાને ભેળવીને રમણીય-કમનીય ઘાટ આપ્યો છે. છેંતાલીસ વર્ષના વિદ્યાપીઠવાળા ખાદીધારી ડૉ. ચંદ્રકાન્ત શેઠ, પેલા કવિતાવાળા ‘ચંદુડિયા’ અને થીંગડિયાળી ચડ્ડી અને સાંધેલું બાંડિયું પહેરીને ફરતા ચંદરિયા-બચુડા સાથે કેવા કેવા સેતુ રચાય છે ! કવિ ચંદ્રકાન્ત શેઠ આ પગલીઓના શબ્દે શબ્દે ‘હું’-પદની રીતે નથી પણ ‘ધ્રુવપદ’ની રીતે છે ! આથી આ સ્મરણકથાને એક નવું પરિમાણ સાંપડે છે. વાર્તાસંગ્રહ ‘એ બાલ્કનીવાળી છોકરી અને’માં, ‘એ બાલ્કનીવાળી છોકરી અને…’ તથા ‘લાવો, સાંધી દઉં’ જેવી ઉત્તમ વાર્તાઓ મળે છે. ‘સ્વપ્નપિંજર’ (1983)  એકાંકીસંગ્રહમાંથી ‘લાઇન’ તથા ‘સ્વપ્નપિંજર’ જેવાં વિલક્ષણ એકાંકી સાંપડે છે. પણ તેમની પાસેથી મળે છે. ‘ચહેરા ભીતર ચહેરા’ (1986) – ચરિત્રનિબંધોના સંગ્રહમાં એક કવિની દૃષ્ટિથી માનવીની ભીતરનીય ભીતરના કેટલાક અજાણ્યા-અંધારિયા-અજવાળિયા ખૂણાઓ જોવા મળે છે. આ સંગ્રહમાંથી ‘ગોપાલ બહુરૂપી’, ‘રૂપી ખવાસણ’ જેવા ચરિત્રનિબંધો સાંપડે છે.

‘હેત અને હળવાશ’ (1990), ‘વહાલ અને વિનોદ’ (1995) તથા ‘હળવી કલમનાં હળવાં ફૂલ’ (2005) એમના વિનોદરસિક હળવા નિબંધો છે; તો ‘વાણીનું સત, વાણીની શક્તિ’ (1996) તથા ‘ગુણ અને ગરિમા’ (1997) એમના ચિંતનાત્મક નિબંધો છે.

સર્જનની સાથે સાથે વિવેચન-સંશોધનનાં કામ પણ અવિરત ચાલ્યાં છે જેમાં કાવ્યપ્રત્યક્ષ (1976), અર્થાન્તર (1978), રામનારાયણ વિ. પાઠક (1979), આયરનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ (1984), સ્વામીનારાયણ સંતકવિતા : આસ્વાદ અને અવબોધ (1984), કવિતાની ત્રિજ્યામાં (1986), કાન્ત (1990), ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : 3 (1992), ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા : ભક્તિકવિતાનું સાતત્ય અને સિદ્ધિ (1993), મહાદેવભાઈ દેસાઈ : સત્ત્વ અને સાધના (1994), સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન (1998), સ્વામી આનંદ (1998), શબ્દ દેશનો, શબ્દ વિદેશનો (2002), ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી (2003), કવિતા : પંથ અને પગલાં (2004), સાહિત્ય : તેજ અને તાસીર (2005) ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ (ત્રણ ખંડમાં, 2008), ‘કવિતા : ચાક અને ચકવા’ (2009), ‘આપણું કાવ્યસાહિત્ય : પ્રકૃતિ અને પ્રવાહ’ (2010), ‘કાવ્યાનુભવ’ (2015), ‘ભક્તકવિ નરસિંહ મહેતા’ (2015), ‘પ્રેમાનંદનું ભાષાકર્મ’ (2016), ‘સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના પરિસરમાં’ (2016), ‘સપ્તપદી : આસ્વાદ અને અવબોધ’ (2022), ‘માણ્યું એની મજા’ (2022) આદિનો સમાવેશ થાય છે. તદુપરાંત અનુવાદ/રૂપાંતર તથા ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (1983), ‘યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી’ (1995, 2004), ‘ચૂંટેલી કવિતા : સુન્દરમ્’ (2004), ‘સુન્દરમની શ્રેષ્ઠ વાર્તાઓ’ (2004), ‘સ્વામી આનંદ નિબંધ વૈભવ’ (2004), ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’ (2007), ‘ગુજરાતી બાળવિશ્વકોશ’ (ભાગ 1થી 10) (2009-19) વગેરે સંપાદનનાંય ચાલીસથી વધુ પુસ્તકો મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’ (1980), ‘હું તો ચાલું મારી જેમ’  ‘ઘોડે ચડીને આવું છું’ (2001) એમનાં બાલકાવ્યો છે. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1985); કુમારચંદ્રક (1964); સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ (1986); નર્મદ સુવર્ણચંદ્રક (1983-87); નરસિંહ મહેતા ઍવૉર્ડ (2005), ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (2006), સચ્ચિદાનંદ સન્માન (2010), પ્રેમાનંદ સુવર્ણચંદ્રક (2015-16), મનુભાઈ પંચોળી ‘દર્શક’ ઍવૉર્ડ (2017), બાળકિશોર માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ (2018), સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ (2022) ગુજરાતી સાહિત્ય અકાદમીનાં તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.

યોગેશ જોષી