શેઠ, અજિત (જ. 19 સપ્ટેમ્બર 1932, મુંબઈ; અ. 23 જાન્યુઆરી 2006, મુંબઈ) : ગુજરાતી કાવ્ય-ગીતોના સ્વરનિયોજક તથા ગાયક. છેલ્લા પાંચ દાયકા (1949-2006) ઉપરાંતના સમયગાળામાં કાવ્ય-સંગીતક્ષેત્રે સ્વરકાર અને ગાયક તરીકેનું તેમનું યોગદાન ચિરસ્મરણીય છે. પિતાનું નામ વૃંદાવન. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1954માં મુંબઈની સિડનહામ કૉલેજથી બૅંકિંગ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી અને ત્યારબાદ સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તે જ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. રાજકોટના જાણીતા શાસ્ત્રીય સંગીતકાર અમુભાઈ દોશીનાં શિષ્યા અને તે સમયે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે આગવી છાપ ઊભી કરવાની ગર્ભિત શક્તિ ધરાવતાં નિરુપમા જોષી સાથે 1957માં લગ્નગ્રંથિથી જોડાયા અને ત્યારથી આ બંનેની પાંચ દાયકાની સહિયારી સંગીતયાત્રાનો શુભારંભ થયો. નિરુપમા ગોંડલના દીવાનનાં પુત્રી હતાં અને મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયાં અને ભારતીય વિદ્યાભવનની નિશ્રામાં યોજાતી નૃત્યનાટિકાઓમાં ગાવાની શરૂઆત કરી. અજિત શેઠની મુખ્ય રુચિ અને પ્રદાન કાવ્ય-સંગીતક્ષેત્રે હોવા છતાં દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રની અન્ય કલાઓમાં પણ તેઓ આજીવન સક્રિય રસ લેતા રહ્યા.
તેમણે 1947માં ગાયેલું અને આકાશવાણી, મુંબઈ પરથી પ્રસારિત થયેલું કવિ નિરંજન ભગતનું ગીત ‘સાંજના સૂરે કોઈના આ મધુર ઉરે’ – એ તેમનું સુગમ સંગીતક્ષેત્રે પ્રથમ સોપાન હતું, જે ખૂબ લોકપ્રિય બન્યું અને ત્યારબાદ તેમની સંગીતયાત્રા સતત પાંચ દાયકા સુધી અવિરત (1947-2006) ચાલતી જ રહી. 1949થી તેમનાં સ્વરાંકિત ગીતો આકાશવાણી પર અને 1972થી દૂરદર્શન પર સતત પ્રસારિત થતાં રહ્યાં છે. 1955માં અજિત અને નિરુપમા શેઠે યુગલ સ્વરોમાં ગાયેલા ‘ઘનશ્યામ ગગનમાં’ ગીતે આ બેલડીને લોકપ્રિયતાના શિખરે પહોંચાડી દીધી. આ અમર ગીતનું સ્વરનિયોજન અજિત મર્ચન્ટે કર્યું હતું. 1971માં અજિત અને નિરુપમા શેઠે ઝવેરચંદ મેઘાણીના અમૃતમહોત્સવ પ્રસંગે મુંબઈમાં મેઘાણી મણિમહોત્સવનું સફળ આયોજન કર્યું અને તે પ્રસંગે દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ રજૂ કરી વિક્રમ સર્જ્યો. આ પ્રકારનો પ્રયોગ ભારતની સર્વ ભાષાઓમાં પ્રથમ હતો. 1973માં કવિવર રાજેન્દ્ર શાહની ષદૃષ્ટિપૂર્તિનું અજિત શેઠે આયોજન કર્યું અને તે પ્રસંગે ભારતના ખ્યાતનામ ગાયકોના કંઠે રાજેન્દ્ર શાહની રચનાઓ ગવડાવી; જેમાં જગજીતસિંઘ, ચિત્રા સિંઘ, રાજેન્દ્ર મહેતા, નીના મહેતા, સરોજ ગુંદાણી, મનહર ઉધાસનો સમાવેશ થયો હતો. 1981માં તેમણે ચાર દિવંગત કવિઓ : જગદીશ જોષી, મણિલાલ દેસાઈ, પ્રિયકાંત મણિયાર અને રાવજી પટેલની કૃતિઓ પર આધારિત લાગ પ્લેઇંગ રેકર્ડ (LP) ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ શીર્ષક હેઠળ એમણે સ્થાપેલા ‘સંગીત ભવન ટ્રસ્ટ’ અંતર્ગત બહાર પાડવામાં આવેલી. તે પૂર્વે 1957ના અરસામાં ચલચિત્ર જગતના વિખ્યાત પાર્શ્ર્વગાયક પંકજ મલ્લિક સાથે પરિચય થયો, જે મલ્લિકના અવસાન સુધી સંગીતક્ષેત્રે ખૂબ ફળદાયી નીવડ્યો. 1957 પછીના ગાળામાં અજિત શેઠે પંકજ મલ્લિકના સક્રિય સહકારથી મુંબઈમાં અને ગુજરાતનાં ઘણાં નગરોમાં સુગમ સંગીતના સેંકડો કાર્યક્રમોનું આયોજન કર્યું. પંકજ મલ્લિકના અવસાન બાદ અજિત શેઠે દિવંગતની સ્મૃતિમાં એક આત્મકથનાત્મક અને સંસ્મરણાત્મક સ્મૃતિગ્રંથ ‘ગુજર ગયા વહ જમાના’ પ્રકાશિત કર્યો, જેનું વિમોચન કવિ ઉમાશંકર જોશીએ કર્યું હતું.
અજિત શેઠ રાષ્ટ્રકવિ રવીન્દ્રનાથ ઠાકુરનાં વ્યક્તિત્વ, કલાસાધના અને કાવ્યરચનાઓથી વિશેષ પ્રભાવિત થયા હતા. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની જન્મશતાબ્દીને અનુલક્ષીને અજિત શેઠે મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રની નિશ્રામાં ‘ટાગોર સપ્તાહ’-રૂપે કલામહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં રવીન્દ્ર સંગીત ઉપરાંત ગીતનાટ્યો, ચર્ચાસભાઓ, કલાકર્મીઓના પરિસંવાદો, પ્રદર્શનો ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના કેટલાક અંશ પાછળથી લંડન બી.બી.સી. પરથી પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. રવીન્દ્ર શતાબ્દીને જ અનુલક્ષીને અજિત શેઠે અમદાવાદ ખાતે 1961માં ગુજરાત સરકાર-પ્રેરિત ચાર દિવસના મહોત્સવનું આયોજન કર્યું હતું; જેમાં પંકજ મલ્લિક, હેમંત કુમાર, મન્ના ડે, અનિલ બિશ્વાસ, દ્વિજેન મુખર્જી જેવા સંગીતના દિગ્ગજોએ રવીન્દ્ર સંગીત પ્રસ્તુત કર્યું હતું. ભારતીય લોકસંગીતની પરંપરા સાચવવાના હેતુથી તથા પાશ્ચાત્ય કોયર સંગીતપ્રણાલી આપણાં સમૂહગીતોમાં દાખલ કરવાના શુભ હેતુથી અજિત શેઠે અનિલ બિશ્વાસ અને સલિલ ચૌધરી જેવા સંગીતકારોની સંયુક્ત રાહબરી નીચે 1959માં ‘બૉમ્બે યુથ કોયર’ની સ્થાપના કરી હતી. અજિત શેઠે સંગીત ક્ષેત્રે પંકજ મલ્લિકને ગુરુસ્થાને પ્રસ્થાપિત કર્યા હતા અને પોતાના ગુરુની સ્મૃતિ ચિરકાલ કાયમ રહે તે ઉદ્દેશથી તેમણે પંકજ મલ્લિક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી.
1950માં અજિત શેઠે મહર્ષિ અરવિંદના પટ્ટશિષ્ય અને મનીષી સાધક દિલીપકુમાર રાયની સાથે સમગ્ર ભારતનો સંગીતપ્રવાસ ખેડ્યો હતો. 1952માં ગુરુદયાલ મલ્લિકે અજિત શેઠની ટાગોર સોસાયટીના મંત્રીપદે નિમણૂક કરી હતી અને તેના અનુસંધાનમાં તેમણે ‘શ્યામા’ અને ‘ચિત્રાંગદા’ જેવી રવીન્દ્રનાથ-રચિત કેટલીક નાટ્યકૃતિઓમાં ભાગ પણ લીધો હતો.
1954-59ના પાંચ વર્ષના સમયગાળામાં મુંબઈના આકાશવાણી કેન્દ્ર પરથી દર માસે નિયમિત પ્રસારિત થતી ‘આ માસનાં ગીતો’ શ્રેણીમાં અજિત અને નિરુપમા શેઠ બંને વ્યવસ્થાપક તરીકે જોડાયેલાં હતાં. વિખ્યાત ગુજરાતી રચનાકાર અને સ્વરનિયોજક અવિનાશ વ્યાસ આ શ્રેણીના સ્થાપક હતા અને તેનું સંયોજન ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રના સુગમ સંગીત એકમ દ્વારા કરવામાં આવતું. આ શ્રેણીમાં ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે નામના મેળવી ચૂકેલા નિનુ મજમુદાર, અજિત મર્ચન્ટ, રજની લાખિયા, દિલીપ ધોળકિયા, રસિકલાલ ભોજક જેવા અગ્રણી કલાકારોએ ભાગ લીધો હતો. ઉપરાંત, અજિત શેઠ અને નિરુપમા શેઠે મુંબઈ અને ગુજરાતના કેટલાંક નગરોમાં ‘અખિલ ભારતીય સુગમ સંગીત સંમેલનો’નું આયોજન કર્યું હતું, જેની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. ઉપર્યુક્ત સંમેલનોમાં સલિલ ચૌધરી, લક્ષ્મીશંકર, જગજિત કૌર, ઉષા ખન્ના, મન્ના ડે, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, ભૂપેન્દ્ર સિંગ, રાજેન્દ્ર મહેતા, કૌમુદી મુન્શી, મીના કપુર, અનિલ બિશ્વાસ, દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, સરોજ ગુંદાણી, હર્ષદા રાવળ, જનાર્દન રાવળ, પિનાકિન મહેતા, પૂર્ણિમા ઝવેરી, બંસરી ભટ્ટ, આશિત દેસાઈ જેવા સુગમ સંગીતના દિગ્ગજોએ ભાગ લીધો હતો. શેઠ દંપતીએ 1960-70ના દાયકામાં આયોજિત કરેલાં આવાં સંમેલનોની સંખ્યા 16 જેટલી હતી. તે ઉપરાંત, અજિત શેઠે વિવિધ ભારતી પર ‘કોહિનૂર ગીત ગુંજાર’ શીર્ષક હેઠળ 1931-42ના સમયગાળાને આવરી લેતી એક સંગીતશ્રેણી પણ પ્રસ્તુત કરી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી. તેમણે ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’, ‘નૅશનલ કાઉન્સિલ ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ’ (NCPA) સંસ્થાનું સામયિક તથા સંગીત-નાટક અકાદમીના ત્રૈમાસિકમાં પાર્શ્ર્વસંગીત પર એક લેખમાળા પણ પ્રસ્તુત કરી હતી.
અજિત શેઠે સ્વરનિયોજન કરેલી તથા પોતે એકલ અથવા પત્ની નિરુપમા શેઠ સાથે યુગલ સ્વરોમાં ગાયેલાં ઊર્મિગીતોની કૅસેટો પણ બહાર પડી છે. ઉપરાંત, ‘ગુજરાતમાં પ્રયોજિત સંગીતસુગમ સંગીત’ શીર્ષક હેઠળ તેમનું એક પુસ્તક પણ વર્ષ 2005માં પ્રકાશિત થયું છે.
આ રીતે ગુજરાતી સુગમસંગીત ક્ષેત્રે અજિત શેઠનું સ્વરનિયોજક અને ગાયક તરીકેનું અને નિરુપમા શેઠનું ગાયક તરીકેનું પ્રદાન વિશિષ્ટ અને સાતત્યપૂર્ણ રહ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે