શેખ, મુહમ્મદસાહેબ (જ. ઈ. સ. 1549; અ. 1631, અમદાવાદ) : મુસલમાનોના ચિશ્તી સંપ્રદાયના અમદાવાદ ખાતેના મહત્ત્વના પીર. એમના દાદા જમાલુદ્દીન જમ્મનશાહસાહેબ પાટણથી અમદાવાદ આવ્યા. એમના પિતા શેખ હુસેન મુહમ્મદસાહેબ તેમના વારસ થયા. પિતા પાસેથી શેખ મુહમ્મદસાહેબને સમૃદ્ધ જ્ઞાનરૂપી વારસો મળ્યો હતો. એમણે સ્વસાધનાથી આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના સમકાલીન પ્રસિદ્ધ સંત સૈયદ જલાલુદ્દીન શાહઆલમ પણ તેમને માન આપતા હતા. એમના ગાદીએ આવ્યા પછી, એમના શિષ્યોએ અહમદશાહી વંશના ગુજરાતી સુલતાનોના શાસનકાળ દરમિયાન મળેલી ધાર્મિક જાગીરોની સનદો ફરી ચાલુ કરવા મુઘલ શહેનશાહ અકબરને અરજ કરવા વિનંતી કરી; ત્યારે શેખ મુહમ્મદસાહેબ બોલ્યા, ‘‘ફકીરોને એવી શી જરૂર છે કે જગતના મહાન બાદશાહ(પરમેશ્વર)ને બદલે, સંસારના બાદશાહને અરજ કરે ?’’ આમ બોલીને તેમણે સનદોને હોજમાં ફેંકી દઈ નાશ કર્યો.
કેટલોક સમય તેઓ મલિક મકસૂદની મસ્જિદ(શાહીબાગમાંની મિયાંખાન ચિશ્તીની મસ્જિદ)માં એકાંતવાસમાં રહેલા. એમને વાજિંત્રોના ઘોંઘાટ વિનાનું સંગીત સાંભળવું ગમતું. ‘મિરાતે અહમદી’ તેમને સંબંધિત એક રસપ્રદ ઘટના નોંધે છે : ઈ. સ. 1617-18માં મુઘલ સમ્રાટ જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે એમણે શેખસાહેબનાં દર્શન કરવાની ઇચ્છા બતાવી. શેખસાહેબે જહાંગીરને પોતાની પાસે બોલાવવાને બદલે, પોતે જ સમ્રાટ પાસે આવશે તેમ જણાવ્યું.
એમ કહેવાય છે કે, શેખસાહેબ જહાંગીરને મળ્યા ત્યારે સમ્રાટ વાઘોનો તમાશો જોઈ રહ્યો હતો. એવામાં સરતચૂકથી એક વાઘ પાંજરાની બહાર નીકળી ગયો. આ જોઈ તમામ લોકો નાસી ગયા, પરંતુ વાઘે હુમલો કર્યો નહિ અને શેખસાહેબના પગને ચાટતો વહાલ કરવા લાગ્યો. તેઓ એટલી ઊંચી કક્ષાના સંત હતા કે તેમને ‘કુતુબ’નો ઇલકાબ મળ્યો હતો. એમના અવસાન પછી તેમના શિષ્યો પૈકીના કોઈ વારસદાર થયા નહિ, પરંતુ તેમના ભત્રીજા યાહ્યા ચિશ્તીને ગાદી મળી.
ઈશ્વરલાલ ઓઝા