શેખપુરા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 09´ ઉ.અ. અને 85° 51´ પૂ.રે.ની આજુબાજુનો 689 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નાલંદા, પટણા અને લખીસરાઈ જિલ્લાઓના ભાગો; પૂર્વમાં લખીસરાઈ જિલ્લો; દક્ષિણે જામુઈ અને નવદા જિલ્લા તથા પશ્ચિમે નવદા અને નાલંદા જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની મધ્યમાં આવેલું છે.

શેખપુરા

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાના કેટલાક ભાગનું ભૂપૃષ્ઠ ઊંચાણવાળું તો કેટલુંક મેદાની છે. જમીનો ફળદ્રૂપ કાંપની બનેલી હોવાથી ડાંગર, ઘઉં અને તેલીબિયાં માટે અનુકૂળ પડે છે. અહીંથી કોઈ મોટી નદી પસાર થતી નથી, નાનાં નાનાં નદીનાળાં વહે છે, તેમનાં પાણીનો ખેતીમાં ઉપયોગ થાય છે.

ખેતીપશુપાલન : ડાંગર, ઘઉં અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત કઠોળ અને ડુંગળીના પાક પણ લેવાય છે. સિંચાઈની સુવિધાઓ પંપસેટ, ડીઝલ, શારકૂવા, ટ્યૂબવેલ, રહેંટ દ્વારા ખેડૂતોને ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનાં પાલતુ પશુઓ છે. પશુઓ માટે (પશુ)- દવાખાનાં, ચિકિત્સાલયો તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવાયાં છે.

ઉદ્યોગવેપાર : ઔદ્યોગિક દૃષ્ટિએ આ જિલ્લો પછાત છે. અહીં ટોપલીઓ, માટીનાં વાસણો-પાત્રો, હુક્કાની નળીઓ બનાવવાનું કામ ચાલે છે. અહીં જિલ્લામાંથી ચોખા, કઠોળ, ડુંગળી, રાઈનું તેલ તથા પથ્થરની નિકાસ થાય છે; જ્યારે કાપડ, રાઈ, મીઠું અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : આખો જિલ્લો માર્ગોથી ગૂંથાયેલો છે. પટણા જિલ્લાનો ગંગાનદી પરનો રાજેન્દ્ર પુલ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 27 આ જિલ્લા સાથે જોડાયેલા છે. અહીંના જિલ્લા-માર્ગો નગરો અને ગામને સાંકળે છે. જિલ્લાના ઉત્તર ભાગમાં ઈશાન વિભાગીય રેલમાર્ગ પસાર થાય છે. પૂર્વ વિભાગીય રેલમાર્ગનો લાભ પણ આ જિલ્લાને મળે છે. કિઉલથી ગયા તરફ જતો રેલમાર્ગ આ જિલ્લાને અવરજવરની સગવડ પૂરી પાડે છે. અહીં કોઈ ઉલ્લેખનીય પ્રવાસી સ્થળો આવેલાં નથી. વાર-તહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળે મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 5,25,137 જેટલી છે. 84 % ગ્રામીણ અને 16 % શહેરી વસ્તી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. વસ્તીની દૃષ્ટિએ સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. અહીંનાં બે નગરો(શેખપુરા, બારબીઘા)માં શિક્ષણની સંસ્થાઓ આવેલી છે, તબીબી સેવાની વ્યવસ્થા આ બે શહેરોમાં ઉપલબ્ધ છે. જિલ્લાને એક ઉપવિભાગમાં અને ત્રણ સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં બે નગરો આવેલાં છે.

ઇતિહાસ : મુંગેર જિલ્લામાંથી આ જિલ્લાને અલગ પાડેલો હોવાથી તેનો ઇતિહાસ મુંગેર જિલ્લા સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા