શૂન્ય પાલનપુરી (જ. 19 ડિસેમ્બર 1922; અ. 17 માર્ચ 1987, પાલનપુર) : ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. એમનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. અલીખાન લગભગ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમની માતાનું નામ નનીબીબી હતું. પાલનપુરમાં મામાને ઘેર તેમનો ઉછેર થયો. બાળપણથી અલીખાને ઘરનો નિર્વાહ ચલાવવા માટે પાન વેચવાનું કામ કરવાથી માંડી વિવિધ નોકરીઓ કરી હતી. ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા અલીખાન જોડકણાં લખતા. 1939માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે અલીખાન ઉર્દૂમાં ગઝલ લખતા હતા. તે પછી તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા; પરંતુ અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. 1945માં પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાં સત્તર વર્ષ કામ કર્યા પછી મુંબઈના દૈનિક ‘પ્રજાતંત્ર’માં જોડાયા. તે પછી 1962થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રીવિભાગમાં જોડાયા.
અલીખાનનું તખલ્લુસ હતું ‘રૂમાની’. તે ઉપરાંત તેણે ‘રમ્ઝ’ અને ‘અઝલ’ એમ બીજાં બે તખલ્લુસ પણ રાખ્યાં હતાં. પાલનપુરના નવાબના મનમાં એક વાત ઘૂંટાતી રહેતી હતી કે રાજ્યમાં બધું જ છે પણ કોઈ એવું વ્યક્તિત્વ નથી કે જે પાલનપુરનું નામ રોશન કરે. આ પ્રસંગ પછી તેમણે ઉર્દૂમાં ‘અઝલ’ની સાથે ‘પાલનપુરી’ જોડી ‘અઝલ પાલનપુરી’ – એ નામે ઉર્દૂમાં ગઝલો લખવાનું અને ‘શૂન્ય’ની સાથે ‘પાલનપુરી’ જોડીને ‘શૂન્ય પાલનપુરી’ના નામે ગુજરાતીમાં ગઝલો લખવાનું શરૂ કર્યું.
જૂનાગઢ પાસેના પાજોદ ગામના દરબાર ‘રુસ્વા મઝલૂમી’ના અંગત મંત્રી તરીકે તેમણે કામ કર્યું. પ્રથમ વાર જૂનાગઢમાં શૂન્ય પાલનપુરીને રજૂ કરનાર રુસ્વા મઝલૂમી હતા. અલીખાનને ‘શૂન્ય’ તખલ્લુસ રાખવાનું સૂચન અમૃત ઘાયલે કર્યું હતું.
1945–46માં ‘ઇન્સાન’, ‘બે ઘડી મોજ’, ‘કારવાં’, ‘વતન’ વગેરે સામયિકોમાં શૂન્ય પાલનપુરીના નામે ગઝલો પ્રગટ થવા માંડી; પરંતુ તેમનો પ્રથમ ગુજરાતી મુશાયરો 1947માં સૂરતમાં થયો હતો. 1947થી શરૂ થયેલી શૂન્ય પાલનપુરીની મુશાયરા-પ્રવૃત્તિ આગળ જતાં સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ વિસ્તરી. જીવનમાં સુખ-દુ:ખનો છાંયો-તડકો અનુભવતા રહી ગુજરાતી ગઝલનો નવો દોર શૂન્યે સંભાળ્યો.
‘શૂન્યનું સર્જન’ (1952), ‘શૂન્યનું વિસર્જન’ (1956), ‘શૂન્યના અવશેષ’ (1964), ‘શૂન્યનું સ્મારક’ (1972) અને ‘શૂન્યની સ્મૃતિ’ (1983) – એ એમના ગઝલસંગ્રહો છે. તેમના અવસાન પછી ‘શૂન્યનો વૈભવ’ (1992) અને ‘શૂન્યની સૃષ્ટિ’ જેવા તેમના સમગ્ર ગઝલોના સંચયો પણ પ્રકાશિત થયા છે. તેમની ચૂંટેલી ગઝલોના સંગ્રહનું નામ ‘દરબાર શૂન્યનો’ (2006) છે.
1940 પછી ગુજરાતી ગઝલકારોની જે પેઢી આવી તેમાં ‘શૂન્ય પાલનપુરી’નું નામ આગલી હરોળમાં છે. ઉર્દૂ અને અંગ્રેજીના પણ તેઓ જાણકાર હતા. ફારસીના પિંગળશાસ્ત્રના તેઓ જ્ઞાતા હતા. તેમણે ઉંમર ખય્યામ(ખૈયામ)ની રુબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ 1973માં આપ્યો છે. આ અનુવાદ ઉત્તમ કક્ષાનો છે. બચુભાઈ રાવતે તેને ‘હૃદ્ય, ચોટદાર અને પ્રસાદ ગુણવાળો’ કહ્યો છે. ‘ખૈયામ’ એ નામે એ અનુવાદ-સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. ક્રિપ્ટોલૉજી અર્થાત્ લખવાની કળા વિશેનો એમનો એક લેખ ઉલ્લેખનીય છે.
‘અરૂઝ’(1968)માં ગઝલના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ઉર્દૂ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ ‘અરૂઝ’માં પ્રગટ થયો છે. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે પાલનપુરમાં ગાળ્યાં હતાં.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’