શૂન્ય-આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB)
January, 2006
શૂન્ય–આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB) : ઉત્પાદનની ચાલુ પ્રવૃત્તિઓ જારી રાખવી, વધારવી, ઘટાડવી અથવા બંધ કરવી તેનો નિર્ણય કરવા માટે સંચાલકોએ પ્રત્યેક વર્ષે બધી પ્રવૃત્તિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો અપનાવેલો વ્યવસ્થિત અભિગમ. સામાન્ય રીતે ઉત્પાદક સંસ્થા/કંપનીનું નવા વર્ષનું અંદાજપત્ર તૈયાર કરવા માટે ચાલુ વર્ષમાં કરેલો ખર્ચ ઉચિત પ્રમાણમાં કરેલો છે તેવી ધારણા કરવામાં આવે છે. કઈ વર્તમાન પ્રવૃત્તિ ચાલુ રાખવી તેમજ નવી પ્રવૃત્તિ શરૂ કરવી અને તેના માટે ભંડોળ ફાળવવું અથવા કઈ વર્તમાન પ્રવૃત્તિ ઘટાડવી / બંધ કરવી અને તેના માટે ફાળવેલું ભંડોળ પરત કરવું તે અંદાજપત્ર તૈયાર કરનાર અધિકારીનું મુખ્ય કર્તવ્ય છે. આમ છતાં, મોટાભાગના સંચાલકો અગાઉનાં વર્ષોમાં શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રકારના ફેરફાર વિના વર્ષોવર્ષ ચાલુ રાખવાનું વલણ ધરાવતા હોય છે. આવી મનોવૃત્તિના લીધે જ્યારે કંપનીના હેતુઓમાં ફેરફાર થયા હોય અથવા ઉત્પાદક-જગતનું વાતાવરણ બદલાયું હોય ત્યારે મૂળથી શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓની સુસંગતતા અને ઉપયોગિતા નષ્ટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાંથી બચવા માટે શૂન્ય-આધારિત બજેટિંગ ઉત્પાદકને પોતાની પ્રવૃત્તિઓ અને પ્રાથમિકતા અંગે નવેસરથી વિચારવાની ક્ષમતા આપે છે. આ પ્રકારના બજેટિંગમાં અગાઉના વર્ષમાં કરેલી સાધનોની ફાળવણીને અનુવર્તી (succeeding) વર્ષ માટે યંત્રવત્ સ્વીકારી લેવામાં આવતી નથી અને પ્રબંધકે પોતાના વિભાગ માટે અંદાજપત્રમાં રજૂ કરેલી બધી માગણીઓને વાજબી ઠરાવી આપવી પડે છે. આમ, ઉત્પાદનની પડતરમાં ઘટાડો થાય તે માટે પ્રત્યેક સ્તરે વિશ્લેષણ કરવામાં આવે છે.
શૂન્ય-આધારિત બજેટિંગ ત્રણ તબક્કાઓમાં તૈયાર કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં પ્રત્યેક વિભાગના પ્રબંધકે પોતાના વિભાગની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટેના પ્રસ્તાવમાં (ક) સ્વવિભાગીય પ્રવૃત્તિના લાભ અને પડતરની અન્ય વિભાગીય પ્રવૃત્તિઓના લાભ અને પડતર સાથે સરખામણી; (ખ) સ્વવિભાગીય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં ન આવે તો તેનાં અપેક્ષિત પરિણામોની માહિતી અને (ગ) વર્તમાન પ્રવૃત્તિ બંધ કરવામાં આવે છતાં પણ તેનો હેતુ સિદ્ધ કરવા માટે વૈકલ્પિક પ્રવૃત્તિની શક્યતા – એમ ત્રણેય મુદ્દાઓ માટે વ્યવસ્થિત રજૂઆત કરવી પડે છે. બીજા તબક્કામાં ઉત્પાદનની બધી પ્રવૃત્તિઓનાં અલગ અલગ મૂલ્યાંકન કરીને તેમના લાભાલાભ અનુસાર તેમની એક પછી એક એમ ઊતરતા ક્રમમાં ગોઠવણી કરવામાં આવે છે અને ત્રીજા તબક્કામાં ગોઠવેલા ક્રમના આધારે ભંડોળની ફાળવણી કરવામાં આવે છે.
શૂન્ય-આધારિત બજેટિંગ બનાવવાથી નિમ્ન અગ્રતાવાળી ઉત્પાદન-પ્રવૃત્તિઓ દૃઢતાપૂર્વક ઓછી અથવા બંધ કરી શકાય છે અને વૈકલ્પિક પ્રવૃત્તિના લાભાલાભ સ્પષ્ટતાપૂર્વક ચોકસાઈથી રજૂ કરી શકાય છે; પરંતુ શૂન્ય-આધારિત બજેટિંગ સામે સંચાલકો છૂપો અણગમો ધરાવે છે, તેઓ પોતાનું મહત્વ વધારવા માટે પોતાના વિભાગની પ્રવૃત્તિઓની આવશ્યકતાનું વધારે પડતું મહત્વ દર્શાવે છે અને તેઓ ઓછી સમજ અથવા ગેરસમજને લીધે પૂરતી વિગતો એકત્રિત કરતા નથી. આમ છતાં, લાંબી નજર ધરાવનાર સંચાલક વ્યવસ્થાપકને પ્રસંગાનુરૂપ તાલીમ આપીને શૂન્ય-આધારિત બજેટિંગમાં ઉદભવતી આવી સામાન્ય સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ લાવી શકે છે.
સૂર્યકાન્ત શાહ