શુષ્કનદીપાત્ર (windgap) : નદી દ્વારા ત્યજી દેવાયેલો, શુષ્ક બની રહેલો પ્રવાહપટ. અગાઉના વખતમાં વહેતી નદી(કે ઝરણાં)ને કારણે પહાડી પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ કે ડુંગરધારોના ઊંચાણવાળા ભૂમિસ્વરૂપમાં કોરાઈને તૈયાર થયેલો, છીછરું ઊંડાણ ધરાવતો, નીચાણવાળો વિભાગ; જે હવે અવરજવર માટે માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હોય, તેને શુષ્કનદીપાત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનાં શુષ્કનદીપાત્રો સ્થળ-સંજોગ અનુસાર (i) સ્રોતહરણ, (ii) હિમનદીનું અપસરણ, (iii) નદીપથમાં આકસ્મિક થયેલા ભૂપાતને કારણે જલપ્રવહનનું વિચલન અને (iv) આબોહવાત્મક ફેરફારોને કારણે તૈયાર થતાં હોય છે. વેદકાળ અગાઉ જેનું અસ્તિત્વ હતું અને જે તે પછીથી લુપ્ત થઈ ગઈ છે તે સરસ્વતી નદીનો જૂનો પ્રવહનપથ આજે જોવા મળે છે, તેને શુષ્કનદીપાત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. નદીના વધુ પડતા સર્પાકાર વહનમાંથી ક્યારેક નાળાકાર સરોવર તૈયાર થતું હોય છે. આવા સરોવરનું થોડાક સમય માટે અસ્તિત્વ રહેતું હોય છે; તે જ્યારે સુકાઈ જાય ત્યારે તેને પણ શુષ્કનદીપાત્ર તરીકે ઘટાવી શકાય.

ગિરીશભાઈ પંડ્યા