શુલર, ગુન્થર (જ. 22 નવેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સ્વરનિયોજક અને જાઝ સંગીતકાર. સંગીતકારોના કુટુંબમાં શુલરનો જન્મ થયેલો. દાદા જર્મનીમાં સંગીતસંચાલક હતા અને પિતાએ ન્યૂયૉર્ક ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રામાં એકતાલીસ વરસ સુધી વાયોલિન વગાડ્યું હતું.
સંગીતના ક્ષેત્રે સ્વશિક્ષિત શુલરે ફ્રેંચ હૉર્ન (રણશિંગુ) વગાડવામાં નૈપુણ્ય હાંસલ કર્યું. સિન્સાનિટી ઑર્કેસ્ટ્રા અને ન્યૂયૉર્ક મેટ્રોપૉલિટન ઑપેરા ઑર્કેસ્ટ્રામાં તેણે ફ્રેંચ હૉર્ન વગાડવું શરૂ કર્યું. એ જ સમયે જાઝ સંગીતમાંની તેની ઊંડી રુચિનો વિકાસ થયો. પ્રસિદ્ધ જાઝ સંગીતકાર ડ્યૂક ઍલિન્ગ્ટનના સંગીત પાછળ તે ઘેલો બન્યો. 1955માં જાઝ સંગીતમાંથી પ્રેરણા મેળવીને એણે ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘સિમ્ફૉનિક ટ્રિબ્યૂટ ટુ ડ્યૂક ઍલિન્ગ્ટન’ લખી, જે સ્વાભાવિક રીતે જ જાઝ સંગીતકાર ડ્યૂક ઍલિન્ગ્ટનને તેણે આપેલી અંજલિ હતી. હવે શુલરે મૉડર્ન જાઝ ક્વાર્ટેટ જેવી ઘણી જાઝ સંગીતમંડળીઓમાં જોડાઈને જાઝ શૈલીમાં ફ્રેંચ હૉર્ન વગાડવું શરૂ કર્યું.
મૅસેચૂસેટ્સ રાજ્યના લિનોક્સ ખાતેની સ્કૂલ ઑવ્ જાઝમાં તેણે સંગીતશિક્ષક તરીકે કામ કરવું શરૂ કર્યું તથા જાઝ ઉપર લેખો લખવા માંડ્યા. 1962માં વૉશિંગ્ટન ખાતે યોજાયેલા ફર્સ્ટ ઇન્ટરનૅશનલ જાઝ ફેસ્ટિવલનો તે નિયામક નિમાયો. 1964થી 1967 સુધી તેણે યેલ સ્કૂલ ઑવ્ મ્યૂઝિકમાં સંગીતશિક્ષકની કામગીરી બજાવી.
શુલરની મૌલિક સંગીતરચનાઓ પણ મહત્વની છે. તેણે ઍન્તોન ફૉન વેબર્નની ટ્વેલ્વ નૉટ તકનીક (સપ્તકના બારેય સ્વરોને તીવ્ર-કોમળના ભેદભાવ વિના સરખું મહત્વ આપતી પદ્ધતિ) અપનાવી હતી. આ મૌલિક રચનાઓ ઉપર જાઝ સંગીતનો ભારે પ્રભાવ છે. તેની શ્રેષ્ઠ કૃતિઓ આ મુજબ છે : (1) કન્ચર્ટો ફૉર ચેલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા (1945), (2) ત્રણ ઓબો અથવા ત્રણ ટ્રૉમ્બોન્સની પિયાનો સાથેની જુગલબંધી ‘ફૅન્ટૅસિયા કોન્ચર્તાન્તે’ (1947), (3) ડબલ બાસ ક્વાર્ટેટ (1947), (4) ચેમ્બર (નાના) ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘12 બાય 11’ (1955), (5) છ ઑર્કેસ્ટ્રાના સંયોજન માટેની કૃતિ સ્પૅક્ટ્રા (1960), (6) જ્યૉર્જ બાલાન્શાઇન(Balanchine)ના બૅલેના ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘વૅરિયેશન્સ’ (1961), (7) કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા, (8) સિમ્ફની ફૉર ઑર્કેસ્ટ્રા, (9) જૉન અપડાઇકના સંવાદો પરથી લખેલો ઑપેરા ‘ધ ફીશરમૅન ઍન્ડ હિઝ વાઇફ’, (10) કૅપ્રિચિયો સ્ત્રાવાગાન્તે (1972), (11) ટ્રિપ્યૂલમ II (1975), (12) બે ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘દેઆઈ’, (13) કન્ચર્ટો ફૉર કૉન્ટ્રાબાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા, (14) ‘ઍન્કાઉન્ટર્સ’, (15) સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ નં. 4, (16) કન્ચર્ટો દા કામેરા નં. 2, (17) કોડ્લીબેટ અને (18) સેક્સોફોન સૉનાટા.
1980માં શુલરે ‘ન્યૂ ઇંગ્લૅન્ડ કૉન્ઝર્વેટરી રેગ્ટાઇમ એન્સેમ્બલ’ નામે સંગીતવૃંદની સ્થાપના કરી. આ વૃંદે વગાડેલી કૃતિ ‘રેડ-બૅક બુક’ને 1973માં ગ્રૅમી ઍવૉર્ડ મળેલો.
1967થી 1977 સુધી શુલર ન્યૂ ઇંગ્લૅન્ડ કૉન્ઝર્વેટરીના પ્રમુખપદે રહ્યા. એ જ વર્ષોમાં બૉસ્ટન સિમ્ફની ઑર્કેસ્ટ્રાના મૅસેચૂસેટ્સ ખાતેના ટેન્ગલ્વૂડ અને બર્કશાયરમાં ઘણા જલસાઓનું સંચાલન કર્યું. 1971માં તેમને રોજર્સ ઍન્ડ હેમર્સ્ટીન ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે સંગીત અંગે બે પુસ્તકો પણ લખ્યાં છે : (1) હૉર્ન તકનીક (1962) અને (2) અર્લી જાઝ : ઇટ્સ રૂટ્સ ઍન્ડ મ્યુઝિકલ ડેવલપમેન્ટ (1968). તેમને પુલિત્ઝર પ્રાઇઝ (1994), બી.એમ.આઈ. લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ (1994), ‘મૅકઆર્થર ફાઉન્ડેશન જિનિયસ ઍવૉર્ડ’ (1991) અને કોલમ્બિયા યુનિવર્સિટી તરફથી ‘વિલિયમ શુમાન ઍવૉર્ડ’ (1988) પણ મળ્યાં છે.
અમિતાભ મડિયા