શુમાન, વિલિયમ (હૉવાર્ડ) (જ. 4 ઑગસ્ટ 1910, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સંગીતકાર, સ્વરનિયોજક અને સંગીતશિક્ષક. બાળપણમાં શાલેય અભ્યાસ દરમિયાન તે વાયોલિન શીખેલો. એ પછી સંગીતકાર રૉય હૅરિસ પાસે તેણે સંગીતની તાલીમ લીધી; જેમાં વાયોલિનવાદન અને સ્વરનિયોજનનો સમાવેશ થતો હતો. ત્યારે ન્યૂયૉર્ક રાજ્યના બ્રૉન્ક્સ્વિલે (Bronxville) ખાતે શુમાને સારાહ લૉરેન્સ કૉલેજમાં સંગીતનું અધ્યાપન શરૂ કર્યું. ત્યાં 1935થી 1945 સુધી સેવા આપ્યા પછી 1945માં તે જુલિયર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિકનો પ્રમુખ બન્યો. આ પદ ઉપર તે 1962 સુધી રહ્યો. ત્યારપછી 1962થી 1969 સુધી લિન્કન સેન્ટર ફૉર પરફૉર્મિન્ગ આર્ટ્સનો પ્રમુખ બન્યો.
શૈક્ષણિક કારકિર્દીમાં શુમાને શિક્ષણપદ્ધતિઓ સરળ કરવાનું અગત્યનું કામ કર્યું છે. એનું મૌલિક સંગીતસર્જન પણ અગત્યનું ગણાયું છે. તેમાંથી શ્રેષ્ઠ કૃતિઓ આ મુજબ છે : (1) સિમ્ફની નં. 3 (1941), (2) સિમ્ફની નં. 4 (1942), (3) સિમ્ફની નં. 5 (તંતુવાદ્યો માટે) (1943), (4) સિમ્ફની નં. 6 (1949), (5) સિમ્ફની નં. 8 (1962), (6) બૅલે ‘અન્ડર ટો’ (1945), (7) બૅલે ‘નાઇટ જર્ની’ (1948), (8) બૅલે ‘જુડિથ’ (1950), (9) ઑપેરા ‘ધ માઇટી કૅસી’ (1953), (10) કૅન્ટાટા ‘કૅસી ઍટ ધ બેટ’ (1976), (11) વૃંદગાન અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘ધ યન્ગ ડેડ સોલ્જર્સ’ [અહીં ગાયકવૃંદ આર્કિબૉલ્ડ મૅક્લિશ-(Archibald Macleish)ની શબ્દરચનાનું ગાન કરે છે] અને (12) ચાર સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ.
અમિતાભ મડિયા