શુક્લ ભૂદેવ અને રસવિલાસ (1550-1615 ?) : ગુજરાતના અલંકારશાસ્ત્રી. ગુજરાતના જંબુસરના વતની ભૂદેવ શુક્લના પિતાનું નામ શુકદેવ અથવા સુખદેવ હતું. ભૂદેવ શુક્લ તેમના પ્રથમ પુત્ર હતા. તેમના ગુરુનું નામ શ્રીકંઠ દીક્ષિત હતું. તેમની પાસે ‘કાવ્યપ્રકાશ’નો અભ્યાસ ભૂદેવ શુક્લે કરેલો. શ્રીકંઠ દીક્ષિતને જામ સત્તરસાલ ઉર્ફે શત્રુશલ્યે રાજ્યાશ્રય આપેલો. નવાનગરના જામ શત્રુશલ્યનો રાજ્યઅમલ 1569થી 1600 સુધી ચાલેલો. આથી ગુરુ શ્રીકંઠની વૃદ્ધાવસ્થામાં ભૂદેવ શુક્લે પોતાનો અભ્યાસ કરેલો. તેમના બીજા ગુરુ રાજારામ હતા. ગુરુ તરીકે તેમનો ઉલ્લેખ ‘આત્મતત્વપ્રદીપ’ નામના પોતાના જ ગ્રંથ પર સ્વોપજ્ઞ અર્થાત્ પોતે લખેલી ‘ઈશ્વરવિલાસદીપિકા’ નામની ટીકામાં કર્યો છે. ભૂદેવ શુક્લ લાંબા સમય સુધી જીવેલા. તેમને ઘણા શિષ્યો હતા. તેમણે જીવનનાં અંતિમ વર્ષો કાશીમાં મણિકર્ણિકા પાસે વિતાવેલાં.

તેમના સમય વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ‘કાવ્યપરીક્ષા’ ગ્રંથ અને મમ્મટના ટીકાકાર શ્રીવત્સલાંછનના ઉલ્લેખો ભૂદેવે પોતાના ‘રસવિલાસ’માં કયાં છે, તેથી 1550 પછી તેમનો સમય પી. વી. કાણે અને પી. કે. ગોડે માને છે. ભૂદેવે રચેલા ‘ધર્મવિજયનાટક’ના સંપાદક નારાયણશાસ્ત્રી ખિસ્તે ભૂદેવને અકબરના સમયમાં એટલે 16મી સદીમાં થઈ ગયેલા માને છે, કારણ કે ‘ધર્મવિજયનાટક’માં હિંદી ભાષાના કવિ કેશવદાસનો ઉલ્લેખ છે. ‘રસવિલાસ’નાં સંપાદિકા પ્રેમલતા શર્માએ જગન્નાથના ‘રસગંગાધર’માંથી 70 પરિચ્છેદો અને 10 ઉદાહરણશ્લોકો ‘રસવિલાસ’માંથી ભૂદેવે ઉદ્ધૃત કર્યા છે તે શોધી કાઢી ભૂદેવનો સમય 1550થી 1615નો નક્કી કર્યો છે.

ભૂદેવ શુક્લ અનેકશાસ્ત્રજ્ઞ વિદ્વાન, કવિ અને નાટ્યકાર હતા. તેમના ગ્રંથોમાં ‘રસવિલાસ’, ‘ધર્મવિજયનાટક’, ‘આત્મતત્વપ્રદીપ’, ‘ઈશ્વરવિલાસદીપિકા’, ‘રામચરિત’, ‘રુક્મિણીવિલાસકાવ્ય’ વગેરેનો સમાવેશ થાય છે.

રસવિલાસ’ : ‘રસવિલાસ’ અલંકારશાસ્ત્રનો રસવિષયક ચર્ચા કરતો ગ્રંથ ભૂદેવ શુક્લે લખ્યો છે. તેમાં પોતાના અન્ય ગ્રંથોનાં ઉદ્ધરણો અને ઉલ્લેખો લેખકે કર્યાં છે. લેખકે પોતે જ તેમાં મૌલિક લખાણનો દાવો કર્યો નથી. પોતે ઙઞ્દ્વ ઙઢ ચ્મ્ઇંદઝ્ચ્રૂજ્ન્ એમ લખ્યું છે. પંડિતરાજ જગન્નાથના ‘રસગંગાધર’માંથી મતો ‘રસવિલાસ’માં રજૂ કરી તે नव्य છે એમ કહી લેખક સ્વીકારતા નથી. પ્રાચીનોના મતોને લેખક સ્વીકારે છે અને જગન્નાથના મતોનો અસ્વીકાર કરે છે. ‘રસવિલાસ’ની હસ્તપ્રત 1737માં લખાયેલી છે. પ્રેમલતા શર્માએ તેનું સંપાદન કરી 1952માં ઑરિએન્ટલ બુક એજન્સી, પુણે દ્વારા પ્રકાશિત કરાવેલો ‘રસવિલાસ’ સાત પ્રકરણોનો બનેલો છે. પહેલા પ્રકરણમાં રસની વિસ્તૃત વ્યાખ્યા અને રસના પ્રકારો રજૂ થયા છે. બીજા પ્રકરણમાં નવ રસોની વ્યાખ્યા વિસ્તારથી આપી છે. તેમાં શાંત રસનો ઉદ્ભવ શમ નામના સ્થાયી ભાવમાંથી થવાની વાત કરી છે. ત્રીજા પ્રકરણમાં વ્યભિચારી ભાવો અને રસાભાસ વગેરેનું નિરૂપણ છે. ચોથા પ્રકરણમાં ગુણોનું વર્ણન છે. પાંચમા પ્રકરણમાં દોષો નિરૂપ્યા છે. છઠ્ઠા પ્રકરણમાં દોષોદ્ધાર એટલે દોષ અદોષ ક્યારે બને તેની ચર્ચા છે. સાતમા પ્રકરણમાં વૃત્તિઓ એટલે શબ્દશક્તિઓની ચર્ચા છે. ફલત: ભૂદેવ શુક્લ પ્રાચીનોનું જ અનુસરણ કરે છે અને તેમણે નવો કોઈ મત આપ્યો નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી