શુક્લ, તુષાર દુર્ગેશ (જ. 29 એપ્રિલ 1955, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વાર્તાકાર, સંવાદકાર, વક્તા, નાટ્યલેખક, અભિનેતા, મંચ સંચાલક, યુવાપેઢીના માર્ગદર્શક અને પ્રશાસક. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે તેમણે આપેલા યોગદાન માટે તુષાર શુક્લને ભારત સરકાર તરફથી 2025માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. સર્જનાત્મક વલણ તેમને વારસામાં મળ્યું છે. તેમના દાદા કલા શિક્ષક હતા. પિતા દુર્ગેશ  શુક્લ જાણીતા નાટ્યલેખક, લેખક અને કવિ હતા. માતાનો વ્યવસાય શિક્ષિકાનો હતો. માતા અને પિતા બંને તરફથી પુસ્તક પ્રેમ તેમને વારસામાં મળેલ છે. આના કારણે બહોળા વાંચન દ્વારા જ્ઞાન સંપત્તિ અને શબ્દ ભંડાર તેમની મોટી તાકાત બન્યા છે. તેમનો પ્રારંભિક અભ્યાસ સ્વસ્તિક શિશુવિહારમાં થયો હતો. 1976માં ગુજરાતી અને અંગ્રેજી સાથે બી.એ. તથા 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષા વિજ્ઞાનમાં એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેમણે કાયદાની પદવી પણ મેળવી. 1979માં ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાં તેમની નિમણૂક થઈ. ‘શાણાભાઈ અને શકરાભાઈ’ જેવા લોકપ્રિય કાર્યક્રમોના એન્કર તરીકે શરૂઆત થઈ હતી. ત્યારબાદ તો ‘મનજીભાઈ’ જેવા લોકપ્રિય રેડિયો પાત્રના તેઓ સર્જક બન્યા. બાળકો અને યુવાનો માટે અનેક રેડિયો કાર્યક્રમો આપ્યા. ‘કંકુનો સૂરજ’ નામે બહુ જાણીતો જૂના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તેમણે ત્રણ વરસ ચલાવ્યો. આમ તો તેઓ ભાષાના અધ્યાપક બનવા માંગતા હતા, પરંતુ પરંપરાગત અભ્યાસક્રમથી અલગ અભિગમના કારણે તેમના જીવને ઓલ ઇન્ડિયા રેડિયોની યાત્રા કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સથવારે શરૂ કરી હતી. તેમણે 28 વર્ષ સુધી આકાશવાણી અને દૂરસંચારમાં લેખક, ઉદઘોષક, નાટ્ય નિર્માતા, મુખ્ય સંચાલક તરીકેની જુદી જુદી ભૂમિકા ભજવી હતી. 2007માં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં મહાનિર્દેશક તરીકે નિવૃત્ત થયા. એનાઉન્સર અને કમ્પેરર તરીકેથી શરૂઆત કરીને તેઓ ભારતમાંના સૌથી યુવાન પ્રોડ્યુસર બન્યા.

તુષાર શુક્લ

તુષાર શુક્લ એક શ્રેષ્ઠ કવિ છે. તેમના કાવ્યો લોકગીતોની મીઠાશ, સંવેદનાની ઊંડાઈ, આધુનિકતાની સાથે સમાજ પ્રત્યેની લાગણીથી પૂર્ણ છે. તેમણે 50થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના કાવ્યો ગુજરાત તથા મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં સમાવિષ્ટ છે. તેમણે ખાસ ગુજરાતી ફિલ્મો અને દૂરદર્શન માટે સંવાદો અને ગીતો લખ્યા છે. દેશ-વિદેશમાં ગુજરાતી ભાષાનું આગવું પ્રતિનિધિત્વ તેમણે કર્યું છે. તેઓએ વિવિધ ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ પર દસ્તાવેજી કાર્યક્રમો બનાવી આ પ્રતિભાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉમદા સર્જનાત્મક કાર્ય કર્યું છે.

ગુજરાત સરકાર દ્વારા તેમને ત્રણ વખત સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે સન્માનવામાં આવ્યા છે. તેમને ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ચિત્રલેખા’ તરફથી ‘ગૌરવવંતો ગુજરાતી’નો ખિતાબ મળ્યો છે. ‘ટાઇમ્સ પર્સન ઑફ ધ યર’ તરીકે તેઓ પસંદ થયા છે. ‘ગુજરાત રત્ન’, ‘બ્રહ્મરત્ન’, ‘પુષ્ટિરત્ન’ જેવા પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે. અનેક સામાજિક સંસ્થાઓ તરફથી તેમનું બહુમાન થયું છે. વિવિધ મીડિયા ક્ષેત્રો સાહિત્ય, રેડિયો, રંગમંચ, દૂરદર્શન, ફિલ્મોમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. ‘બે યાર’, ‘શુભારંભ’, ‘વિટામિન સી’ અને ‘લવની ભવાઈ’ જેવી ફિલ્મોમાં તેમણે મહેમાન કલાકાર તરીકે અભિનય પણ કર્યો છે.

ગુજરાતી ભાષાને પુનઃજીવીત કરવા માટે ગુજરાતી સંસ્કૃતિને યશ અપાવવા તથા નવી પેઢીને ભાષા અને સંસ્કૃતિ સાથે જોડવા  માટે હંમેશ તત્પર એવા ગુજરાતી ભાષાના નમ્ર, સંવેદનશીલ, આધુનિક કવિ તુષાર શુક્લનું સ્થાન વિશિષ્ટ અને સન્માનનીય છે.

હિના શુક્લ