શીલે, એગોન (Schiele, Egon)
January, 2006
શીલે, એગોન (Schiele, Egon) [જ. ? 1890, ટુલ (Tullu), ઑસ્ટ્રિયા; અ. 30 ઑક્ટોબર 1918, વિયેના, ઑસ્ટ્રિયા] : ભયના ઓથાર હેઠળની ત્રસ્ત મનશ્ર્ચેતનાને કલા દ્વારા વ્યક્ત કરનાર મહત્વનો અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકાર. રેલવેસ્ટેશનમાં જ આવેલા રહેણાકમાં તેનો જન્મ થયેલો અને બાળપણ વીતેલું. પિતા ઍડોલ્ફ વિયેના નજીકના ટુલ નગરમાં સ્ટેશનમાસ્તર અને ઇજનેર હતા. માતા મૅરી સાથે ચિત્રકાર શીલેને બાળપણથી જ ખટરાગ ચાલુ થયેલો. શાળાના શિક્ષકોએ શીલેની કલારુચિ પારખી તેને ઉત્તેજન આપેલું; પરિણામે શાલેય અભ્યાસ દરમિયાન જ શીલેએ ભવિષ્યમાં ચિત્રકાર થવાનું સ્વપ્ન સેવેલું. પરંતુ તેના બાળપણ દરમિયાન જ પિતાનું માનસિક સંતુલન ખોરવાતું ગયું અને 1904માં બાવન વરસની ઉંમરે તેમને ડૉક્ટરોએ પાગલ જાહેર કર્યા અને પરિણામે તે જ વર્ષે રેલવેની નોકરીમાંથી તેમને રુખસદ મળી. આ કરુણ પ્રસંગોનો પ્રભાવ શીલે પર પડ્યો અને પરિણામે તે તણાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત, ભયભીત અને રોતલ બન્યો. તેને હતાશાના વારંવાર હુમલા આવવા શરૂ થયા.
શીલેનો પરિવાર હવે ટુલ છોડીને ક્લૉસ્ટેર્નોબર્ગ(Klosterneuburg)માં સ્થિર થયો. ત્યાં પાગલ પિતા વધુ હિંસક બન્યા, તેમણે શૅર સર્ટિફિકેટ્સના રૂપમાં રહેલી પોતાની બધી જ બચત ઝનૂને ચડીને ભઠ્ઠી(ફાયરપ્લેસ)માં નાંખીને બાળી દીધી ! બીજે જ વર્ષે 1905માં આ પિતાનું મૃત્યુ થયું. એક સંબંધી લિયૉપોલ્ડ ઝિહાઝેક (Czihaczek) શીલેના વાલી બન્યા. તેમણે શીલેની કલાપ્રવૃત્તિને ઉત્તેજન આપીને બીજે જ વર્ષે, 1906માં શીલેએ શાલેય અભ્યાસ પૂરો કર્યો ને તરત જ વિયેના ખાતેની અકાદમી ઑવ્ આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે દાખલ કરી દીધો. માતા મેરીને આ જરાય ગમ્યું નહિ અને તેણે પુત્ર શીલે સાથે અબોલા લીધા. વાલી ઝિહાઝેકે શીલેને નાણાકીય ટેકા ઉપરાંત પ્રેમાળ હૂંફ પણ પૂરી પાડી.
વિયેનાની અકાદમી ઑવ્ આર્ટ્સમાં શીલેની કલાક્ષિતિજો વિસ્તૃત બની. બાળપણમાં રેલવેસ્ટેશને બેસીને રેલવેનાં ચિત્રો આલેખતા શીલેએ હવે વિયેનાની નગરચિત્રણા (city-scapes) શરૂ કરી. તેના આરંભના કલાશિક્ષકો જાણીતા ચિત્રકારો હતા લુડવિક સ્ટ્રૉખ, મૅક્સ કાહ્રર, ગુસ્તાફ ક્લિમ્ટ અને ક્રિશ્ચિયન ગ્રીપૅન્કર્લ. આમાંથી ગુસ્તાફ ક્લિમ્ટ માત્ર તેના ગુરુ ન રહેતા તેના અંગત મિત્ર અને ઘડવૈયા બન્યા. ‘જુગેન્સ્ટીલ’ નામે ઓળખાતી વિયેનાની આધુનિક અભિવ્યક્તિવાદી ચળવળના ક્લિમ્ટ એક મુખ્ય ચિત્રકાર હતા.
1909માં અકાદમી ઑવ્ આર્ટ્સ ખાતે કલાનો અભ્યાસ પૂરો થતાં શીલે મુક્ત વ્યવસાયી ધોરણે ચિત્રકાર બન્યા; પરંતુ તેમની નિર્બંધ (bohemian) જીવનશૈલીથી ત્રાસી ચૂકેલા તેમના વાલી ઝિહાઝેક વાલીપણામાંથી મુક્ત થયા. અન્ય યુવાન ચિત્રકારો સાથે ભેગા થઈને શીલેએ ‘નૂકુન્સ્ટ્ગ્રુપે’ (Neukunstgruppe = New Art Groupe) નામે જૂથ રચ્યું. ક્લિમ્ટના પ્રભાવમાંથી મુક્ત થઈ શીલેએ હવે કામમૂલક રતિભાવ(eroticism)થી તરબતર ચિત્ર ચીતરવાં શરૂ કર્યાં. રતિભાવ એ માનવમાત્રનો મૂળભૂત ભાવ છે એમ કહી વિવેચકોએ શીલેની આ નવી શૈલીને અસ્તિત્વવાદી (existential) કહીને ઓળખાવી. કલાના વેપારીઓ ગુસ્તાફ પિસ્કો અને હાન્સ ગૉલ્ટ્ઝે શીલેનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજવા માંડ્યાં અને કમિશન લઈને એ ચિત્રો વેચવા માંડ્યાં.
શીલેએ હવે વિયેનાના શ્રીમંતો અને જાણીતી વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. વાસ્તવિકતામાં થોડી વિકૃતિ કરી શીલે મૂળ મૉડેલના વ્યક્તિત્વને ચોટદાર રીતે રજૂ કરતો. વાસ્તવિકતા સાથે વફાદાર રહીને તેમાં કરવામાં આવતું આ વિકૃતીકરણ અભિવ્યક્તિવાદનું એક પ્રમુખ લક્ષણ મનાયું છે. આ રીતે જે વ્યક્તિચિત્રો તેણે ચીતર્યાં તેમાંથી આ જાણીતાં છે : ‘હાન્સ માસ્માન (Massman)’, ‘એન્ટોન પેશ્કા (Peschka)’, ‘એર્વિન ઓસેન’, ‘આર્થર રોયસ્લર (Roessler)’, ‘જોહાનેસ ફિશર (Fischer)’, ‘હીન્રિખ બેનેશ (Heinrich Benesch)’. ત્યારબાદ શીલેએ આત્મ નગ્નચિત્રો (self nudes) ચીતરવાં શરૂ કર્યાં. તેમાં વિકૃતીકરણ વધુ બળૂકું બન્યું અને તેથી તેનાં આ આત્મઆલેખનો વધુ આઘાતજનક અને વેધક બન્યાં. ચિત્રવિચિત્ર અંગભંગિઓમાં તરડાઈ ગયેલો, મરડાઈ ગયેલો તેનો નગ્ન દેહ તેમાં જોવા મળે છે. શિશ્ન અને વૃષણો અને છાતીના સ્તનાગ્ર જેવાં અંગો પર વિશેષ ભાર મૂકવામાં આવેલો જોઈ શકાય છે.
ત્યારબાદ શીલે 1911માં મ્યૂનિકમાં કલાકાર જૂથ ‘સેમા’નો સભ્ય બન્યો. 1912માં જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર જૂથ ‘બ્લો રાઇટર’(Blaue Reiter)ના 1912ના ચિત્રપ્રદર્શનમાં શીલેએ પણ ચિત્રો પ્રદર્શિત કર્યાં. તેમાં તેનાં નગ્ન અને સ્વ-હસ્તમૈથુનવાળાં ચિત્રોની રજૂઆતના કારણે અશ્ર્લીલતાના આરોપ હેઠળ તેની ધરપકડ થઈ. ત્રણ દિવસ સુધી તેણે જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ શીલેએ સેંટ સેબાસ્ટિયન તરીકે એક શહીદની મુદ્રામાં આત્મચિત્ર ચીતર્યું. કદાચ આ દ્વારા એ એમ ઠસાવવા માગતો હતો કે તેની પ્રવૃત્તિ ધાર્મિક અને ઉમદા છે તથા સમાજ તેને પોતાને શહીદ બનાવી રહ્યો છે. તેણે વિધાન કર્યું : ‘કામમૂલક કલા પણ પવિત્ર છે !’ (The erotic work of art is also holy !) સ્ત્રીઓને પણ બે પગ પહોળા ફેલાવીને ખુલ્લા ભગોષ્ઠ પ્રદર્શિત કરતી હોય તેવી મુદ્રામાં તેણે ચીતરી.
1912માં એક સગીર બાળાનું અપહરણ કરવા બદલ શીલેની ધરપકડ થઈ. 13 એપ્રિલથી 8 મે સુધી શીલે ન્યૂલૅન્ગ્બાખ(Neulengbach)ની જેલમાં રહ્યો. જેલમાંથી છૂટીને શીલેએ જાહેર કર્યું કે પોતે એક અધ:પતન પામેલ સમાજનો ભોગ બન્યો છે. જે સગીર બાળાના અપહરણનો આરોપ શીલે પર હતો તે હતી વાલી ન્યુઝિલ (Wally Neuzil). 1911માં શીલે એને મળેલો અને એની સાથે ક્રુમાઉ નગરમાં જઈને રહેલો. શીલે જેલમાંથી આટલો જલદી એટલા માટે છૂટ્યો કે ન્યુઝિલે પોલીસ સમક્ષ એકરાર કરેલો કે તે પોતાની જ ઇચ્છાથી શીલે સાથે જઈને રહેલી અને પોતે ભલે શીલે માટે નગ્ન મૉડેલિંગ કરેલું, પણ શીલેએ પોતાની સાથે કોઈ જાતીય વ્યવહાર કરેલો નહિ. ક્રુમાઉ નગરના નગરજનોની ફરિયાદને આધારે જ પોલીસે શીલેની ધરપકડ કરેલી. ન્યુઝિલે જો એકરાર ન કર્યો હોત તો શીલેએ પાંચથી વીસ વરસ સુધી જેલમાં સબડવું પડત ! જેલનિવાસ દરમિયાન પણ શીલેએ આત્મચિત્રો ચીતર્યાં. ક્રુમાઉ નિવાસ દરમિયાન શીલેએ નગરચિત્રો અને નિસર્ગચિત્રો પણ ચીતર્યાં. બાળકોનાં પણ જીવંત વ્યક્તિચિત્રો ચીતર્યાં. ફ્રેંચ લેખક આર્થર રિમ્બો(Rimbaud)નાં કાવ્યોનું તેણે પઠન કર્યું. ક્રુમાઉનો ત્યાગ કરીને તેણે હવે વાલી ન્યુઝિલ સાથે ન્યૂલૅન્ગ્બાખમાં રહેવું શરૂ કર્યું. હવે તેણે એકથી વધુ વ્યક્તિઓનાં સંયોજનો ચીતરવાં શરૂ કર્યાં. તેમાં ‘ધ હોલી ફેમિલી’, ‘મધર ઍન્ડ ચાઇલ્ડ’, ‘ધ હર્મિટ્સ’ અને ‘ધી એમ્બ્રેસ ઑવ્ કાર્ડિનલ ઍન્ડ નર્સ’ જાણીતાં છે. ‘ધી એમ્બ્રેસ ઑવ્ કાર્ડિનલ ઍન્ડ નર્સ’માં નર્સ કાર્ડિનલના આશ્લેષમાંથી ભયભીત નજરે દર્શકો સામે તાકી રહી છે. આ ચિત્રમાં ચર્ચ સામેનો શીલેનો આક્રોશ વ્યક્ત થયો છે. 1913માં શીલેએ વિયેના, મ્યૂનિક, હૅગન, બુડાપેસ્ટ, હૅમ્બર્ગ, બ્રસેલ્સ, કોલોન, પૅરિસ, સ્ટુટગાર્ટ, ડ્રેસ્ડન, બર્લિન અને બ્રેસ્લો (Breslau) [હવે વ્રોકલો (Wroclaw)]ની યાત્રાઓ કરી એ બધાં જ નગરોમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.
1914માં શીલેની મુલાકાત એડિથ હૅર્મ્સ સાથે થઈ. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને થોડા જ વખતમાં પરણી ગયાં. એ જ વર્ષે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં ઑસ્ટ્રિયાના લશ્કરમાં ભરતી થવાની શીલેને ફરજ પડી; પરંતુ લશ્કરમાં શીલેના ઉપરીઓ સહાનુકંપા ધરાવતા નીકળ્યા. એમણે શીલેને ટેબલ પર બેસીને કારકુની કરવાનું સહેલું કામ સોંપ્યું અને તેથી શીલેને ફાજલ સમયમાં ચિત્રો ચીતરવાનો અવકાશ સાંપડ્યો. આ દરમિયાન ઘણા લશ્કરી જવાનોનાં ચિત્રો શીલેએ ચીતર્યાં. આ વ્યક્તિચિત્રોમાં અગાઉ શીલેનાં ચિત્રોમાં જોવા મળતો વ્યથાનો ઓથાર ગાયબ છે અને ચિત્રિત પાત્રોની શારીરિક અને મૌખિક મુદ્રાઓમાં સ્વસ્થતા જોવા મળે છે.
1917માં ઑસ્ટ્રિયન લશ્કરે શીલેની બદલી વિયેનામાં કરી અને તેણે આધુનિક સંગીતકાર આર્નોલ્ડ શોઅન્બર્ગ, સ્થપતિ જોસેફ હૉફ્માન અને ગુરુ ગુસ્તાફ ક્લિમ્ટ સાથે ભવિષ્યની યોજનાઓ ઘડવી શરૂ કરી. 1918માં ગુરુ ગુસ્તાફ ક્લિમ્ટના અવસાન બાદ શીલેને વિયેનામાં અભૂતપૂર્વ ખ્યાતિ સાંપડી; પરંતુ કમનસીબે એ જ વખતે દુનિયાભરમાં સ્પૅનિશ ઇન્ફ્લુએન્ઝાનો વાવર ફેલાયો. એના ખપ્પરમાં પહેલાં શીલેની પત્ની અવસાન પામી; અને એના ત્રણ જ દિવસ પછી, 1918ના ઑક્ટોબરની એકત્રીસમીએ ખુદ શીલે અવસાન પામ્યો. ત્યારે શીલેની ઉંમર માત્ર અઠ્ઠાવીસ વરસની જ હતી ! મૃત્યુ પછી અભૂતપૂર્વ મરણોત્તર કીર્તિ શીલેને સાંપડી. ટુલમાં ‘એગોન શીલે મ્યુઝિયમ’ પણ રચવામાં આવ્યું.
અમિતાભ મડિયા