શીલાદિત્ય-7
January, 2006
શીલાદિત્ય-7 (શાસનકાળ આશરે ઈ. સ. 760-788) : વલભીના મૈત્રક વંશનો છેલ્લો રાજા. તે શિલાદિત્ય 6ઠ્ઠાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. તે ઈ. સ. 760માં ગાદીએ બેઠો. તે ‘ધ્રુવભટ’ અથવા ‘ધ્રૂભટ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઈ. સ. 766માં આનંદપુર(વડનગર)ના એક બ્રાહ્મણને ખેટક (ખેડા) વિભાગનું ગામ દાનમાં આપ્યું હતું. તેનું મૂળ નામ ‘ધ્રુવસેન’ હોવું સંભવે છે.
તેની પ્રશસ્તિમાં તેનાં પરાક્રમ, વૈભવ, જ્ઞાન, ગુણ, પરમાર્થ વગેરેની પ્રશંસા કરવામાં આવી છે. તે ગજવ્યૂહ રચવામાં દક્ષ હતો, જે ઉલ્લેખ નોંધપાત્ર ગણાય. તે પણ ‘પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીશીલાદિત્યદેવ’ કહેવાતો.
કવિ સોડ્ઢલે ‘ઉદયસુંદરીકથા’માં બંગાળના પાલ વંશના રાજા ધર્મપાલ તથા વલભીપતિ શીલાદિત્ય-7મા વચ્ચે થયેલા યુદ્ધનો વૃત્તાંત નિરૂપ્યો છે. તે મુજબ રાજાના અનુજ કલાદિત્યે સેનાનું સંચાલન કરી, ધર્મપાલને હરાવી, રાજા સમક્ષ હાજર કર્યો. તેને તેનું રાજ્ય પાછું સોંપી રાજા પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. ત્યારપછી રાજાએ અમાત્યનો અધિકાર કલાદિત્યને સોંપ્યો. શીલાદિત્યે ધર્મપાલ જેવા પ્રતાપી રાજવી સામે વિજય મેળવ્યો, તે તેની યશસ્વી સિદ્ધિ ગણાય. આ ઘટના ઈ. સ. 766ના અરસામાં બની હશે.
આ બનાવ પછી દસ વર્ષે ખલીફ અલ્-મહદીના સમયમાં અબ્દુલ મલિકે ઈ. સ. 776માં વલભી પર દરિયાઈ હુમલો કર્યો. શરૂઆતમાં અરબો વલભી કબજે કરવામાં સફળ થવા લાગ્યા, પરન્તુ પાછળથી રોગચાળાને કારણે અનેક સૈનિકો મૃત્યુ પામ્યા. તેથી બાકી રહેલા તરત પાછા ફર્યા. આમ શીલાદિત્યને કુદરતે પરોક્ષ સહાય કરી.
જૈન પ્રબંધો ‘પ્રબન્ધચિંતામણિ’, ‘વિવિધતીર્થકલ્પ’, ‘પ્રબન્ધકોશ’ અને ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’માં વલભીના નાશ વિશે આપેલ અનુશ્રુતિ મુજબ શીલાદિત્ય રાજાએ તેની કુંવરી માટે નગરના શ્રેષ્ઠી કાકુને ઘેરથી તેની રત્નજડિત સુવર્ણ-કાંસકી બળાત્કારે લઈ લીધી. આ અપમાનનું વેર વાળવા કાકૂ મ્લેચ્છ-મંડલ ગયો અને મ્લેચ્છપતિને મોંમાગ્યા પૈસા આપીને વલભી પર હુમલો કરવા તૈયાર કર્યો. આ વખતે જૈનોના દેવોની પ્રતિમાઓ અન્યત્ર મોકલી દેવામાં આવી. તે પછી મ્લેચ્છોએ વલભીનો નાશ કર્યો.
અલ્-બિરૂનીની નોંધ પ્રમાણે આ મ્લેચ્છપતિ સિંધનો અરબ સૂબો હતો. ઈ.સ 788-89ની તારીખ પરથી સિંધનો સૂબો સલીમ યુનીસી (786-90) હોવાનું જણાય છે.
અરબી સેના શીલાદિત્યનો તથા વલભીનો નાશ કરીને પાછી જતી રહી. તે પછી ત્યાં મૈત્રક વંશની સત્તાનો અંત આવ્યો. આમ શીલાદિત્ય-7માનો જુલમી વહીવટ મૈત્રક રાજ્યનો અંત લાવવાનું નિમિત્ત બન્યો.
ઈશ્વરલાલ ઓઝા