શીલાદિત્ય-1
January, 2006
શીલાદિત્ય-1 (રાજ્યકાલ ઈ. સ. 595થી 612) : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલ વલભીના મૈત્રક રાજકુલનો પરાક્રમી અને વિદ્વાન શાસક. તે મહારાજ ધરસેન 2જાનો પુત્ર હતો. તેનાં 13 દાનશાસન મળ્યાં છે. તેણે વલભીના શાસક થતાં અગાઉ સહ્ય પ્રદેશ પર સામંત તરીકે શાસન કર્યું હતું. તે મહત્ત્વાકાંક્ષી હતો અને યશસ્વી પરાક્રમો વડે તેણે તેના મનોરથો સિદ્ધ કર્યા હતા. ચીની પ્રવાસી યુઅન શ્વાંગની નોંધ અનુસાર, તેની સત્તા માળવા સુધી ફેલાઈ હતી. માળવાના દશપુરથી વલભી ગયેલા બે બ્રાહ્મણોને શીલાદિત્યે ગ્રામદાન કર્યાં હતાં. તે ઉપરથી તેના સમયમાં વલભી તથા માળવા વચ્ચે ગાઢ સંપર્ક હોવાનું સૂચિત થાય છે. સમ્રાટ હર્ષવર્ધન ઉત્તર ભારતનાં રાજ્યો સામે લડતો હતો (ઈ. સ. 606થી 612) તે દરમિયાન શીલાદિત્યે માળવા જીત્યું લાગે છે. ‘આર્યમંજૂશ્રીમૂલકલ્પ’માં જણાવ્યા મુજબ, શીલાદિત્યની સત્તા પૂર્વમાં ઉજ્જયિની સુધી તથા પશ્ચિમમાં સમુદ્રના કિનારા સુધી ફેલાઈ હતી.
શીલાદિત્ય પરાક્રમી તથા પ્રતાપી રાજા હતો. તેની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તે પરા તથા અપરા વિદ્યાનું અધ્યયન કરતો, નાનાં સુભાષિતોથી સંતોષ માનતો અને કલ્યાણસ્વભાવ ધરાવતો હતો. તેણે ધર્માચરણ વડે ‘ધર્માદિત્ય’ નામ મેળવ્યું હતું. તેણે બ્રાહ્મણો તથા બૌદ્ધ વિહારો ઉપરાંત દેવાલયોને પણ ભૂમિદાન આપ્યાં હતાં.
યુઅન શ્વાંગના જણાવ્યા અનુસાર, એનું જ્ઞાન વિશાળ હતું અને તેની વિદ્યા વિપુલ હતી. સાહિત્યમાં તેનું ચાતુર્ય અગાધ હતું. પોતાના મહેલની બાજુમાં તેણે વિહાર બંધાવ્યો. તેમાં તેણે સાત બુદ્ધોની પ્રતિમાઓ પધરાવી. તે પ્રતિ વર્ષ ‘મોક્ષપરિષદ’ ભરતો અને ભિક્ષુઓને તેડાવી તેઓને દ્રવ્ય આપતો. તેણે બૌદ્ધવિહારોને પણ ભૂમિદાન આપ્યાં હતાં.
ઈશ્વરલાલ ઓઝા