શીરાઝ (Shiraz)
January, 2006
શીરાઝ (Shiraz) : દક્ષિણ ઈરાનનું શહેર. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 52° 32´ પૂ. રે.. તે ઈરાનના અખાત પરના બુશાયરથી ઈશાનમાં 274 કિમી.ને અંતરે તથા પર્સિપોલિસનાં ખંડિયેરોથી 48 કિમી.ને અંતરે આવેલું છે. આ શહેર 1,560 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને ઠંડી રહે છે. શીરાઝ એ ફાર્સના વિસ્તારનું ગવર્નરનું વહીવટી મથક છે. ઈરાનમાં થઈ ગયેલા બે મહાન કવિઓ સાદી અને હાફિઝ અહીં જન્મેલા અને રહેલા.
આજનું આ શહેર સાતમી સદીની યાદ અપાવે છે; જોકે તેનાથી પણ એક હજાર વર્ષ અગાઉ આર્કીમેનિડ સમ્રાટોના શાસન હેઠળ પણ અહીં વસ્તી હતી. મુસ્લિમોએ આ પ્રદેશ પર જીત મેળવી તે પછી સફારીદ અને બુઈદ વંશના શાસકોએ શીરાઝને પાટનગર બનાવેલું. તૈમૂર લંગે ઘણે ઠેકાણે આક્રમણો કરેલાં, પણ શીરાઝને બાકાત રાખેલું, કારણ કે કવિ હાફિઝ ત્યાં રહેતા હતા.
1668માં આવેલા પૂરથી આ શહેરનો ઘણો વિસ્તાર નાશ પામેલો. એ જ રીતે અહીં 1813, 1824 અને 1853માં થયેલા ભૂકંપથી પણ આ શહેર તારાજ થયેલું. 875માં નિર્માણ પામેલી મસ્જિદ-ઇ-જામી આજે તો ખંડિયેરમાં પરિણમેલી છે. કવિ સાદીની કબર શહેરની બહાર છે, જ્યારે હાફિઝની કબર શહેરની અંદર આવેલી છે. ‘શીરાઝ’ નામથી ઓળખાતા ધાબળા શીરાઝની આજુબાજુ વિચરતી જાતિના લોકો વણે છે, જે આ શહેરમાં વેચાય છે. વસ્તી (1996) 10,53,025 છે.
ગિરીશભાઈ પંડ્યા