શિવલગન (18મીથી 19મી સદી) : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1874) દ્વારા કાશ્મીરીમાં રચાયેલ ત્રીજું મહાન ‘લીલા’-કાવ્ય. તે 380 ધ્રુવપદ કડીઓનું બનેલું છે. તેમાં શિવ સાથે પાર્વતીનાં લગ્નની મંત્રમુગ્ધ કથા વણાયેલી છે. તે બંને વિશ્વવ્યાપી અને અનુભવાતીત સ્તરે શિવ અને શક્તિનું આવશ્યક ઐક્ય સૂચવે છે.
કાવ્યની શરૂઆતની કડીમાં અનુપ્રાસવાળા દુહા છે અને તેની બીજી લીટી બાકીની ચાર લીટીઓની કડીનું ધ્રુવપદ બને છે. તેની ઉચ્ચ સંસ્કૃત શૈલી હોવા છતાં, ધ્રુવપદ ‘સત્-ચિત્-આનંદ-વિજ્ઞાન-રવ’ (ધ સન ઑવ્ ધ યુનિટિવ એક્સ્પિરિયન્સ ઑવ્ બીઇંગ, કૉન્શિયસનેસ ઍન્ડ બ્લિસ) જેવા ઉચ્ચતમ સત્ય માટે આજીજી કરતો ‘મંગલ શ્ર્લોક’ પૂરો પાડે છે. પીગળતી ‘ચિદ્-અંબુ-શિલા’ એટલે અમરનાથની ગુફાના બરફના ‘લિંગ’ અંગેનો કવિનો નિર્દેશ અત્યંત અર્થપૂર્ણ છે. કારણ કે માનવચેતનાની ગુફામાં જામેલા પ્રવાહે ‘સત્-ચિત્-આનંદ’ની જાગૃતિનાં કિરણોમાં પીગળવાનું હોય છે એમ તે સૂચવે છે.
કાવ્યનો પ્રારંભ શિવ અને પાર્વતી વચ્ચેના વાર્તાલાપ સાથે ‘આગમ’-શૈલીથી આગળ વધે છે. શિવ માટેના પાર્વતીના ઉત્કટ પ્રેમની આ સરળ કથાની પરિમિતિમાં માનવ-સુખસમૃદ્ધિ અને પીડાના આનંદપ્રદ દાખલા, કૌટુંબિક ચિંતા, સામાજિક પ્રસંગોની ઉજવણી, ઐહિક વાતો અને આધ્યાત્મિક તૃપ્તિને સુંદર રીતે ગૂંથી લેવામાં આવ્યાં છે. મા-બાપની તેમની એકમાત્ર પુત્રી માટે યોગ્ય વર માટેની શોધ, પાર્વતીના મનની ‘સપ્તર્ષિઓ’ની નિરંતર શોધ, તેમને માટે યોગ્ય વરની શોધ માટે નીમેલા પુરોહિતને પાર્વતીએ સમયસર બક્ષિસ આપીને સીધા હિમઆચ્છાદિત કૈલાસ તરફ જવા વાળ્યા અને શિવના લગ્નમાં પરિણમતા સાચા પ્રેમનો અંતિમ વિજય વગેરે ઘટનાઓનો સ્થાનિક રંગ અને વૈશ્વિક ભવ્યતા સાથે તેમાં પ્રતીતિ કરાવી છે. કૈલાસના હિમશંકુનું ચિત્રાંકન, અથવા લગ્નની વિધિની ધાર્મિક વિધિસર ઉજવણી, ભાવિ જોડીની ફૂલો દ્વારા પૂજા(જે પોએશ-એ-પૂજા કહેવાય છે)ને આ કૃતિમાં કાશ્મીરી પરિવેશમાં ખૂબ જ મહત્વ અપાયું છે.
આ કૃતિની કથા પુરાણકથાઓ તથા કાલિદાસ અને તુલસીદાસની કથાઓ કરતાં ગુણવત્તાની દૃષ્ટિએ જુદી પડે છે. કૃષ્ણ રાજદાનની ‘શિવપુરાણ’ની કથા કરતાં પણ તે જુદી પડે છે.
બળદેવભાઈ કનીજિયા