શિવરૉય ટેકરીઓ (Shevroy Hills) : ભારતીય દ્વીપકલ્પના પૂર્વ કાંઠાથી અંદર તરફ આવેલી હારમાળા. પૂર્વઘાટની ટેકરીઓથી બનેલી આ હારમાળા તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લામાં આવેલી છે. તે અહીંનો આશરે 390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હારમાળાના નૈર્ઋત્યભાગમાં ઊંચાં શિખરો આવેલાં છે. યેરકૉડ ઉચ્ચપ્રદેશ ખાતે સન્યાસીમલાઈ અથવા ડફ ટેકરીની ઊંચાઈ 1,594 મીટર જેટલી છે.
અહીંના બહોળા વિસ્તારમાંથી બૉક્સાઇટ (Al2O3 . 2H2O)ના નિક્ષેપો મેળવવામાં આવે છે. મેત્તુર અને યેરકૉડ ખાતે આવેલા ઍલ્યુમિનિયમ ધાતુ મેળવવાના એકમોમાં આ બૉક્સાઇટનો ઉપયોગ થાય છે. અહીંના ઉચ્ચપ્રદેશ પર વિસ્તૃત પ્રમાણમાં કૉફી ઉગાડાય છે.
1845માં અંગ્રેજોએ યેરકૉડ ખાતે ગિરિમથક સ્થાપેલું, આજે તે વિહારધામ તેમજ શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા