શિરાલી, વિષ્ણુદાસ (જ. 16 મે 1907, હુબલી, કર્ણાટક; અ. ?) : વાદ્યવૃંદ(ઑર્કેસ્ટ્રા)ને શુદ્ધ ભારતીય સ્વરૂપ આપનાર તથા ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના સંગીતના જાણકાર ગાયક અને વાદક. તેમણે આઠ વર્ષ (1911-19) સુધી પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરી. 192026 દરમિયાન તેમણે તેમના ગુરુ સાથે દેશના જુદા જુદા પ્રદેશોનું ભ્રમણ કર્યું. 1927-28 દરમિયાન તેઓ લાહોર ખાતેના ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય રહ્યા. આ મહાવિદ્યાલયની સ્થાપના તેમના ગુરુએ કરી હતી. 1928માં તેમણે ‘સંગીત પ્રવીણ’ની ઉપાધિ પ્રાપ્ત કરી. થોડાક સમય માટે તેમણે વિખ્યાત સિતારવાદક ભૈયાસાહેબ આષ્ટેવાલે પાસેથી સિતારવાદનની શિક્ષા ગ્રહણ કરી. 1929માં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતની સ્કૂલ સ્થાપવાના ઇરાદાથી લંડન ગયા. તે અરસામાં પૅરિસની એક મુલાકાત દરમિયાન તેમની 1931માં વિખ્યાત નર્તક ઉદયશંકર સાથે મુલાકાત થઈ, જેના પરિણામસ્વરૂપ તેઓ ઉદયશંકરના જૂથમાં સંગીતનિર્દેશક તરીકે દાખલ થયા અને ત્યારપછીનાં લગભગ આઠ વર્ષ (1931-38) સુધી તેઓ ઉદયશંકર સાથે યુરોપ અને અમેરિકાના પ્રવાસમાં વ્યસ્ત રહ્યા. આ યાત્રા દરમિયાન તેમણે પાશ્ચાત્ય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. ભારત પાછા આવ્યા પછી 1939-44 દરમિયાન તેમણે અલમોડા ખાતેના ‘ઉદયશંકર ઇંડિયા કલ્ચરલ સેન્ટર’માં સંગીતનિર્દેશક તરીકે સેવાઓ આપી. ઉદયશંકરનું નૃત્ય પર આધારિત ચલચિત્ર ‘કલ્પના’નું સ્વરનિયોજન તેમણે જ કર્યું હતું. તેઓ આ ચલચિત્રના સહનિર્માતા પણ હતા. 1949-62 દરમિયાન તેઓ ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં સંગીતનિર્દેશક તરીકે કાર્યરત રહ્યા અને તે દરમિયાન તેમણે આશરે 450 વૃત્તચિત્રોનું સ્વરનિયોજન કર્યું હતું. ‘ઇપ્ટા’ અર્થાત્ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ નૃત્યનાટિકાનું સ્વરનિયોજન પણ તેમણે જ કર્યું હતું.
મૂળભૂત રીતે કંઠ્યસંગીતના જાણકાર હોવા છતાં સિતારવાદનમાં પણ તેમણે નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેમની બીજી લાક્ષણિકતા એ હતી કે તેમણે ભારતીય શાસ્ત્રીય રાગો પર આધારિત સ્વરરચનાઓનો વાદ્યવૃંદમાં સફળ પ્રયોગ કર્યો છે. વળી તેઓ ઘનવાદ્યોમાં પણ નિપુણ હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે