શિબા, કોકન [જ. 1738, એડો (ટોકિયો), જાપાન; અ. 1818, એડો (ટોકિયો), જાપાન] : એડો યુગનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત જાપાની ચિત્રકાર. મૂળ નામ ઍન્ડો કિચિજીરો. અન્ય નામો – શિબા શુન, કાત્સુસાબુરો, કુન્ગાકુ. પહેલાં ચીની ચિત્રપદ્ધતિઓથી પ્રભાવિત કાનો શૈલીના એક ચિત્રકાર પાસે પ્રારંભિક તાલીમ લીધી. ત્યારબાદ લોકપ્રિય કાષ્ઠછાપકલા ઉકિયો-ઈના એક શ્રેષ્ઠ ચિત્રકાર સુઝુકી હારુનોબુ પાસે વધુ તાલીમ લીધી. શિબાએ હારુનોબુની લઢણો આત્મસાત્ કરીને મૌલિક ચિત્રોની ઉપર હારુનોબુની સહી કરી બનાવટ (forgery) કરવી શરૂ કરી, પણ થોડા જ સમયમાં ઉકિયો-ઈ કલામાંથી શિબાનો રસ ઊડી ગયો અને પશ્ચિમ યુરોપની ચિત્રકલામાં ઊંડો રસ જાગ્યો. પ્રકાશછાયા અને પરિપ્રેક્ષ્ય (perspective) હવે તેમનાં ચિત્રોમાં પ્રવેશ્યાં. પશ્ચિમી ચિત્રકલા ભણેલા જાપાની ચિત્રકાર હિરાગા ગેન્નાઈ અને ડચ ભાષાના જાણકાર માયેનો રયોતાકુએ તેમને આ દિશામાં આગળ વધવામાં મદદ કરી. કલા અંગેનાં ડચ પુસ્તકોનો અભ્યાસ કરીને શિબાએ તૈલચિત્રણા પર પ્રભુત્વ મેળવ્યું.
1788માં શિબાએ નાગાસાકીનો પ્રવાસ કર્યો. ત્યાંની ડચ કૉલોની ‘ડેજિમા’માં જઈ પાશ્ચાત્ય ડચ જીવનનો જાતઅનુભવ મેળવ્યો. આ અનુભવ તેમણે ‘સૈયુ રયાડોન’ નામના પુસ્તકમાં રજૂ કર્યો.
કૉપરનિકસની સૂર્યકેન્દ્રી ગ્રહમાળાના સિદ્ધાંત માટે પ્રસંગચિત્રો ચીતર્યાં. હવે શિબાએ તૈલચિત્રણના માધ્યમથી પશ્ચિમી શૈલીમાં એક પછી એક અનેક ચિત્રો ચીતર્યાં. તેમાંથી ‘શિચિરી બીચ એટ કામાકુરા’ અને ‘લૅન્ડસ્કૅપ વિથ ફૉરિન પીપલ’ શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે. સામંતશાહી હેઠળ જીવવા છતાં શિબાનો આત્મા કોઈનાથી ઝંખવાણો પડે નહિ એવો સ્વતંત્ર હતો. તેમણે જાપાની કલાની પ્રણાલિકાઓ હંમેશાં ઉવેખી. જીવનનાં અંતિમ વરસોમાં કામાકુરા ખાતેના એન્ગાકુ મંદિરમાં જઈ એક ઝેન સાધુના શિષ્ય બની ગયા અને તદ્દન એકાંતમાં ધ્યાન આરંભ્યું. આ ઉપરાંત લાઓત્સેના અને કૉન્ફ્યુશિયસના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો.
અમિતાભ મડિયા