શિનૉય, બી. આર. (જ. 3 જૂન, 1905, બેલ્લિકોઠ, જિ. મેંગલોર, કર્ણાટક; અ. 8 ફેબ્રુઆરી, 1978, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જમણેરી વિચારસરણી અને ઉદારીકરણના સમર્થક ભારતીય અર્થશાસ્ત્રી. આખું નામ બેલ્વિકોઠ રઘુનાથ શિનૉય. 1920માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં; જ્યાંથી 1929માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને ત્યારબાદ તેમના પ્રોફેસર ગુરુમુખ નિહાલ સિંહની સલાહથી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા. વિદ્યાર્થીકાળમાં સ્વાધીનતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો, જેને કારણે 1923માં તેમને નાગપુર જેલમાં રાખવામાં આવ્યા. જ્યાં પંડિત મદનમોહન માલવીય(1861–1946)ના સંપર્કમાં આવતાં તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેને કારણે જ ઉચ્ચ અભ્યાસાર્થે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા. લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એસસી.ની પદવી માટે અભ્યાસ કરતા હતા ત્યારે વિખ્યાત અર્થશાસ્ત્રી અને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા (1974) પ્રોફેસર ફ્રેડરિક હાયેક(1899–1992)થી વિશેષ પ્રભાવિત થયા અને તેમની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી. લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના વિદ્યાર્થીકાળમાં બહુપ્રતિષ્ઠિત સામયિક ‘ક્વાર્ટરલી જર્નલ ઑવ્ ઇકૉનૉમિક્સ’માં તેમના બે સંશોધનલેખો ‘એન ઇક્વેશન ફૉર ધ પ્રાઇસ લેવલ ઑવ્ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ ગુડ્ઝ’ (1931) અને ‘ઇન્ટર ડિપેન્ડન્સ ઑવ્ પ્રાઇસ લેવલ્સ’ (1933) પ્રકાશિત થયા. આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા અર્થશાસ્ત્રના સામયિકમાં સંશોધન-લેખ પ્રકાશિત કરનારા પ્રોફેસર શિનૉય પ્રથમ ભારતીય હતા. તેમને આર્થિક સમસ્યાઓ કરતા પ્યુઅર થિયરીના વિશ્લેષણમાં વધારે રુચિ અને રસ હતાં.

બી. આર. શિનૉય

1934માં ભારત પાછા આવ્યા બાદ તેમણે થોડોક સમય વાડિયા કૉલેજ, પુણે; ગુજરાત કૉલેજ, અમદાવાદ અને સિલોન યુનિવર્સિટી(હવે શ્રીલંકા)માં અર્થશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. સિલોન ખાતેના કાર્યકાળ દરમિયાન ત્યાંની સરકારનાં કેટલાંક કમિશનોમાં સલાહકાર તરીકે સેવાઓ આપી, જેમાં ‘કમિશન ઑવ્ કરન્સી’નો પણ સમાવેશ થાય છે. 1942માં પ્રોફેસર શિનૉય અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજના આચાર્યપદે નિમાયા, જ્યાં તેમણે 1945 સુધી કામ કર્યું. 1945માં તેઓ ભારતની મધ્યસ્થ બૅંક ‘ધ રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા’માં જોડાયા અને તે દરમિયાન 1948માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ(IMF)ના દૂર પૂર્વના પ્રતિનિધિ તરીકે અને તે સંસ્થાના ઑલ્ટરનેટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તથા 1951–53 દરમિયાન વિશ્વબૅંકમાં સમકક્ષ પદ પર સેવાઓ આપી.

1954માં પ્રોફેસર શિનૉય ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનના પ્રથમ નિયામક તરીકે જોડાયા, જ્યાં તેમણે તે પછીનાં ચૌદ વર્ષ (1954–68) સુધી કામ કર્યું. આ કાર્યકાળ દરમિયાન તેમણે ભારતની આર્થિક નીતિઓ  નાણાકીય અને રાજકોષીય બંને – પર ઘણા સમીક્ષાલેખો પ્રકાશિત કર્યા. આ ગાળા દરમિયાન તેમણે ભારતની બીજી પંચવર્ષીય યોજના(1956–61)ના મુસદ્દા પર કરેલી ટીકાથી તેઓ ભલે વિવાદાસ્પદ બન્યા હોય, છતાં એક સ્વતંત્ર અને બાહોશ વિચારક તરીકે તેઓ પોતાની છબી ઉપસાવી શક્યા, જે તેમના અવસાન સુધી અકબંધ રહી. ત્રીજી પંચવર્ષીય યોજના(1961–66)ના ગાળા દરમિયાન અમેરિકાથી ભારતે પી.એલ. 480 હેઠળ અનાજની આયાત કરવામાં જે કરાર કરેલા તે અને કેન્દ્ર સરકારની ખાધપુરવણીની નીતિ આર્થિક વિકાસને નહિ, પરંતુ દેશમાં ફુગાવાને ઉત્તેજન આપશે એવી તેમની દલીલ હતી. તે દરમિયાન તેમણે ભારતના આર્થિક વિકાસને લગતી સમસ્યાઓ (‘પ્રૉબ્લેમ્સ ઑવ્ ઇન્ડિયન ઇકૉનૉમિક ડેવલપમૅન્ટ’) પર મદ્રાસ યુનિવર્સિટીમાં  વર્ષ 1962માં જે વાલચંદ હિરાચંદ સ્મૃતિ વ્યાખ્યાનો આપ્યાં હતાં તે વ્યાખ્યાનો અને 1966માં કેરળ યુનિવર્સિટીમાં તિરુઅનંતપુરમ્ ખાતે જે વ્યાખ્યાનો આપ્યાં હતાં તે વ્યાખ્યાનોએ પણ સમીક્ષકોનું ઠીક ઠીક ધ્યાન ખેંચ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી છોડ્યા પછી, વર્ષ 1968માં તેમણે દિલ્હી ખાતે ઇકૉનૉમિક રિસર્ચ સેન્ટર નામની સંશોધનસંસ્થાની સ્થાપના કરી હતી. જેના માનાર્હ નિયામક (1968–78) તરીકે તેમણે ભારતમાં આર્થિક ઉદારીકરણની પ્રખર હિમાયત કરી હતી.

1957માં પ્રોફેસર શિનૉયની ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે વરણી થઈ હતી. 1966માં તેમની માતૃસંસ્થા લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સે તેમને મુલાકાતી પ્રોફેસરનું પદ આપીને તેમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત વિશ્વની બહુ પ્રતિષ્ઠિત સંસ્થા મૉન્ટ પેટેરિન સોસાયટીએ પણ તેમને માનાર્હ સભ્યપદ અર્પણ કર્યું હતું.

તેમણે લખેલા ત્રણ ગ્રંથો ‘ધ સ્ટર્લિંગ એસેટ્સ ઑવ્ ધ રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા’ (1953), ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ ઇન્ડિયન ઇકૉનૉમિક ડેવલપમેન્ટ’ (1956) અને ‘પી.એલ. 480 ઍન્ડ ઇન્ડિયાઝ ફૂડ પ્રૉબ્લેમ’ (1974) વિશેષ જાણીતા છે. તે ઉપરાંત અર્થશાસ્ત્રને લગતા દેશ-વિદેશના પ્રતિષ્ઠિત સામયિકોમાં વખતોવખત સમીક્ષકોનું ધ્યાન ખેંચે તેવા તેમના લેખો પ્રકાશિત થતા રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે